હિંમતનગર : ‘કરોડોનો વીમો લઈ અકસ્માતમાં ગાડી સહિત મિત્રને ડુબાડી દેવાના’આરોપીની એ ભૂલ જે પોલીસ માટે કેસની ચાવી બની

'જયારે અમારા હાથમાં આ કેસ આવ્યો ત્યારે આ કેસ એક બ્લાઇન્ડ કેસ હતો. કોર્ટે આરોપીને નિર્દોષ છોડ્યો હતો, પણ વીમા કંપનીએ કરેલી ફરિયાદમાં દેખાતું હતું કે કંઈક અજુગતું બન્યું છે.'

'આ કેસમાં વીમો પકવીને કરોડપતિ થવા માટે ખૂન કરાયાની વાત દેખાતી હતી, પણ પુરાવા ન હતા. છેવટે વીમાના પૈસાથી સોનું ખરીદ્યું, ત્યાં એની પત્નીએ સોનાની બુટ્ટીની જીદ કરી હતી અને ખૂનીએ પોતાના નામે બિલ બનાવ્યું અને અમે એનાથી દોસ્તનું ખૂન કરી મોજ માણી રહેલા 58 વર્ષીય હસમુખ પટેલને પકડી પાડ્યો.'

કથિતપણે અકસ્માતમાં મિત્રનું મોત થયાનું બતાવી વીમા કંપની સાથે છેતરપિંડી અને હત્યાનો કેસ ઉકેલવાનો દાવો કરનારા ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) પીએસઆઇ મુકેશ બારોટ ઉપરોક્ત વાત કરે છે.

11 જુલાઈ, 2023ના રોજ પહેલાં ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગરના હડિયોલ ગામના રહેવાસી અને આ કેસમાં આરોપી હસમુખ પટેલની ધરપકડ કરાતાં સમગ્ર મામલો સ્થાનિક મીડિયામાં છવાઈ ગયો હતો.

આરોપી પર હત્યા, છેતરપિંડી સહિતના ગુનાઓને લગતી કલમો અંતર્ગત ફરિયાદ દાખલ કરાઈ છે.

પોલીસે કેસ અંગે આપેલી વિગતો મુજબ સ્થાનિક પોલીસને તારીખ પાંચ જુલાઈ 2023ના રોજ આરોપીએ 22 જુલાઈ, 2020 એ ખેડા જિલ્લાના કઠલાલ પાસે નહેરમાં અકસ્માતે કાર અને મિત્રને ડુબાડી ખોટી રીતે વીમો પકવવાને લગતી જીવન વીમા કંપનીના અધિકારીની ફરિયાદ મળી હતી.

આ કેસમાં મુખ્ય આરોપીએ જગાજી પરમાર (36 વર્ષ)ના નામે જીવન વીમા પૉલિસી લઈ અને તેમનાં પત્ની પાસેથી કથિતપણે ‘અંધારામાં રાખીને કાગળિયાં પર સહી’ કરાવી હતી. અને કથિતપણે પૉલિસીના પૈસા ‘ચાંઉ કરી’ લીધા હતા.

જગાજીનાં પત્નીનું કહેવું છે કે ‘આરોપીએ વીમો કરાવ્યાનું કહીને કાગળિયાં પર સહીઓ કરાવી પરંતુ પૈસા આપ્યા ન હતા.’

તેમના સંબંધીએ આરોપીએ ‘જગાજી પરમારનાં પત્ની પાસેથી પૈસા પડાવ્યા’ હોવાની વાત કરી હતી.

હસમુખ પટેલને ઓળખનારી એક વ્યક્તિએ તેઓ પહેલેથી ‘છેતરપિંડી’ આચરતા હોવાનો આક્ષેપ કર્યો, જ્યારે આરોપીના પક્ષે તમામ આરોપો અંગે આરોપીના પરિવાર તરફથી કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દેવાયો છે.

આ સમગ્ર ઘટના અંગે વધુ જાણકારી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ કેસના પક્ષકારો અને પોલીસ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે જણાવ્યું કેવી રીતે આચરવામાં આવ્યો ‘ગુનો’

પીએસઆઇ બારોટે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સમગ્ર ઘટનાની મહત્ત્વપૂર્ણ વિગતો આપી હતી.

તેમણે કહ્યું કે, “ચાલાક આરોપી હસમુખ પટેલે પોતાના મિત્ર જગાજી પરમારને મારવા કારસો ઘડ્યો હતો. તેણે હત્યા કરતાં પહેલાં તારીખ બીજી જુલાઈના રોજ માત્ર બે કલાકમાં પોતાના ફોનથી જગાજીના નામે 30-30 લાખની એવી સાત જીવન વીમા પૉલિસી લીધી.”

પોલીસના જણાવ્યાનુસાર આરોપીએ આ માટેનું પ્રીમિયમ પણ પોતાના ખાતામાંથી જ ચૂક્વ્યું હતું.

પોલીસ પ્રમાણે, “પૉલિસી લીધાના અમુક દિવસમાં જ તેણે કાર અકસ્માતમાં મિત્રનું મૃત્યુ થયાનું બતાવવા માટે યોજના ઘડી અને તેનો અમલ પણ કર્યો.”

આ બાબતને લઈને ‘કોઈને શંકા ન જાય એ હેતુથી આરોપીએ જગાજીનાં પત્નીને વારસદાર રાખ્યાં હતાં.’

પીએસઆઇ બારોટ કથિત હત્યા અંગે જણાવે છે કે, “હસમુખે જગાજીને મારવા માટે ઉત્તર ગુજરાતનો ખેડા જિલ્લો પસંદ કર્યો હતો. એ સમય કોરોનાનો હતો. તેણે યોજનાને અંજામ આપવા માટે રૂટની ઘણી વાર રેકી પણ કરી હતી.”

“યોજનાનો અમલ કરવા માટે આરોપીએ કઠલાલના લસુન્દ્રા ખાતેની નર્મદા કૅનાલનું સ્થળ પસંદ કર્યું હતું. તેણે કૃત્ય સીસીટીવી કૅમેરામાં ન કેદ થઈ જાય તેની કાળજી લીધી હતી. સાથે જ અકસ્માતની સાક્ષી પૂરવા માટે ઘટનાસ્થળે નજીકમાં રહેલા એસઆરપી પૉઇન્ટે રહેલા જવાનો મળી રહે એ બાબતનું પણ ધ્યાન રાખ્યું હતું.”

કથિત હત્યાની યોજના અંગે આગળ જણાવતાં પોલીસ અધિકારી જણાવે છે કે, “સમગ્ર પ્લાનમાં હસમુખની સૌથી મોટી ચૂક એ રહી કે તેણે આ માટેની તૈયારી વખતે મોબાઇલ ફોન સાથે રાખ્યો.”

આ કેસની તપાસ કરી રહેલા ખેડા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર કેવલ વેકરીયાએ ઘટના અંગે વાત કરતાં કહ્યું હતું કે, “હસમુખને ગુનેગાર સાબિત કરવા માટે આટલા પુરાવા પૂરતા ન હતા. 22 જુલાઈના રોજ ઝડપથી આવી રહેલી કાર પલટીને નર્મદા કૅનાલમાં પડી ગઈ હોવાની જુબાની નજીક ફરજ બજાવી રહેલા ત્રણ એસઆરપી જવાનોએ આપી હતી.”

પોલીસતપાસમાં સામે આવેલી વિગતો અનુસાર “આરોપીએ યોજના અનુસાર ઘટનાના દિવસે કૅનાલે જઈ કાર તેમાં નાખી દીધી હતી. એ સમયે આરોપી કાર ચલાવી રહ્યો હતો અને જગાજી પાછળની સીટ પર બેઠા હતા.”

“તક જોઈને આરોપી ગાડીમાંથી બહાર નીકળી ગયો, એ સારો તરવૈયો છે એટલે કિનારે આવીને બચી ગયો. અકસ્માત જેવું લાગતાં નજીક રહેલા એસઆરપી જવાનો ત્યાં પહોંચ્યા, પોતે સારો તરવૈયો હોઈ કિનારે પહોંચી ગયો અને જવાનો સામે આવીને આરોપીએ પોતાનો મિત્ર કારમાં હોવાની વાત ઘડી કાઢી. પાણીનો પ્રવાહ ઝડપી હોઈ કાર અને જગાજીનો મૃતદેહ બીજા દિવસે મળી આવ્યાં હતાં.”

પોલીસ જણાવ્યું હતું કે આરોપીએ ઘડી કાઢેલા પ્લાનને કારણે કોર્ટમાં અકસ્માતે મોતનો કેસ સાબિત થયો હતો, જેમાં “હસમુખ પટેલ નિર્દોષ છૂટ્યો હતો. પરંતુ વીમા કંપનીની ફરિયાદ બાદ સામે આવેલી બે કલાકમાં બે કરોડ દસ લાખ રૂપિયાની વીમા પૉલિસી લેવાની વાત અમને ખટકી રહી હતી.”

વીમાનો દાવો મેળવવા ‘કારસ્તાન રચ્યા’નો આરોપ

પીઆઈ કેવલ વેકરીયાએ આરોપીએ કથિતપણે ઘટનાને અંજામ આપ્યા બાદ વીમાનો દાવો કરવા માટે રચેલ ‘જાળ’ની માહિતી આપી હતી.

તેમણે આરોપી અને મૃતક વચ્ચેના પરિચયની વિગતો આપતાં કહ્યું કે, “જ્યારે પોલીસે હડિયોલ ગામે તપાસ કરી તો મૃતક અને હસમુખ પટેલ મિત્રો હોવાની વાત ખબર પડી હતી. હસમુખે જગાજીને જમીન વેચવામાં મદદ કરી હતી, સાથે જ બંને સાથે માછીમારીના ધંધો પણ કરતા હતા.”

પોલીસના જણાવ્યાનુસાર “જગાજીના મૃત્યુ બાદ હસમુખ પટેલે તેમનાં પત્ની સોનલ પરમારને વીમાની રકમ અપાવવાની વાત કરી હતી. આ માટે તે કંપનીમાં ગયો, મૃતકનાં પત્ની અભણ છે, તેમની પાસેથી અલગ-અલગ કાગળિયાં પર સહી કરાવી લીધી.”

આરોપીએ કથિતપણે પૈસા પડાવવા માટે રચેલ યોજના અંગે વધુ જણાવતાં પોલીસ અધિકારી કહે છે કે, “સોનલ પરમારનું કો-ઑપરેટિવ બૅન્કમાં ખાતું હતું. ત્યાં તેના જૂના મોબાઇલ નંબરના સ્થાને તેના નામે નવું સિમ-કાર્ડ લઈને બૅન્કમાં નવો નંબર નોંધાવી દીધો. જે પોતાની પાસે રાખ્યો હતો. જેથી પૈસા જમા થયાના મૅસેજ આરોપી પોતે મેળવી શકે.”

“આ પૈકી બે વીમા પૉલિસી બદલ 60 લાખ રૂપિયા આ ખાતામાં જમા થયા હતા. જે બીજા જ દિવસે ઊપડી ગયા હતા. હવે જ્યારે પોલીસે આ ખાતાની તપાસ કરી તો ખબર પડી કે હવે તેમાં માત્ર 75 રૂપિયા જ છે.”

‘વારસદારને અંધારામાં રાખી પૈસા કર્યા ટ્રાન્સફર’

સમગ્ર કિસ્સાને લઈને પોલીસને આરોપી પર શંકા હતી.

પીએસઆઇ મુકેશ બારોટ આરોપી વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવા માટે કરાયેલા પોલીસના પ્રયાસો અંગે દાવો કર્યો કે, "એ સમયે અમે એક મહિના સુધી સાદા વેશમાં હસમુખના ગામે ખાનગી કાર લઈ જઈને વૉચ રાખતા. એ દરમિયાન ખબર પડી હતી કે તેણે પોતાની જમીન વેચી નાખી હતી. તેની પાસે આવકનું કોઈ સાધન નહોતું, છતાં એ વૈભવી જીવન જીવતો હતો."

પોલીસ અધિકારી બારોટ પોલીસતપાસમાં સામે આવેલી વિગતો જણાવતા કહે છે કે, "અમે બૅન્ક પાસેથી ટ્રાન્ઝેક્શનની વિગતો મેળવી. ત્યારે ખબર પડી કે હસમુખે કૉલેજમાં ભણતા એના ભત્રીજાના ખાતામાં સોનલ પરમારને બૅન્ક લઈ જઈને આરટીજીએસ મારફતે દસ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. ઉપરાંત દસ લાખ રૂપિયા હસમુખનાં પત્ની પૂનમ અને અમદાવાદના રાણીપમાં રહેતાં વેવાણ સરોજબહેનના ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.”

પોલીસે આપેલી માહિતી પ્રમાણે ચિંતને પોતાના ખાતામાં દોઢ લાખ રૂપિયા રહેવા દઈ બાકીના પૈસા હસમુખ અને તેમનાં પત્નીનાં ખાતાંમાં જમા કરાવ્યા હતા.

પોલીસ વધુ જણાવે છે કે, “બીજી વીમા પૉલિસીના 30 લાખ રૂપિયા પૈકી 20 લાખ રૂપિયા આરોપીએ અમદાવાદના એક જ્વેલર્સ પાસે જમા કરાવી લૉકડાઉન ખૂલે ત્યારે સોનું ખરીદવા અમદાવાદ આવવાની વાત કરી હતી.”

પોલીસના દાવા પ્રમાણે આરોપીએ પોતાના પર શંકા ન જાય એ માટે પોતાના ભત્રીજાના ખાતા મારફતે મોટા ભાગના પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા.

પીએસઆઇ બારોટ કેસ અંગે આગળ માહિતી આપતાં કહે છે કે, “આ હકીકતો સામે આવતાં અમે ચિંતનની અટકાયત કરી, ત્યારે ખબર પડી કે હસમુખે ઇન્કમટૅક્સની સમસ્યા ન નડે એ માટે ચિંતનનું પાનકાર્ડ મેળવી અમદાવાદના ઝવેરી પાસેથી 40 તોલાની સોનાની બિસ્કિટ ખરીદી હતી, અને બદલામાં ચિંતનને પૈસા આપ્યા હતા.”

પોલીસના દાવા મુજબ હસમુખ પટેલનાં પત્નીએ જ્વેલર્સની દુકાનેથી પોતાના માટે કાનની બુટ્ટી લેવાની જીદ કરી હતી, એ માટે પોતાના કાર્ડથી પૈસા ચૂકવ્યા હતા. પોલીસને મળેલ માહિતી અનુસાર આરોપી ટૂંક સમયમાં અમેરિકા-લંડન રવાના થવાના હોઈ પોલીસે તેમની તાત્કાલિક અટકાયત કરી લીધી હતી.

પોલીસે આપેલી વિગતો અનુસાર “પોલીસે અટકાયત કર્યા બાદ પણ આરોપી કોઈ વાતની કબૂલાત કરવા તૈયાર નહોતો. જ્યારે તેના ભત્રીજાને સામે બેસાડીને ઊલટતપાસ કરાઈ, ફોનના લૉકેશન અને જગાજીનાં પત્નીના નામે લેવાયેલ સિમ-કાર્ડની વિગતો બતાવી ત્યારે એ ભાંગી પડ્યો અને પોતાનો ગુનો કબૂલ કરી લીધો.”

પોલીસના જણાવ્યાનુસાર પોલીસ અને કોર્ટને કથિતપણે ગેરમાર્ગે દોરનારા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોઈ તેમજ સમગ્ર ‘કાવતરા’માં અન્ય કોની સંડોવણી છે તેની તપાસ માટે પોલીસને 14 દિવસના રિમાન્ડ મળ્યા છે.

નોંધનીય છે કે પોલીસે આપેલી વિગતો અનુસાર આરોપી વડોદરાના ડભોઈ ખાતે નોંધાયેલા એક કેસમાં વર્ષ 2008માં ‘હનીટ્રેપ’ના એક કેસમાં 107 દિવસ જેલમાં રહીને આવ્યો છે.

આ સિવાય વર્ષ 2018માં બાયડ વિધાનસભા બેઠકના તત્કાલીન કૉંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ હસમુખ પટેલ સામે ‘માછલીઓ ચોરી કરી તેને સૂકવીને વેચતા હોવાની પોલીસ ફરિયાદ’ કરી હતી. જેમાં તેમને ‘પુરાવાના અભાવે’ માલપુર કોર્ટે છોડી મૂક્યા હતા.

‘આરોપી પહેલેથી જાકૂબી કરતૂતો આચરતો’

પોલીસતપાસમાં સામે આવેલી વિગતો અનુસાર હસમુખ પટેલે મહારાષ્ટ્રના અમરાવતી ખાતેથી ફિઝિકલ ટ્રેનર તરીકે ડિગ્રી મેળવી છે. તે બાદ બનાસકાંઠામાં આશ્રમશાળામાં નોકરી કરી હતી.

આરોપી હસમુખ પટેલના ઇતિહાસ વિશે વાત કરતાં મૂળ હડિયોલ ગામના વતની અને હાલ અમદાવાદના રાણીપ ખાતે રહેતા બાબુભાઈ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.

“હસમુખ પટેલના ધંધા પહેલાંથી જાકૂબી રહ્યા છે, એને રાતોરાત કરોડપતિ થવાની લાય હતી. તેણે હડિયોલમાં નોકરી મૂકીને તબેલો કર્યો. એ પછી જમીનની દલાલીમાં પડ્યો.”

બાબુભાઈ અનુસાર આરોપીને ફિલ્મ અને ટીવી સિરિયલમાં કામ કરવાના ‘અભરખા’ હતા.

“એણે અમદાવાદ આવીને પૉશ વિસ્તારમાં એક શૉપિંગ સેન્ટરમાં ઑફિસ ભાડે રાખીને ટીવી સિરિયલ બનાવી હતી. ત્યાર બાદ માછીમારીનો ઉદ્યોગ ચાલુ કર્યો. તેના બીજા ધંધા અને જેલવાસને કારણે ગામલોકો તેનાથી દૂર રહેતા હતા.”

સમગ્ર ઘટનાક્રમ મામલે હસમુખ પટેલ પર આરોપ મૂકતાં મૃતક જગાજી પરમારના મોટા ભાઈ રમેશભાઈ કહે છે કે, “અમારી ખેતીની જમીન વેચવા કાઢી ત્યારે અમારો હસમુખ સાથે સંપર્ક થયો હતો. જગાજી મારો નાનો ભાઈ હતો. મેં એને અનેક વખત હસમુખ સાથે મિત્રતા ન રાખવા કહ્યું પરંતુ એ હસમુખના કહ્યામાં આવી ગયો હતો. એ પણ કામધંધા વગર જ હસમુખ સાથે ફર્યા કરતો.”

“એ પોતાના પરિવાર પર ધ્યાન ન આપીને હસમુખ સાથે માછલી પકડવા માટે ડૅમ પર રહેતો. આના કારણે મારા ભત્રીજાએ ભણવાનું મૂકીને મજૂરીએ જવું પડ્યું અને ભાઈ પશુપાલનમાં જોતરાઈ ગયાં.”

તેઓ હસમુખ પટેલ ઉપર આરોપ મૂકતાં આગળ કહે છે કે, “મારા ભાઈના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે જ મને શંકા થઈ હતી કે કંઈક ખોટું થયું છે. પરંતુ એ કોર્ટમાંથી અકસ્માતે મૃત્યુના કેસમાં નિર્દોષ છૂટતાં અમે પણ મજબૂર હતા. પરંતુ આ બધું અહીં જ ન અટક્યું. એણે મારી ભાભી પાસેથી વીમાના કેસ માટે વકીલોને આપવા પૈસા પણ વસૂલી લીધા.”

જગાજીનાં પત્ની સોનલ પરમાર કહે છે કે, “અકસ્માત બાદ હસમુખ અમારા ઘરે ખરખરા માટે આવ્યો હતો. એણે મને મારા પતિનો મિત્ર તરીકે વીમો કરાવ્યો હોવાની વાત કરી હતી, અને મને 30 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. આ માટે તેણે ઘણાં કાગળિયાં પર મારી સહી લઈ લીધી.”

“બાદમાં તેણે મને કહ્યું કે વીમા કંપનીવાળા પૈસા ન આપતાં હોઈ આપણે કેસ કરીએ, એના કહ્યા પ્રમાણે અમે કેસ કર્યો. પરંતુ અમે હારી ગયા. એણે મને કહ્યું કે હવે પૈસા નહીં મળે. હવે અમે ઢોર ચરાવીને દૂધની આવક પર ઘર ચલાવીએ છીએ.”

હસમુખ પટેલે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના બે દીકરા પૈકી એક લંડન અને બીજા અમેરિકા ખાતે રહે છે. તેઓ પણ દીકરા પાસે વિદેશ જઈ આવ્યા છે. હસમુખને તેમના દીકરા ગુજરાન ચલાવવા માટે દર મહિને 50 હજાર રૂપિયા મોકલાવે છે.

સમગ્ર આરોપો અંગે હસમુખ પટેલના પરિવારનો પક્ષ જાણવા માટે બીબીસી ગુજરાતીએ તેમનાં પત્ની પૂનમબહેનનો સંપર્ક સાધવાનો પ્રયસા કર્યો હતો. પરંતુ તેઓ પતિની ધરપકડ બાદથી ગામડે ન હોઈ સંપર્ક સાધી શકાયો નહોતો.

આ સિવાય રાણીપમાં રહેતાં હસમુખભાઈનાં વેવાણ સરોજબહેન પટેલનો એમના નિકટના સગા મારફતે સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો.

પરંતુ ‘હસમુખભાઈને વિદેશથી તેમના પુત્રો પૈસા મોકલાવતા હોવાની’ વાત સિવાય અન્ય કોઈ વાત અંગે ટિપ્પણી કરવાનો તેમણે ઇનકાર કર્યો હતો.