You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ વાઇરસ જેણે ગુજરાતનાં કેટલાંય ગામોમાં બાળકોની કિલકારીઓ ગુમ કરી નાખી
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા, અરવલ્લીથી
ભવાન નિનામાના દિવસો હવે તેમની સાત વર્ષની પૌત્રી કિંજલને યાદ કરીને વીતે છે. તેમણે કિંજલને ભણવા માટે લાવી આપેલા નાનકડા ટેબલ પરથી તેમની નજર હટતી નથી. આ ટેબલ પરના અંગ્રેજી અક્ષરો પહેલા ધોરણમાં ભણતી કિંજલ કેવી રીતે બોલતી હતી, તે વિશે વાત કરતાં કરતાં તેમની આંખો ભરાઈ જાય છે.
તેઓ ક્યારેક કિંજલની તસવીર સાથે વાત કરતાં જોવા મળે છે, તો ક્યારેક તેના સ્કૂલ યુનિફૉર્મને જોતા રહે છે.
અરવલ્લી જિલ્લાના મોટા કંથારિયા ગામમાં રહેતી કિંજલ આ વર્ષે ચાંદીપુરા વાઇરસને કારણે ગુજરાતમાં મૃત્યુ પામેલાં બાળકોમાં પ્રથમ હતી. તેના પરિવારની જેમ જ ગુજરાતનાં સંખ્યાબંધ ગામડાંમાં ચાંદીપુરા વાઇરસ અને તેના જેવી બીમારીથી બાળકો પીડાઈ રહ્યાં છે અને એ બાળકોના પરિવારજનો લાચારી અનુભવી રહ્યા છે.
મોટે ભાગે નવ મહિનાથી 14 વર્ષની ઉંમરનાં બાળકોમાં વધુ પ્રમાણમાં જોવા મળતા ચાંદીપુરા વાઇરસનો ભોગ બનેલાં બાળકોમાં મૃત્યુનું પ્રમાણ ડૉક્ટરોના મતે લગભગ 85 ટકા જેટલું હોય છે.
શું છે ચાંદીપુરા વાઇરસ તે ગુજરાતમાં ક્યાં ક્યાં ફેલાયો છે?
ચાંદીપુરા વાઇરસ વાઇરલ ઍન્કેફેલાઇટિસ નામના એક વાઇરસ પરિવારનો ભાગ છે.
અરવલ્લી જિલ્લાના જ ખાનપુર ગામના અઢાર મહિનાના કુણાલ અસારીનું મૃત્યુ વાઇરલ ઍન્કેફેલાઇટિસને કારણે થયું છે. તેનો ચાંદીપુરા વાઇરસનો તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેનાં માતા-પિતા અરવલ્લીના ખાનપુર ગામમાં માટીના મકાનમાં રહે છે.
સરકારે જણાવેલા આંકડા અનુસાર 23 જુલાઈ સુધી વાઇરલ ઍન્કેફલાઇટિસના 101 કેસ નોંધાયા છે અને 22 બાળકોમાં ચાંદીપુરા વાઇરસ હોવાની પુષ્ટિ થઈ છે.
ગુજરાત સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં 38 બાળકો મૃત્યુ પામ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આદિવાસી વસતી વધારે હોય તેવા પંચમહાલ અને અરવલ્લી જિલ્લાઓમાં આ વાઇરસનો ફેલાવો વધારે જોવા મળી રહ્યો છે. જોકે તેના કેસ હવે અમદાવાદ, જામનગર, છોટા ઉદેપુર જેવા જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે.
આ વાઇરસનો ભોગ બનેલાં બાળકોને શું થાય છે?
ચાંદીપુરા કે ઍન્કેફેલાઇટિસ વાઇરસનો ભોગ બનેલાં બાળકોને ખૂબ જ ઝડપથી ઊંચા તાપમાનનો તાવ આવી જાય છે.
કિંજલનાં માતા જાગૃતિબહેને બીબીસી ગુજરાતીને કહ્યું, "તેને પહેલાં તાવ આવ્યો પછી તેને ખેંચ આવવા માંડી. દરેક ખેંચ બાદ તેની તબિયત વધુ ને વધુ ખરાબ થતી ગઈ. તેને લોહીના બાટલા પણ ચઢાવવામાં આવ્યા હતા, પણ કોઈ ફરક ન પડ્યો."
કિંજલનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
કુણાલનાં કાકીએ પણ તેને ખેંચ આવી હોવાનું બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું. તેમણે કહ્યું, "તેને બે વખત ખેંચ આવી હતી, ત્યારબાદ તે પોતાનું જડબું ખોલી નહોતો શકતો, જેના કારણે તેને દવા આપવામાં પણ તકલીફ પડી હતી."
અરવલ્લીના જ ઢેંકવા ગામના ત્રણ વર્ષના બાળક રાકેશ કટારાનાં માતા આશાબહેન તેમના દીકરાના જીવનની છેલ્લી ક્ષણોને ભૂલી નથી શકતાં.
આંખમાં આંસુ અને ગળામાં ડૂમા સાથે તેમણે કહ્યું, "મારા ખોળામાં તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. મને હજી સુધી વિશ્વાસ નથી થતો કે તે મારી સાથે નથી. મને લાગ્યા કરે છે કે એ હમણાં આવશે અને મારી પાસે જમવાનું માંગશે."
"મને ખબર નહોતી મારું મકાન જ મારા દીકરાનું દુશ્મન બની જશે"
ચાંદીપુરા વાઇરસથી મૃત્યુ પામેલાં બાળકો કિંજલ નિનામા, કૃણાલ અસારી અને રાકેશ કટારાનાં ઘરોને ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવે કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં બાળકોને આ વાઇરસની અસર કેમ સૌથી વધુ થઈ રહી છે.
કિંજલ એક માટીના મકાનમાં રહેતી હતી. બીબીસીને તેના ઘરે પહોંચ્યું ત્યારે જોવા મળ્યું કે એ ઘરની માટીની દીવાલોવાળા ઓરડાઓમાં ભેજ હતો અને પૂરતાં હવા-ઉજાસ નહોતો. સૂર્યપ્રકાશ એ ઘરમાં ખાસ પહોંચતો નથી.
ઘરનું આવું વાતાવરણ સેન્ડ ફ્લાય કે માટીની માખીના પ્રજનન અને ઉપદ્રવ માટે આદર્શ બની જાય છે. ઘરની દીવાલોની તિરાડમાં રહેતી આ માટીની માખી બાળકને કરડે ત્યારે વાઇરલ ઍન્કેફેલાઇટિસ કે ચાંદીપુરા વાઇરસની બીમારી થાય છે.
આવી જ સ્થિતિ કૃણાલના ઘરની હતી. અમને એ ઘરની દીવાલો પરની તિરાડો અને તેની આસપાસ ફેલાયેલો ભેજ સહેલાઈથી નજરે પડતો હતો. આ તિરાડોની આસપાસ મૅલેથૉન પાવડરનો છંટકાવ થયો હતો.
કૃણાલનાં દાદી, ચેતા અસારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "સરકારી અધિકારીઓએ જ્યારે અમારા ઘરની તપાસ કરી તો ઘરની અંદરની તિરાડોમાંથી આ માખીને પકડી હતી. તેમણે કહ્યું કે આ માખીને કારણે કૃણાલને તાવ આવ્યો હતો."
કૃણાલના પિતા હરીશ અસારીના જણાવ્યા અનુસાર તેમણે આ ઘર તાજેતરમાં જ બનાવ્યું છે. તેમણે કહ્યું, "અમે હમણાં જ આ મકાન બનાવ્યું છે. મેં આ ક્યારેય વિચાર્યુ નહોતું કે આ મકાન જ મારા બાળકનું દુશ્મન બની જશે."
તેમણે ઉમેર્યું, "અમને બીજું બાળક આવવાનું છે, અને અમે ઇચ્છીએ છીએ કે સરકારી અધિકારીઓ ફરીથી અમારા ઘર અને વિસ્તારમાં આ પાવડરનો છંટકાવ કરે."
આવી જ રીતે ઢેંકવાના રાકેશના ઘરે પણ દીવાલો પર માટીનું પ્લાસ્ટર જોવા મળ્યું હતું.
પરિવારમાં બીમારી વિશેની જાણકારીના અભાવનો ભોગ બાળક બને છે
બાળક બીમાર થાય ત્યારે તેના શરીરમાં વિવિધ લક્ષણો જોવા મળે છે. જેને પારખીને સમયસર સારવાર આપવામાં આવે તો બાળકના બચવાની સંભાવના રહે છે, પરંતુ ઘણીવાર એમ કરવામાં આવે ત્યાં સુધીમાં મોડું થઈ જાય છે.
આ બીમારીનો ભોગ બનતાં બાળકોના પરિવારોને આ માખીના ઉપદ્રવ અને બાળકોને આ માખી કરડવાથી કેવી રીતે બચાવવા તેની ખાસ જાણકારી નથી હોતી.
કિંજલના દાદા ભવાન નિનામા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "જ્યાં સુધી કિંજલ બીમાર નહોતી પડી, ત્યાં સુધી અમને આ તાવ વિશે કંઈ ખબર નહોતી. અમને તો તે સામાન્ય તાવ લાગતો હતો. એટલે પહેલાં તેની અહીં દવા કરી, પરંતુ પછી તેને હિમ્મતનગરની હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે ત્યાં પણ તેની તબિયતમાં કોઈ જ સુધારો થયો નહોતો."
આશાબહેન કટારાએ છેલ્લે 12 જુલાઈના દિવસે તેમના દીકરાને જોયો હતો. તેમણે કહ્યું, "પહેલાં તો અમે રાકેશને અહીંના ડૉક્ટર પાસે લઈ ગયા હતા, પણ તેની તબિયત ન સુધરતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પણ તેને બચાવી શકાયો નહીં."
માટીની માખી કેમ કરડે છે?
ચાંદીપુરા વાઇરસ ફેલાવતી માટી માખી કે સેન્ડ ફ્લાયના ઉપદ્રવ વિશેની જાણકારી મેળવવા બીબીસી ગુજરાતીએ અરવલ્લી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. એ. સિદ્દિકી સાથે વાત કરી.
ડૉ. સિદ્દીકીના મતે આ સમયગાળો માટીની માખીના પ્રજનનો સમયગાળો હોય છે અને તેને પ્રોટીનની જરૂર હોય છે.
તેમણે કહ્યું, "માદા સેન્ડ ફ્લાય કે માટીની માખીના કરડવાથી ચાંદીપુરા વાઇરસ માનવ શરીરમાં પ્રવેશે છે. પ્રજનનના સમયમાં માદા માખીને પ્રોટીનની જરૂર હોય છે."
"જેને તે માનવ કે જાનવરને કરડીને તેમના શરીરમાંથી મેળવે છે. માખીના કરડ્યા બાદ એ વાઇરસ માનવ કે જાનવરના શરીરમાં પ્રવેશી જાય છે, જેના કારણે વાઇરલ ઍન્કેફેલાઇટિસ થાય છે."
રાજ્ય સરકાર શું કહે છે?
ગુજરાત સરકારે આપેલાં આંકડા અનુસાર હજી સુધી રાજ્યમાં વાઇરલ ઍન્કેફેલાઇટિસના કુલ 101 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાંથી 22માં ચાંદીપુરા વાઇરસ હોવાની પુષ્ટિ થઈ છે અને રાજ્યમાં 38 બાળકોનાં મૃત્યુ થયાં છે.
રાજ્યમાં વાઇરલ ઍન્કેફલાઇટિસના 49 દર્દીઓ હૉસ્પિટલમાં દાખલ છે અને 14 દર્દીઓને રજા આપવામાં આવી છે.
ગુજરાતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી રૂષિકેશ પટેલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "અમે હાલમાં રાજ્યની પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરી રહ્યા છીએ. સરકારી અધિકારીઓ આ વાઇરસને ફેલાતો અટકાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. આ માટે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં 1 લાખથી વધુ મકાનો પર મૅલેથૉન પાઉડરનો છંટકાવ કરવામાં આવ્યો છે."
તેમના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે રાજ્યમાં ચાંદીપુરા વાઇરસ અને વાયરલ ઍન્કેફેલાઇટિસના ફેલાવાની પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે નિષ્ણાતોની ટીમને પણ મોકલી છે. ગુજરાત સિવાય આ વાઇરસની અસર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ જોવા મળી રહી છે.
- ચાંદીપુરા વાઇરસ સેન્ડ ફ્લાયથી થાય છે.
- પ્રોટીન મેળવવા માટે તે માનવને કરડે છે અને એ રીતે શરીરમાં વાઇરસનો પ્રવેશ થાય છે.
- આ માખી ભેજવાળી માટીની દીવાલોની તિરાડોમાં તેમજ ઝાડના થડમાં પ્રજનન કરતી હોય છે.
- આ વાઇરસ 9 મહિનાથી 14 વર્ષના બાળકો પર અસર કરે છે.
- મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં પ્રથમ વખત જોવા મળ્યા બાદ આ વાઇરસને ચાંદીપુરા વાઇરસ કહેવાય છે.