ગુજરાતનો આ જિલ્લો જે ઝડપથી ‘પાણી વગરનો’ કેમ થઈ રહ્યો છે?

    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી સંવાદદાતા

"એક વખત બોર કરાવીએ તો માંડ મહિના - બે મહિના ચાલતું હતું. ત્યારબાદ ફરીથી બોર કરાવવો પડે. દર વર્ષે ત્રણથી ચાર બોર કરાવવા પડતા હતા, જેમાં ઘણો ખર્ચ પણ થતો હતો. 15 વીઘા જમીનમાં ખેતી કરવી હોય તો માટે પાણીની સગવડ કરવામાં બહુ મહેનત કરવી પડતી હતી."

આ શબ્દો છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામના નરસિંહભાઈ ચૌધરીના જેમણે છેલ્લાં 25 વર્ષથી ખેતરમાં બોર કરીને પાણી મેળવવાના અઢળક પ્રયત્નો કર્યા બાદ હવે બોર કરાવવાનું છોડી દીધું છે. ગયા વર્ષે તેમણે ખેત તલાવડી બનાવી છે, જેમાંથી ખેતી માટેની પાણીની વ્યવસ્થા થઈ જાય છે.

"અમારા ગામમાં 1000-1100 ફૂટ નીચે પણ પાણી મળતું નથી. ભૂગર્ભ જળ એકદમ ખલાસ થઈ ગયું છે. જે પાણી છે તેમાં ટીડીએસનું પ્રમાણ 1500 છે. જો પાણીનું ટીડીએસ પ્રમાણ 750થી વધારે હોય તો ખેતીમાં ઉપયોગ કરી શકાય નહીં."

પાણી મળવાની કોઈ આશા ન દેખાતા તેમને 80 X 80 ચો. ફૂટ જગ્યામાં ખેત તલાવડી બનાવી છે, જેમાં વરસાદી પાણી સંગ્રહ થાય છે અને ખેતી માટેનું પૂરતું પાણી મળી રહે છે.

આવી જ સ્થિતિ કાંકરેજ તાલુકાના શિહોરી ગામની છે. ગામમાં રહેતા દલપતભાઈ શાહ કહે છે બોરમાંથી જે પાણી આવે છે તે ‘કડક’ હોય છે, એટલે કે તેમાં ક્ષારની માત્રા વધારે હોય છે અને પાણી ઉપયોગ કરવા લાયક હોતું નથી.

"તમે જો કડક પાણીથી ચા બનાવશો તો ચા ફાટી જશે. તમે આ પાણી પી નહીં શકો પરંતુ ગામલોકો આ પાણી પી રહ્યા છે અને પશુઓને પણ આપી રહ્યા છે. કારણકે ગામમાં પીવાલાયક મીઠું પાણી જ નથી."

ખેડૂતો હવે જમીન સોલાર પાર્ક માટે ભાડે આપી રહ્યા છે

આવી જ કંઈક કહાણી જિલ્લાના લાખણી તાલુકાના કમોડી ગામના કાંતિલાલ રબારીની છે. થોડાં વર્ષો પહેલાં તેઓ એક વર્ષમાં બાજરી, રાયડો અને મગફળીનો પાક લેતા હતા. પરંતુ ભૂગર્ભ જળસ્તર સતત નીચે ઊતરતાં તેઓ માત્ર રાયડાનો એક જ પાક લઈ શકતા હતા અને તેમાં ખર્ચ પણ નીકળતો નહોતો.

950 કૂટ ઊંડે બોર કરાવ્યા બાદ જે પાણી મળતું હતું તેમાં માત્ર રાયડાની જ ખેતી થતી હતી. બીજા પાકોને પાણી માફક આવતું નહોતું. ખેતી વરસાદ આધારિત થઈ જતા 2021માં નરસિંહભાઈએ તેમના ખેતરનો એક મોટો ભાગ સોલાર પ્લાન્ટ લગાવવા માટે ભાડે આપી દીધો છે.

તેઓ કહે છે, "નવો બોર કરાવ્યા બાદ બીજા કે ત્રીજા વર્ષે પાણી ખતમ થઈ જતું હતું. બોર કરાવવા માટે જે ખર્ચ થતો હતો તે પણ કાઢવો મુશ્કેલ થઈ જતા અમે નક્કી કર્યું કે હવે ખેતર ભાડે આપી દેવું. દિલ્હીની કંપનીને સોલાર પ્લાન્ટ નાખવા માટે 150 વીધા ખેતર ભાડે આપી દીધું છે."

શું ભવિષ્યમાં તેઓ ખેતી તરફ પાછા વળશે?

તેના જવાબમાં નરસિંહભાઈને પુત્ર કાંતિલાલભાઈ કહે છે કે, "ગામમાં પાણીનાં તળ એટલાં ઊંડે ઊતરી ગયાં છે કે હવે ખેતી કરવી શક્ય નથી. જે ખેડૂતો હાલ ખેતી કરી રહ્યા છે તેઓ પણ આવનારા દિવસોમાં જમીન સોલાર પાર્ક માટે ભાડે આપી દેશે."

ખેડૂતો અને સ્થાનિક લોકો અનુસાર છેલ્લાં 2 -3 દાયકામાં બનાસકાંઠા જિલ્લામાં નહેર અથવા કેનાલનું જોઈએ એવું આયોજન કરવામાં આવ્યું નથી. ધાનેરા, લાખણી અને ડીસામાં તાલુકામાં કોઈ એવાં કામો થયાં નથી, જેનાથી ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થાય.

જિલ્લાનાં 30 ગામમાં હવે પાણી જ નથી!

આ માત્ર ધાનેરી અને કમોડી ગામની હાલત નથી પરંતુ જિલ્લાનાં 30થી પણ વધારે ગામ એવાં છે, જ્યાં ભૂગર્ભ જળસ્તર ખતમ થઈ ગયું છે. પાણી માટે બધા ગામ વરસાદ, પાણીની પાઇપલાઇન અથવા ટૅન્કર ઉપર નિર્ભર છે.

બનાસકાંઠા તાલુકાના શેરપુરા ગામના ખેડૂત આનંદભાઈ જાટ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, "ધાનેરી તાલુકાના પૂર્વ અને ઉત્તર પૂર્વ પટ્ટામાં ભૂગર્ભ જળ લગભગ ખતમ થઈ ગયું છે. ડીસાના ઉત્તર પૂર્વનો પટ્ટો છે ત્યાં પણ હવે ભૂગર્ભ જળ નથી. બનાસકાંઠા જિલ્લાનાં 30થી વધુ ગામ એવાં છે જ્યાં હવે ભૂગર્ભ જળ બિલકુલ નથી."

"સૌથી વધુ અસરગ્રત ગામો ધાનેરા તાલુકામાં છે. હવે તો જો તમે 30 ગામોના વિસ્તારનો સરવાળો કરશો તો અંદાજીત 150 કિલોમીટરના વિસ્તારમાં ભૂગર્ભ જળ નથી. અહીં રહેતા લોકો માત્ર વરસાદ અને પાણીના ટેન્કરના ભરોસે છે. ડીસા અને લાખણી તાલુકાઓમાં પણ સ્થિતિ બહુ સારી નથી."

વિચરતા સમુદાય સમર્થન મંચ (વીએસએસએમ)નાં સ્થાપક મિત્તલ પટેલ વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભજળનાં આયોજન માટે કામ કરી રહ્યાં છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે કે, "ધાનેરા, લાખણી અને ડીસા તાલુકામાં એવાં અનેક ગામ છે જ્યાં બોર સૂકાઈ ગયા છે અને તળ બહુ ઊંડે ઊતરી ગયાં છે. જિલ્લામાં મોટી સંખ્યામાં બોરવેલ ફેલ થઈ રહ્યાં છે અને ચિંતાજનક વાત એ છે કે ભૂગર્ભ જળસ્તર વધુને વધુ ઊંડે ઊતરી રહ્યું હોય તેવાં ગામોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે."

"ઘણાં ગામમાં તમને સાંભળવા મળશે કે 50 ટકાથી વધુ બોર સૂકાઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લો ઝડપથી ડાર્ક ઝોન બનવા તરફ આગળ વધી રહયો છે. ઉત્તર ગુજરાતમાં 47 બ્લૉકમાંથી 34 બ્લૉક એવાં છે, જે ડાર્ક ઝોનમાં છે અને તેમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, લાખણી અને ડીસા પણ સામેલ છે."

તેઓ વધુમાં જણાવે છે કે જિલ્લામાં ખેડૂતો સતત બોર કરીને ભૂગર્ભ જળ ખેંચી રહ્યાં છે, જેના કારણે તળ ઊંડા જઈ રહ્યાં છે. સમયસર આયોજન નહીં કરવામાં આવે તો નજીકના દિવસોમાં અહીનાં લોકોને પાણી માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે.

કમોડી ગામના કાંતિલાલ રબારી કહે છે, "આવનારા દિવસોમાં ધાનેરી, લાખણી અને ડીસા તાલુકામાં ખેતી રહેશે નહીં. ખેડૂતો પોતાની જમીન કંપનીઓને ભાડે આપી દેશે. બનાસકાંઠા જિલ્લામાં સોલાર પાર્કની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને ખેડૂતોને આજે નહીં તો કાલે જમીન ભાડે આપશે કારણકે પાણી જ ન હોય તો ખેતી કરવી કઈ રીતે?"

બનાસકાંઠા જિલ્લામાં પાણીની આવી પરિસ્થિતિ કેમ થઈ?

  • ઓછો વરસાદ અને જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ
  • રેતાળ (રેકડો) જમીન હોવાના કારણે પાણી જમીનમાં લાંબા સમય સુધી ટકી રહેતું નથી
  • વર્ષમાં ત્રણ પાક લેવા માટે ખેડૂતો દાયકાઓથી બોર કરી રહ્યા છે જેના કારણે ભૂગર્ભ જળ લગભગ ખતમ થઈ ગયું છે
  • ઓછા વરસાદના કારણે ભૂગર્ભ જળસ્તર જે પ્રમાણમાં રિચાર્જ થવું જોઈએ તે પ્રમાણે થતું નથી
  • રેન વૉટર હાર્વેસ્ટિંગ, ડ્રીપ સિંચાઈ પદ્ધતિ અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ખેડૂતો અથવા રાજ્ય સરકારે ખાસ કઈ પહેલ ન કરતાં છેલ્લા બે દાયકાથી ખેતીના સમગ્ર આધાર ભૂગર્ભ જળ પર રહ્યો છે
  • બનાસ ડેમ બનવા છતાં બનાસકાંઠા જિલ્લાને તેનો વધુ લાભ મળ્યો નથી
  • નર્મદા ડેમનું પાણી જિલ્લામાં બધી જગ્યાએ નહીં પહોંચતા અને સિંચાઈની પૂરતી સુવિધા ન હોવાના કારણે પણ ભૂગર્ભ જળનો વપરાશ વધ્યો છે

ઓછો વરસાદ અને રેતાળ જમીન

બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ પણ એક મોટું કારણ છે. જિલ્લો ત્રણ ભાગમાં વહેંચાયલો છે. ડુંગરાળ, મેદાન અને રણ વિસ્તાર. જિલ્લામાં સરેરાશ 100 કલાકથી પણ ઓછો વરસાદ થાય છે અને રેતાળ જમીન હોવાના કારણે વરસાદનું પાણી અટકતું નથી.

જિલ્લામાં જે માટી છે એ ચીકણી નથી અને એટલા માટે જો તળાવ ભરવામાં આવે તો 15 દિવસની અંદર પાણી નીચે ઊતરી જાય છે. જે વિસ્તારમાંથી કેનાલ અથવા નર્મદાના પાણીની લાઇન પસાર થાય છે એ વિસ્તારોને બાદ કરતા સમગ્ર જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા છે.

સૅન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડના એક રિપોર્ટ અનુસાર બનાસકાંઠા જિલ્લાના 12 તાલુકામાંથી 7 તાલુકા ઓવર ઍક્સપ્લૉઇટેડ (વધુ માત્રામાં ભૂગર્ભ જળ ખેંચવાના આવી રહ્યું છે) સ્ટેજમાં છે અને એક તાલુકો ક્રિટિકલ (અત્યંત ગંભીર) સ્ટેજ પર છે. ઓછા વરસાદના કારણે ભૂગર્ભ જળ રિચાર્જ થતું નથી.

જિલ્લાના ડીસા, દિયોદર, ધાનેરા, કાંકરેજ, લાખણી, થરાદ અને વડગામમાં મોટા પ્રમાણમાં ભૂગર્ભ જળ બોર વડે ખેંચવામાં આવી રહ્યું છે. જિલ્લાનાં ત્રણ તાલુકા વાવ, ભાભર અને સૂઈગામમાં માત્ર ખારું પાણી મળે છે, જે ઉપયોગમાં લઈ શકાય એમ નથી. ખારું પાણી મળવાના કારણે મીઠું પાણી મેળવવા માટે લોકો સતત બોર કરાવતા હોય છે.

દાંતીવાડા ડેમનો લાભ બનાસકાંઠા જિલ્લાને ન મળવો એ બાબત બીજું સૌથી મોટું કારણ છે. બનાસ નદીમાં દાંતીવાડા ડેમ બન્યો છે પરંતુ બનાસકાંઠાના એક મોટા વિસ્તારને ડેમનું પાણી મળતું નથી, જેના કારણે જિલ્લાની પાણીની સમસ્યા હલ નથી થઈ રહી.

દલપતભાઈ શાહ કહે છે, "એ વખતના ગુજરાત સરકારના મંત્રી વિજયકુમાર ત્રિવેદી પાટણના હતા. જ્યારે બનાસ ડેમ બન્યો ત્યારે રાજકરણીઓ ખાસ કરીને ત્રિવેદી ડેમનું પાણી પાટણ સુધી લઈ ગયા અને બનાસકાંઠાને કંઈ ન મળ્યું. ડેમના કારણે પાટણમાં ભૂગર્ભ જળસ્તર ઉપર આવી ગયું પરંતુ બનાસકાંઠામાં વિપરીત સ્થિતિ સર્જાઈ અને જળસ્તર સતત નીચે જતું રહ્યું. આજે બનાસકાંઠામાં પાણીની તંગી છે પરંતુ પાટણમાં આ સમસ્યા નથી."

આ સિવાય રાજ્ય સરકારની અમુક યોજનાઓના કારણે પણ બનાસકાંઠા જિલ્લામાં આટલી કપરી સ્થિતિ સર્જાઈ છે.

મિત્તલ પટેલ કહે છે, "વર્ષો પહેલાં રાધનપુર અને સાંતલપુરમાં પીવાનાં પાણીની સમસ્યા હતી અને લોકોને પીવાનું પાણી મળે તે માટે ગુજરાત જળસંપત્તિ નિગમે શિહોરી અને કાંકરેજ વિસ્તારે પહેલાં ઘણા બોર કર્યા હતા. ત્યારે કેનાલનું નેટવર્ક નહોતું એટલે અહીંથી પાણી ખેંચીને રાધનપુર અને સાંતલપુરમાં સપ્લાય કરવામાં આવતું હતું."

"નિગમે બોર તો કર્યા પણ તેનાથી ભૂગર્ભ જળસ્તરને કેટલી અસર થઈ રહી છે, તે વિશે વિચારવાની કોઈ તસ્દી ન લીધી, વર્ષોથી આવી રીતે પાણી સપ્લાય કરવામાં આવ્યું હતું."

દલપતભાઈ શાહ પણ આ વાતને અનુમોદન આપતા કહે છે કે, "20 વર્ષ પહેલાં આશરે 25 બોર બનાવ્યા હતા જેમાંથી પાણી પાઇપલાઇન મારફત સપ્લાય કરવામાં આવતું હતું. વર્ષો સુધી બોર દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હતું."

મિત્તલ પટેલ કહે છે કે બોર કરાવ્યા બાદ નિગમે વૉટર રિચાર્જ માટે કોઈ વ્યવસ્થા ન કરતા આજે કાંકરેજ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ ગઈ છે.

જિલ્લામાં હાલ પાણીની શું સ્થિતિ છે?

બનાસકાંઠા જિલ્લાના શેરપુરા, રામપુરા અને યાવરપુરા સહિતનાં ગામમાં લોકોએ 1000 ફૂટથી પણ ઊંડા બોર કર્યા છે. પરંતુ જે પાણી મળે છે તે ઉપયોગના લાયક નથી કારણકે પાણીમાં ટીડીએસનું પ્રમાણ બહુ વધારે છે.

આ પાણી ખેતીમાં વાપરવા અથવા પશુઓને આપવા લાયક નથી. ધાનેરા તાલુકાનાં ઘણાં ગામ છે જ્યાં ખેડૂતો માત્ર ચોમાસામાં ખેતી કરી શકે છે. ખેડૂતોનું કહેવું છે કે રતનપુર ગામમાં એવું પાણી નીકળે છે કે જે પાકમાં નાખવામાં આવે તો પાક બગડી જાય છે.

ધાનેરાના ખેડૂત ધીરજ ચૌધરી કહે છે, "પહેલાં 250-300 ફૂટ ઊંડે બોર કરાવો તો પાણી મળી આવતું હતું પરંતુ વધુ પ્રમાણમાં ખેંચવાના કારણે તળ ખૂટી ગયાં છે. હવે ગામમાં પીવાલાયક પાણી જ રહયું નથી."

પરંતુ શું માત્ર ભૂગર્ભ જળનો વધુ પડતા ઉપયોગ માત્રથી આવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે?

તેના જવાબમાં આનંદભાઈ જાટ કહે છે કે, "વધુ પડતા ઉપયોગ ઉપરાંત 2001 અને 2017માં જે ભૂકંપ આવ્યાં તેના કારણે પણ તળ ઊંડે ઊતરી ગયાં છે. ભૂંકપ પહેલાં બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો કૂવામાંથી પાણી મેળવી શકતા હતા."

"2001ના ભૂંકપ બાદ ભૂગર્ભ જળસ્તર ઊંડે ઊતરી ગયાં. 2001ના ભૂકંપ પહેલાં બનાસકાંઠા જિલ્લામાં કૂવાથી લોકો પાણી મેળવતા હતા."

"ભૂકંપ બાદ પાણીનાં તળ ઊંડે ઊતરી જતાં લોકોને બોર કરાવવા પડ્યા. વપરાશ અને બોરની સંખ્યામાં વધારો થતા જળસ્તર વધુ ઊંડે ઊતરી ગયું. પહેલાં 400 ફુટમાં પાણી મળી જતું હતું. થોડા સમય બાદ 650 ફુટ ઊંડે બોર કરાવવાનો વારો આવ્યો. 2017માં જે ભૂકંપ આવ્યો તેમાં તળ વધુ ઊંડે ઊતરી ગયાં અને 1200-1300 ફૂટ સુધી બોર કરાવવા છતાં પાણી મળ્યું નહીં."

ઉપરાંત જિલ્લામાં બનાસકાંઠા જિલ્લામાં વૉટર મૅનેજમૅન્ટ ઉપર જોઈએ એવાં કામો પણ ન થતાં આવી સ્થિતિ ઉદ્ભવી છે.

મિત્તલ પટેલ કહે છે કે, "ત્રણ-સાડા ત્રણ દાયકા સુધી ન તો ખેડૂતોએ અને ન સરકારે ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ માટે કોઈ પગલાં લીધાં અને કોઈ આયોજન ન કર્યું. આનાં કારણે પાણીનાં તળ ઊંડે ઊતરતાં ગયાં."

"200 ફુટ ઊંડે પાણી મળવાની બંધ થયું તો ખેડૂતએ 300 ફૂટ ઊંડો બોર કર્યો અને આ રીતે તેઓ વર્ષો સુધી બોર આધારિત ખેતી કરતા રહ્યા. કોઈએ પણ કૂવા અથવા બોર રિચાર્જ કરવા અથવા તો તળાવ બનાવવાની તસ્દી લીધી નહીં."

"હવે ખેડૂત અને રાજ્ય સરકાર જાગ્યાં છે અને વિવિધ પગલાં લેવાઈ રહ્યાં છે, પરંતુ પાણીનાં તળ 1000 ફુટ ઊંડે ઊતરી ગયાં હોય તો તેને રિચાર્જ થવામાં લાંબો સમય લાગશે. ખેત તલાવડી અને અન્ય યોજનાઓ પણ લાગુ કરવામાં આવી છે, પરંતુ જિલ્લામાં આજે પણ ઘણી જગ્યાએ પણ બોર કરવામાં આવી રહ્યાં છે."

સરકાર અને ખેડૂતો કેટલા ગંભીર છે?

બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. સરકાર ખેત તલાવડી બનાવવા માટે સહાય આપી રહી છે, જોકે ખેડૂતોનું કહેવું છે કે સહાય માત્ર પ્લાસ્ટિકની શીટ પૂરતી જ છે. તળાવ બનાવવા માટે બાકીની મહેનત ખેડૂતે જાતે કરવાની હોય છે.

ધાનેરી ગામના ધીરજ ચૌધરી કહે છે, "મેં જે ખેત તલાવડી બનાવી છે તેની પાછળ અંદાજે બે લાખ રૂપિયાનો ખર્ચ થયો છે જે મેં મારા બચતમાંથી કર્યો છે."

"સરકારે માત્ર પ્લાસ્ટિકની શીટ આપી છે. સરકાર ખેત તલાવડી બનાવવા માટે જો નાણાકીય સહાય આપે તો ખેડૂતોને વધુ લાભ થશે."

ખેત તલાવડી ઉપરાંત સરકાર ગામમાં સ્થિત તળાવમાં પાણી પણ પહોંચાડી રહી છે, જેથી પાણીની સમસ્યામાં રાહત મળે.

મિત્તલ પટેલ કહે છે, "ભાભર અને દિયોદર તાલુકાના કેટલાંક ગામમાં સ્થિતિ સુધરી છે. કેનાલ અને પાણીની પાઇપલાઇન દ્વારા સરકાર આ ગામોમાં તળાવ ભરી રહી છે, જેનાથી ભૂગર્ભ જળસ્તરમાં સુધારો આવ્યો છે."

"હાલમાં જ સરકારે નક્કી કર્યું છે કે જે તળાવ પાઇપલાઇનના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં હશે ત્યાં પાણી પહોંચડવામાં આવશે. અગાઉ બે કિલોમીટરના વિસ્તારમાં સ્થિત તળાવમાં પાણી છોડવામાં આવતું હતું."

"સુજલામ સુફલામ યોજના અંતગર્ત પણ કામ થઈ રહ્યું પરંતુ તેમાં વધુ આયોજનની જરૂર છે. તળાવોને ઊંડા કરવાનું પણ કામ ચાલી રહ્યું છે પરંતુ ભૂગર્ભ જળસ્તર એટલું નીચે ઊતરી ગયું છે કે તેમાં સુધારો થવામાં સમય લાગશે."

તેઓ માને છે કે જો જિલ્લામાં આવેલાં તળાવોને સતત ભરવામાં આવે તો આજુબાજુના વિસ્તારોને પણ લાભ થાય એમ છે.

જિલ્લાનાં ખેડૂતોની માગ છે કે કડાણા ડેમથી 333 કિલોમીટર સુધીની જે કાચી કેનાલ છે, તેમાં સતત પાણી છોડવામાં આવે જેથી નજીકના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થાય.

આ કાચી કેનાલ ડીસા અને લાખણી તાલુકામાંથી પસાર થાય છે. જો તેને સતત ભરેલી રાખવામાં આવે તો ઘણાં ગામોને ફાયદો થઈ શકે એવું નિષ્ણાતો માની રહ્યા છે.

બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયાર સાથેની વાતચીતમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ સાથે વાત કરી.

તેમણે કહ્યું કે, ‘‘બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળસ્તર નીચે જઈ રહ્યું છે તે માટે રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અંતગર્ત દર વર્ષે ચોમાસા દરમિયાન જિલ્લામાં મોટા પાયે કામ કરવામાં આવે છે. અમૃત સરોવર યોજનામાં મોટા પ્રમાણે કામો થયાં છે.’’

‘‘અટલ ભૂજલ યોજના અંતગર્ત 450 ગામોમાં ભૂગર્ભ જળસ્તરનું મોનિટરીંગ, ગુણવત્તા સુધારણા અને જળ સંચયની કામગીરી કરવામાં આવી રહ્યાં છે. સાથેસાથે લોકોને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહે તે માટે નર્મદાનું પાણી પહોંચાડવા માટેના કામો થયાં છે અને હજુ પણ ચાલી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં ભલે ભૂગર્ભ જળસ્તર ઘટી રહ્યું હોય પરંતુ જળસ્તરને સુધારવા માટે અને લોકોને તકલીફ ન પડે તેના માટે પૂરતી વ્યવસ્થાઓ રાજ્ય સરકાર અલગઅલગ યોજનાઓ થકી કરી રહી છે.’’