You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ માતાપિતાની કહાણી, જે પોતાના દીકરા માટે ઇચ્છામૃત્યુની માગ કરે છે
- લેેખક, કીર્તિ દુબે
- પદ, બીબીસી સંવાદદાતા
સામાન્ય રીતે જ્યારે આપણે કોઈને ખરાબ સ્થિતિમાં જોઈએ ત્યારે કહીએ છીએ, “ઇશ્વર પર ભરોસો રાખો તે મદદ કરશે.”
જોકે, ભરોસો જ્યારે એ હદ સુધી ખતમ થઈ જાય કે માતા-પિતા જ પોતાના દીકરાના મૃત્યુ માટે માગણી કરે તો તેમની અપાર નિરાશા અને આ નિરાશાને સમજવી અને તેના વિશે લખવું અત્યંત મુશ્કેલ લાગે છે.
63 વર્ષીય અશોક રાણા અને 60 વર્ષીય નિર્મલા રાણા પણ આવાં જ એક માતા-પિતા છે. તેમના પુત્ર હરીશ રાણાની જિંદગી છેલ્લાં 11 વર્ષથી માત્ર એક પલંગ સુધી જ સીમિત છે.
હરીશ કંઈ બોલી કે અનુભવી સકતા નથી. મેડિકલ વિજ્ઞાનની ભાષામાં આ સ્થિતિને “વેજિટેટિવ સ્ટેટ” કહેવામાં આવે છે.
નિર્મલા રાણાને આશા હતી કે એક દિવસ તેમનો દીકરો સ્વસ્થ થઈ જશે. જોકે, દિવસો-મહિનાઓ અને હવે 11 વર્ષ પસાર થઈ ગયાં, પરંતુ તે દિવસ ન આવ્યો. તેમને હવે આશા નથી કે તેમનો દીકરો ક્યારેય સ્વસ્થ થશે.
નિર્મલા રાણા અને અશોક રાણાએ દીકરાની હાલત જોઈને ગયા વર્ષે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે તેમના દીકરાને યુથેનેશિયા એટલે કે ઇચ્છામૃત્યુની પરવાનગી આપવામાં આવે.
એક વર્ષ સુધી ચાલેલી કાયદાકીય કાર્યવાહી પછી ગત 2 જુલાઈએ કોર્ટે નિર્ણય આપતી વખતે કહ્યું કે હરીશ રાણાને કોઈ 'મશીન'ની મદદથી જીવિત રાખવામાં નથી આવ્યા. તેઓ કોઈની પણ મદદ વગર શ્વાસ લઈ શકે છે અને તેઓ કોઈ લાઇફ સપોર્ટ સિસ્ટમને સહારે નથી.
“આ સ્થિતિમાં કોઈ પણ ફિઝિશિયનને પરવાનગી ન મળે કે તેઓ હરીશને દવા આપીને ઇચ્છામૃત્યુ આપે. આ મૃત્યુ પછી ભલેને તેમને દુ:ખમાંથી મુક્ત કરવાના ઇરાદા સાથે જ કેમ ન હોય.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાત વર્ષ 2013ની છે. હરીશ તે સમયે ચંદીગઢ યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા. પાંચ ઑગસ્ટ 2013ની સાંજે અશોક રાણાને ચંદીગઢથી ફોન આવ્યો અને કહ્યું કે હરીશ રાણા પડી ગયા છે અને તેમને ઈજા થઈ છે.
જાણકારી મળી કે હરીશ રાણા ચંદીગઢના જે પીજીમાં રહેતા હતા ત્યાં ચોથા માળેથી પડી ગયા અને તેમને ગંભીર ઈજા થઈ હતી. શરૂઆતમાં તેમની સારવાર ચંદીગઢની પીજીઆઈમાં કરવામાં આવી ત્યાર બાદ દિલ્હી એઇમ્સ, કેટલીક ખાનગી હૉસ્પિટલો. જગ્યાઓ ફરતી રહી પરંતુ હરીશ માટે કંઈ જ ન બદલાયું.
હરીશ રાણા આ સ્થિતિમાં કેવી રીતે પહોંચ્યા?
અશોક રાણાએ કહ્યું, “ડૉક્ટરે અમને જણાવ્યું કે તેમના મગજની બધી જ નસો સુકાઈ ગઈ છે. ડૉક્ટરે ત્યાં સુધી કીધું કે સિટી સ્કેન પણ કરાવવાની જરૂર નથી. અમે હરીશને ક્યાં-ક્યાં નથી લઈ ગયા, પરંતુ કંઈ જ ન થયું. અમે ચમત્કારો વિશે સાંભળીએ છીએ, સમાચારપત્રોમાં વાચીએ છીએ. જોકે, પ્રાર્થનાઓ કે દવાઓ પણ અમારા માટે કામ ન આવી.”
અશોક રાણાને દીકરાની સારવાર માટે દિલ્હીનું દ્વારકાસ્થિત મકાન પણ વેચવું પડ્યું. એ મકાન જે વર્ષ 1998થી દિલ્હીમાં તેમનું ઘર હતું. તેઓ હવે ગાઝિયાબાદમાં એક બે રૂમવાળા ફ્લેટમાં રહે છે.
આ પરિવાર માટે હવે દીકરાની સારવાર ચાલુ રાખવી મુશ્કેલ છે. અશોક રાણાએ તાજ કેટરિંગમાં નોકરી કરી અને નિવૃત્ત થયા પછી તેમને દર મહિને ત્રણ હજાર 600 રૂપિયા પેન્શન મળે છે.
તેઓ ઘરનો ખર્ચો ચલાવવા માટે અને દીકરાની સારવાર ચાલુ રાખવા માટે શનિવારે અને રવિવારે ગાઝિયાબાદના ક્રિકેટ ગ્રાઉન્ડમાં સૅન્ડવિચ અને બર્ગર વેચે છે.
તેમણે કહ્યું, “અમે હવે કરી નહીં શકીએ. અમે આટલા પૈસા ક્યાંથી લાવીએ. અમે બે મહિના માટે દીકરાની દેખરેખ રાખવા માટે નર્સ રાખી હતી, જે 22 હજાર રૂપિયા લેતી હતી. અમે તેમને પૈસા ન આપી શક્યા.”
તેમણે કહ્યું, “પોતાના દીકરાની મોતની માગણી કોણ કરે? આ વિશે વિચારું ત્યારે રાતે ઊંઘ આવતી નથી, પરંતુ શું કરું અને હું ક્યાં સુધી કરી શકીશ?”
અશોક ઇચ્છે છે કે ન્યાય વ્યવસ્થા પ્રમાણે તેમના દીકરાને ઇચ્છામૃત્યુ ન મળી શકે તો તેમના દીકરાની કોઈ હૉસ્પિટલમાં સરકારી ખર્ચે સારવાર થાય.
હરીશનાં માતા નિર્મલા દેવીએ જ સૌથી પહેલા કોર્ટમાં ઇચ્છામૃત્યુ એટલે કે યુથેનેશિયાની અપીલ કરવાની ઇચ્છા જાહેર કરી હતી.
તેઓ વર્ષોથી પોતાના દીકરાની સારસંભાળ કરી રહ્યાં છે. અમે તેમને જ્યારે મળ્યા ત્યારે બપોરે એક વાગ્યા હતા.
તેમણે જણાવ્યું, “મેં હજુ સુધી અન્નનો એક ટુકડો પણ ખાધો નથી, કારણ કે દીકરાની પથારી બદલવામાં, કપડાં ધોવામાં અને વર્ષો સુધી પથારી પર જ હોવાને કારણે તેની પીઠ પર થયેલી ઈજાની પટ્ટી કરવામાં જ અડધો દિવસ પસાર થઈ ગયો.”
એક માતા માટે દીકરાના ઇચ્છામૃત્યુની માગણી કરવી કેટલી મુશ્કેલ છે?
આ સવાલ પર તેઓ પોતાના ગુલાબી સ્કાર્ફથી આંસુ લૂછતાં કહે છે, “અમારી સાથે જે થઈ રહ્યું છે તે ભગવાન કોઈની સાથે ન કરે. હું થાકી ગઈ છું. મને કંઈ થઈ જશે તો તેમની સેવા કોણ કરશે? અમે તેનાં (હરીશ) અંગોનું દાન કરવા માગીએ છીએ. હરીશનાં જે અંગ તેને કામનાં નથી તે અન્ય લોકોને મળે. અમે તે લોકોમાં જ અમારા દીકરાને જોઈ લેશું, પરંતુ તેને મુક્તિ મળી જાય.”
હરીશ ફૂડ પાઇપ થકી ભોજન કરે છે. આ પાઇપ ઇન્ડોસ્કૉપી કરીને તેમના પેટમાં નાખવામાં આવે છે, જેનો ખર્ચ 15 હજાર છે. હરીશના એક મહિનાનો મેડિકલ ખર્ચ લગભગ 25થી 30 હજાર આવે છે.
બપોરના ત્રણ વાગ્યા છે અને નિર્મલા મગની દાળ અને શાકભાજીનું એક મિશ્રણ તૈયાર કરી રહ્યાં છે. આ મિશ્રણ હરીશને ફૂડ પાઇપ વડે આપવામાં આવે છે.
નિર્મલા આ મિશ્રણમાં કાળા મરી અને ઘી ભેળવે છે. મેં તેમને પૂછ્યું કે આ ઘી અને કાળા મરી કેમ?
નિર્મલાએ જવાબ આપ્યો, “થોડોક સ્વાદ આવશે.”
મેં પૂછ્યું, “પરંતુ તેઓ તો વર્ષોથી સ્વાદનો અનુભવ કરી શકતા નથી અને તેમને ભોજન તો પાઇપ વડે આપવામાં આવે છે.”
મારો આ સવાલ સાંભળીને નિર્મલાએ આછું સ્મિત આપતાં કહ્યું, “હાં, પણ મન માનતું નથી.”
યુથેનેશિયા એક એવો મુદો છે જેની કેટલીક સામાજિક અને નૈતિક અસર થઈ શકે છે. આ કારણે કોઈ પણ નિર્ણય આપવો કોર્ટ માટે મોટો પડકાર છે.
યુથેનેશિયા એટલે ઇચ્છામૃત્યુ
વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે ઇચ્છામૃત્યુને લઈને કૉમન કૉઝ એનજીઓની એક અરજી પર સુનાવણી કરતી વખતે એક સીમાચિહ્નરૂપ નિર્ણય આપ્યો હતો. આ નિર્ણયમાં કોર્ટે રાઇટ ટુ ડાઇ વિથ ડિગ્નિટી એટલે કે સન્માન સાથે મૃત્યુના અધિકારને મૌલિક અધિકાર ગણવામાં આવ્યો અને દેશમાં પૅસિવ યુથેનેશિયાને કાયદેસર માન્યતા આપી હતી.
પૅસિવ યુથેનેશિયા એટલે કોઈ દર્દી વર્ષોથી પથારી પર હોય, કોમામાં હોય અને તેની સ્વસ્થ થવાની શક્યતા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ હોય અને તે માત્ર લાઇફ સપોર્ટ સિસ્ટમની મદદ જીવતા હોય તો તેમની લાઇફ સપોર્ટ સિસ્ટમને હટાવી શકાય છે.
દર્દીનાં માતા-પિતા, તેના જીવનસાથી અથવા બીજા કોઈ નજીકના સંબંધીઓને સહમતિ પછી આ નિર્ણય લઈ શકાય છે. આ માટે પણ હાઈકોર્ટની મંજૂરી લેવી પડે છે. માતા-પિતા, જીવનસાથી અથવા નજીકના સંબંધીઓ ન હોય તે સ્થિતિમાં દર્દીના સૌથી નજીકના મિત્રની મંજૂરીની જરૂર પડે છે.
જોકે, દેશમાં હજુ પણ ઍક્ટિવ યુથેનેશિયા ગેરકાયદે છે. ઍક્ટિવ યુથેનેશિયામાં દર્દીના મૃત્યુ માટે દવા આપવામાં આવે છે.
હરીશ રાણાના વકીલ મનીષ જૈને કહ્યું, “અમે કોર્ટને અપીલ કરી હતી કે કોર્ટ એક મેડિકલ પેનલનું ગઠન કરે અને આ પેનલ જુએ કે યુથેનેશિયાની મંજૂરી અપાય કે નહીં. કોર્ટે કહ્યું કે દર્દી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર નથી, પરંતુ ફૂડ પાઇપ પણ એક લાઇફ સપોર્ટ જ છે. કોર્ટે માત્ર દર્દી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, પરંતુ નિર્ણય અમારા પક્ષમાં ન આપ્યો. અમે બસ હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવી શકીએ. જો યુથેનેશિયાની મંજૂરી ન મળે તો સારી હૉસ્પિટલમાં તેમના માટે વ્યવસ્થા કરવામાં આવે.”
વિશ્વમાં માત્ર થોડાક જ દેશો છે જ્યાં યુથેનેશિયાની પરવાનગી છે. સ્વિટ્ઝર્લૅન્ડ, ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, નેધરલૅન્ડ, સ્પેન, કૅનેડા, કોલંબિયા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને અમેરિકાનાં 11 રાજ્યોમાં જ યુથેનેશિયાને પરવાનગી છે.
જોકે, મોટા ભાગના દેશમાં યુથેનેશિયા ગેરકાયદેસર છે. બ્રિટન જેવા વિકસિત દેશોમાં પણ યુથેનેશિયાની પરવાનગી નથી.
ભારતમાં આ મુદો વર્ષ 2011માં ચર્ચામાં આવ્યો જ્યારે સુપ્રીમ કોર્ટે મુંબઈના કિંગ ઍડવર્ડ્સ મેમોરિયલ હૉસ્પિટલના એક નર્સ અરુણા શાનબાગના કેસમાં એક મેડિકલ પેનલ બનાવી હતી. આ પેનલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે શાનબાગને લાઇફ સપોર્ટ સિસ્ટમ પરથી હટાવી શકાય છે, કારણ કે તેમના સ્વસ્થ થવાની શક્યતા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે.
કોર્ટે અરુણા જે હૉસ્ટિપલમાં દાખલ હતાં તેના સ્ટાફને અરુણા શાનબાગના સૌથી નજીકના મિત્ર ગણ્યા હતા, કારણ કે સ્ટાફે પૅસિવ યુથેનેશિયા પર સહમતિ આપી ન હતી. આ કારણે અરુણા શાનબાગના કેસમાં તેને લાગુ કરવામાં ન આવ્યું.
યુથેનેશિયા પર ચર્ચા
એક દાયકા પછી ચર્ચા ફરીથી થઈ રહી છે કે સન્માન સાથે મૃત્યુના અધિકારની કેવી રીતે રક્ષા કરી શકાય. હરીશ જેવા લોકો જે પોતાની વાત કરી શકતા નથી તેમના જીવન અને મૃત્યુનો નિર્ણય કેવી રીતે થશે અને કોણ કરશે?
આરઆર કિશોર ડૉક્ટર છે અને વકીલ પણ. તેઓ સુપ્રીમ કોર્ટમાં વકીલ છે અને ‘ઇન્ડિયન સોસાયટી ફૉર હેલ્થ ઍન્ડ લૉ એથિક્સ’ના અધ્યક્ષ છે.
તેમણે કહ્યું, “લોકોનું માનવું છે કે ઇશ્વરે જીવન આપ્યું છે અને ઇશ્વર પાસે જ જીવ લેવાનો અધિકાર છે. અહીં એક અનિશ્ચિતતા રહે છે. તેઓ આજે ભાનમાં નથી તો કાલે કદાચ ભાનમાં આવી શકે છે. જોકે, આપણે કોઈને મૃત્યુ આપીશું તો તેમને સ્વસ્થ થવાનો મોકો પણ છીનવી લઈશું. આ મામલે હું હાઈકોર્ટના નિર્ણય સાથે સહમત નથી.”
“હું આ પ્રકારના કેસ પર 25-30 વર્ષથી કામ કરી રહ્યો છું અને મને લાગે છે કે એક મેડિકલ બોર્ડનું ગઠન કરવું યોગ્ય રહેશે. આ બોર્ડમાં કાર્ડિયોલૉજિસ્ટ, ફિઝિયોલૉજિસ્ટ અને જનરલ ફિઝિશયન હોય જે કેટલીક બાબતોને આધારે જણાવે કે સપોર્ટ હટાવવો જોઈએ કે નહીં. મૂળ સવાલ એ છે કે હાઈકોર્ટની પાસે દર્દીની ક્લિનિકલ સ્થિતિની ફર્સ્ટ-હેન્ડ મૂલ્યાંકન જ નથી.”
કિશોર માને છે કે ભારત જેવા સમાજમાં યુથેનેશિયાને લઈને કોઈ કાયદો ઘડવો ખૂબ જ પડકારજનક છે, કારણ કે પરિવારના લોકો પોતાના ફાયદા માટે તેનો દુરુપયોગ પણ કરી શકે છે.
એવો સમાજ કે જેમાં સંપત્તિ પર અધિકારને લઈને ગુનાની ઘટના જોવા મળે છે ત્યાં આ આદેશ દરેક કેસના આધારે આપવો જોઈએ.
હરીશને એન્જિનયર બનવું હતું. બૉડી બિલ્ડિંગનો શોખ હતો. તેઓ ઘરના સૌથી મોટા દીકરા હતા, આશા અને જવાબદારીઓ હતી. જોકે, પરિવાર પાસે કોઈ આશા તો રહી નહીં, રહી છે માત્ર કેટલીક યાદો.
નિર્મલાએ કહ્યું, “મને યાદ આવે છે કે હરીશ ઘરમાં ચક્કર લગાવતો, બૉડી બનાવવાનો ઘણો શોખીન હતો. મારી પાસે હંમેશાં આવીને કહેતો કે મારા બાવળા માપો. મારા માટે દલિયા બનાવી આપો. તે જ બૉડી આજે ખતમ થઈ ગઈ.”
હરીશની પથારી જે રૂમમાં છે ત્યાં દીવાલ પર એક ઘડિયાળ છે અને બાજુમાં એક કેલેન્ડર પર લટકાવેલું છે. ઘડિયાળના કાંટા તો આગળ વધી રહ્યા છે અને કેલેન્ડરનાં પાનાં પણ બદલાઈ રહ્યાં છે, પરંતુ આ ઘરમાં સમય છેલ્લાં 11 વર્ષથી થંભી ગયો છે.