'દારૂ અને જંકફૂડથી થતી બીમારી' લિવર સિરોસિસ શું છે?

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

લિવર (કલેજું). વિશ્વમાં લિવરની બીમારીથી અંદાજે 20 લાખ લોકોનાં મોત થાય છે અને એમાં ભારતમાં થતાં મોતનું પ્રમાણ 18 ટકા જેટલું છે. એટલે કે લિવરની બીમારીના લીધે ભારતમાં અંદાજે 3.60 લાખ લોકોનાં મોત થાય છે.

શરીરના આંતરિક અવયવોમાં લિવરનું ઘણું મહત્ત્વનું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર ભારતમાં લિવરની બીમારી (લિવર સિરોસિસ)થી થતાં મૃત્યુનો દર પ્રતિ એક લાખની વસ્તીએ પુરુષોમાં 45.8 ટકા અને મહિલાઓમાં 14.7 ટકા છે.

વર્લ્ડ લિવર ડે પર જાણીએ કે લિવર શરીરમાં શું કામ કરે છે અને લિવરને થતી આ બીમારી જેને ‘લિવર સિરોસિસ’ કહે તે શું છે? તે કોને થઈ શકે અને તે કેમ થતી હોય છે?

લિવર શરીરમાં શું કામ કરે છે?

“લિવર આપણા શરીરમાં મૅન્યૂફૅક્ચરિગ, સ્ટૉરેજ, પૅકેજિંગ, ટ્રાન્સપૉર્ટેશન જેવી મહત્ત્વની કામગીરી કરતો અવયવ છે. તમે જે પણ જમો એ આંતરડામાં ઍબ્સોર્બ એટલે કે શોષાય છે અને પછી રક્તપ્રવાહ મારફતે લિવર થકી ડિટૉક્સ થાય. એટલે મેટાબૉલિક (ચયાપચય)ની સિસ્ટમનો એ ખૂબ જ ખાસ અવયવ છે.”

સુરતના ગેસ્ટ્રોએન્ટેરોલૉજિસ્ટ ડૉ. રાજીવ મહેતા સરળ શબ્દોમાં શરીરમાં લિવરનું કામ સમજાવતા આ વાત કહે છે.

સુરતની SIDS હૉસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ડૉ. મહેતા લિવર વિશે વધુ સમજાવતા કહે છે, “સામાન્યપણે પુરુષોનું લિવર 1500થી 1800 ગ્રામનું હોય છે. તે એક સ્પન્જ જેવું છે. મહિલાઓનું લિવર પુરુષો કરતા થોડું નાનું એટલે કે અંદાજે 1500 ગ્રામથી ઓછું હોય છે. તમે જે જંકફૂડ કે ઍમોનિયાવાળો ખોરાક ખાવ છો અને એમાં જે ટૉક્સિક (હાનિકારક) તત્ત્વો હોય છે એને લિવર અલગ કરીને ડિટૉક્સ કરી નાખે છે. જેથી શરીરમાં એ હાનિકારક તત્ત્વો આગળ ન વધી શકે.”

લિવર સિરોસિસ શું છે

ડૉ. રાજીવ મહેતા અનુસાર લિવર સિરોસિસ એક તબક્કા વાર થતી બીમારી છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે,“લિવર જ્યારે કામ કરતું અટકે એટલે કે લિવરનું કદ નાનું થાય છે. એનું સ્ટ્રક્ચર અને કામગીરી બંને ખોટકાય છે. એની ક્ષમતા ઘટે છે. અને લિવર જે સ્પન્જ જેવું હોય છે એ કડક થઈ જાય છે.”

“સતત બળતરા રહે પછી ફાઇબ્રોસિસ થાય છે. અને લાંબા ગાળાની પ્રક્રિયા બાદ લિવર સિરોસિસ થાય છે. જેમાં 7-8 વર્ષનો સમય લાગે છે. 7-8 વર્ષ સતત દારૂનું (અતિશય) સેવન કરવામાં આવે, તો લાંબા ગાળે પછી લિવર સિરોસિસ થઈ શકે છે.”

લિવર સિરોસિસ અને લિવર સંબંધિત બીમારીઓનું શક્ય તેટલા વેળાસર નિદાન થવું જરૂરી છે.

બીમારીનાં લક્ષણો જણાતા નિષ્ણાત ડૉક્ટરની મુલાકાત લઈને એનું નિદાન કરાવવું હિતાવહ છે.

લિવર સિરોસિસનાં લક્ષણો

  • શરૂઆતમાં ભૂખ ઓછી લાગવી
  • અશક્તિ લાગવી
  • મળમાં લોહી આવવું
  • થાક લાગવો
  • ત્વચામાં ચકામાં
  • ત્વચા-આંખોમાં પિળાશ આવવી

લિવર સિરોસિસ કેમ થાય છે?

“લિવર સોરોસિસમાં વ્યક્તિ ખાવાનું ઓછું કરી દે છે કે કારણ કે ખાવામાં રુચિ નથી રહેતી. એના લીધે શરીરમાં ઊર્જા ન રહે, સ્નાયુઓ અશક્ત થઈ જાય અને એનાથી અન્ય અવયવોની કામ કરવાની ક્ષમતા પણ ખોટકાય છે.”

ડૉ. રાજીવ મહેતા અનુસાર લિવર સિરોસિસના લીધે કિડનીને પણ માઠી અસર થાય છે. કમળી જેવી બીમારીના લીધે મગજને પણ અસર થાય છે. યાદશક્તિ ઓછી થઈ જવી, સતત બોલતા રહેવું સહિતની સમસ્યા જોવા મળી શકે છે.

લિવર સિરોસિસ થવા પાછળનાં કારણો વિશે જણાવતા પહેલાં ડૉ. મહેતા એક મહત્ત્વના પરિબળ તરફ ધ્યાન દોરે છે.

તેઓ કહે છે કે દારૂનું સેવન કરવાથી અને દારૂનું સેવન ન કરો તો પણ લિવર સંબંધિત બીમારી થઈ શકે છે. એટલે જરૂરી નથી કે દારૂનું સેવન ન કર્યું હોય, છતાં પણ અન્ય સાવચેતીઓ ન રાખવામાં આવે તો લિવર સિરોસિસ થઈ શકે છે. હિપેટાઇટિસ એ, બી, સી, ઈ પણ એનાં કારણો હોઈ શકે છે.

શું છે લિવર સિરોસિસનાં થવાનાં કેટલાંક કારણો

  • ફૅટી લિવર
  • મેદસ્વિતા
  • જંકફૂડ
  • દારૂનું સેવન
  • બેઠાડું જીવન
  • પૌષ્ટિક આહાર અને કસરતનો જીવનમાં અભાવ
  • હિપેટાઇટિસ વાઇરસ
  • ફાઇબ્રોસિસ

‘નવું લિવર ફરી આપમેળે બની જાય છે’

ડૉ. મહેતા કહે છે, “વહેલી તકે બ્લડટેસ્ટ અને સોનોગ્રાફી કરવાથી આ બીમારીનું નિદાન થાય છે. જો વહેલાસર એનું નિદાન થાય તો બીમારીને આગળ વધતી રોકી શકાય છે. નહીં તો જો છેલ્લા તબક્કામાં એની જાણ થાય તો જીવલેણ સાબિત થાય છે. ડાયાબિટીસ પણ આ બીમારી નોતરી શકે છે.”

“લિવરમાં પોતે ફરી રિજનરેટ (નવા બનવાની) ક્ષમતા છે. શરીરમાં વાળ, નખ અને લિવર એવી વસ્તુ છે જેને કાપવા છતાં એ પછી ફરી નવી બનવા લાગે છે. લિવર ટ્રાન્સપ્લાન્ટમાં ડૉનરનું અડધું લિવર કાપીને લેવાય છે. સ્વસ્થ લિવર લગભગ દોઢ મહિનામાં નવું બની જાય છે. એટલે કે રિજનરેટ થઈ જાય છે.”

તેમના અનુસાર, “આમ વહેલી તકે નિદાન થાય તો, સારવાર થકી મદદ મળી શકે છે. દારૂનું સેવન જો અતિશય પ્રમાણમાં થતું હોય તો એ છોડી દેવું જોઈએ અને હિપેટાઇટિસ વાઇરસ હોય તો એની દવાઓ ઉપલબ્ધ છે.”

લિવર સ્વસ્થ રાખવા શું કરવું?

શરીરને સ્વસ્થ રાખવા માટે લિવરનું સ્વસ્થ રહેવું જરૂરી છે. એ માટે ડાયટ અને જીવનશૈલીની ભૂમિકા મહત્ત્વની છે.

ડૉ. મહેતા ઉમેરે છે કે, વ્યાયામ-કસરત કરવાની સાથે સાથે વધુ પ્રોટિન અને વધુ કૅલરીવાળો ખોરાક લેવો જોઈએ.

તેઓ એક ખાસ બાબત તરફ ધ્યાન દોરતા સચેત કરે છે કે, “સમયસર અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. મોડે સુધી જાગતા રહેવું અને એ દરમિયાન જંકફૂડ ખાવામાં આવે તો, એનાથી સ્થૂળતા, મેદસ્વિતા આવે છે. જે ફૅટી લિવર થતા પછી પાછળથી લિવર સિસોરિસ થઈ શકે. વ્યક્તિએ ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ.”

“11-7 અથવા 12-8 વચ્ચે સૂઈ લેવું જોઈએ, કેમ કે કેટલાક હોર્મોન્સ એવા હોય છે, જે ચોક્કસ સમયે આપણે સૂઈ જઈએ ત્યારે રિલીઝ થતા હોય છે. એટલે ઊંઘનું પણ મહત્ત્વ છે.”

યુવાઓમાં લિવર સંબંધિત સમસ્યાનું પ્રમાણ

ગુજરાતમાં લિવર સંબંધિત બીમારી અને ખાસ કરીને લિવર સિરોસિસનું પ્રમાણ કેવું છે એના વિશે જણાવતા ડૉ. મહેતા કહે છે, “ગુજરાતમાં આનું પ્રમાણ નોંધપાત્ર છે. યુવાઓ ઓછી વયથી આલ્કોહોલનું સેવન શરૂ કરી દેતા હોવાથી તેમનામાં ફૅટી લિવરનું પ્રમાણ જોવા મળે છે.”

જોકે અત્રે એ ઉલ્લેખનીય છે કે, લિવર સિરોસિસથી થતાં મોત અને એના કેસનો ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી. ડૉ. મહેતા આવો ડેટા ભેગો કરવામાં આવે અને એનું મૉનિટરિંગ થાય એ વાત પર ભાર મૂકે છે.

તેઓ વધુમાં જણાવે છે, “રાજ્યમાં લિવર સિરોસિસ મામલે વધુ ડેટા ઉપલબ્ધ નથી. પરંતુ કેસોનું પ્રમાણ નોંધપાત્ર છે. જ્યાં સુધી લિવર ટ્રાન્સપ્લાન્ટની વાત છે, તો હવે એની સગવડ વધી હોવાથી લિવર ટ્રાન્સપ્લાન્ટ વધ્યા છે. જોકે એનો અર્થ એવો નથી કે એનો લિવર સિરોસિરની બીમારીના પ્રમાણ વધવા સાથે કોઈ સંબંધ નથી.”