કચ્છના બન્નીથી લઈને મોરબીનાં સિરામિક્સ કારખાનાંમાં કામ કરતાં લોકોના મુદ્દા શું છે?

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા, કચ્છથી

બન્નીનાં સૂકાં ઘાસનાં મેદાનોમાં પોતાના માલ(ઢોર)ને ચરાવતા માલધારીઓથી માંડી મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીના મજૂરો સુધીના તમામ લોકો સાતમી મેના રોજ કચ્છ લોકસભા બેઠક માટે મતદાન કરશે.

વિસ્તારની દૃષ્ટિએ દેશની સૌથી મોટી લોકસભા બેઠકોમાંથી એક એવી કચ્છ લોકસભાની બેઠક પર લોકોના મુદ્દા તો ઘણા છે, પરંતુ આ બેઠક પર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળતો નથી.

ચૂંટણીના રિપોર્ટિંગ માટે બીબીસી ગુજરાતીની ટીમે કચ્છ લોકસભાના વિવિધ વિસ્તારોનો પ્રવાસ કર્યો અને લોકો સાથે તેમના મુદ્દા વિશે, તેમની તકલીફો વિશે વાત કરી હતી. આમ, તો આ બેઠક ભાજપ માટે સુરક્ષિત બેઠકોમાંથી એક ગણાય છે.

જોકે બીબીસી ગુજરાતીને એવા ઘણા લોકો મળ્યા કે જેઓ વર્તમાન સરકારથી કોઈને કોઈ મામલે નારાજ હતા. જ્યારે એવા પણ ઘણા લોકો મળ્યા કે જેમના મતે દેશના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી.

રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો વિશેના નિવેદનથી શરૂ થયેલા વિવાદની ચર્ચા કચ્છના મતદારોમાં પણ છે.

ગામડાંમાં અનેક સ્થળે લોકો ભાજપને પસંદ કરે છે, તો અમુક ગામડાંઓમાં પરશોત્તમ રૂપાલાના પૉસ્ટર પર ચોકડી મારીને ભાજપના કાર્યકર્તાઓની ‘નો-એન્ટ્રી’ કરી દેવામાં આવી છે.

બન્નીમાં શું છે માહોલ અને મુદ્દાઓ?

કચ્છના બન્ની વિસ્તારની વાત કરીએ તો આશરે 2500 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ વિસ્તારમાં આશરે 45000 લોકોની વસ્તી છે. આ વિસ્તારના લોકોનો એકમાત્ર વ્યવસાય પશુપાલન છે. ગુજરાતની પ્રખ્યાત બન્ની ભેંસ અહીંથી જ આવે છે. આ વિસ્તારમાં 55 ગામડાં છે.

દૂર-દૂર આવેલાં ગામડાં સુધી પહોંચવા માટે રસ્તા તો છે, પરંતુ મોટાભાગનાં ગામોમાંની પ્રવેશવા માટેના કોઈ રોડ નથી. આ ગામડાંમાં વરસાદના સમયે 5 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે. આજે પણ આ લોકોએ ચોમાસાના ચાર મહિના દરમિયાન અહીંથી સ્થળાંતર કરી જવું પડે છે.

દૂર દૂર વસેલાં ઘરો અને તેમની આસપાસ માત્ર ગાંડા બાવળનાં વૃક્ષો તથા બપોરના સમયે આ વૃક્ષોની નીચે હજારોની સંખ્યામાં આરામ કરતું પશુધન, એ બન્નીમાં જોવા મળતું સર્વસામાન્ય દૃશ્ય છે.

ધૂળની ડમરીઓ અને લૂથી બચવા, આ વિસ્તારના લોકો બપોરના સમયે પોતાના ભૂંગામાં જ રહે છે. બન્નીના આ ભૂંગા દેશ-વિદેશમાં કચ્છની ઓળખાણ બની ગયા છે.

જોકે, સરકારી જાહેરાતો અને તસવીરોમાં દેખાતા કચ્છથી આ વિસ્તારના લોકોની પરિસ્થિતિ બિલકુલ વિપરીત છે. રોજગારી, શિક્ષણ, સ્વાસ્થ્ય, તેમજ પાણીની અછતની ફરિયાદોની સાથે અહીંના લોકોની ફરિયાદોની યાદીમાં વનવિભાગ સાથેનો તેમનો સંઘર્ષ તેમજ વધતા પ્રવાસનને કારણે તેમની આજીવિકા સામે ઊભો થતો ખતરો વગેરે પણ સામેલ છે.

આ વિસ્તારના આગેવાન ઈસાભાઈ મુતવાએ બીબીસી ગુજરાતીને કહ્યું, “આઝાદીનાં આટલાં વર્ષો બાદ હજી સુધી બન્ની વિસ્તારનાં લગભગ 50થી વધુ ગામડાંમાં પાયાની સુવિધાઓ નથી.”

લોકો સાથે તેમની સમસ્યાઓ વિશે વાત કરતા મોટાભાગના લોકોની રસ્તા, શિક્ષણ, ટ્રાન્સપૉર્ટેશન અને પશુપાલન વિશેની ફરિયાદો જોવા મળી.

મોટા સરાડાના રહેવાસી કરીમ જતે બીબીસી ગુજરાતીને કહ્યું, “સરકાર પાણીની યોજનાઓની વાત કરે છે. અમારા ગામમાં પાણીનો ટાંકો બન્યાને આજે દસ વર્ષ થઈ ગયાં. પરંતુ અમને પાણીનું કનેક્શન મળ્યું નથી. ઘણી વખત બે-બે દિવસો સુધી અમને પાણી નથી મળતું. કેન્દ્ર સરકારની 'નલ સે જલ' યોજનાનો લાભ અમારા ગામમાં અનેક લોકોને મળ્યો નથી.”

તેમણે એ પણ કહ્યું કે, “લગભગ છેલ્લાં ૩૦ વર્ષથી આ વિસ્તારમાં કોઈ એસ.ટી. બસ આવતી નથી, કોઈ સરકારી ટ્રાન્સપૉર્ટેશન નથી. અમારે બન્ની વિસ્તારની બહાર જવું હોય તો પોતાના વાહનમાં જ જવું પડે છે. દૂધની ગાડીઓમાં બેસીને અમારાં છોકરાં ભણવા માટે ભુજ જાય છે.”

લોકસભાની ચૂંટણી વિશે વાત કરતાં આ ગામના આગેવાન સોઢાભાઈ જત કહે છે, “હું માનું છું કે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવા નેતા આ દેશને આ પહેલાં ક્યારેય મળ્યા નથી. તેઓ છેલ્લા માણસ સુધી યોજનાઓ પહોંચે એ રીતે કામ કરી રહ્યાં છે, પરંતુ નીચેના લોકોના ભ્રષ્ટાચારને કારણે અમારા સુધી વિકાસની યોજનાઓ પહોંચી શકતી નથી.”

જોકે, આ વિસ્તારમા રહેતા રસુલભાઈ જતનું કહે છે, “જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રમાં આવી છે, ત્યારથી તેમના જેવા મુસ્લિમ સમુદાયના લોકોને સરકારી અધિકારીઓ તરફથી થતી હેરાનગતિ બંધ થઈ છે. પહેલાં અમને આતંકવાદી ગણવામાં આવતા હતા, હવે આ પ્રકારની કોઈ હેરાનગતિ થતી નથી. અમને હવે શાંતિ છે.”

ભુજના શહેરી વિસ્તારમાં શું મુદ્દાઓ છે?

હવે આ વિસ્તારથી થોડેક દૂર ભુજ તરફ જ્યારે બીબીસી ગુજરાતીની ટીમ પહોંચી તો ત્યાં ભાજપના અનેક ટેકેદારો મળ્યાં. બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કન્સ્ટ્રક્શનના વ્યવસાયી પ્રફુલ્લ ગઢવીએ તો એમ કહી દીધું કે ભાજપને ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો મળશે.

તેમના મતે ભાજપનું એટલું સારું કામ છે કે તેમને 400થી પણ વધારે બેઠકો મળશે. કારણ કે મોદી સરકારે ઘણાં સારાં કામો કર્યાં છે.

આવી જ રીતે એક બીજા યુવાન રાજ ગઢવી કહે છે, “હું માનું છું કે, સરકારી નોકરી કરતાં આપણે એ જોવું જોઈએ કે મોદી સરકારે પ્રાઇવેટ ક્ષેત્રમાં ઘણી નવી તકો ઊભી કરી છે. કચ્છમાં નવી ઇન્ડસ્ટ્રીઝ આવી છે, જેના કારણે દેશભરથી લોકો અહીં કામ કરવા આવે છે, જેથી અહીંના લોકોની આવક પણ વધી છે.”

ઠેકઠેકાણે ક્ષત્રિયોનો રૂપાલા સામેનો વિરોધ જોવા મળ્યો

બીબીસી ગુજરાતીની ટીમે ભુજ બાદ મુન્દ્રા તરફ પ્રયાણ કર્યું, જ્યાં સમાગોગા ગામમાં અનેક ક્ષત્રિયો સાથે મુલાકાત થઈ.

આ ગામના દરવાજે ભાજપના નેતા પુરશોત્તમ રૂપાલાના ફોટો પર ચોકડી મારેલાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે.

આ ગામના યુવાન ઋષિરાજસિંહ કહે છે, “કચ્છના અનેક ગામોમાં ક્ષત્રિયોએ ઘણાં વર્ષોથી ભાજપને પસંદ કર્યો છે. તેને આંખો બંધ કરીને ખોબલે ખોબલે મતો આપ્યા છે. તો પણ અમારા સમુદાયના કોઈ ઉમેદવારને ટિકિટ નથી મળતી અને અમારા સમાજ માટે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યાં છે. જેના કારણે કચ્છનાં અનેક ગામડાઓમાં ક્ષત્રિયો અને તેમની સાથે બીજા અનેક સમાજના લોકો ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવાના છીએ.”

બન્નીથી માંડી મોરબી સુધી આ લોકસભા બેઠકની હદ લંબાય છે. અમે મોરબીમાં અનેક લોકો સાથે વાત કરી હતી.

આ વિસ્તારના વરિષ્ઠ પત્રકાર પ્રવીણ વ્યાસે કહ્યું, “મોરબી જેવા વિસ્તારમાં જ્યાં સિરામિક ઇન્ડસ્ટ્રી ખૂબ મોટી છે. તે લાખો રૂપિયાનો ટૅક્સ સરકારને ચૂકવે છે. છતાં આ વિસ્તારમાં હજી સુધી કોઈ ઍરપૉર્ટની સુવિધા નથી. દેશના બીજે ખૂણે જવા માટે હજી સુધી અમને કોઈ ટ્રેનની પણ કનેક્ટિવિટી નથી. આ તમામ સમસ્યાઓનો ઉકેલ ક્યારે આવશે તેનો જવાબ સરકારે આપવો જોઈએ.”

કચ્છમાં ભાજપનું પ્રભુત્ત્વ વધ્યું

કચ્છ લોકસભાની બેઠકની વાત કરીએ તો તેમાં સાત વિધાનસભાઓ અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર અને મોરબીનો સમાવેશ થાય છે.

આ સાતેય વિધાનસભા પર હાલમાં ભાજપનો કબ્જો છે. 1996 પછી આજ સુધી અહીં ક્યારેય કૉંગ્રેસનો વિજય થયો નથી. અહીંથી કૉંગ્રેસના હરિલાલ પટેલ છેલ્લે 1991માં સંસદસભ્ય બન્યા હતા.

જોકે, 2014 અને 2019માં અહીં ભાજપના વિનોદ ચાવડા જીત્યા છે. અનુસૂચિત જાતિ માટે આરક્ષિત આ બેઠક પર હાલમાં ચાવડાની સામે કૉંગ્રેસના નીતેશ લાલણ મેદાનમાં ઊતર્યા છે.

2004 બાદ સતત આ બેઠક પર કૉંગ્રેસનો વોટશેર ઘટતો રહ્યો છે. 2019માં તે 40 ટકાથી પણ નીચે જઈને 32.40 ટકા થઈ ગયો હતો.