નેધરલૅન્ડ્સનો 'વીકી ડોનર' : એટલું વીર્યદાન કર્યું કે કોર્ટે પ્રતિબંધ મૂકવો પડ્યો

    • લેેખક, ઇમલી મૅગાર્વી
    • પદ, બીબીસી સંવાદદાતા

નેધરલૅન્ડ્સ રહેવાસી એક વ્યક્તિ વિશ્વમાં 550 બાળકોના પિતા બન્યા હોવાની શંકા છે. માનવામાં આવી રહ્યું છે કે તેમણે વીર્ય દાતા તરીકે આ કાર્ય કર્યું છે. આ વાત સામે આવતા હવે તેમને આ કાર્ય બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

એટલું જ નહીં, 41 વર્ષિય જોનાથનને ચેતવણી આપવામાં આવી છે. જો હવે તેઓ પોતાનું વીર્ય આ પ્રકારે આપશે તો તેમને લગભગ 89 લાખ 91 હજાર રૂપિયા જેટલો દંડ ફટકારવામાં આવશે.

આ પહેલાં વર્ષ 2017માં પણ તેમના પર આ પ્રકારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એ સમયે જાણ થઈ હતી કે જોનાથન 100થી વધું બાળકોના પિતા બની ગયા છે. ત્યારબાદ ફર્ટિલિટી ક્લિનિકને વીર્ય આપવાને લઈને તેમના પર પ્રતિબંધ પણ લાગુ કરવામાં આવ્યો હતો.

પરંતુ જોનાથને વીર્ય આપવાનું બંધ ન કર્યું. દેશમાં પ્રતિબંધ લાગ્યો તો તેમણે વિદેશમાં અને ઑનલાઇન વીર્ય આપવાનું શરૂ કરી દીધું હતું.

હવે નેધરલૅન્ડ્સની હૅગ શહેરની અદાલતે જોનાથનને જણાવ્યું છે કે તેઓ એ સમગ્ર યાદી કોર્ટને આપે. જે યાદીમાં એ તમામ ક્લિનિકના નામ હશે જ્યાં જ્યાં તેમણે પોતાનું વીર્ય આપ્યું છે. સાથે જ આદેશ આપ્યો છે કે એ તમામ જગ્યાએ જોનાથનના વીર્યના સંગ્રહને નષ્ટ કરવામાં આવે.

માનવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિએ સેંકડો મહિલાઓને ખોટી માહિતી આપી છે.

નેધરલૅન્ડ્સની ક્લિનિકલ ગાઇડલાઇન્સ છે કે કોઈપણ વીર્યદાતા 12 પરિવારમાં 25થી વધું બાળકોનો પિતા ન બનવો જોઈએ.

તેમને તેમની સેવાઓ ઑફર કરવાની સંખ્યાને મર્યાદિત કરવા માટે કહેવામાં આવે છે, જેથી ભાઈ-બહેન અજાણતાં આગળ જતાં લગ્નના બંધનમાં બંધાય નહીં, અને અજાણતાં બની ગયેલાં આ યુગલો બાળકો પેદા કરે નહીં.

પરંતુ ન્યાયાધીશે કહ્યું હતું કે, વર્ષ 2007થી લઈને અત્યાર સુધીમાં આ વ્યક્તિએ 550 થી લઈને 600 બાળકોના જન્મમાં પોતાના વીર્યનો ઉપયોગ કર્યો છે.

ડોનર બાળકોના અધિકારોનું રક્ષણ કરતી એક સંસ્થા આ જોનાથનને કોર્ટ સુધી લઈ ગઈ. આ સંસ્થા સાથે એ મહિલા પણ હતાં જેઓ કથિત રીતે જોનાથનના વીર્યની મદદથી માતા બન્યાં હતાં.

કોર્ટના પ્રવક્તા ગર્ટ-માર્ક સ્મેલ્ટે જણાવ્યું હતું કે, "મુદ્દો એ છે કે સેંકડો સાવકા ભાઈઓ અને સાવકી બહેનો સાથેનું આ સગપણનું નેટવર્ક ઘણું મોટું છે."

જોનાથને કરેલા વીર્યના દાનથી નેધરલૅન્ડ્સમાં તો સોથી વધુ બાળકોએ જન્મ લીધો હતો. પરંતુ તેમણે ડેનમાર્કની ક્લિનિક અને વિશ્વમાં એકથી વધુ અન્ય પ્રાઇવેટ ક્લિનિકમાં પણ પોતાનું વીર્ય મોકલ્યું હતું.

ન્યાયાધીશ થેરા હેઝલિંકે કોર્ટમાં કહ્યું કે, "આ ચુકાદો આવ્યા બાદ પ્રતિવાદીને તેના ભવિષ્યમાં માતા-પિતા બનનાર દંપતીને પોતાના વીર્યનું દાન આપવા પર પ્રતિબંધ લાગુ થાય છે."

એટલું જ નહીં જોનાથન હવે “કોઈ પણ રીતે સંભવિત માતા-પિતા બનવા ઇચ્છુક દંપતીનો સંપર્ક નહીં સાધી શકે. સાથે જ તેઓ વીર્યનું દાન કરે છે તેવી કોઈ જાહેરાત બહાર નહીં પાડી શકે. એટલું જ નહીં એવી સંસ્થા કે જે આ પ્રકારના દંપતી સાથે સંપર્ક સાધતી હોય ત્યાં કામ પણ નહીં કરી શકે.”

હૅગની જિલ્લા અદાલતે કહ્યું કે, “પોતે કેટલાં બાળકોના પિતા છે તે બાબતે જોનાથને માતા-પિતા બનવાના ઇચ્છુક દંપતીને જાણજોઈને ખોટી માહિતી આપી છે. ”

કોર્ટે ઉમેર્યું, “આ તમામ માતા-પિતાએ હવે સ્વીકાર્યું છે કે તેમના ઘરમાં જે બાળક છે એ આ હૅગના સગપણ નેટવર્કનો જ હિસ્સો છે, જેમાં સેંકડો સાવકા ભાઈ-બહેનોનો સમાવેશ થાય છે જેની પસંદગી તેમણે નહોતી કરી”

કોર્ટે કહ્યું કે, આ ‘સજા માટે પૂરતું છે’ જેમાં બાળકો પર આની નકારાત્મક માનસિક આડઅસર થઈ શકે.

જોકે આ પહેલાં પણ નેધરલૅન્ડ્સ ફર્ટિલિટી કૌભાંડનું શિકાર બની ચુક્યું છે.

વર્ષ 2019માં, નેધરલૅન્ડ્સમાં એક ડૉક્ટર દર્દીઓની પરવાનગી લીધા વગર પોતાના જ વીર્યનો ઉપયોગ કરતો હતો તેવા આરોપ હતા. અને પાછળથી સ્પષ્ટ થયું કે આ રીતે તેઓ 49 બાળકોના પિતા બની ગયા હતા.

ભારતમાં સ્પર્મ ડોનર માટે શું છે નિયમ?

ભારતમાં આને લઈને જાન્યુઆરી 2022માં આર્ટ કાયદો લાગુ કરવામાં આવ્યો છે.

આર્ટનો મતલબ છે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનૉલૉજી. જેની અંદર એ ગર્ભધારણ કરવાની એ તમામ પ્રક્રિયાનો સમાવેશ થઈ જાય છે જેમાં વીર્ય અને મહિલાઓનાં અંડકોષને શરીરની બહાર કાઢી સંગ્રહ કરી ત્યારબાદ કરવામાં આવે છે.

જે નિયમ મૂજબ પુરુષના વીર્યને સાચવતી બૅન્ક એક દાતાના વીર્યને એક દંપતીથી વધુને સપ્લાય કરી શકશે નહીં.