You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું ગુજરાતના ખેડૂતો બદલાતા ચોમાસાને લીધે આ પાક નહીં લઈ શકે?
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
“ચોમાસામાં પાછોતરો વરસાદ પડવાથી બાજરીનો પાક ખરાબ થઈ જાય છે. તેનાથી બાજરીના દાણાને નુકસાન થાય છે. પાછલાં ઘણાં વર્ષોથી આ પાછોતરો વરસાદ પડી રહ્યો છે. આ વાત બાજરીના પાક માટે નિશ્ચિતપણે એક સમસ્યા છે.”
બનાસકાંઠાના થરાદના ખેડૂત વશરામભાઈ ચોમાસુ બાજરીના પાક અને તેની સમસ્યા વિશે જણાવતાં આ વાત કહે છે.
તાજેતરમાં જ આઈસીએઆર-એઆઈસીઆરપી (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચર રિસર્ચ – ઑલ ઇન્ડિયા કૉર્ડિનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ)ના એક રિપોર્ટમાં ભારતમાં બાજરીના વાવેતર મામલેના રિઝોનિંગ એટલે કે ફરીથી ઝોનનું વર્ગીકરણ કરવાની વાત કહેવામાં આવી છે.
રિપોર્ટમાં એક અભ્યાસનો સંદર્ભ ટાંકી કહેવાયું છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદની પૅટર્ન બદલાઈ હોવાથી ફરીથી આ ઝોન પાડવાની જરૂર જણાઈ છે. તેમાં ગુજરાતના પણ ઝોનિંગ-સબઝોનિંગની વાત છે.
બાજરી ગુજરાતનો એક મુખ્ય ધાન્ય પાક છે. વિશ્વમાં ભારત બાજરીનું અગ્રણી ઉત્પાદક છે. બાજરીમાં ઘણા પોષકતત્ત્વો હોય છે. તે સૂકા, અર્ધ સૂકા પ્રદેશોમાં થાય છે. ચોમાસુ પાક એટલે કે ખરીફ પાક તરીકે પણ તેનું વાવેતર થતું હોય છે.
ખેડૂત વશરામભાઈ બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે, "10 સપ્ટેમ્બર પછી આવનારો વરસાદ ચોમાસુ બાજરી માટે નુકસાનકારક જ હોય છે. એમાં પણ પવન સાથેનો સતત વરસાદ વધુ નુકસાનકારક છે. એના કારણે બાજરીનો ઊભો પાક પડી જાય છે અને દાણા પણ ખરાબ થઈ જાય છે. મોટા ભાગે પાછોતરો વરસાદ આવતો જ હોય છે. તેનું પ્રમાણ વત્તું-ઓછું હોય છે."
ઉનાળુ બાજરીના વાવેતર માટે ઠંડી ઓછી થતાં 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધીનો સમય વધુ અનુકૂળ છે. આ સમય દરમિયાન વાવેતર કરવાથી દાણાનું વધુ ઉત્પાદન મળે છે.
ઠંડીમાં વાવેતર કરાતાં અંકુરણ મોડું અને ધીમું થાય છે. વળી, વાવેતર મોડું કરતાં પાક થૂલી અવસ્થામાં હોય ત્યારે ચોમાસાની શરૂઆત થતાં પાકને નુકસાન થવાની શકયતા છે. માર્ચ પછી વાવણી કરતાં ઉત્પાદન ઓછું મળે છે. ઘણા ખેડૂતો એપ્રિલ માસ સુધી બાજરીની વાવણી કરતા હોય છે જે હિતાવહ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખાસ કરીને ઉનાળુ બાજરીનું વાવેતર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પાટણ અને કચ્છ જીલ્લામાં પિયતની સગવડવાળા વિસ્તારમાં થાય છે.
આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ખેડા અને આણંદ જીલ્લામાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારના જૂનાગઢ, પોરબંદર અને અમરેલી જીલ્લામાં ઉનાળુ તથા ગીર-સોમનાથમાં પૂર્વ શિયાળુ ઋતુમાં પણ બાજરીનું વાવેતર થાય છે.
ક્લાઇમેટ ચેન્જના લીધે વરસાદની પૅટર્ન બદલાઈ છે. જેથી ચોમાસુ બાજરીના વાવેતર સામે પડકારો સર્જાવાની વાત અભ્યાસમાં બહાર આવી છે. તેના લીધે પ્રશ્ન સર્જાયો છે કે શું ભવિષ્યમાં ગુજરાતના ખેડૂતો ક્લાઇમેટ ચેન્જના લીધે ચોમાસું બાજરી નહીં પકવી શકશે?
ક્લાઇમેટ ચેન્જની અસર
ક્લાઇમેટ ચેન્જની બાજરીના પાક પરની નકારાત્મક અસરો અંગે બીબીસી ગુજરાતીએ ગુજરાતના બાજરી સંસોધન કેન્દ્રના વડા ડૉ. કે. ડી. મુંગરા સાથે વાતચીત કરી હતી. બાજરા સંસોધન કેન્દ્ર -જામનગરના વડા ડૉ. મુંગરાનું કહેવું છે બાજરીના વાવેતર મામલે હજુ પણ વધુ રિઝોનિંગ કરવાની જરૂર છે.
તેમણે કહ્યું હતું કે, “ગુજરાતમાં હવે ચોમાસુ બાજરીનું વાવેતર ઘટ્યું છે. વરસાદની પૅટર્ન બદલાઈ છે. વર્ષ 2000 પછી આ બદલાવ જોવા મળ્યો છે અને છેલ્લાં બે-ત્રણ વર્ષોમાં વરસાદ સિઝનના અંતે પડે છે. જેથી બાજરીના પાકને નુકસાન થાય છે.”
“વળી માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ખરીફ પાક પર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં ચોમાસુ બાજરીનું વાવેતર ઘટ્યું છે, જ્યારે ઉનાળુ બાજરીનું વાવેતર વધ્યું છે. ગુજરાત બાજરીના વાવેતર મામલે મૉડલ સ્ટેટ ગણાતું.”
ડૉ. મુંગરા બાજરીનો પાક લેવાની પૅટર્નમાં આવેલા બદલાવ અંગે વાત કરતાં કહે છે કે, “બારેમાસ બાજરીનું વાવેતર કઈ રીતે થઈ શકે એ જોવા માટે ગુજરાતની મુલાકાત લેવામાં આવતી. અહીં ખરીફ, પૂર્વ શિયાળુ પાક અને ઉનાળુ બાજરી એમ બારેમાસ બાજરી લેવાય છે. જોકે, ચોમાસામાં ખેડૂતો હવે બાજરીનું વાવેતર ઓછું કરે છે. અને ઉનાળામાં વધારે કરે છે.”
ડૉ. મુંગરા અનુસાર ચોમાસામાં પાછલા દિવસોમાં વરસાદના લીધે પાકના દાણાને નુકસાન થાય છે. તેની ગુણવત્તા બગડે છે અને ઉત્પાદન પણ ઘટે છે.
ચોમાસુ બાજરીનું વાવેતર સામાન્ય રીતે જુન-જુલાઈ માસમાં વરસાદ થતાં કરાય આવે છે. આથી ચોમાસુ બાજરીનું ફલિનીકરણ ઑગસ્ટ-સપ્ટેમ્બર માસમાં થાય છે.
બાજરીના ફલિનીકરણ વખતે વધુ વરસાદ પડે તો તેમના ડૂંડા ઉપરની પરાગરજ ધોવાઈ જવાથી દાણા ઓછા બેસે છે જેના કારણે ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે તેમજ બાજરીનાં ફૂલ આવવાની અવસ્થાએ વધુ વરસાદ હોય અને ભેજવાળું વાતાવરણ હોય તો બાજરીના પાકમાં ગુંદરિયાનો (અરગટ) રોગ આવવાથી ઉત્પાદન પર માઠી અસર થાય છે.
જો વરસાદ મોડો થાય એટલે કે 15 જુલાઈ પછી થાય અને બાજરીનું વાવેતર કરવામાં આવે તો પાકમાં કુતુલના રોગનું પ્રમાણ જોવા મળે છે અને ઉત્પાદન પર માઠી અસર થાય છે તેમજ ફૂલ આવવાની અવસ્થાએ તાપમાન ઊંચું જાય તથા વાતાવરણ સૂકું રહે તો અંગારિયાનો રોગ આવવાની શક્યતા રહે છે.
તેઓ રાજ્યમાં બાજરીના પાકની સ્થિતિ અંગે વાત કરતાં કહે છે કે ગુજરાતમાં કુલ સાડા ચાર લાખથી 5 લાખ હેક્ટરમાં બાજરીનું કુલ વાવેતર થાય છે.
જેમાં 1.5થી 1.45 લાખ હેક્ટર ચોમાસુ બાજરી જ્યારે 30 હજાર હેક્ટર પૂર્વ શિયાળુ બાજરી અને બાકી લગભગ 2.5 લાખ હેક્ટરમાં ઉનાળુ બાજરી લેવાય છે.
ગુજરાતમાં પ્રતિ હેક્ટર 1700 કિલો જેટલું ઉત્પાદન મળે છે.
તેઓ વધુમાં જણાવે છે, “રાજસ્થાન બાજરી ઉત્પાદનમાં અગ્રણી છે, જ્યારે ત્યાર પછી ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રનો ક્રમ આવે છે. ગુજરાત અને હરિયાણા સામાન્યપણે ચોથો પાંચમો ક્રમ પ્રાપ્ત કરતાં રહેતાં હોય છે.”
“1999 પહેલાં ભારતમાં માત્ર A અને B ઝોન હતા. પછી A1 ઝોન, A2 ઝોન એ રીતે ઝોનિંગ થયું. ત્યાર બાદ સબઝોનિંગ થયા. ગુજરાતનું કચ્છ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગો A1 ઝોનમાં આવ્યા, જ્યારે બાકીનું ગુજરાત A ઝોનમાં. જે હવે G ઝોન એટલે કે હેવી સોઇલ ઝોનિંગ પર છે. જેમાં પશ્ચિમ ભારતની વરસાદી પૅટર્નને ધ્યાનમાં લેવાઈ હતી. પરંતુ હજુ પણ વધુ રિઝોનિંગની જરૂર છે.”
ખેડૂતોનો અનુભવ
બીબીસીએ બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના એક ગામના ખેડૂત ઉત્તમભાઈ માળી સાથે બાજરીની ખેતી અંગેના તેમના અનુભવો વિશે જાણવા વાત કરી.
તેમનું કહેવું છે કે તેમના વિસ્તારના ખેડૂતોને સિંચાઈની દૃષ્ટિએ સમસ્યા નહીં હોવાથી વરસાદને લીધે બાજરીનો પાક લેવામાં મુશ્કેલી નથી આવતી. પરંતુ જો પાછોતરો વરસાદ થાય તો સમસ્યા આવી શકે છે.
ઉત્તમભાઈ કહે છે, “હાલ લણણી ચાલુ છે. વરસાદની આગાહી છે. જો આ દરમિયાન વરસાદ પડે તો પાકને નુકસાન જશે. મોટા ભાગે 10 સપ્ટેમ્બર પછી જો વરસાદ આવે અને સતત વરસે તો અમારે ચોમાસુ બાજરીને નુકસાન થઈ શકે છે.”
ઉપરાંત ડૉ. મુંગરાએ પણ જણાવ્યું હતું કે ગુજરાતના વિવિધ જિલ્લાના કેટલાક ખેડૂતો સાથેની તેમની વાતચીતમાં એ વાત સામે આવી હતી કે પાછોતરો વરસાદ ચોમાસુ બાજરી માટે સમસ્યારૂપ બન્યો છે.
વિશ્વમાં ભારત બાજરી ઉત્પાદનમાં ટોચે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી આંકડા અનુસાર વર્ષ 2017-18માં ભારતમાં 74 લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું હતું જેમાં 92 લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન થયું હતું. જે વર્ષ 2018-2019માં 86.14 લાખ મેટ્રિક ટન, 2019-20માં 103.63 લાખ મેટ્રિક ટન, વર્ષ 2020-21માં 108.63 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું.
બીજી તરફ ગુજરાતમાં ઉત્પાદન વર્ષ 2022-2023માં લગભગ 30 લાખ મેટ્રિક ટન રહ્યું હતું. વર્ષ 2017-18માં લગભગ 4 લાખ હેક્ટરમાં 9.65 લાખ ટન, વર્ષ 2018-19માં પણ લગભગ 4 લાખ હેક્ટરમાં 8.93 લાખ મેટ્રિક ટન, વર્ષ 2019-2020માં 4.5 લાખ હેક્ટરમાં 9.13 લાખ મેટ્રિક ટન, વર્ષ 2020-21માં 10.09 લાખ મેટ્રિક ટન, વર્ષ 2021-22માં 10.56 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું.
જમીન અને આબોહવા
બાજરાનો પાક લગભગ બઘા જ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે પરંતુ હલકી, રેતાળથી મધ્યમ કાળી જમીનમાં વધુ ઉત્પાદન આપે છે. જ્યાં બીજા પાકોનું સારી જમીનમાં વધુ ઉત્પાદન આપે છે.
જ્યાં બીજા પાકોનું સારી રીતે ઉત્પાદન ન લઈ શકાતું હોય તેવી જમીનમાં પણ બાજરાનો પાક સારું એવું ઉત્પાદન આપે છે. જેથી જમીનની પસંદગી તે અગત્યનું પરિબળ બની રહે છે. ઉત્તર ગુજરાતની રેતાળ તેમજ હલકી જમીનમાં મહત્તમ વાવેતર થાય છે.
જ્યારે ઉત્તર અને દક્ષિણ સૌરાષ્ટ્રની કાળી અને મધ્યમ કાળી જમીનમાં પણ બાજરી સફળતાપૂર્વક લઈ શકાય છે તેમજ મધ્યમ ગુજરાતની ગોરાળુ ફળદ્રુપ જમીનમાં પણ બાજરાો પાક લેવામાં આવે છે. આવી બદલાતી જમીનની પરિસ્થિતિઓ પ્રમાણે તેની ખેતી પદ્ધતિઓમાં પણ ફેરફાર કરવા પડે છે.
ખરીફ, રવી અને ઉનાળુ પાક
ભારતમાં ચોમાસામાં વાવણી કરવામાં આવતા પાકોને ખરીફ પાક કહેવાય છે. ખરીફ પાકની સામાન્ય રીતે જુલાઈ મહિનાનો પ્રથમ વરસાદ પડતાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન વાવણી કરાય છે.
બાજરી, ડાંગર, વરિયાળી, દિવેલા, ગુવાર, દેશી કપાસ, નાગલી, કપાસ, મરચી, તલ, જુવાર, સોયાબીન, અડદ, મકાઈ, તુવેર, મગફળી વિગેરેનો સમાવેશ થાય છે.
તેમજ ભારતમાં શિયાળામાં જેની વાવણી કરાય છે એ પાકોને રવી પાક કહેવામાં આવે છે. આ પાકની કાપણી શિયાળામાં નવેમ્બરથી એપ્રિલ માસમાં થતી હોય છે. ઘઉં, બાજરી, વટાણા, ચણા અને રાઈ મહત્ત્વના રવી પાકો છે.
ભારતના ઉત્તર તથા ઉત્તર-પૂવૅ ભાગ જેમ કે પંજાબ અને કાશ્મીર તથા પાકિસ્તાનના સિંધ પ્રદેશો ઘઉં તથા રવી પાકના ઉત્પાદન માટે જાણીતા છે.
તેમાં બાજરી, મકાઈ, વટાણા, ચણા, રાઈ, જીરું, ધાણા, ઘઉં, મેથી, ચણા, ડુંગળી, ટમેટાં, વરિયાળી, બટાકા, ઇસબગોળ, ઓટ, રજકો વગેરેનો સમાવેશ થાય છે.
માચૅથી જૂન મહિનામાં વાવણી કરવામાં આવતા પાકને ઉનાળુ પાક કહેવાય છે. આ પાક પૂરતા પાણીવાળી તથા ફળદ્રુપ પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે. ચોખા, બટાકા,મકાઈ વગેરે ઉનાળુ પાકો છે. બાજરી, ગુવાર, તલ, ચોળી, અડદ, ડાંગર, મગ, મગફળી, ભીંડા વગેરેનો તેમાં સમાવેશ થાય છે.
ક્લાઇમેટ ચેન્જ શું છે?
કેટલાંક વર્ષો દરમિયાન એક સ્થળના સરેરાશ હવામાનને ક્લાઇમેટ કહેવામાં આવે છે. આ સરેરાશ હવામાનોમાં બદલાવને ક્લાઇમેટ ચેન્જ કહેવાય છે.
પણ હવે જે ઝડપે ક્લાઇમેટ ચેન્જ જોવા મળે છે તેની પાછળ માનવજાત દ્વારા ઑઇલ (ઈંધણ તેલ)નો ઉપયોગ, ઘરો, ફૅક્ટરી, વાહન-વ્યવહારમાં ગૅસ અને કોલસાનો ઉપયોગ કારણભૂત છે.
જ્યારે આ અશ્મિગત બળતણો બળે છે ત્યારે તે કેટલાક ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન કરે છે. તેમાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ (CO2) છે. આ બધા ગૅસ સૂર્યની ગરમીને ઘેરી લે છે, જેથી ગ્રહનું તાપમાન વધે છે.
19મી સદી કરતાં હાલ વિશ્વ 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ છે. એટલે કે તેનું તામપાન 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. વળી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 50 ટકા વધ્યું છે.
વૈજ્ઞાનિકો કહે છે કે જો આપણે ક્લાઇમેટ ચેન્જનાં દૂરગામી ગંભીર પરિણામોથી બચવું હોય તો તાપમાનમાં થતા વધારાને ફરજિયાત ધીમો પાડવો પડશે. તેઓ કહે છે કે ગ્લોબલ વૉર્મિંગ (જળવાયુ પરિવર્તન) 2100 સુધી 1.5 સેલ્સિયસ જ રાખવું પડશે.
જોકે, ભાવિ પગલાં નહીં લેવામાં આવે તો પૃથ્વીનું તાપમાન આ સદીના અંત સુધીમાં વધુ 2 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.
જો કંઈ જ નહીં કરવામાં આવે તો વૈજ્ઞાનિકો માને છે કે જળવાયુ પરિવર્તન 4 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી શકે છે.