You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વરસાદ પડે ત્યારે હજારો માખી ક્યાંથી અને કેવી રીતે આવી જાય છે?
વરસાદ આવતાની સાથે જ ઘરમાં જીવજંતુઓ દેખાવાં લાગે છે.
એવું જ એક જંતુ છે માખી. વરસાદ શરુ થયા બાદ ઘરમાં માખીઓ ગણગણાટ કરવા લાગે છે. તે સ્વચ્છ ખોરાક પર બેસીને તેને ગંદો પણ કરે છે.
વિજ્ઞાનિકો કહે છે કે, માખીઓ બીમારીનું ઘર હોય છે. પરંતુ એવું તો શું થાય છે કે, વરસાદ પડ્યા બાદ માખીઓની સંખ્યા ઘણી વધી જાય છે?
માખી વિશે સમજવા માટે અમે વિશેષજ્ઞો સાથે વાતચીત કરી.
માખીની સંખ્યા ચોમાસામાં કેમ વધી જાય છે?
માખીને વૈજ્ઞાનિક ભાષામાં ડિપ્ટેરા કહેવાય છે. માખીઓની વિવિધ જાત હોય છે, પરંતુ જે ઘરમાં જોવા મળે છે તેને 'ઘરની માખી' કહેવાય છે.
આ વિશે વિસ્તારપૂર્વક સમજવા બીબીસીએ કીટકશાસ્ત્રી અને નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક લલિતકુમાર ઘેટિયા સાથે વાત કરી.
લલિત ઘેટિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, "માખીઓ સડતી સામગ્રી પર જીવે છે અને નભે છે."
"ઉનાળા અને શિયાળામાં કચરો હોય છે પણ તે સડે છે ઓછો, તેથી તેવું વાતાવરણ માખીઓ માટે યોગ્ય નથી હોતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પરંતુ વરસાદ પડતાની સાથે, ભેજવાળું વાતાવરણ થાય અને ત્યારબાદ બધી વસ્તુ સડવા લાગે. જેમ કે જયારે વનસ્પતિના સૂકા કચરા પર પણ જયારે પાણી પડે ત્યારે તે સડે. ઘરના પણ સૂકા કચરા પર પાણી પડે ત્યારે તેમાં સડો પેદા થાય છે એટલે વરસાદી ઋતુમાં દરેક વસ્તુ જલદી સડી શકે છે અને તેમાંથી દુર્ગંધ આવે છે."
તેઓ વધુમાં જણાવે છે, "આવા સડા બાદ જે એક વિશિષ્ટ પ્રકારની દુર્ગંધ આવે છે તેના તરફ માખીઓ આકર્ષાય છે. અને આવી દુર્ગંધમાં માખીઓમાં 'માઇક્રોબાયલ પ્રવૃત્તિ' શરુ થાય છે. તેથી તે વધારે ઈંડા મૂકે છે અને તેની સંખ્યા વધે છે."
લલિત ઘેટિયા એ પણ કહે છે, "સડેલો પદાર્થ જ માખીઓનો ખોરાક છે."
તેમના કહેવા પ્રમાણે સૂકી ઋતુમાં વસ્તુઓ સડતી નથી અને તેથી તેમાં દુર્ગંધ નથી આવતી. આથી તેવી પરિસ્થિતિમાં માખીઓ ફક્ત છૂટાછવાયા વિસ્તારોમાં જ જોવા મળે છે.
"ઉપરાંત, જે માખીઓ ચોમાસામાં જન્મે છે તેમનું આયુષ્ય બીજી ઋતુઓમાં જન્મેલી માખી કરતાં ઓછું હોય છે."
પુખ્ત વયની માખીઓને લાલ આંખ હોય છે અને તે 3-8 મિલીમીટર લાંબી હોય છે.
માખીઓથી બીમારી કેવી રીતે ફેલાય છે?
સ્ટીફન સ્ચુસ્ટર સિંગાપોરની નનયાન્ગ ટૅક્નૉલૉજીકલ યુનિવર્સિટીમાં રિસર્ચ ડિરેક્ટર છે.
તેઓ કહે છે કે, "વાસ્તવમાં, માખીઓને ઇરાદાપૂર્વક સ્વાયત્ત બાયોનિક ડ્રોન તરીકે સૌથી નાની જગ્યાઓ અને તિરાડોમાં પણ છોડવામાં આવે અને જયારે તેને પુનઃ કબજે કરવામાં આવે ત્યારે તે જે પણ જૈવિક સામગ્રી સાથે સંપર્કમાં આવી હોય તેના વિશે જાણી શકાય છે."
ઘણા રિપોર્ટ જણાવે છે કે, માખી દ્વારા લેવામાં આવેલાં દરેક પગલાં જીવંત બેક્ટેરિયાને મનુષ્યમાં ટ્રાન્સફર કરી શકે છે.
લલિત કહે છે કે, "માખીઓ ગંદી ચીજવસ્તુઓ પર બેસે છે અને તેના પગના ભાગે તે સૂક્ષ્મજીવાણુઓ ચોંટી જાય છે. જયારે તે આપણા ઘરના સ્વચ્છ ખોરાક ઉપર બેસે ત્યારે આ ખોરાક પર તે સૂક્ષ્મજીવાણુઓ મૂકે છે અને તેને ખરાબ કરે છે. આનાથી બીમારીઓ ફેલાય છે.
તેઓ એમ પણ કહે છે, "જો માખીઓ એવી ગંદકીમાં ન બેસે અને સ્વચ્છ ખોરાક પર જ બેસે તો તે ગંદો થતો નથી પરંતુ આમ એટલા માટે નથી થતું કારણકે માખીને ગંદકી જ પસંદ છે."
જાણકારોના મત મુજબ માખીના સંપર્કમાં આવેલો ખોરાક ખાવાથી ટાઇફૉઈડ અને કૉલેરા જેવી બીમારી થઇ શકે છે.
માખીની વિશેષતા
લલિત કહે છે, "તમે જોયું હશે કે માખી એક જ જગ્યા એ સ્થિર ઊભી રહી શકે છે, તેને સતત ઊડવાની જરૂર નથી. આવું એટલા માટે છે કે માખીને એક જોડી પાંખો અને તેની વચ્ચે એક બૅલેન્સર પાંખ છે જેને કારણે તે હવામાં એક જ જગ્યાએ સતત ઊભી રહી શકે છે."
આ સિવાય બીજી તેની વિશેષતા વિશે જણાવતા લલિત કહે છે,"માખી કોઈ પણ લીસી સપાટી, જેવી કે અરીસો, પર ચાલી શકે છે. આ પ્રકારે બીજા જીવડાં નહીં કરી શકે."