ડિલિવરી માટે ગયેલાં મહિલા જે 15 વર્ષ સુધી કોમામાં રહ્યાં, ડૉક્ટરોની બેદરકારીને કારણે મૃત્યુ થયું

    • લેેખક, મહંમદ ઝુબેર ખાન
    • પદ, બીબીસી ઉર્દૂ

“હું તેમની પાસે ગઈ અને તેમના ચહેરા અને આંખોને જોયાં. મેં અનુભવ કર્યો કે તેઓ મારી તરફ જ જોઈ રહ્યા છે. હું જેવી તેમની નજીક ગઈ કે મને લાગ્યું કે તેઓ ખુશ છે.”

“ફખરા જ્યારે કોમામાં ચાલ્યાં ગયાં ત્યારે તેઓ કોઈની રાહ જોઈ રહ્યાં હતાં. ફખરાને ખબર ન હતી કે તેમની દીકરી મૃત્યુ પામી છે. મને ખબર નથી કે તેઓ શું વિચારે છે.”

ફૌઝિયા અઝીમ તાહિર બીબીસી સાથે પોતાની દીકરી ફખરા અહમદ વિશે વાત કરી રહ્યાં હતાં. તેમનાં દીકરી લગભગ 15 વર્ષ સુધી કોમામાં રહ્યાં અને 28 જૂને તેમનું મૃત્યુ થયું.

ફખરા અહેમદને 2009માં ડિલિવરી માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, આ દરમિયાન તેઓ કોમામાં ચાલ્યાં ગયાં. ફખરાનું બાળક પણ બે દિવસ પછી હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યું.

તત્કાલીન ચીફ જસ્ટિસ ઇફ્તિખાર મહંમદ ચૌધરીની અધ્યક્ષતામાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આ ઘટનાને સંજ્ઞાનમાં લઈને તપાસ કરાવડાવી હતી. આ તપાસ પ્રમાણે ફખરાનું મોત એક પ્રાઇવેટ હૉસ્પિટલના 'ડૉક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓની બેદરકારીનું પરિણામ' હતું.

ફખરા અહમદના પિતા કાઝી ઇસ્માઇલ તાહિરે કહ્યું, “આ 15 વર્ષોમાં અમે જે પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યો અને જે પીડાનો અનુભવ કર્યો તેને શબ્દોમાં ન વર્ણવી શકાય.”

એક તેજસ્વી વિદ્યાર્થિની અને બૅન્કર જે 15 વર્ષ સુધી કોમામાં રહ્યાં

ફખરા અહમદ એક ખાનગી બૅન્કમાં કામ કરતાં હતાં અને તેમનાં કેટલાંક રિસર્ચ પેપર્સ પણ પ્રકાશિત થયાં હતાં.

ફખરાના પિતા કાઝી ઇસ્માઇલ તાહિર યાદ કરે છે કે ફખરા જ્યારે ડિલિવરી માટે માતા-પિતાના ઘરે આવ્યાં ત્યારે પણ એક રિસર્ચ પેપર લખી રહ્યાં હતાં. ફખરા તે રિસર્ચ પેપરને પોસ્ટ કરવા માટે કહેતાં હતાં.

ઇસ્માઇલ જણાવે છે કે ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટાં ફખરા બાળપણથી જ તેજસ્વી વિદ્યાર્થિની હતાં. એક સમયે તેમણે અભ્યાસની સાથે-સાથે બૅન્કમાં કામ પણ ચાલુ રાખ્યું અને જે વિદ્યાર્થીઓ બૅન્કર બનવા ઇચ્છતા હતા તેમને પણ ભણાવ્યાં.

ફખરાનાં બે બહેનો અને એક ભાઈ ડૉક્ટર છે. ફખરાના નાના ભાઈ ડૉક્ટર રોશન અહમદે તેમને યાદ કરતા કહ્યું, “મને યાદ છે કે તેઓ જ્યારે ડિલિવરી માટે ઘરે આવ્યાં હતાં ત્યારે હું કદાચ નવમાં ધોરણમાં હતો.”

રોશને જણાવ્યું, “હું પરીક્ષા આપવા માટે જઈ રહ્યો હતો. તેઓ મને ભણાવતા અને મારા નિયમિત ટેસ્ટ પણ લેતા જેથી કરીને તેઓ જાણી શકે કે હું પરીક્ષા માટે તૈયાર છું કે નહીં. ફખરા અહમદે જ મને ડૉક્ટર બનાવ્યો.”

પાકિસ્તાનનાં મુલ્તાનસ્થિત નિશ્તર ટિચિંગ હૉસ્પિટલમાં સ્ટાફ નર્સ જુબૈદા લગભગ 12 વર્ષથી આઈસીયુ વૉર્ડમાં કામ કરી રહ્યાં છે અને આ દરમિયાન ફખરા અહમદ પણ તેમની દેખરેખ હેઠળ હતાં.

જુબૈદાનું કહેવું છે કે મારો અને સ્ટાફના બીજા સભ્યોનો ફખરા સાથે સારો સંબંધ બની ગયો હતો.

જુબૈદાએ કહ્યું, “ફખરા પોતાની આંખો ખોલી શકતાં હતાં, પરંતુ તેઓ હલી શકતા ન હતાં. તેઓ ખૂબ જ ઓછું સમજી અને વિચારી શકતાં હતાં. અમે જ્યારે વૉર્ડમાં હોઈ ત્યારે તેઓ આંખો ફેરવીને અમને જોતાં હતાં.”

કોમામાં ગયેલ વ્યક્તિ કોઈપણ વાતની પ્રતિક્રિયા આપી શકતી નથી. જોકે, ફખરાની સારસંભાળ રાખતા સ્ટાફે નોંધ્યું કે ક્યારેક-ક્યારેક ફખરા જ્યારે લાંબા સમય સુધી એક તરફ સુતા રહેતાં ત્યારે તેમના ચહેરા પર ભાવ બદલાઈ જતા હતા.

જુબૈદાએ ફખરા સાથે વધુમાં વધુ સમય પસાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું, “આ દરમિયાન તેમનાં માતા અને પરિવારે મોટી કિંમત ચુકવી.”

તેમણે કહ્યું કે ફખરાનાં માતાએ 15 વર્ષ પોતાની દીકરીને આરામ, સમય અને બીજી દરેક બાબતે ધ્યાન આપ્યું.

જુબૈદાએ કહ્યું કે ફખરાનાં માતા તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતાં હતાં.

નવી જિંદગી અને ન્યાયનો પ્રયત્ન

કાઝી ઇસ્માઇલ તાહિરે કહ્યું, “પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ, પાકિસ્તાન મેડિકલ ઍન્ડ ડેન્ટલ ઍસોસિયેશન અને પંજાબ સરકારની તપાસે પુરવાર કર્યું છે કે ફખરાની આ સ્થિતિ ખાનગી હૉસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફની બેદરકારીને કારણે થઈ હતી. જોકે, મને આજ સુધી કોઈ પણ વિરુદ્ધ થયેલી કાર્યવાહીની જાણકારી મળી નથી.”

તેમણે જણાવ્યું કે ફખરાની ડિલિવરી સામાન્ય હતી, પરંતુ તેમને ‘એનેસ્થૅટિક ઇંજેક્શન’ આપવામાં આવ્યું હતું. આ વાત રેકૉર્ડ પર છે કે અમારી કે ફખરા પાસેથી આ ઇંજેકશન માટેની પરવાનગી લેવામાં આવી ન હતી.

તેમણે કહ્યું, “આ ઇંજેક્શન એક નિષ્ણાત ડૉક્ટરની દેખરેખ હેઠળ આપવામાં આવ્યું ન હતું. બધી પૂછપરછ પછી પુરવાર થયું કે ઇંજેક્શનના ડોઝનું પ્રમાણ વધારે હતું.”

કાઝી ઇસ્માઇલ તાહિરનું કહેવું છે, “તપાસના રિપોર્ટ પરથી પુરવાર થયું છે કે ફખરાના બ્લડ પ્રેશરની તપાસ કરવા માટે કોઈ મોનીટરિંગ સિસ્ટમ ન હતી. તેઓ કોમામાં ચાલ્યાં ગયાં તેની પણ લાંબા સમય સુધી કોઈને જાણ થઈ ન હતી.”

તેમણે કહ્યું કે ખાનગી હૉસ્પિટલમાં ઍમ્બુલન્સ પણ ન હતી. તે પણ બહારથી બોલાવવામાં આવી હતી.

તાહિરે કહ્યું, “હું દરેક જગ્યાએ હેરાન થયો પરંતુ કોઈએ ન પૂછ્યું. સ્થિતિ એવી થઈ ગઈ હતી કે નિશ્તર હૉસ્પિટલના તંત્રએ કહ્યું કે દર્દીને આટલા લાંબા સમય માટે હૉસ્પિટલમાં ન રાખી શકાય. મેં આ બાબતે કોર્ટમાં જઈને રાહત મેળવી હતી.”

તપાસ રિપોર્ટ શું કહે છે?

વર્ષ 2009માં સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કાર્યકારી જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી ડૉક્ટર ઇફ્તિખાર હુસેન કુરેશીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યની તપાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું.

આ સમિતિએ રિપોર્ટમાં લખ્યું, “આ દુખદ ઘટનાક્રમની શરૂઆત ત્યારે થઈ જ્યારે એનેસ્થૅસિયા આપનાર ડૉક્ટરે હૉસ્પિટલ છોડી દીધી. ત્યારબાદ એક પેરામેડિકલ સ્ટાફે એનેસ્થૅશિયાનો ડોઝ આપ્યો હતો. જેની પાસે એનેસ્થૅશિયા આપવાની યોગ્યતા ન હતી. આ ડોઝ આપ્યા પછી દર્દીની હાલત ખરાબ થતા સ્ત્રી રોગના નિષ્ણાત ગભરાઈ ગયાં અને સીપીઆર યોગ્ય રીતે ન આપી શક્યાં.”

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્ત્રીરોગ નિષ્ણાતોએ બીજા ડૉક્ટરોને બોલાવવામાં સમય વેડફ્યો અને કૃત્રિમ શ્વાસ આપવામાં પણ મોડું કર્યું અને તેને કારણે દર્દીના મગજને ગંભીર નુકસાન થયું.

રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે, ડિલિવરીની પ્રક્રિયા સમયે એનેસ્થૅશિયાના નિષ્ણાતને હાજર રાખવાની જવાબદારી હૉસ્પિટલની હતી.

રિપોર્ટમાં મુલ્તાનના ખાનગી હૉસ્પિટલનાં વહીવટીતંત્રને ફખરાની સ્થિતિ માટે દોષી ઠેરવવામાં આવ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડૉક્ટરોએ પણ આ મામલે બેદરકારી આચરી હતી.

ન્યાયાલયના આદેશ પર વીમાની ચુકવણી

કાઝી ઇસ્માઇલ તાહિરને એ વાતનો સંતોષ છે કે સિવિલ સોસાયટીએ તેમનો સાથ આપ્યો. ન્યાયાલયે બૅન્કને ફખરાના વીમાની તરત જ ચુકવણી કરવાનો આદેશ આપ્યો હતો.

ફખરાને 23 લાખ રૂપિયાનો વીમો મળ્યો. ફખરાનો પરિવાર તેમને લઈને ચીનની એક હૉસ્પિટલમાં પણ ગયો હતો. પરિવારને આશા હતી કે કદાચ સારી ટૅક્નૉલૉજી થકી ફખરાની સારવાર થઈ શકે. જોકે, પરિવારને ત્યાં પણ નિરાશા જ મળી.

ફખરાના પિતાએ કહ્યું, “ફખરા સ્વસ્થ ન થઈ શક્યાં અને અમે મુલતાન પાછા ફર્યાં.”

ત્યારબાદ ફખરાને ફરીથી મુલ્તાનની નિશ્તર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પિતાએ કહ્યું કે તેમનું ઘર હૉસ્પિટલથી દૂર હતું. આ કારણે તેમણે ઘર છોડી દીધું અને હૉસ્પિટલની નજદીક ભાડાના ઘરની તપાસ કરી.

આ સમય દરમિયાન ફખરાનાં માતા તેમની સાથે રહ્યાં હતાં.

ફખરાના માતાએ કહ્યું, “હું મારાં માતાનાં મૃત્યુ પછી 15 વર્ષમાં એક જ વખત શહેરની બહાર ગઈ હતી.”

ફખરાનાં માતા હૉસ્પિટલના બેડ પર સુતેલી દીકરીનાં કપડાં બદલાવતાં, તેમને પ્રેમ કરતાં અને આખો દિવસ તેમનું ધ્યાન રાખતાં હતાં.

કાઝી ઇસ્માઇલ તાહિરનું કહેવું છે કે તેઓ (ફખરાના માતા) સવારે ફખરાની પાસે જતાં અને લાંબો સમય તેમની સાથે રહ્યાં પછી થોડાક સમય માટે ઘરે આવતાં હતાં.

તાહિરે જણાવ્યું, “તેઓ સાંજે ફરી હૉસ્પિટલ જતાં રહેતાં. તેઓ રાતે ફખરાના કપડાં ધોતાં અને પોતાનાં જરૂરી સામાનની તૈયારી કરતાં હતાં. આ દરમિયાન ઘણી વખત અમારા ઘરમાં એક જ વખત ભોજન બનતું અને ક્યારેક એવું પણ થતું કે ભોજન જ ન બનતું.”

ફખરા જ્યારે માતા બનવાની તૈયારી કરી રહ્યાં હતાં

ફખરાએ માતાપિતાની સંમતિથી લગ્ન કર્યાં હતાં. તેમણે લગ્ન પછી પણ પોતાની નોકરી ચાલુ રાખી હતી. ડિલિવરી પહેલાં તેઓ પોતાનાં માતા-પિતા પાસે આવ્યાં હતાં.

તેમણે કહ્યું, “ફખરા મારી સાથે પોતાનાં થનાર બાળક વિશે વાત કરતી હતી. ફખરા કહેતાં હતાં કે હું તેનો સૌથી સારી સ્કૂલમાં પ્રવેશ કરાવડાવીશ. ફખરા પોતાનાં થનાર બાળકને એક સફળ વ્યક્તિ બનાવવાનાં સપનાં જોતાં હતાં. ફખરા હંમેશા કહેતાં કે હું કામ કરૂ છું અને નોકરી છોડવી ઠીક નથી. મને નથી ખબર કે બાળકોની સારી દેખરેખ કેવી રીતે થશે.”

ફખરાએ ડિલિવરી પહેલાં બાળકોનાં કપડા અને બીજો સામાન પણ તૈયાર કર્યો હતો. ડિલિવરી સમયે જતી વખતે ફખરા ખૂબ જ રાજી હતાં કે તેઓ માતા બનવાં જઈ રહ્યા છે.

ફૌઝિયા અઝીમ તાહિરે કહ્યું, “ફખરા જ્યારે કોમામાં ચાલ્યાં ગયાં ત્યારે લાગ્યું કે તેઓ કોઈની રાહ જોઈ રહ્યાં છે. ફખરાને ખબર ન હતી કે તેમની દીકરી મૃત્યુ પામી છે. મને નથી ખબર કે ફખરા શું વિચારતા હશે. હું જ્યારે હૉસ્પિટલમાં ફખરાનું કામ કરી રહી હતી તો મને એ વાતની ચિંતા થતી કે તેઓ બેડ પર સુતા-સુતા શું વિચારતા હશે?”

તેમણે કહ્યું કે ફખરાના પતિ પોતાની બીમાર પત્નીને જોવા માટે કેટલાક દિવસો હૉસ્પિટલ આવ્યા, પરંતુ તેમણે પછી આવવાનું બંધ કરી દીધું.

ફૌઝિયાએ કહ્યું કે ફખરાના પતિની ઉંમર નાની હતી અને તેથી તેમણે પોતાના ભવિષ્ય વિશે વિચાર્યું હશે.

ફૌઝિયાને આ વાતનો અફસોસ પણ છે કે ફખરાનાં મૃત્યુના સમાચાર પછી પણ તેમના પતિએ કંઈ જ ન કહ્યું.

તેમણે કહ્યું કે ફખરાની મોત પછી તેમના પતિએ બે શબ્દો કહ્યાં હોત તો અમને ગમ્યું હોત.

આ દરમિયાન ફૌઝિયા અઝીમ તાહિરે કહ્યું કે તેમનો પરિવાર દર વર્ષે ફખરાનો જન્મદિવસ ઉજવતો અને ઘરમાં જ્યારે લગ્ન કે ખુશીના પ્રસંગે પરિવાર હૉસ્પિટલમાં ફખરાના બેડ પાસે વધારે સમય પસાર કરતો હતો.

“ફખરા મને હસતાં-હસતાં જોઈ રહ્યાં હોય તેવું લાગતું હતું”

ફખરાનાં માતા ફૌઝિયા અઝીમ તાહિરનું કહેવું છે કે મારાં દીકરી કોમામાં હતાં, પરંતુ મને એ વાતનો સંતોષ હતો કે તેઓ જીવી રહ્યાં છે.

તેમણે કહ્યું, “હું જ્યારે સવારે તેમની પાસે પહોંચતી હતી ત્યારે મને તેમનો ચહેરો અને આંખો જોઈને લાગતું કે તેઓ મારી તરફ જોઈ રહ્યા છે. હું જેવી તેમની નજદીક જતી મને લાગતું કે તેઓ ખુશીનો અનુભવ કરી રહ્યા છે.”

ફૌઝિયા અઝીમ તાહિરે કહ્યું, “કોમાની શરૂઆતમાં ફખરાને ઘણી તકલીફો થઈ હતી. તેમની રોગ પ્રતિકારક શક્તિ સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ હતી. તેમને અનેક પ્રકારનાં ઇન્ફૅક્શન્સ થયાં હતાં.”

ફૌઝિયાએ કહ્યું, “હું પહેલાં તો પ્રાર્થના કરતી હતી કે ફખરાને તેનું જીવન પાછું મળે. ઇન્ફૅક્શનને કારણે તેમની હાલત જોયાં પછી હું પ્રાર્થના કરવા લાગી કે અલ્લાહ કોઈપણ રીતે તેમનાં આ દુખને ખતમ કરી દે.”

ફખરાના પિતા કાઝી ઇસ્માઇલ તાહિરે કહ્યું, “અમે એમ નથી કહેતા કે બધા જ ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ બેદરકાર છે. જોકે, યાદ રાખવા જેવી વાત એ છે કે આ વ્યવસાયમાં બેદરકારી અને ભૂલ માટે કોઈ સ્થાન નથી.”

તેમણે કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે આખા દેશનાં ડૉક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ અમારી 15 વર્ષ લાંબી આ કહાણી સાંભળે. અમે ઇચ્છીએ કે જે પ્રકારની પીડા અમારા પરિવારે ભોગવી તે પ્રકારની પીડા ભવિષ્યમાં કોઈપણ પરિવારને ભોગવવી પડે.”