You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'દીકરો બચાવવા ગયો અને પાછો જ ના આવ્યો'- રાજકોટ આગ દુર્ઘટનામાં જેમના પરિવારના ચાર સભ્યો લાપતા છે એ વૃદ્ધની વ્યથા
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી, રાજકોટથી
- પદ, .
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 27 લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલાક લોકો લાપતા છે.
આગ વિકરાળ હોવાને કારણે થોડી જ મિનિટોમાં સમગ્ર ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયો હતો.
મૃતકો અત્યંત ખરાબ રીતે દાઝી ગયાં હોવાથી તેમની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
આ લોકોના પરિવારજનો શનિવાર સાંજથી જ હૉસ્પિટલમાં ખડેપગે છે.
તેમનું કહેવું છે કે, તેમને કોઈ માહિતી નથી કે તેમના પરિવારજનો લાપતા છે કે તેમનું મૃત્યુ થયું છે. તેમના કહ્યા અનુસાર, તેમને એ પણ ખ્યાલ નથી કે તેમના પરિજનો એઇમ્સમાં છે, ગિરિરાજ હૉસ્પિટલમાં છે કે સિવિલ હૉસ્પિટલમાં છે. નોંધનીય છે કે રાજકોટની આ ત્રણ હૉસ્પિટલોમાં મૃતકો અને ઈજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા હતા.
સિવિલ હૉસ્પિટલના પ્રાંગણમાં હાજર એક વ્યક્તિએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “મારો પિતરાઈ ભાઈ આ દુર્ઘટના સમયે ત્યાં જ હતો. હૉસ્પિટલમાંથી હજુ અમને કોઈ જવાબ મળ્યો નથી. ડીએનએ ટેસ્ટનું પરિણામ આવે પછી જ કંઈ ખબર પડશે.”
રાજકોટની સિવિલ હૉસ્પિટલે હાજર રવિભાઈએ ભાવુક થઈને કહ્યું હતું કે, “મારા પરિવારના તો કોઈ દુર્ઘટનાનો ભોગ બન્યું નથી પણ અમારાથી હવે આ સમાચાર પણ જોઈ શકાતા નથી. ચૂંટણી સમયે નેતાઓ ઘરે ઘરે જાય છે પણ આવી દુર્ઘટના સમયે કોઈ પગલાં લેવાતાં નથી. આના કરતાં તો રાજાશાહી સારી એવું લાગે છે.”
તેમના પરિવારના કોઈ લોકો અસરગ્રસ્ત થયા ન હોવા છતાં પણ રવિભાઈ ગળગળા થઈને આગળ વાત કરી શકતા નથી. એ દુર્ઘટનાની કરૂણતાનો ખ્યાલ આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“આ બહુ મોટી દુર્ઘટના છે. અમારો પરિવાર વેરવિખેર થઈ ગયો છે.”
આવા જ એક વ્યક્તિ ચંદ્રસિંહજી જાડેજા સાથે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે વાત કરી હતી જેમના પરિવારના સાત લોકો ટીઆરપી ગેમ ઝોન ગયા હતા.
તેઓ કહે છે, “હું અહીંથી 35 કિલોમીટર દૂર સાંગણવા ગામે હતો. મેં સાંજે ટીવી શરૂ કર્યું અને તેમાં સમાચાર આવી રહ્યા હતા કે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાથી 22 લોકોનાં મૃત્યુ થયાં છે.”
“મારા કાકાના દીકરાએ મને ફોન કર્યો ત્યારે મને ખબર પડી કે મારા પરિવારના લોકો પણ ત્યાં ગયા હતા.”
“આ દુર્ઘટના પછી અમારા પરિવારના પાંચ લોકો હજુ લાપતા છે જ્યારે બે લોકોની ભાળ મળી છે. તે બંને લોકો સ્વસ્થ છે. જોકે, અન્ય પાંચ લોકો વિશે અમને હજી કોઈ માહિતી મળી નથી.
“અમે સવારે ચાર વાગ્યા સુધી હૉસ્પિટલમાં હતા અને મારા કાકાના દીકરાએ ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ આપ્યું હતું.”
તેઓ કહે છે, “આ બહુ મોટી દુર્ઘટના છે. અમારો પરિવાર વેરવિખેર થઈ ગયો છે.”
‘પહેલા માળેથી કૂદીને અમે જીવ બચાવ્યો’
દુર્ઘટના સમયે ઘટનાસ્થળે હાજર દક્ષ સાથે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે વાતચીત કરી હતી.
દક્ષ તેમના 10 વર્ષના પિતરાઈ સાથે ગેમ ઝોનમાં બૉલિંગ રમવા માટે ગયા હતા.
તેઓ જણાવે છે કે, “અમે હજુ ત્યાં પહોંચીને બૉલિંગ રમવાનું શરૂ જ કર્યું હતું ત્યાં અમને ખબર પડી કે નીચે આગ લાગી છે. ધુમાડો જોઇને લોકો આમતેમ ભાગવા લાગ્યા. ત્યારબાદ ટીઆરપીનો સ્ટાફ અમને ઇમરજન્સી ઍક્ઝિટ તરફ લઈ ગયો હતો. પરંતુ જે લાકડામાં આગ લાગી હતી એ બરાબર ઇમરજન્સી ઍક્ઝિટની નીચે જ હતું. આથી, તેમાંથી નીકળી શકાય તેમ ન હતું.”
દક્ષ કહે છે કે, “ત્યારબાદ ખૂણામાં એક પતરાવાળી આડશ હતી ત્યાં મેં પગ માર્યા અને પતરું વળી ગયું અને ત્યાંથી બહાર નીકળી શકાય તેવી જગ્યા થઈ. પહેલા માળેથી ત્રણેક લોકો અને મારા ભાઈને અમે કૂદી જવાનું કહ્યું અને હું પણ પછી કૂદી ગયો.”
ઇમરજન્સી ઍક્ઝિટ તથા બહાર નીકળવાનો મુખ્ય રસ્તો બંધ થઈ ચૂક્યો હતો અને લોકો આ રીતે કૂદીને પોતાનો જીવ બચાવી રહ્યા હતા. કેટલાક લોકો એ પણ ન કરી શક્યા અને તેમનો જીવ ગુમાવ્યો.
દક્ષના ભાઈને એક હાથમાં ફ્રેક્ચર તથા કપાળમાં ઇજા થઈ છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એક જ પરિવારના ચાર લોકો લાપતા
ગેમ ઝોન નજીક જ રહેતાં સિદ્ધરાજભાઈના પરિવારના સાત લોકો આ ગેમ ઝોનમાં હતાં, જેમાંથી ચાર લોકો હજુ લાપતા છે. તેમનો દીકરો પરિવારના અન્ય લોકોને બચાવવા માટે ઉપરના માળે ગયા બાદ પરત નથી ફર્યો.
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે તેમની સાથે વાતચીત કરી હતી. આ ઘટના બની ત્યારે સિદ્ધરાજભાઈ આ ગેમ ઝોનની સામે જ રોડની પેલે પાર બેઠા હતા.
તેઓ કહે છે, “આગ લાગી પછી પંદરેક મિનિટમાં તો બધુંય બળીને ખાખ થઈ ગયું હતું એટલી ઝડપથી આગ ફેલાઈ ગઈ હતી. અમે ત્યાંથી 500 ફૂટ દૂર હતા પણ આગની જ્વાળાઓ સહન કરી શકાય તેમ ન હતી. મને ત્યારે ખ્યાલ પણ ન હતો કે મારા જ પરિવારના સભ્યો ગેમ ઝોનમાં છે.”
તેઓ કહે છે કે, “બે વર્ષથી આ ગેમ ઝોન ચાલતો હતો અને કોઈને ખબર ન હોય તેમ કેવી રીતે બને. તંત્રમાં શું બધું લાગવગ અને ઓળખાણથી જ બધું ચાલે છે? આ ઘટનાને કારણે કેટલાય પરિવારો સાફ થઈ ગયા. અમારા પરિવારમાં હવે એક દીકરી અને તેની માતા જ બચ્યાં છે. તેઓ કઈ રીતે તેમનું જીવન ચલાવશે?”