ખેતરમાં બોર ક્યાં નાખવો અને પાણી કેટલે હશે એ કેવી રીતે ખબર પડે?

    • લેેખક, રુચિતા પુરબિયા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

“મેં પાછલાં 22 વર્ષમાં મારા ખેતરમાં 22 બોર ખોદાવ્યા છે. એમાંથી અમુકની ઊંડાઈ તો 1350 ફૂટ સુધી કરાવી હતી. પરંતુ તેમાંથી એકેયમાં પાણી નથી મળ્યું.”

રાજકોટના ખારેચિયા ગામના 65 વર્ષીય ખેડૂત ધનજીભાઈ પોતાના ખેતરની સિંચાઈ માટે પાણીની જોગવાઈ કરાવવા પોતે કરેલા પાછલા બે દાયકાના નિષ્ફળ પ્રયત્નો અંગે હતાશા વ્યક્ત કરતાં કંઈક આવું કહે છે.

તેઓ બોરમાં પાણી ન મળવાને કારણે પરિવારે ભોગવવી પડી રહેલી હાલાકી અંગે કહે છે કે, “હવે અમે છોકરાને શહેરમાં મોકલી દીધા છે. કારણ કે ખેતીમાં ઘર ચાલે એવું નથી. હવે માત્ર થોડો ટેકો થઈ રહે એટલા પૂરતી ખેતી કરીએ છીએ.”

ખેડૂત ધનજીભાઈના જણાવ્યાનુસાર તેમણે ખેતરમાં કયા સ્થળે બોર ખોદાવવો એ નિશ્ચિત કરવા માટે અલગ અલગ ગામોથી ઘણા લોકોને બોલાવ્યા. જેમણે કેટલીક પરંપરાગત પદ્ધતિઓ વડે જમીનમાં ભૂગર્ભજળની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એ તમામ રીતો નિષ્ફળ નીવડી હતી.

અંતે તેમણે સરકારી વિભાગમાંથી પણ મદદ લીધી હોવાનો દાવો કર્યો. તેમનો આ પ્રયત્નેય નિષ્ફળ નીવડ્યાની વાત તેઓ કરે છે.

તેઓ વર્ષો સુધી આ પ્રક્રિયા પાછળ થયેલા ખર્ચ અંગે નિરાશ અવાજે કહે છે કે, “આ પ્રક્રિયામાં અત્યાર સુધી મારા લાખો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે.”

ધનજીભાઈની માફક ગુજરાતમાં હાલ ઘણા ખેડૂતો અને અન્ય જરૂરિયાતમંદ લોકો ખેતી-ધંધા અને વપરાશાર્થે ભૂગર્ભજળ મેળવવા બોર ખોદાવ્યા છતાં તેમાં પાણી ન મળવાની કે બોર નિષ્ફળ જવાની ફરિયાદ કરતા જોવા મળે છે.

ઉપરાંત તેમની જ માફક ઘણા લોકો, ખાસ કરીને ખેડૂતો ખેતરમાં કે જે તે સ્થળે ભૂગર્ભજળ મળી રહે એ માટેનું ચોક્કસ સ્થાન તપાસવા હાથમાં શ્રીફળ રાખીને ચાલવા સહિતની પરંપરાગત રીતોનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરે છે. વર્ષોથી ઉપયોગમાં લેવાતી આ પરંપરાગત પદ્ધતિઓ ખેડૂતો અને અન્ય લોકો કારગત હોવાનોય દાવો કરે છે.

હવે જ્યારે મસમોટા ખર્ચે બોર ખોદાવ્યા બાદ પાણી ન મળવાની ઘટનાઓ સામે આવતી થઈ છે ત્યારે જમીનમાં ભૂગર્ભજળ ખરેખર ક્યાં અને કેટલે ઊંડે છે એ જાણવા માટેની કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે કેમ એ પ્રશ્ન પણ લોકોના મનમાં કુતૂહલ જગાવે એ સ્વાભાવિક છે.

બીબીસી ગુજરાતીએ નિષ્ણાતો અને પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરનારા લોકો સાથે વાત કરીને પ્રશ્ન અંગે સ્પષ્ટતા મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ભૂગર્ભજળનો અંદાજ કાઢવા કઈ-કઈ પરંપરાગત રીતોનો કરાય છે ઉપયોગ?

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભૂગર્ભજળની સ્થિતિ જાણવા માટે મોટા પ્રમાણમાં આ કામના કહેવાતા અનુભવીઓ અને પરંપરાગત રીતો પર ભરોસો કરાય છે. ગુજરાતમાં જ આ વલણનાં ઘણાં ઉદાહરણો મળે છે.

તેમાંથી જ એક છે તાપી જિલ્લાના વાંકલા ગામમાં રહેતા વિરલ ચૌધરી છે જેઓ આંબા અને કપાસની ખેતી કરે છે.

તેઓ પોતાના અનુભવ વિશે કહે છે કે, “મારા ખેતરમાંય બોરવેલ છે. અમે વર્ષો ભૂગર્ભજળની શોધ માટે વર્ષો જૂની શ્રીફળ પદ્ધતિમાં માનીએ છીએ. જે માટે અમે ગામના અનુભવી- નિષ્ણાત વ્યક્તિને બોલાવીએ છીએ. આ પ્રક્રિયામાં તેઓ હાથમાં શ્રીફળ લઈને ખેતરમાં આંટો મારે છે અને પાણી ક્યાં છે તે કહી બતાવે છે.”

તેઓ ભૂગર્ભજળનો અંદાજ મેળવવા માટેની અન્ય પદ્ધતિઓ અંગે વાત કરતાં કહે છે કે, “આ કામના અનુભવી માણસ ટીમરુ (જેનાં પાનમાંથી બીડી બનાવાય છે)ના ઝાડની નાની ડાળખી હાથમાં લઈને ચાલે અને જે સ્થળે તે ઊભા રહી જાય ત્યાં પાણી મળે છે.”

તેઓ ભૂગર્ભજળ અંગે અંદાજ મેળવવા માટે આધુનિક સમયમાં વિકસાવાયેલી પદ્ધતિઓ અંગે જાણતા હોવાનું જણાવતાં કહે છે કે, “આ કામ માટે મશીનો ચોક્કસ વિકસિત કરાયાં છે. પરંતુ જો અમને શ્રીફળ જેવી પદ્ધતિઓથી ચોક્કસ પરિણામ મળતાં હોય તો અમે શા માટે મશીનોનો ઉપયોગ કરીએ. છેવટે મશીન મોંઘાં પણ હોય છે. ભૂગર્ભજળ વિશે જાણકારી મેળવવા માટેની મશીનો રાખવાનું માત્ર મોટા ખેડૂતોને પરવડે એવું છે. અમે તો પરંપરાગત પદ્ધતિથી જ સંતુષ્ટ છીએ.”

આવા જ બીજા ખેડૂત છે ગાંધીનગરના દહેગામ તાલુકાના મોહનલાલ. તેમણે પોતાના ખેતરમાં બોર ખોદવાની જગ્યા નિશ્ચિત કરવા માટે 'બ્રાહ્મણ બોલાવ્યા' હોવાનું જણાવ્યું હતું.

મોહનલાલ જણાવે છે કે, “હું ખેતરમાં બટાકા, મગફળી અને કપાસની ખેતી કરું છું. અમે ગામના બ્રાહ્મણને બોલાવ્યા અને તેમના સૂચન પ્રમાણે બોરવેલ ખોદવાનું નક્કી કર્યું હતું.”

જામનગરના ચંદ્રગઢ ગામમાં રહેતા કમલેશભાઈ ઢોલરિયા પણ ખેડૂત છે. તેઓ ભૂગર્ભજળની તપાસ અંગેની વધુ એક પરંપરાગત રીતનો અમલ કરી બોર ખોદાવ્યા હોવાની વાત કરે છે.

“અમારે ચાર બોર છે, અમારા પાડોશી ખેતરમાં ચાલીને ભૂગર્ભજળનું ચોક્કસ સ્થાન અને ઊંડાઈ અંગે અંદાજ કાઢવામાં નિષ્ણાત છે.”

“તેઓ લાકડી પકડીને ચાલે અને ભૂગર્ભજળ અંગે અંદાજ મૂકે છે. અમારા પાડોશીને આ બાબતે કુદરતની દેન છે. તેમણે કરેલા અનુમાન પ્રમાણે દરેક વખત જમીનમાંથી પાણી મળી આવ્યું છે.”

તેઓ આ પદ્ધતિ વિશે વાત કરતાં કહે છે કે, “આવી રીતે લાકડી લઈને ચાલીને નિષ્ણાત ખેતરમાં ચાર-પાંચ જગ્યા બતાવે છે. એક પછી એક આ સ્થળોએ બોર ખોદવાનું કામ ચાલુ કરાય છે. 100 ફૂટ જેટલું ખોદકામ કર્યા છતાં પાણી ન મળે તો બીજા સ્થળે ખોદકામ કરાય છે. જે પૈકી એકાદમાં તો પાણી મળી જ જાય છે.”

કમલેશભાઈ પણ આધુનિક વૈજ્ઞાનિક તકનીકોની મર્યાદા અંગે દાવો કરતાં કહે છે કે ગામમાં આ પ્રક્રિયા માટે ઘણા લોકોએ મશીનોનો ઉપયોગ કર્યો છે, તેમ છતાં પાણી ન નીકળ્યાના બનાવો નોંધાયા છે, ઉપરાંત આ પ્રક્રિયા ‘ખૂબ ખર્ચાળ’ છે.

ભૂગર્ભજળની ઊંડાઈ તપાસવાની વૈજ્ઞાનિક રીતો કઈ છે?

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં નિવૃત્ત પ્રોફેસર ડૉક્ટર ક્રિષ્ના તિવારીએ ભૂગર્ભજળની નિશ્ચિત ઊંડાઈ અને સ્થિતિ તપાસવા માટેની પદ્ધતિઓ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી. તેમના જણાવ્યાનુસાર આ પદ્ધતિઓ વડે ગમે તે વ્યક્તિ ભૂગર્ભજળની ઊંડાઈ અંગે નિશ્ચિત અનુમાન કરી શકે છે.

ડૉક્ટર ક્રિષ્નાએ હાઇડ્રોજિયોલૉજીમાં પીએચ. ડી. કર્યા ઉપરાંત સાસણગીર, અંબાજી અને પાવાગઢમાં આ ક્ષેત્રે વ્યાપક કામ કર્યું છે.

તેઓ ભૂગર્ભજળની ઊંડાઈ અને સ્થિતિ જાણવા માટે ઉપલબ્ધ વૈજ્ઞાનિક પદ્ધતિ વિશે વાત કરતા કહે છે :

“આ કામ માટેની એક મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિમાં વિદ્યુત પ્રતિરોધનો સિદ્ધાંત પાયારૂપ છે. આ પદ્ધતિ ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટીના નિયમ પર આધારિત છે.”

“આ પદ્ધતિ માટે ઉપયોગમાં લેવાતા સાધનનું નામ પણ મૂળ સિદ્ધાંતની માફક ઇલેક્ટ્રિક રેસિસ્ટિવિટી છે. પદ્ધતિમાં ડિવાઇસના વાયર એટલે કે ઇલેક્ટ્રૉડને જમીનમાં આઠથી દસ ઇંચ ઊંડે સુધી ઉતારાય છે. જે જમીનમાં ભૂગર્ભજળની સ્થિતિ જાણવાની હોય ત્યાં આ પદ્ધતિ અનુસરીને વાયરમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરાય છે.”

ડૉ. ક્રિષ્ના આ ડિવાઇસના કામ અંગે વધુ સમજ આપતાં કહે છે કે, “વિદ્યુતપ્રવાહ પસાર કરાયા બાદ ડિવાઇસની રીડિંગ પરથી ભૂગર્ભજળ અંગે ચોક્કસ અંદાજ મેળવી શકાય છે. આની મદદથી જે-તે સ્થળે ભૂગર્ભમાં જળ છે કે કેમ તેની, પાણીની હાજરીની સ્થિતિમાં તેના પ્રકાર અંગે પણ ચોક્કસ માહિતી મળે છે.”

તેમણે આપેલી માહિતી અનુસાર આ પદ્ધતિ વડે ભૂગર્ભજળના પ્રવાહ અને પ્રમાણ અંગે પણ ચોક્કસ માહિતી મેળવી શકાય છે. તેઓ કહે છે કે, “સાધનની મદદથી તમામ માહિતી મેળવ્યા બાદ આ ડેટાનું સોફ્ટવૅરની મદદથી અર્થઘટન કરાય છે.”

ડૉક્ટર ક્રિષ્ના આ સિવાય વધુ એક વૈજ્ઞાનિક તકનીક રેઝિસ્ટિવિટી ઇમેજિંગ સિસ્ટમ અંગે જણાવે છે. તેઓ તેને આ કામ માટેની સુધારેલ તકનીક ગણાવે છે.

તેઓ આ નવી સુધારેલ પદ્ધતિની કાર્યપ્રણાલી અંગે જણાવતાં કહે છે કે, “આ તકનીકમાં જે જમીનમાં ભૂગર્ભજળ અંગે અંદાજ મેળવવાનો હોય તેમાં સુધારેલ સાધનના 12થી 24 ઇલેક્ટ્રોડ નખાય છે. જેની મદદથી સોફ્ટવૅર મારફતે જમીન અને તેની અંદરનાં તત્ત્વોની દ્વિપરિમાણીય તસવીર મળે છે. માત્ર એકથી દોઢ કલાકમાં તેનું પરિણામ મળી જાય છે. જે આપણે કમ્પ્યૂટર મારફતે જોઈ શકીએ છીએ.”

આ મુદ્દે એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર હેમાન મજીઠિયા જણાવે છે કે, “જો જમીનમાં રેતાળ પથ્થરોનું પ્રમાણ વધુ હોય તો તેમાં ભૂગર્ભજળ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ જો તેના સ્થાને પથરાળ જમીન હોય તો તેમાં પાણી શોષાતું ન હોઈ ભૂગર્ભજળનું પ્રમાણ ઓછું જોવા મળે છે.”

ગુજરાત જળ સંસાધન વિકાસ નિગમ લિમિટેડના (જીડબ્લ્યૂઆરડીસીએલ) અધીક્ષક ઇજનેર પિનાકીન વ્યાસના મતે ભૂગર્ભજળનું પ્રમાણ વર્ષના જુદા જુદા ભાગોમાં અલગ જોવા મળે છે.

“શિયાળાના અંતે અને ઉનાળા દરમિયાન બરફ ઓગળવાને કારણે તેમજ ચોમાસા દરમિયાન સારા વરસાદની સ્થિતિમાં ભૂગર્ભજળની સપાટી ઊંચી આવે છે.”

“ઉનાળા દરમિયાન વનસ્પતિનાં વૃદ્ધિ-વિકાસ, ગરમ આબોહવા અને બાષ્પીભવન જેવી સ્થિતિને કારણે ભૂગર્ભજળની સપાટીમાં ઘટાડો નોંધાય છે.”

વૃક્ષો અને જંતુ હોઈ શકે ભૂગર્ભજળની હાજરીનાં સૂચક?

ભૂગર્ભજળના અંદાજ માટેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે સમજાવ્યા બાદ ડૉ. ક્રિષ્ના ભૂગર્ભજળની સ્થિતિ અંગે કેટલાક અંશે ખ્યાલ આપતી અન્ય કુદરતી રીતો અને સૂચકો વિશે વાત કરે છે.

તેઓ કહે છે કે, “વૈજ્ઞાનિક પદ્ધતિઓ સિવાય આ હેતુ માટે હાઇડ્રોબાયૉલૉજિકલ ઇન્ડિકેટર તરીકે ઓળખાતી પદ્ધતિ ઉપયોગી સાબિત થાય છે.”

“આમાં વૈજ્ઞાનિકો ભૂગર્ભમાં પાણીની ઊંડાઈનો અંદાજ કાઢવા માટે વૃક્ષો અને જંતુઓની હાજરીની તપાસ કરે છે. આ પદ્ધતિઓનું વર્ણન વારામિહિરના પુસ્તક 'બૃહત્સંહિતા'માં પણ કરાયું છે, જે છોડનો જ્ઞાનકોશ કહેવાય છે.”

ડૉ. ક્રિષ્ના આ પદ્ધતિ અંગે વધુ માહિતી આપતાં કહે છે કે આ પદ્ધતિમાં વૈજ્ઞાનિકો લીમડો, નાળિયેર, તાડ અથવા ખજૂર જેવાં વૃક્ષોની વૃદ્ધિ અને વૃદ્ધિની દિશાની તપાસ કરે છે.

“આ બધાં વૃક્ષોની શાખા નમેલી નથી હોતી. પરંતુ કેટલીક વાર આ વૃક્ષોની શાખા અસામાન્યપણે નીચેની તરફ નમી જતી હોય છે. જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે તે જે-તે જમીનમાં ભૂગર્ભજળનું નોંધપાત્ર પ્રમાણ સૂચવે છે.”

ડૉ. ક્રિષ્ના જણાવે છે કે વૃક્ષો ઉપરાંત જંતુની હાજરી પણ ભૂગર્ભજળ અંગે ઘણું કહી દે છે.

“ઊધઈ પણ આવાં જ સૂચકો પૈકી એક છે. જે જમીન કે ખેતરમાં ઊધઈનો રાફડો હોય, ત્યાં ભૂગર્ભજળ મળી આવવાની સંભાવના વધુ હોય છે. આવી જમીનમાં ખૂબ ઓછી ઊંડાઈએ પાણી મળવાની શક્યતા હોય છે.”

આ બધાં સૂચકો ભૂગર્ભજળની અંદાજપ્રક્રિયાને સરળ બનાવે છે.

ડૉ. ક્રિષ્ના કહે છે કે, “આ પ્રક્રિયા બાદ વૈજ્ઞાનિકો વિદ્યુતવહનની પદ્ધતિનો ઉપયોગ કરી ભૂગર્ભજળની સ્થિતિ અંગે ચોક્કસ અનુમાન મેળવી શકાય છે. આ બંને પદ્ધતિઓના સંયોજનથી સમય અને નાણાં બચાવી શકાય છે.”

ડૉક્ટર ક્રિષ્ના કહે છે કે નાળિયેર અથવા સૂકી લાકડીઓ અથવા મંત્રો અથવા તાંબાના સળિયાનો ઉપયોગ કરવાની પદ્ધતિઓ અંધશ્રદ્ધાળુ અને અવૈજ્ઞાનિક છે.

ડૉક્ટર ક્રિષ્ના ‘અનુભવ, અંદાજ આધારિત ભૂગર્ભજળની સ્થિતિ જાણવા માટેની પદ્ધતિ’ઓને અંધશ્રદ્ધાપૂર્ણ ગણાવે છે.

તેઓ કહે છે કે, “નાળિયેર, સૂકી લાકડી, મંત્રો અને તાંબાના સળિયાનો ઉપયોગ કરી ભૂગર્ભજળની સ્થિતિ અંગે તાગ મેળવવાની પદ્ધતિઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.”

તેઓ આ પરંપરાગત પદ્ધતિમાં મળેલી સફળતા અંગે તર્ક આપતાં કહે છે કે, “આ પદ્ધતિ સફળ થવાનું એકમાત્ર કારણ એ છે કે તેઓ પહેલેથી જ જાણે છે કે આસપાસના વિસ્તારના કૂવામાં પાણી છે અને આવા વિસ્તારમાં ભૂગર્ભજળની હાજરીની શક્યતા પ્રબળ હોય છે.”

જીડબ્લ્યૂઆરડીસીએલના અધીક્ષક ઇજનેર પિનાકીન વ્યાસ ભૂગર્ભજળની તપાસ અંગેની પરંપરાગત પદ્ધતિઓ વિશે વાત કરતાં કહે છે :

“આ પદ્ધતિ અનુસરતા લોકો અનુભવના આધારે કામ કરે છે. તેઓ જે તકનીકનો ઉપયોગ કરે છે એ માત્ર તેમના આત્મસંતોષ પૂરતી છે. જો ભૂગર્ભમાં પાણી હોય તો જે-તે નિકટના ખેતરમાં પાણીની હાજરી હોવાનું સ્વાભાવિક છે. સામાન્ય રીતે નાના વિસ્તારમાં ભૂગર્ભજળની હાજરીમાં મોટો ફરક નથી દેખાતો.”

ભૂગર્ભજળની તપાસ માટે સરકાર શું કરી રહી છે?

પિનાકીન વ્યાસ કહે છે કે સરકારે ભૂગર્ભજળને લગતા ડેટા મેળવવા માટે દર 20 કિલોમીટરે એક ‘ગ્રાઉન્ડ વૉટર મૉનિટર કૂવો’ ખોદવાનું ઠરાવ્યું છે.

તેઓ કહે છે કે, “આ કૂવાની પાઇપમાં ફ્લો મીટર મૂકીને ભૂગર્ભજળના પ્રમાણ અંગે માહિતી મેળવાય છે.”

“ગુજરાતમાં કેટલાંક ગામોમાં અટલ ભૂજલ યોજના લાગુ છે. આ દરેક ગામમાં ખોદાયેલા ‘મૉનિટરિંગ કૂવા’માં જુદી જુદી દિશામાં સાત ફ્લો મીટર લગાવાયાં છે. તેમાંથી અમારી ટીમ વર્ષમાં બે વખત પાણીનું લેવલ અને ગુણવત્તાના નમૂના એકત્રિત કરે છે.”

વ્યાસ ભૂગર્ભજળ અંગે ડેટા એકત્રિત કરવાની પ્રક્રિયા અંગે વધુ જણાવતાં કહે છે કે, “આવી રીતે એકત્રિત કરાયેલા નમૂનાનું લૅબમાં વિશ્લેષણ કરાય છે. જેથી ભૂગર્ભજળમાં થતા ફેરફારોની નોંધ લઈ શકાય છે. દર વર્ષે ચોમાસા પહેલાં અને પછી સરકાર આ કૂવા વડે ભૂગર્ભજળનું માપ કાઢે છે.”

ગુજરાતમાં ભૂગર્ભજળની સ્થિતિ કેવી છે?

વિશ્વ બૅંન્કના એક અહેવાલ અનુસાર ભારત ભૂગર્ભજળ મામલે સૌથી મોટો વપરાશકર્તા દેશ છે.

દર વર્ષે દેશમાં અંદાજિત 230 ઘન કિમી ભૂગર્ભજળનો ઉપયોગ કરાય છે. જે કુલ વૈશ્વિક વપરાશનો ત્રીજો ભાગ છે.

ગુજરાત રાજ્યનો કુલ ભૌગોલિક વિસ્તાર આશરે 196 લાખ હેક્ટર છે. જે પૈકી 125 લાખ હેક્ટર ખેતીલાયક વિસ્તાર છે, જે કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર 63% જેટલો છે.

તે પૈકી માત્ર 60.14 લાખ હેક્ટરમાં જ સિંચાઈની સગવડ છે અને લગભગ 53% એટલે કે 67.59 લાખ હેક્ટરમાં સિંચાઈની સુવિધા અપ્રાપ્ય છે.

ગુજરાતની ગણતરી ભૂગર્ભજળનું સૌથી ઊંડું સ્તર ધરાવતાં રાજ્યોમાં થાય છે. દેશનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભૂગર્ભજળની ઊંડાઈ બાબતે રાજ્ય આઠમા ક્રમે છે.

ગુજરાતના 31 તાલુકામાં ભૂગર્ભજળનું સ્તર ‘અતિ જોખમી’, 12 ‘જોખમી’ અને 69 ‘મધ્યમ કક્ષાના જોખમી’ કૅટગરીમાં મુકાયા છે.

સત્તાવાર ડેટા પ્રમાણે 60.14 લાખ હેક્ટર સિંચાઈવાળી જમીનમાંથી માત્ર 9.13 લાખ હેક્ટરમાં જ નહેર મારફતે સિંચાઈ થાય છે.

બાકીની જમીનમાં સિંચાઈ કૂવા અને અન્ય સ્રોતો મારફતે થાય છે.

સપાટીના પાણીથી આવરાયેલ સિંચાઈ વિસ્તાર 18 લાખ હેક્ટર છે અને ભૂગર્ભ જળથી આવરી લેવાયેલ સિંચાઈ વિસ્તાર 20 લાખ હેક્ટર છે.