You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઘરમાં સૌથી મોટી દીકરી: 'નાનાં ભાઈબહેનને સાચવવામાં બાળપણ વીત્યું'
- લેેખક, અનઘા પાઠક
- પદ, બીબીસી સંવાદદાતા
તે તેના મિત્રોની જેમ પૂરઝડપે પોતાની સાઇકલ ચલાવવા માગે છે, તેમની સાથે બૂમો પાડીને દોડવા માગે છે, પણ તે એવું કરી શકતી નથી, તેને એક વયસ્ક વ્યક્તિની જેમ વ્યવહાર કરવો પડે છે.
એ માત્ર છ વર્ષની છે અને દરરોજ સાંજે મિત્રો સાથે રમવા ઘરની બહાર જાય છે ત્યારે એકલી નથી હોતી. તેણે તેના નાના ભાઈ પર નજર રાખવી પડે છે. તેની સંભાળ રાખવી પડે છે.
હું મારા પડોશમાં વારંવાર જોઉં છું કે મોટી બહેનો તેમનાં નાનાં ભાઈબહેનોને દરેક જગ્યાએ લઈ જાય છે. એ મોટી બહેનો પોતે નાની વયની હોવા છતાં ભાંડુઓની સંભાળ રાખતી વ્યક્તિની ભૂમિકા ભજવે છે.
સોશિયલ મીડિયા પરનો #eldestdaughtersyndrome નામનો તાજેતરનો ટ્રેન્ડ સૂચવે છે કે આવું માત્ર મારા પડોશમાં જ બનતું નથી.
‘એલ્ડેસ્ટ ડૉટર સિન્ડ્રોમ’ નામની કોઈ સત્તાવાર માનસિક બીમારી નથી, પણ અમેરિકા, બ્રિટન અને વિશ્વના દેશોમાં મહિલાઓ, છોકરીઓ આ વાત પર ચર્ચા કરી રહી છે કે ઘરમાં સૌથી મોટી પુત્રી હોવાને નાતે તેમની જિંદગી પર કેવી અસર પડે છે.
ગૃહિણી અને બાળકોને ભણાવતાં હિમાંશી (નામ બદલ્યું છે) કહે છે, “તેનો પડછાયો જીવનભર તમારી સાથે રહે છે.” હિમાંશી પોતાની ઓળખ જાહેર કરવા માગતાં નથી, તેઓ કહે છે, "હું ઘરમાં સૌથી મોટી છું એટલે મારે પરિવાર વિશે ક્યારેય ફરિયાદ ન કરવી જોઈએ.”
'મને મારું બાળપણ યાદ નથી'
હિમાંશીને ત્રણ નાનાં ભાઈબહેન છે.
હિમાંશી કહે છે, “મને મારું બાળપણ યાદ નથી. મારું બાળપણ હતું કે નહીં એની પણ મને ખાતરી નથી. મને બસ એટલું યાદ છે કે મારે મારાં નાના ભાઈબહેનોની સારસંભાળ રાખવાની છે, તેમનાં માટે બધું કરી રહી છું. અને મારી પાસે આ જ અપેક્ષા હતી. આ મારી જવાબદારી હતી. ગેરસમજ ન કરો. હું મારા પરિવારને પ્રેમ કરું છું, પરંતુ એક બાળક તરીકે મને થોડી આઝાદી મળી હોત અને ઓછી જવાબદારી સોંપાઈ હોત તો સારું થાત, કદાચ મને પણ બાળપણ જીવવાની તક મળી હોત...”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિમાંશી માને છે કે પરિવારમાં સૌથી મોટી હોવાને કારણે ઘણી વસ્તુનો ત્યાગ કરવો પડ્યો, તેમનાં સપનાં અધૂરાં રહી ગયાં.
તેઓ કહે છે, “હું પરિવારમાં સૌથી મોટી છું અને દીકરી છું. મારાં લગ્ન જલદી થઈ ગયાં હતાં, પણ મારી નાની બહેનને અભ્યાસ કરવાની તક મળી હતી. તે સોફ્ટવેર એન્જિનિયર બની. સારા ભણતરને કારણે હવે તે એક બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરે છે. હું માત્ર બીકૉમ કરી શકી. હું નોકરી કરવા અને કારકિર્દી બનાવવા ઇચ્છતી હતી, પણ એ કરી શકી નહીં.”
સોશિયલ મીડિયા પર મહિલાઓ જણાવી રહી છે કે સૌથી મોટી દીકરી હોવાને કારણે તેઓ વધુ ઉંમરવાળી હોવાનું અને તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ હોવાનું અનુભવી રહી છે. જો તે કંઈ કરવા માગે કે પોતાનો નિર્ણય લેવા માગે તો કાયમ દોષિત અનુભવે છે. તે ક્યારેય જાતને ખુશ કરી શકે તેવા નિર્ણયો લઈ શકતી નથી.
હિમાંશીને આ વાત સ્વાનુભવ જેવી લાગે છે.
તેઓ કહે છે, “મારે જોઈતું હોય તે માગી શકતી નથી. લોકો મારા વિશે શું વિચારશે અથવા હું મારા પરિવારને નિરાશ કરીશ એવા દબાણ હેઠળ રહું છું. હું ભલે લગભગ 40 વર્ષની થઈ હોઉં પણ અન્ય માટે હું એટલી મહત્ત્વની નથી.”
શ્રુતકીર્તિ ફડણવીસ પૂણેના કાઉન્સેલર અને બિહેવિયરલ થૅરપિસ્ટ છે. તેઓ આ વાતને સમજાવતાં કહે છે, “ઘરમાં જો મોટાં સંતાનો હોય તો તેમનામાં લોકોને ખુશ રાખવાનું લક્ષણ સામાન્ય હોય છે. તેઓ હંમેશાં આદર્શવાદી હોય છે. તેઓ કાયમ યોગ્ય બની રહેવા જાત પર દબાણ લાવતા હોય છે. તેઓ જાતને ભૂલો કરવા દેતા નથી. જાત પ્રત્યેનું તેમનું વલણ ઘણી વખત બહુ આકરું હોય છે.”
શ્રુતિકીર્તિ ન્યૂરોટિકિઝમ શબ્દનો ઉલ્લેખ કરે છે. ન્યૂરોટિકિઝમ પરિવારમાં મોટા ભાઈબહેનો સાથે સંકળાયેલો છે.
શ્રુતિકીર્તિ કહે છે, “ઘરમાં મોટાં બાળકો હંમેશાં આ માનસિક સ્થિતિ (બીમારી નહીં!)માં હોય છે. આ બાળકો પોતાની લાગણીને વ્યક્ત કરવાને બદલે દબાવી રાખે છે.”
“કેટલાક કિસ્સામાં અંતિમ પગલું પણ ભરી લેતા હોય છે. જો ઘરમાં મોટાં ભાઈબહેન હોય તો બળવો કરે છે, કોઈની વાત સાંભળતા નથી અથવા તો આશા છોડી દે છે. આવાં ભાઈબહેન સામાજિક રીતે અલગ પડી જાય છે અને તેમની ભાવનાત્મક બુદ્ધિમત્તા ઘટી જાય છે.”
તેઓ માને છે કે પરિવારમાં મોટાં ભાઈબહેન હોવાને કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે.
'પ્રથમ સંતાન માતાપિતા માટે પણ એક પ્રયોગ હોય છે'
શ્રુતકીર્તિને લાગે છે કે “સૌથી મોટું સંતાન માતાપિતા માટે પણ એક પ્રયોગ હોય છે. આથી માતાપિતા તેના પર દબાણ નાખે છે, વધુ જવાબદારી નાખે છે. એ સમયે માતાપિતાને પણ ખબર નથી હોતી કે બાળકોનું પાલનપોષણ કેવી રીતે કરવું. આથી માતાપિતા તેમની અધૂરી ઇચ્છાઓ બાળકો પર થોપે છે. આ પેઢીગત હોય છે. બીજા કે ત્રીજા બાળક સુધી માતાપિતા નિશ્ચિંત થઈ જાય છે. પણ પ્રથમ છોકરી કે છોકરાને બધું સહન કરવું પડે છે.”
જોકે ભારત જેવા પિતૃસત્તાત્મક સમાજમાં સૌથી મોટી પુત્રી હોય તો તેણે પોતાનાં નાનાં ભાઈબહેનની સંભાળ રાખવાની હોય છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (એનએફએચએસ-5)ના તારણ મુજબ, બાળકીઓનું શાળા છોડવાનું કારણ બાળવિવાદ અને ઘરેલુ કામ બે મુખ્ય કારણ હોય છે.
2021-22ના સરકારી આંકડા મુજબ, માધ્યમિક સ્તરે છોકરીઓનો અભ્યાસ પડતો મૂકવાનો દર 12.3 ટકા છે.
જોકે આ સ્તરે છોકરાનો ડ્રૉપઆઉટ રેટ લગભગ સમાન છે, પણ તેનાં કારણો અલગ છે.
ગ્રામીણ મહારાષ્ટ્રમાં મહિલાઓના અધિકાર માટે કામ કરતાં સામાજિક કાર્યકર અને વકીલ રંજના ગાવંડે કહે છે, “છોકરીઓ ઘરકામ કે નાનાં ભાંડુઓની સારસંભાળ રાખવા અભ્યાસ પડતો મૂકી દે એ વાત ગ્રામીણ ભારતમાં સામાન્ય છે. ગરીબ પરિવારમાં માતાપિતા બન્ને કામ કરતાં હોય છે અને તેમનાં સંતાનોની સંભાળ લેનારું કોઈ હોતું નથી. તેથી પાંચ-છ વર્ષની છોકરીઓ તેમનાં નાનાં ભાંડુઓની સારસંભાળ લેવાનું શરૂ કરી દેતી હોય છે.”
તેમના કહેવા મુજબ, આ કામને ભારતીય માતાપિતા તેમની દીકરી માટેની તાલીમ ગણે છે, જે ભવિષ્યમાં તેને સારી પત્ની તથા માતા બનાવશે.
“આ છોકરીઓ નાની ઉંમરમાં મોટી થઈ જાય છે અને તેના પર જવાબદારીઓ હોય છે. તેમને પહેલેથી તેમની ખુશીઓ છોડવાનું શીખવવામાં આવે છે.”
અમીર સુલતાના ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાં જેન્ડર સ્ટડીઝનાં ઍસોસિએટ પ્રોફેસર છે.
તેઓ પણ જણાવે છે કે મધ્યમ વર્ગીય ભારતીય પરિવારોમાં મોટી દીકરીઓ પર મોટા ભાગે સૌથી વધુ જવાબદારી હોય છે.
અમીર સુલતાના કહે છે, “છોકરીઓ અભ્યાસ ભલે પડતો ન મૂકે, પરંતુ તેમણે નાનાં ભાંડુઓની સારસંભાળ લેવી પડે છે. તેમને ભોજન કરાવવું પડે છે. તેમની બીજી માતા બનવું પડે છે. પરિવારમાં સૌથી મોટું સંતાન છોકરો હોય તો છોકરી ઘરમાં સાફસફાઈનું કામ કરશે, રાંધશે અને મોટા ભાઈને ભોજન પણ કરાવશે.”
મૂળભૂત અધિકારથી વંચિત
અમીર ભારપૂર્વક જણાવે છે કે આ સામાજિક વર્તણૂક દીકરીઓને, ખાસ કરીને સૌથી મોટી દીકરીઓને તેમના મૂળભૂત અધિકારથી વંચિત રાખે છે.
તેઓ કહે છે, “મોટી દીકરીઓએ શારીરિક કામનો બોજ વેંઢારવો પડે છે. કુટુંબની આર્થિક હાલત સારી ન હોય તો મોટી દીકરીને વહેલી પરણાવી દેવામાં આવે છે, જેનો અર્થ આગળ ભણવાનું, સારી નોકરી વગેરેથી સ્વચાલિક તેને વંચિત કરી દેવાય છે. તેને સમાનતા મળતી નથી. તે સારી રીતે ખાઈ પણ શકતી નથી, કેમ કે તેના માથે મોટાં ભાઈબહેનને ખવરાવવાની જવાબદારી હોય છે. જીવનભર તેની ઉપેક્ષા કરાય છે અને તેની એટલી સંભાળ નથી કરાતી, જેટલી કરવી જોઈએ.”
અમીરનું કહેવું છે કે એક માતાપિતા તરીકે આપણે એ જવાબદારી છે કે તમામ બાળકોની સંભાળ રાખીએ અને તમામને સમાન તક અને પ્રેમ આપીએ.
“જો આપણે પરિવાર અને સમાજમાં છોકરીઓ પ્રત્યે સમાન વ્યવહાર અને આદર કેળવીશું તો બધું સરળ થઈ જશે. હું સમજું છું કે જે ગરીબ ઘરમાં માતાપિતા બંને કામ કરતા હોય ત્યાં નાનાં બાળકોની સંભાળ માટે ડેકેયર કે આ રીતની કોઈ વ્યવસ્થાનું ખર્ચ પરવડે નહીં. આથી આ જવાબદારી ઘરની સૌથી મોટી દીકરી પર આવે છે. પણ સરકારની કેટલીક સંસ્થાઓ આ વ્યવસ્થા કરી શકે છે, જ્યાં આવા પરિવારોમાં નાનાં બાળકોની સંભાળ રાખી શકાય અને મોટી દીકરી સ્કૂલે જઈ શકે. બાલિકાશિક્ષણ માટે વધુ પગલાં ભરી શકાય અને છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી શકાય.”
નિષ્ણાતોનું માનવું છે કે ગૃહકાર્યની જવાબદારી યોગ્ય રીતે કરવામાં આવે અને છોકરાઓને પણ ગૃહકાર્ય કરાવવામાં આવે તો સમાન પરિવાર પ્રણાલીનું નિર્માણ થઈ શકે છે.
ચોક્કસમાં સમય લાગી શકે છે. પણ ઘરમાં સમાનતા હોય, છોકરીઓ પર બોજ ઓછો હોય તો મારી બિલ્ડિંગમાં રહેતી છ વર્ષની છોકરી પણ પૂરઝડપે સાઇકલ ચલાવી શકશે, તેના કાનમાં ફૂંકાતો પવન અનુભવી શકશે અને બાળપણનો આનંદ માણી શકશે.