ગુજરાત : બનાસકાંઠાનાં ભારત-પાકિસ્તાન સરહદ પાસેનાં આ ગામો લોકો છોડી કેમ રહ્યા છે?

    • લેેખક, પાર્થ પંડ્યા
    • પદ, બીબીસી સંવાદદાતા, બનાસકાંઠાથી પરત આવીને

"રણનો ખાર હવે તો ખેતરોની જમીનમાં આવી ગયો છે એટલે હવે ખેતી થાય એમ નથી. ગામાં ઘાસચારો ન હોય, પાણી ખારું હોય તો પશુપાલન પણ કઈ રીતે કરવું? ગામનાં મકાન પર પણ હવે રણનો ક્ષાર બાઝી જાય છે અને પીવાનું પાણી પણ ખારું છે."

"પહેલાં ખાલી ખેતરો સુધી રણ પહોંચ્યું હતું, હવે તો ધીરે-ધીરે ગામની અંદર સુધી રણ આવી ગયું છે. અમારાં ગામના ઓછામાં ઓછા 100 પરિવાર ગામ છોડીને જતા રહ્યા છે અને હજી લોકો જઈ રહ્યા છે."

ખેડૂત ભૂરાભાઈએ ઘડીક પોરો ખાધો અને અને કહ્યું "...હવે અમારાથી આ ગામમાં રહેવાય એમ નથી." આટલું બોલતા જ તેઓ ગળગળા થઈ ગયા. ભૂરાભાઈ આ વાત કરતા હતા બરાબર એ જ વખતે તેમની પાછળ લટકતા માળામાંથી ચકલી સાવચેતીભરી ચુપકીદીથી ઊડી ગઈ. આ ગામનાં અનેક ઘરની દશા આ પક્ષી વગરના માળા જેવી જ છે.

ભૂરાભાઈની વાત સાથે ગામના અન્ય ખેડૂત પચાણભાઈ પરમાર પણ સહમત થાય છે. તેઓ બોલ્યા, "અમારો ગુજારો જેના પર થતો હતો એ ખેતરો તો ખારાં થઈ ગયાં, તો હવે અમારે પણ આ ગામ છોડવું જ પડશે. અમે અમારાં પોતાનાં ખેતર હોવા છતાં મજૂરી કરીએ છીએ."

આ વાત બનાસકાંઠાના વાવ તાલુકાના ચોથરનેસડા ગામની છે, જે ભારત પાકિસ્તાન સરહદથી થોડા કિલોમિટર દૂર રણની અડીને આવેલું છે.

ગામની ભૌગૌલિક સ્થિતિ સમજાવતા પચાણભાઈ કહે છે કે "રણ પાસે અમારું ગામ છેલ્લામાં છેલ્લું છે, એ પછી કોઈ ગામ નથી. રણની પેલે પાર પાકિસ્તાન છે. અમારું આ ગામ જાણે સરહદ પર જ છે."

જોકે હવે ભારત-પાકિસ્તાન સરહદ પાસેનું આ ગામ લોકો છોડી રહ્યા છે એવું અહીંના આગેવાનો કહે છે.

લોકો ગામ છોડી કેમ રહ્યા છે?

દુનિયાના અનેક દેશોની જેમ ગુજરાતનાં ગામોમાં પણ રણ પગપેસારો કરી રહ્યું છે. ધીમે-ધીમે આગળ વધી રહેલા રણની અસર કચ્છના રણને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાનાં અનેક ગામોમાં જોવા મળી રહી છે. બનાસકાંઠાના વાત તાલુકાનાં બુકણા અને ચોથરનેસડા આવાં ગામો પૈકીનાં છે.

અમે આ ગામોની સ્થિતિ તપાસવા જ્યારે અમે પહોંચ્યા ત્યારે સૂરજ માથે ચડ્યો હતો અને જાણે ધરતીને ઓગાળી રહ્યો હતો. રણ પરથી વાતો ઝંઝાવાતી પવન ખેતરો પર જાણે સફેદ ધૂળની ચાદર પાથરતો જઈ રહ્યો હતો.

ચોથરનેસડામાં પહોંચ્યા તો 55 વર્ષના ખેડૂત પચાણભાઈ પરમાર અમને તેમનું ખેતર જોવા લઈ ગયા, તેમના ખેતરમાં મીઠા જેવો ક્ષાર પથરાયેલો હતો. ક્ષાર હાથમાં લઈને પચાણભાઈએ અમને બતાવ્યો અને કહ્યું કે "હવે તો અમારું અડધું ગામ રણ જેવું જ છે, જમીન ખારી થઈ ગઈ છે અને રણ હજી આગળ વધે છે."

એક સમય હતો જ્યારે પચાણભાઈનું આ ખેતર લીલુંછરક રહેતું હતું પણ હવે ખેતરની એ લીલાશ તેમની સ્મૃતિઓમાં બચી હતી. તેમણે પોતાની સ્મૃતિ ફંફોસતાં-ફંફોસતાં વાત શરૂ કરી, "મારા દાદા આ જ ખેતરમાં ખેતી કરતા હતા. બાજરી, ઘઉં, જુવાર બધા પાક થતા હતા. ધીમે-ધીમે રણનો ખાર આગળ આવ્યો એટલે ખેતર ખારું થઈ ગયું. હવે આ ખેતરમાં કંઈ પણ વાવો તો ઊગતું નથી."

પચાણભાઈના કહેવા પ્રમાણે આ વર્ષે આખા ખેતરમાં તેમણે બાજરી વાવી હતી, પણ કંઈ જ ન ઊગ્યું. પચાણભાઈની જેમ જ ચોથરનેસડા અને તેની આસપાસનાં ગામોના અનેક ખેડૂતોનાં ખેતર હવે બંજર થઈ ગયાં છે. રણની ખારાશ હવે માત્ર ખેતરો સુધી સીમિત રહી નથી, તે ગામનાં મકાનો, પાણી અને લોકોની જિંદગી સુધી પ્રસરી ચૂકી છે.

ચોથરનેસડાથી 20 કિલોમિટર દૂર આવેલું બુકણા ગામ પણ રણની અડીને આવેલું ગામ છે. બુકણા ગામના લોકો પણ મનના ભંડારિયામાં કેટકેટલી ફરિયાદો ભંડારીને બેઠા હતા; એક પછી એક ગામલોકો પોતપોતાની ફરિયાદ કહેવા લાગ્યા.

45 વર્ષના ખેડૂત જસવંતભાઈ બારોટે કહ્યું કે "અમારા ગામમાં તમે થોડા ફૂટ સુધી જમીન ખોદો તો ખારુંઝેર પાણી આવે છે. એ પાણીથી તમે હાથ ધૂઓ તો હાથ પર પણ ખાર બાઝી જાય છે."

"અમારા ગામમાં જેટલાં તળાવ છે એમાં પણ લૂણ જેવું ખારું પાણી છે. છેલ્લાં 20-25 વર્ષથી હું તો આ જ જોઉં છું, દિવસે ને દિવસે રણ આગળ વધતું જ જઈ રહ્યું છે. ખેતરો દિવસે ને દિવસે ખારાં થઈ રહ્યાં છે. ગામનાં તળાવો તો હું સમજનો થયો ત્યારથી મેં ખારાં જ જોયાં છે."

બુકણા ગામના સરપંચ વિહાજી રાજપૂતનું કહેવું હતું કે 2015માં આવેલા પૂરે ગામની સ્થિતિ બદથી બદતર કરી દીધી. તેઓ કહે છે કે "તેમના ગામમાં જમીન અને ભૂગર્ભજળ પહેલાંથી જ ખારાં હતાં અને 2015માં આવેલા પૂરમાં ખારું પાણી ગામની જમીનો પર ફરી વળ્યું, એ પછી પરિસ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ."

તેમણે કહ્યું કે "પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ગામના 20થી વધારે કુટુંબ કામની શોધમાં ગામ છોડી ચૂક્યા છે અને બીજાં ગામોમાં જઈને ભાગે ખેતર રાખીને કામ કરે છે."

‘અમારી તો જિંદગી પાણી ભરવામાં ખર્ચાઈ ગઈ’

બુકણા ગામના મહેન્દ્રસિંહ રાજપૂત ખેતીની સાથે કૉન્ટ્રાક્ટરનો વ્યવસાય કરે છે, તેઓ પણ સરપંચની વાત સાથે સહમત થાય હતા. તેમનું કહેવું હતું કે "પહેલાં ગામની બે બાજુ ફળદ્રુપ જમીન હતી, જે 2015 અને 2017માં આવેલા પૂર પછી ધીમે-ધીમે બિનઉપજાઉ થઈ ગઈ."

તેમણે કહ્યું, “ગામનો કેટલોક ભાગ એવો છે, જ્યાં ઘર પણ બની શકે એમ નથી. મકાન બનાવવા માટે પાયા ખોદીએ ત્યારે જમીન ખારી હોવાથી સ્ટ્રૅન્થ આવતી નથી."

મહેન્દ્રસિંહ પ્રમાણે અહીંનાં ગામોમાંથી થઈ રહેલા સ્થળાંતરનો પ્રશ્ન ઘણો મોટો છે. તેઓ કહે છે કે, “"જે લોકો સ્થળાંતર કરીને જાય એ લોકોનાં બાળકોના શિક્ષણ પર અસર થાય છે. ઘણી વાર કામ માટે જુદાં-જુદાં ગામોમાં પણ ફરવું પડે છે."

મહેન્દ્રસિંહે અમને ગામના કેટલાક તબેલા બતાવવા લઈ ગયા. તેઓ બોલ્યા "ગામના રબારીઓ પોતાના આ તબેલા એમના એમ મૂકીને ઢોર સાથે ગામ છોડીને ચાલ્યા ગયા છે."

બુકણા ગામના પુરુષો તો અમને એક ઓટલે મળી ગયા પણ ગામના ચોરે એકાદ પણ મહિલા ન દેખાઈ. બુકણા ગામની મોટાભાગની મહિલાઓ આજે પણ ઘૂમટો તાણે છે, એટલે અમે કેટલીક મહિલાઓ સાથે વાત કરવા તેમનાં ઘરે પહોંચ્યા.

અમે પહોંચ્યા ત્યારે નયનાબહેન બારોટ પાણી ભરીને જ આવ્યાં હતાં; તેમણે હાંફતાં-હાંફતાં કહ્યું કે "અમારી જિંદગી તો બહારથી મીઠું પાણી લાવવામાં જ ખર્ચાઈ ગઈ. અમારા ગામનાં મકાનોમાં, જમીનમાં અને ખેતરમાં રણનો ખાર પ્રસરી ગયો છે."

"ખેતરોમાં એ હદે ખાર પ્રસરી ગયો છે કે હવે ધાન પાકતું નથી, કોઈ જ પાક થતો નથી."

મંજુલાબહેન બારોટ તેમના આંગણામાં ભેંસોને ચારો નાખી રહ્યાં હતાં, તેઓ બોલ્યાં, "ના તો અમને મીઠું પાણી મળે છે કે ના તો ભેંસનો ખવડાવવા માટે ચારો મળે છે અને ના તો અમારા ખેતરમાં કંઈ ઊગે છે."

"પહેલાં અમારા ગામમાં જ ઢોરોને ખવડાવવા માટે ઘાસ ઊગતું હતું, હવે પૈસા ખર્ચીને બહારથી લાવીએ છીએ."

"અમારા ગામની જમીનમાં એ હદે ખાર પથરાયેલો છે કે એના પર ખૂલ્લા પગે ચાલીએ તો પગનાં તળિયાં બળવા લાગે છે."

બુકણા ગામની મહિલાઓની વ્યથા એકસરખી હતી, રણકાંઠાના આ ગામમાં સ્ત્રીઓનું જીવતર જાણે મૃગજળ જેવું છે.

  • ગુજરાત જ નહીં પણ આખા દેશના માથે રણીકરણનું જોખમ તોળાઈ રહ્યું છે. ભારતની નવ કરોડ 78 લાખ હેક્ટર જમીન પર રણ આગળ વધી રહ્યું છે, માર્ચ 2022માં રાજ્યસભામાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી અશ્વિની ચોબેએ માહિતી આપી હતી.
  • તેમણે કહ્યું હતું કે વર્ષ 2011-13 દરમિયાન ભારતમાં નવ કરોડ 63 લાખ હેક્ટર જમીન રણીકરણની અસર હેઠળ હતી, જે 2018-19માં વધીને નવ કરોડ 78 લાખ હેક્ટર થઈ ગઈ હતી.
  • ISROના અમદાવાદમાં સ્થિત સ્પેસ ઍપ્લિકેશન્સ સેન્ટરે 2021માં રણીકરણ અને બંજરભૂમિ અંગેનો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો, ભારત સરકારના મંત્રીએ આ રિપોર્ટના આધારે જ માહિતી આપી હતી.
  • આ રિપોર્ટ પ્રમાણે વર્ષ 2018-19માં ગુજરાતની એક કરોડ 96 લાખ હેક્ટર જમીનમાંથી એક કરોડ બે લાખ હેક્ટર કરતાં વધારે જમીનનું રણીકરણ થઈ રહ્યું હતું, એટલે કે ગુજરાતની 52.22 ટકા જમીન રણમાં ફેરવાઈ રહી છે અથવા બંજર બની રહી છે.
  • 2011-13 દરમિયાન આ પ્રમાણ 52.29 ટકા હતું અને 2003-05 દરમિયાન આ પ્રમાણ 51.35 ટકા હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2011-13થી વર્ષ 2018-19 સુધીમાં ગુજરાતમાં રણીકરણની ટકાવારીમાં 0.07 ટકાનો ઘટાડો નોંધાયો છે. આમ છતાં વૈજ્ઞાનિકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ફેલાઈ રહેલા રણ અંગે ચેતવણી આપે છે.

રણ ગુજરાતની જમીન કઈ રીતે ગળી રહ્યું છે?

રણના આગળ વધવાની પ્રક્રિયાને ગુજરાતીમાં રણીકરણ કહે છે. જેમાં રણની ખારાશવાળી જમીન આગળ વધે છે અને ધીમે-ધીમે ફળદ્રુપ જમીન રણ જેવી બંજર થઈ જાય છે અને આખેઆખાં ખેતરો નકામાં થઈ જાય છે. જમીનની સાથે-સાથે પાણી પણ ખારું થઈ જાય છે અને ધીમે-ધીમે રણની ખારાશ ગામ સુધી પહોંચી જાય છે.

આ પરિસ્થિતિ એટલી ખતરનાક છે કે સંયુક્ત રાષ્ટ્રે રણીકરણની સરખામણી ચેપી રોગ સાથે કરી હતી અને તેને ‘પૃથ્વીનો કૃષ્ઠરોગ’ ગણાવ્યો હતો.

ગુજરાતની લગભગ અડધી જમીન પર આ જ રીતે રણે પોતાનો સકંજો કસ્યો છે. વૈજ્ઞાનિકો આને મોટો ખતરો ગણાવે છે અને ચેતવણી આપે છે કે ગુજરાતની 52 ટકા જમીન રણમાં ફેરવાઈ રહી છે, જેના લીધે ફળદ્રુપ જમીન બંજરભૂમિ બની રહી છે.

રણના આગળ વધવા અને જમીનના ધોવાણ પાછળ કેટલાંક ચોક્કસ કારણો છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકૉલૉજીના ભુજમાં સ્થિત ડાયરેક્ટર ડૉ. વિજયકુમાર કહે છે કે રણીકરણ માટેનાં કારણો કુદરતી અને માનવસર્જિત એમ બંને પ્રકારનાં છે.

તેઓ કહે છે કે "સતત વધતી વસતી અને ક્લાઇમેટ ચેન્જની પણ અસર થાય છે, તેના કારણે રણની આગળ વધવાની અને જમીન બંજર થવાની પ્રક્રિયા ઝડપી બને છે."

આ ઉપરાંત વૃક્ષોનું નિકંદન કાઢવાથી પણ રણના આગળ વધવાની પ્રક્રિયા ઝડપી બને છે.

ISROના સ્પેસ ઍપ્લિકેશન સેન્ટરના રિપોર્ટ પર નજર કરીએ તો રણીકરણ મુખ્ય ત્રણ પ્રકારે થાય છે.

  • પાણીથી થતું ધોવાણ
  • ક્ષારના પ્રમાણમાં વધારો
  • વનસ્પતિ સૃષ્ટિમાં ઘટાડો

આ સિવાય પવનથી થતું ધોવાણ, પૂર, પાણીનો ભરાવો અને માનવનિર્મિત કારણોને લીધે પણ રણીકરણ થઈ રહ્યું છે અને બંજરભૂમિ વધી રહી છે.

આગળ વધતા રણને રોકવા સરકાર શું કરી રહી છે?

ગુજરાત જ નહીં પણ આખા દેશના માથે રણીકરણનું જોખમ તોળાઈ રહ્યું છે. ભારતની નવ કરોડ 78 લાખ હેક્ટર જમીન પર રણ આગળ વધી રહ્યું છે, માર્ચ 2022માં રાજ્યસભામાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી અશ્વિની ચોબેએ માહિતી આપી હતી.

તેમણે કહ્યું હતું કે વર્ષ 2011-13 દરમિયાન ભારતમાં નવ કરોડ 63 લાખ હેક્ટર જમીન રણીકરણની અસર હેઠળ હતી, જે 2018-19માં વધીને નવ કરોડ 78 લાખ હેક્ટર થઈ ગઈ હતી.

ISROના અમદાવાદમાં સ્થિત સ્પેસ ઍપ્લિકેશન્સ સેન્ટરે 2021માં રણીકરણ અને બંજરભૂમિ અંગેનો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો, ભારત સરકારના મંત્રીએ આ રિપોર્ટના આધારે જ માહિતી આપી હતી.

આ રિપોર્ટ પ્રમાણે વર્ષ 2018-19માં ગુજરાતની એક કરોડ 96 લાખ હેક્ટર જમીનમાંથી એક કરોડ બે લાખ હેક્ટર કરતાં વધારે જમીનનું રણીકરણ થઈ રહ્યું હતું, એટલે કે ગુજરાતની 52.22 ટકા જમીન રણમાં ફેરવાઈ રહી છે અથવા બંજર બની રહી છે.

2011-13 દરમિયાન આ પ્રમાણ 52.29 ટકા હતું અને 2003-05 દરમિયાન આ પ્રમાણ 51.35 ટકા હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2011-13થી વર્ષ 2018-19 સુધીમાં ગુજરાતમાં રણીકરણની ટકાવારીમાં 0.07 ટકાનો ઘટાડો નોંધાયો છે. આમ છતાં વૈજ્ઞાનિકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ફેલાઈ રહેલા રણ અંગે ચેતવણી આપે છે.

ગુજરાત સરકારના વન્ય અને પર્યાવરણ મામલાના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલે આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા એ વખતથી સરકાર આગળ વધતા રણને રોકવા માટે કટિબદ્ધ છે. એ માટે વૃક્ષોની દીવાલ બનાવવાનું અને ભૂગર્ભના જળસ્તર ઉપર લાવા માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ."

"ભૂગર્ભજળ માટે 2019માં 'અટલ ભૂજલ યોજના' શરૂ કરી હતી. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લીમાં આ યોજના કાર્યરત્ છે. ભૂગર્ભજળનું સ્તર ઉપર આવે એનાથી વેરાન વિસ્તારોમાં વૃક્ષો ઉગાડવામાં મદદ મળી રહી છે."

2021માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રણીકરણને રોકવા સંદર્ભે યોજાયેલા સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "આપણે હજી આ દિશામાં ઘણું કામ કરવાનું છે."

તેમણે કહ્યું હતું કે, "વર્ષ 2030 સુધીમાં બે કરોડ 60 લાખ હેક્ટર બંજરભૂમિને ફરી ઉપયોગી બનાવવાના લક્ષ્યની દિશામાં અમે કામ કરી રહ્યા છીએ."

આ ઉપરાંત માર્ચ 2023માં ભારત સરકાર દ્વારા 'અરવલ્લી ગ્રીન વૉલ પ્રોજેક્ટ'ની જાહેરાત કરાઈ હતી, જે અંતર્ગત રણીકરણને રોકવા માટે વૃક્ષોની દીવાલ ઊભી કરવાની યોજના છે. જે ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી રાજ્યોને આવરી લેશે. આ પ્રોજેક્ટમાં જળસ્રોતોને પુનર્જીવિત કરવાની કામગીરી પણ સામેલ છે.