ગુજરાતના પાડોશી રાજ્યમાં મહિલા કામદારોએ નેતાઓ પાસે પિરિયડ લીવ અને લઘુતમ વેતનને લઈને માગ કરી

    • લેેખક, ટીમ બીબીસી મરાઠી
    • પદ, .

"મેં ઘણી મહિલાઓને રડતી જોઈ છે... બાથરૂમમાં બેસીને રડતી જોઈ છે. માત્ર અહીંયા જ નહીં પરંતુ દુખાવાને કારણે તેમના આંસુઓને મેં ખેતરોમાં, કારખાનાં અને મિલોમાં અને અન્ય કામ કરવાની અનેક જગ્યાઓએ દડદડતાં જોયા છે. હું દૃઢપણે માનું છું કે રાષ્ટ્રીય રજાઓની સાથેસાથે સરકારે તેમને ચાર દિવસની મેન્સ્ટ્રુઅલ લીવ (માસિક દરમિયાન રજા) આપવી જોઈએ. જ્યાં મહિલાઓ શરીરને શ્રમ પડે તેવા વ્યવસાયમાં રોકાયેલી છે તેમને બેથી ત્રણ દિવસની પગાર સાથેની રજા મળવી જોઈએ. જે રીતે આપણને રાષ્ટ્રીય તહેવારોમાં કે રજાઓમાં મળે છે તે રીતે તેમને પણ રજાઓ મળવી જોઈએ."

પિંકી શેખ મહિલાઓની સમસ્યાઓને લઈને કંઈક આ પ્રકારની માંગણી કરે છે.

માસિક દરમિયાન રજાઓ હોય કે સમાન વળતર હોય, સ્વાસ્થ્ય સુવિધાઓ અને શિક્ષણની એકસમાન તકો, ન્યાયને પ્રાથમિકતા, હિંસાને સમાપ્ત કરવી, રોજગારીની તકો, ખેતીને લગતી ચિંતાઓ, પાણીના પ્રશ્નો, નશાના પ્રશ્નો વગેરેને લઈને મહિલાઓના અનેક પ્રશ્નો છે અને તેઓ આ પ્રશ્નોને વાચા મળે તેવા પ્રયત્નો કરી રહ્યા છે.

લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે બીબીસી ન્યૂઝ મરાઠીએ સમગ્ર રાજ્યમાં પ્રવાસ કર્યો અને મહારાષ્ટ્રના કામદરોના સમુદાયોની પ્રતિનિધિ મહિલાઓ સાથે ચર્ચા કરી હતી. જેમાં અસંગઠિત ક્ષેત્રની મહિલાઓ, મજૂરો અને ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારની મહિલાઓનો સમાવેશ થાય છે. અમે તેમના પ્રતિનિધિઓ દ્વારા તેમની ચિંતાઓ અને પ્રશ્નો વિશે વિસ્તૃત માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને તેના મારફત અમે તેમની સામે રહેલા પડકારોનો અભ્યાસ પણ કર્યો છે.

આ મહિલાઓએ પોતાના માટે, તેમના પરિવારો અને તેમના સમુદાયો માટે સ્પષ્ટ માંગણીઓ કરી છે. તેઓ માને છે કે તેમણે જે મુદ્દા ઉઠાવ્યા છે તે રાજકીય પ્રતિનિધિઓ, સંબંધિત રાજકીય પક્ષો અને સરકારના એજન્ડામાં સમાવિષ્ટ હોવા જોઈએ. આ માંગણીઓના આધારે 'હર મેનિફેસ્ટો' (Her Manifesto) તૈયાર કરવામાં આવ્યો છે.

રાજ્યભરની મહિલાઓ વારંવાર દાવો કરે છે કે રાજકીય એજન્ડા તૈયાર કરતી વખતે તેમના અવાજને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવતો નથી. અસંગઠિત ક્ષેત્રની મહિલાઓ સમાન વેતન, પેઇડ પીરિયડ લીવ, મેટરનિટી લીવ વગેરેની ગેરંટી માંગી રહી છે.

લઘુતમ વેતનનું અમલીકરણ

મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાની ગોંદ આદિવાસી મહિલાઓ સાથે બીબીસીના પ્રતિનિધિઓએ વાતચીત કરી હતી. તેઓ સંપૂર્ણપણે તેમના જીવનનો ગુજારો કરવા માટે જંગલ પર નિર્ભર છે.

તેમણે સમજાવ્યું હતું કે ખેતમજૂરી અથવા તો મનરેગા હેઠળ રોજગારીથી ઘણીવાર કાયમ વેતન મળતું રહે તે જરૂરી નથી. આ મહિલાઓ વહેલી સવારે પાંચ કે છ વાગ્યે પોતાના ઘરેથી નીકળી જાય છે અને નજીકનાં જંગલોમાં પહોંચી જાય છે. તેઓ પોતાની સવાર મહુડાનાં ફૂલો વીણવામાં પસાર કરે છે અને પછી તેને બપોર પછી તેઓ શહેરના બજારમાં વેચે છે.

ઉનાળામાં મે અને જૂન મહિનામાં તેઓ આ જ જંગલોમાંથી ટીમરૂનાં પાંદડાઓ એકઠાં કરે છે. જોકે, મહુડો હોય કે ટીમરૂનાં પાંદડાઓ, આ મહિલાઓની કાયમ એક ફરિયાદ રહી છે કે તેમને બજારમાં પૂરતો ભાવ મળતો નથી.

તેઓ નિરાશા વ્યક્ત કરતા કહે છે, "મોદીજી દાવો કરે છે કે તેમણે મહિલાઓ માટે ઘણી બધી વસ્તુઓ આપી છે. પરંતુ અમને આજ સુધી કંઈ મળ્યું નથી."

બીબીસીની ટીમે આંગણવાડી સેવિકાઓ અને આશા વર્કર બહેનો સાથે પણ વાતચીત કરી હતી.

આશા વર્કરો બહેનોએ કુપોષણના મુદ્દા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, "બાળકો કુપોષિત જન્મે છે. આ વિસ્તારની મહિલાઓ આખો દિવસ જંગલમાં મજૂરી કરતી હોવાથી, તેઓ ઘણીવાર પોતાના ભોજનની અવગણના કરે છે."

"માતાઓને પોષણયુક્ત આહાર મળતો નથી અને સરકાર તેમને પોષણ આપતી નથી. તેમને સમયસર સહાય અથવા મધ્યાહન ભોજન આપવાની જરૂર છે. તેમને પૂરતું પોષણ મળતું ન હોવાથી નવજાતનું વજન ઓછું હોય છે."

તેઓ કહે છે, "અમારા ગામમાં કોઈ શાળા કે શૌચાલય નથી. આદિવાસીઓને મળતું ભંડોળ પણ અમારા સુધી પહોંચતું નથી. અમારી પાસે આ સુવિધાઓ પહોંચવી જોઈએ. અમે વર્ષોથી ઘરકુલ (સરકારી યોજના હેઠળ આપણું પોતાનું ઘર) ની રાહ જોઈ રહ્યા છીએ. અમે વૃદ્ધ થઈ રહ્યાં છીએ, પરંતુ હજુ સુધી અમારો ઇંતેજાન પૂરો થયો નથી. અમે આજે પણ ઝૂંપડીઓમાં રહીએ છીએ."

ભયાનક રોગો થવાનો ડર

આ મહિલાઓ કહે છે કે, "ટીમરૂનાં પાંદડાઓનો ઉપયોગ બીડીઓ અને સિગારેટ બનાવવામાં થાય છે. મોટા પ્રમાણમાં મહિલાઓ આ વ્યવસાય સાથે જોડાયેલી છે. અમને ટીબી કે કૅન્સરનું મોટું જોખમ છે અને અમારી માટે સ્વાસ્થ્યની સુવિધાઓ જરા પણ નથી."

સોલાપુરમાં બીડી બનાવવાનો વ્યવસાય મહિલાઓ માટે ખૂબ મહત્ત્વનો છે. અહીં ઘણી ફેકટરીઓ બીડીનું ઉત્પાદન કરે છે અને સોલાપુરમાં ટેક્સટાઇલ મિલો બંધ થવાને કારણે અહીં બીડી બનાવવાનો ઉદ્યોગ ખૂબ ફૂલ્યોફાલ્યો. કેટલાંય ઘરોની મહિલાઓ આ ધંધામાં સંકળાયેલી છે.

આ મહિલાઓ ફેકટરીઓમાં તેમને મળતી સારવાર વિશે લગભગ એકસરખી ફરિયાદો કરે છે. તેમની પાસે કામના સ્થળે જાતીય સતામણી અથવા ગેરવર્તણૂક સામે તેમનો અવાજ ઉઠાવવાનો કોઈ રસ્તો નથી.

તેઓ કહે છે,"અમને 1000 બીડી બનાવવા માટે 180 રૂપિયા ચૂકવવામાં આવે છે. નિયમો અનુસાર અમને આ કામ માટે ઓછામાં ઓછા 365 રૂપિયા મળવા જોઈએ. જોકે, અમને નિયમો અને શરતો અનુસાર ચુકવણી ક્યારેય મળતી નથી."

અમે મહિલાઓ સાથે જ્યારે વાત કરી ત્યારે એક મહિલાના ખોળામાં બાળક દૂધ પી રહ્યું હતું. બાળક ખોળામાં હતું અને માતાના હાથમાં તમાકુ. જ્યારે તેમને પૂછ્યું કે આનાથી બાળકના આરોગ્ય પર શું અસર પડશે?

બીડી કામદારો કે જેઓ મુખ્યત્વે મહિલાઓ છે તેમનાં બાળકો પણ ઘણી વખત સ્વાસ્થ્ય જોખમોનો સામનો કરે છે.

એક મહિલા વર્ણવે છે, "કેટલીકવાર બાળકોને તમાકુના કણો ખાધા પછી ઊલટી થાય છે. મહિલાઓને ઉધરસ, ઊલટી, છાતીમાં દુખાવો અને ક્યારેક કૅન્સર અને ટીબી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ થાય છે. જોકે, તેમની પાસે આરોગ્યસંભાળની સુવિધાઓ કે સારવાર માટેની કોઈ યોજનાઓ નથી."

"તેમના તબીબી ખર્ચાઓને આવરી લે તેવી તેમની પાસે કોઈ સુવિધા નથી. ટૂંકમાં, આ મહિલાઓ માટે જીવન ટકાવી રાખવાનું બીજું કોઈ સાધન નથી."

તેઓ આગળ સમજાવે છે, "મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન કોઈ પેઇડ લીવ કે કન્સેશન મળતું નથી. અમને માત્ર ત્રણ મહિનાની પગાર વગરની રજા લેવાની છૂટ છે. કોઈ અમને પેઇડ લીવ આપતું નથી."

તેઓ પેઇડ મેટરનિટી લીવના અધિકારની માંગ કરે છે.

જાહેર રજાઓની જેમ જ પિરિયડ લીવની માંગ

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાનું ઇચલકરંજી નામનું નાનકડું શહેર એ પશ્ચિમી મહારાષ્ટ્રની ઘણી ટેક્સટાઇલ મિલોનું ઘર કહેવાય છે. અમે ત્યાંની મહિલાઓ સાથે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે,"અમે આખો દિવસ કામ કરીએ છીએ. એક જ જગ્યાએ આઠ કલાક ઊભા રહીને કામ કરીએ છીએ. અમને પણ પગાર સાથેની પિરિયડ લીવ મળવી જોઈએ."

ઇચલકરંજી એ ખૂબ જાણીતું ટેક્સટાઇલ હબ છે અને ભારતનું મોટું નિકાસકેન્દ્ર છે. તેને ઘણીવાર મહારાષ્ટ્રના માન્ચેસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે, અહીંનો ટેક્સટાઇલનો ધંધો પણ હવે અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. વણાટ કારીગરો, મિલમાલિકો અને આ ફેકટરીઓના સભ્યોએ આ પ્રશ્નો વિશે વાત કરી હતી. ઘણી મહિલાઓ પણ આ ટેક્સટાઇલ મિલોમાં કામ કરે છે.

મોટા ભાગની મહિલાઓ અહીં અનેક વણાટમિલોમાં કામ કરે છે અને તેઓ રૂમાંથી રેસાઓ અલગ પાડવાનું કામ કરે છે. તેઓ મશીનો સામે આઠથી નવ કલાક ઊભા રહીને કામ કરે છે. વધુમાં આ મહિલાઓ પર સતત રૂના રેસાઓ પડતા રહે છે અને તેમના શ્વાસમાં પણ જાય છે. લાંબા સમય સુધી અહીં કામ કરવાને કારણે તેમને ઘણી બીમારીઓ થવાની શક્યતાઓ પણ રહેલી છે.

મિલની એક મહિલા વાત કરતા કહે છે, "મેં કેટલીક મહિલાઓને બાથરૂમમાં રડતી જોઈ છે. અમે આખી શિફ્ટ દરમિયાન ઊભા રહીને જ કામ કરીએ છીએ અને માસિકસ્રાવ દરમિયાન તો દુ:ખાવો અસહ્ય થઈ જાય છે. હું માનું છું કે સરકારે જાહેર રજાઓની જેમ પિરિયડ લીવ જાહેર કરવી જોઈએ."

આ મહિલાઓ પાસે મિલના કામની સાથે ઘરની જવાબદારીઓ પણ હોય છે.

તેઓ આરોગ્યસંભાળની સુવિધાઓ અને સરકારી આરોગ્ય વીમા યોજનાઓ પણ તેમના સુધી પહોંચે તેવી માંગ કરી રહ્યા છે.

શેરડીના મજૂર તરીકે કામ કરતી મહિલાઓને પણ કંઈક આવા જ પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. શેરડીનાં ખેતરોમાં કામ કરતી મહિલાઓ ગર્ભાશયની સમસ્યાઓને કારણે વારંવાર હિસ્ટરેક્ટોમી (ગર્ભાશયને દૂર કરવાનું ઑપરેશન) માંથી પસાર થાય છે.

શેરડીના કામદારો સામેના પડકારો

દુષ્કાળગ્રસ્ત બીડ જિલ્લો શેરડીના કામદારો માટેના હબ તરીકે ઓળખાય છે. આ જિલ્લાના મજૂરો શેરડીના મજૂરો તરીકે રોજગારની શોધમાં વારંવાર તેમનાં ગામડાઓ અને જિલ્લાઓ છોડી દે છે. તેઓ વર્ષના લગભગ છ મહિના સુધી કામની શોધમાં કોલ્હાપુર, સાતારા અથવા તો કર્ણાટક રાજ્યમાં સ્થળાંતર કરે છે.

અમે બીડ જિલ્લાના એક નાનકડા ગામની મુલાકાત લીધી હતી જેથી કરીને મહિલા શેરડીના મજૂરોને મળતા પડકારોનો સામનો કરી શકાય અને સમજી શકાય.

આ મહિલાઓએ સમજાવ્યું, "શેરડીને કાપવા અને તેને ટ્રકમાં લોડ કરવા માટે તથા તેમને એકસાથે બાંધવા માટે ઘણી મહેનત અને મજૂરીની જરૂર પડે છે."

"અમારે ફેકટરી પર પહોંચવા માટે વહેલી સવારે 5 વાગ્યે ઊઠવું પડે છે. અમે ભોજન માટે કંઈક તૈયાર કરીને પછી ફેકટરીમાં જઈએ છીએ. કારણ કે અમે ઘણીવાર રાત્રે 11 વાગ્યાની આસપાસ ઘરે પાછા આવીએ છીએ. કેટલીકવાર અમે તેનાથી પણ મોડા પાછા ફરીએ છીએ, ક્યારેક ખાધા વિના સૂઈ જવું પડે છે. અમારાં બાળકો પણ ભૂખ્યાં સૂઈ જાય છે."

"ગર્ભાશય કઢાવવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નથી. અમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શેરડીના ખેતરમાં કામ કરવું અતિશય તણાવપૂર્ણ છે અને અમારે પીડા સહન કરવી પડે છે. અમારા લગ્ન ખૂબ નાની ઉંમરે થઈ ગયાં હતાં. લગભગ 13 કે 14 વર્ષની ઉંમરે જ અમારાં લગ્ન થઈ ગયાં હતાં. ત્યારથી શેરડીની મજૂરીનું કામ અમે કરીએ છીએ."

બીબીસી મરાઠીએ રત્નાગિરી જિલ્લાના હરનાઈ બંદર પર માછીમાર સમુદાય, ખાસ કરીને મહિલાઓ સાથે પણ વાતચીત કરી હતી.

પોર્ટ ટાઉન કરોડો રૂપિયાની માછલીની હરાજીનું સાક્ષી રહ્યું છે. આ પરંપરાગત વ્યવસાયમાં કામ કરતી મહિલાઓ દાવો કરે છે કે તેમના મુદ્દાઓ ઘણીવાર અવગણવામાં આવે છે.

સમુદાયની મહિલાઓ કહે છે, "અહીં જાહેર શૌચાલય અને શૌચાલયની અનુપલબ્ધતાને કારણે અમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બંદર પાસે એક પણ શૌચાલય નથી અને અમારે અહીં કલાકો સુધી કોઈ સુવિધાના અભાવે બેસી રહેવું પડે છે. અમારે પીવાનાં પાણીનો પણ અભાવ છે."

તેઓ તેમના પરંપરાગત માછીમારી વ્યવસાય માટે આધુનિક માછીમારી પ્રથાઓથી રક્ષણ મળે તેવી માંગ કરે છે.

આવકની સમાન વહેંચણી માટે કોઈ કાયદો નથી

મહારાષ્ટ્રના શહેરી અને ગ્રામીણ બંને પ્રકારના સેટઅપમાં કામ કરતાં મહિલાઓ સાથે અમે વાત કરી હતી જેઓ તેમના મૂળભૂત અધિકારોની વાત ઉઠાવતાં જોવા મળે છે.

અમે તેમની સાથેની ચર્ચા દરમિયાન તેમના મુદ્દાઓને અને પડકારોને સમજવાની કોશિશ કરી હતી.

‘અટ્ટા દીપ ઍકેડમી ફૉર ગ્રાસરૂટ લીડરશિપ’ એ મહિલાઓના મુદ્દાઓ પર સંશોધન પણ કર્યું છે.

વારસાના કાયદાના અમલીકરણમાં સુધારો કરવા અને ખેતીની જમીન પતિ-પત્નીના નામે સંયુક્ત રીતે જોવા મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે શું પગલાં લેવા જોઈએ તેના પર તેમણે તેમનો પરિપ્રેક્ષ્ય રજૂ કર્યો હતો.

કૉરો ઇન્ડિયાના અમિતા જાધવ જણાવે છે કે, "વિશ્વભરમાં માત્ર 12થી 13 ટકા મહિલાઓના નામે ખેતીની જમીન છે. ભારતમાં આ ટકાવારી 13 ટકા છે."

"વારસાનો કાયદો મહિલાઓને તેના વૈવાહિક ઘરમાં મિલકત અને મિલકતનો વારસો મેળવવાનો અધિકાર આપે છે. જોકે, મહિલાઓને વારંવાર વારસામાં મળેલી મિલકત પરના તેમના અધિકારો છોડી દેવા માટે દબાણ કરવામાં આવે છે."

"સરકાર અને વહીવટી અમલદારશાહી મહિલાઓને તેમના નામે મિલકત મેળવવા માટે વારંવાર અવરોધો ઊભા કરે છે."

તેઓ આગળ સમજાવે છે, "પિતાના મૃત્યુ પછી કાયદેસરના વારસદારોની નોંધણીની માંગ, લગ્ન નોંધણી અધિનિયમનો અમલ, મિલકતમાં કાયદેસરના વારસદારો વિશે ગ્રામસભામાં માહિતી અપડેટ કરવી અને વારસા કાયદા વિશે સરકારની જાગૃતિ ઝુંબેશથી એ સુનિશ્ચિત કરી શકાય છે કે મહિલાઓને વારસામાં મળેલી મિલકતના તેમના મૂળભૂત અધિકારો મળે છે કે નહીં."

મહિલાઓ દુષ્કાળનો ઉકેલ શોધી શકે છે

દુષ્કાળ સમયે પણ જળસંચય અને પાણી બચાવવાના પ્રયાસોમાં મહત્ત્વની ભૂમિકા ભજવતી મહિલાઓ તેમનાં ગામોના વિકાસ અને ગ્રામ સભાઓમાં તેમની સહભાગિતા વધે તે માટેના પગલાંની માંગણી કરે છે. તેમનું માનવું છે કે ગામડાંમાં પાણીની તંગીને કારણે મહિલાઓએ સૌથી વધુ સહન કરવાનું આવે છે.

તેઓ ગામડાં અને સમુદાયોમાં નશામુક્તિ. બાળ લગ્નોને રોકવાં, મહિલા શ્રમિકોની નોંધણી, ગ્રામ પંચાયતમાં એકલી રહેતી મહિલાઓ માટેની અલગ નોંધણી, દહેજ અને ઘરેલું હિંસાને રોકવા માટેના કાયદાનું અમલીકરણ માટેનાં પગલાં ભરવાની સાથે સાથે એલજીબીટીક્યૂ+ સમુદાયો માટે રોજગારની ગૅરંટી આપવાની પણ હિમાયત કરે છે

તળાવો અને સરોવરોને પુનર્જીવિત કરવાનાં કામોમાં જોડાયેલી મહિલાઓ સરકારને મહિલા સશક્તિકરણ માટે મહિલાઓને સ્વાશ્રયી બનાવવા માટેના તાલીમ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવાનો અનુરોધ કરે છે.

હિંસાથી છુટકારો મેળવવો

મહિલાઓને ઘરેલુ હિંસા સામે રક્ષણ આપતો કાયદો વર્ષ 2005માં બન્યો હોવા છતાં, મુંબઈથી આવેલાં યાસ્મિન શેખ એ કાયદાના યોગ્ય અમલીકરણ પર ભાર મૂકે છે. તેઓ કહે છે, "પતિઓ તેમની પત્નીઓ સાથે મનફાવે તેવો વ્યવહાર કરી શકે એ પરંપરાગત વિચારને આપણે મગજમાંથી કાઢી નાખવાની જરૂર છે. આપણે પરિવારોને તોડવાના ઇરાદા રાખ્યા વિના પરિવારોમાં મહિલાઓને સુરક્ષિત બનાવવા માટેના પગલાં ભરવાની દિશામાં ઘરેલુ હિંસા પ્રતિબંધક કાયદાના કાર્યક્ષેત્રને સમજવું અતિ આવશ્યક છે. એટલે આ મામલે કાયદાતંત્રે લોકોને શિક્ષિત બનાવવાની જરૂર છે."

કેટલીક મહિલાઓએ તેમને કયાં કપડાં પહેરવાં તેની પસંદગી કરવાના અધિકારની પણ માગણી કરી. એક માતા-દીકરીની જોડીએ આ બાબતની હિમાયત કરી હતી.

અન્ય કેટલીક મહિલાઓએ જાતીય હિંસા સામે લડવા માટે અભ્યાસક્રમમાં જાતીય શિક્ષણનો સમાવેશ કરવાની પણ માંગણી કરી હતી.

'હર મેનિફેસ્ટો' કાર્યક્રમે મહિલાઓના એવા મુદ્દાને પ્રાથમિકતા આપી જેમની તરફ સમાજમાં ઘણી વખત દુર્લક્ષ સેવવામાં આવે છે. એમાં પણ અંધત્વ કે અન્ય કોઈ વિકલાંગતા ધરાવતી મહિલાઓ માટે તો ખૂબ ઓછી તકો રહે છે. આથી સરકારી નીતિઓમાં વિકલાંગતા ધરાવતી મહિલાઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેની તકોમાં અગ્રતાક્રમ આપવો જોઈએ.