You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતની સંસ્થાએ બનાવેલા બૂટ જે ખેડૂતોને જીવલેણ બીમારીથી બચાવી શકે છે
“મારા જ એક મજૂરને ચાર વર્ષ પહેલાં લૅપ્ટોસ્પાયરોસીસ રોગ લાગુ પડ્યો હતો. તેમને અમે હૉસ્પિટલ લઈ ગયા અને સારવાર કરાવી. અમે ફરીવાર આ પ્રકારનો રોગ અમારા મજૂરને નહીં થાય તે માટે ગમબૂટ લાવ્યા. પણ તે તેમને માફક નહીં આવ્યા કારણકે ગમબૂટમાં પાણી તો પગમાં જતું જ હતું. પણ હવે મજૂરો માટે મંત્રાએ ખાસ બૂટ બનાવ્યા હતા જેનું મટીરિયલ ખેતીકામ માટે માફક આવે તેવું છે તેથી અમે આ બૂટ અમારા મજૂરોને આપ્યા.”
આ શબ્દો છે સુરતના ખેડૂત અલ્પેશ પટેલના. તેમના મત પ્રમાણે હવે આ પ્રકારના બૂટ પહેરવાથી તેમના મજૂરોમાં લૅપ્ટોસ્પાયરૉસીસ નામની બીમારીનું જોખમ ઘણુ ઓછું થઈ ગયું છે.
દક્ષિણ ગુજરાતમાં લૅપ્ટોસ્પાયરૉસીસ નામની બીમારી અનેક ખેડૂતોનાં મૃત્યુનું કારણ બની છે. ખુલ્લા પગે ખેતી કરતા ખેડૂતોને માથે આ રોગનું જોખમ હંમેશાં તોળાતું રહે છે. પણ હવે તેમને આ બીમારીથી બચાવવા માટે એક ખાસ પ્રકારના બૂટ તૈયાર થયા છે.
બૂટ તૈયાર કરનારા સંશોધકોનો દાવો છે કે તે પહેરવાને કારણે ખેડૂતોને આ રોગ સામે રક્ષણ મળી શકે છે.
આ બૂટમાં વપરાતું ફેબ્રિકનું મટિરિયલ સુરતમાં જ બનાવવામાં આવ્યું છે. તેનું વૉટરપ્રૂફિંગ પણ સુરતમાં જ થાય છે.
સુરતમાં ટેક્સ્ટાઇલ ક્ષેત્રની સંસ્થા મૅન મેઇડ ટેક્સ્ટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ એટલે કે મંત્રા દ્વારા ખેડૂતોના જીવ બચાવવા આ પ્રકારના ખાસ પ્રૉટેક્ટિવ શૂઝ તૈયાર કરાયા કરવામાં આવ્યા છે.
આ બૂટ શું કામ કરે છે?
દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં લાંબા સમયથી લૅપ્ટોસ્પાયરોસીસની બીમારી ઘણા ખેડૂતો માટે જીવલેણ સાબીત થઈ રહી છે. ખાસ અંતરિયાળ વિસ્તારોમાં હાહાકાર મચાવી ચૂકેલી આ બીમારીથી ખેતમજૂરોને સુરક્ષિત રાખવા માટે હાલ મંત્રાએ ખાસ પ્રકારનું ફૅબ્રિક તૈયાર કરીને પ્રૉટેક્ટિવ શુઝ બનાવ્યા છે.
મંત્રા એ મિનિસ્ટ્રી ઑફ સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજી દ્વારા પ્રમાણિત રિસર્ચ સંસ્થા છે. જે 1981થી સુરતમાં કાર્યરત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સંસ્થા દ્વારા હાલ ખેતમજૂરો માટે ઓછા વજનવાળા અને વૉટરપ્રૂફ શૂઝ બનાવવામાં આવ્યા છે. આ પ્રૉટેક્ટિવ કીટ બનાવવા માટે સુરતમાં બનતા પૉલિસ્ટર કાપડ પર વૉટર રિપેલન્ટ ઍન્ટિમાઇક્રોબિયલના પ્રોસેસથી ખાસ કાપડ તૈયાર કરવામાં આવે છે. આ સંસ્થામાં રિસર્ચ કરતા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમણે દેશમાં પહેલીવાર આ પ્રકારનું ફૅબ્રિક તૈયાર કર્યું છે.
મંત્રાના સિનિયર સાયન્ટિસ્ટ ભરત ચૌહાણ બીબીસીના સહયોગી રૂપેશ સોનવાણે સાથેની વાતચીતમાં કહે છે, “ખેડૂતોને જે લૅપ્ટોસ્પાયરોસીસ નામની બીમારી થાય છે તેનાથી બચવા માટે આ ફૅબ્રિક તૈયાર કરવામાં આવ્યું છે. જે પહેરવાને કારણે તેમાં અંદર પાણી જતું નથી. જેથી પાણીના જંતુ કે જીવાણું તેમના પગને ચેપ ન લગાડે.”
પ્રાણીનાં મળ-મૂત્ર ખેતરનાં પાણીના સંપર્કમાં આવવાથી સડે છે અને એમાંથી ઉત્પન્ન થતો વાઇરસ ખેતરમાં ખુલ્લા પગે કામ કરતા ખેડૂતો અને ખેત મજૂરોના પગમાં પડેલા ઘા અથવા ચીરા મારફતે શરીરમાં પ્રવેશ કરે છે.
હવે મંત્રાનો દાવો છે કે જો ખેડૂતો તેમના બનાવેલા આ ઓછા વજનવાળા અને વૉટરપ્રૂફ બૂટ પહેરીને ખેતી કરશે તો તેઓ આ બીમારીથી બચી શકે છે.
મંત્રાના વૈજ્ઞાનિક અક્ષય ચૌહાણ બીબીસીને જણાવે છે, “અમે જે બૂટ બનાવ્યા છે તેના નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ટ્રાયલ પણ કરવામાં આવ્યાં છે. ત્યાં કામ કરતા ખેડૂતોને આ બૂટ સપ્લાય કરેલા છે. આ ઉપરાંત વ્યારા, કિમ ઉપરાંત સુરતની આજુબાજુના વિસ્તારમાં અમે ખેડૂતોમાં જાગૃતિ પ્રોગ્રામ પણ કરીએ છીએ.”
ખેડૂતોનું શું કહેવું છે?
આ બૂટ વજનમાં હલકા અને પહેરવામાં સરળ હોવાથી ખેડૂતોને માફક આવી ગયા છે.
ખેડૂત અલ્પેશ પટેલ બીબીસીને જણાવે છે કે, “અમે અમારા ખેતરમાં કામ કરતા ખેડૂતોને આ બીમારીથી બચાવવા માટે ગમબૂટ લાવ્યા પણ તેમાં પાણી અને કાદવ જતા રહેતા હતા. તેમને ફાવતા નહોતા તેથી તેમણે ગમબૂટ અમને પાછા આપી દીધા. તેમણે કહ્યું કે તેમને આ ગમબૂટ ફાવતા નથી. પણ મંત્રા કંપનીએ જે બૂટ બનાવ્યા છે, તેનાથી ખેડૂતો કામ સરળતાથી કરી શકે છે. હવે આ બૂટ પહેરાવીને જ અમે મજૂરો પાસે કામ કરાવડાવીએ છીએ. તે પહેરવાથી તેમને કોઈ સમસ્યા આવતી નથી.”
આમ આ પ્રૉટેક્ટિવ બૂટ સાથે કામ કરતા ખેડૂતોને હવે ખેતરમાં કામ કરતા લૅપ્ટોસ્પાયરોસીસની બીમારી થવાનો ડર ઓછો થયો છે.
મંત્રા સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ બૂટ માત્ર ખેડૂતો માટે જ નહીં પરંતુ સરહદ પર કાદવ-કીચડમાં કામ કરતા જવાનો માટે પણ ઉપયોગી છે.
મંત્રાના ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. પંકજ ગાંધી કહે છે, “મંત્રાએ જે ટેકનૉલૉજી વિકસાવી છે તે બોર્ડર પર કામ કરતા જવાનોને પણ ઉપયોગી થઈ પડે તેમ છે. ભારતમાં એવા સરહદી વિસ્તારો પણ છે જ્યાં રાઇસ ફિલ્ડ જેવી સ્થિતિ છે.”
મંત્રાના સિનિયર સાયન્ટિસ્ટ મુંજાલ પરીખ કહે છે, “આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના ટેક્સ્ટાઇલ મંત્રાલયે સ્પોન્સર્ડ કર્યો હતો. કુલ ખર્ચના 70 ટકા ટેક્સ્ટાઇલ મંત્રાલયે આપ્યા છે.”