સીમા હૈદરની જેમ ‘પ્રેમમાં’ પડી ગયા વર્ષે ભારત આવેલી એક પાકિસ્તાની યુવતીનું શું થયું હતું?

ગત 4 જુલાઈના રોજ હરિયાણાના વલ્લભગઢ પાસેથી સીમા હૈદર નામનાં ‘પાકિસ્તાની’ યુવતીની સચીન મીણા નામના ઉત્તર પ્રદેશના યુવક સાથે ધરપકડ કરાઈ હતી.

એ સમયથી ‘પબજી ગેમ રમવાથી’ શરૂ થયેલી આ ‘લવસ્ટોરી’ ભારત અને પાકિસ્તાનમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

સીમા પ્રમાણે તે સચીન સાથે ‘રહેવા, લગ્ન કરવા’ પાકિસ્તાનથી દુબઈ અને પછી નેપાળ થઈને ભારતમાં પ્રવેશ્યાં હતાં. મીડિયા સાથેની વાતચીતમાં સચીન અને સીમા બંને ‘મરી જશું પણ એકબીજાથી અલગ નહીં થઈએ’ એવી વાત કરી રહ્યાં છે. આ વાતચીતમાં સ્થાનિક કોર્ટમાં સચીન, સીમાને જામીન મળ્યા બાદ બંનેના ચહેરા પર સ્મિત છવાયેલું જોવા મળી રહ્યું હતું.

સીમા અને સચીનની ‘લવસ્ટોરી’ માફક જ વધુ એક ‘લવસ્ટોરી’ હતી, જેમાં ભારતીય યુવક સાથે ‘ઓનલાઇન ગેમ રમતાં’ ઇકરા જીવાની નામનાં એક પાકિસ્તાની યુવતી બરાબર સીમાની માફક જ ભારત આવી પહોંચ્યાં હતાં. પરંતુ આ ‘પ્રેમકહાણી’નો શો અંજામ આવ્યો?

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર પાકિસ્તાનના હૈદરાબાદનાં રહેવાસી ઇકરા અને ઉત્તર પ્રદેશના મુલાયમસિંહ યાદવ વર્ષ 2019માં ઓનલાઇન મલ્ટિ પ્લેયર લુડો રમતાં રમતાં એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં.

ઇકરા સ્નાતકનો અભ્યાસ કરી રહ્યાં હતાં, તેમજ પોતાના શહેરમાં ટ્યુશન આપતાં હતાં. તેમજ મુલાયમસિંહ યાદવ દસ પાસ હતા અને બૅંગ્લુરૂ ખાતે સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા. એક સાથે ઓનલાઇન ગેમિંગમાં બંને ‘એકબીજા સાથે ગાઢ પ્રેમમાં’ પડી ગયાં. અને એકબીજા સાથે ‘રહેવાનો’ નિર્ણય કર્યો.

અખબાર સાથે એક અધિકારીએ વાત કરતાં કહ્યું હતું કે, “ઇકરા સાથે ગળાડૂબ પ્રેમમાં રહેલા મુલાયમે ઇકરાને ભારત લાવવાની યોજના ગઢી. તેણે વર્ષ 2022માં ઇકરા માટે દુબઈથી કાઠમંડુ સુધીની ઍર ટિકિટો ખરીદી, જ્યાં બંનેએ હિંદુ રિતીરિવાજ અનુસાર લગ્ન કરી લીધાં.” ત્યાંથી યુગલ બસ મારફતે ‘ભારતમાં પ્રવેશ્યું’. જ્યાંથી તેઓ દક્ષિણપૂર્વ બૅંગ્લુરૂના જૂના સાન્દ્રા ખાતે એક મંદિરની બાજુમાં ભાડે રહેવા લાગ્યાં.

આ બાદ મુલાયમ તેમના સિક્યૉરિટી ગાર્ડના કામે પરત ફર્યા, જ્યારે ઇકરા ઘરની સંભાળ લેવાની જવાબદારીમાં જોતરાઈ ગયાં. ઇકરાની નાગરિકતા અંગે અન્યોને જાણ ન થાય એ માટે મુલાયમસિંહે ઇકરા માટે નવી ઓળખ ઊભી કરી.

પોલીસે અખબારને આપેલી વિગતો અનુસાર “મુલાયમે પોતાના આધારકાર્ડ આધારે તેના માટે પણ એક નકલી આધારકાર્ડ બનાવડાવ્યું. જેમાં તેણે ઇકરાનો ફોટોમાં ફેરફાર કરીને તેનું નામ પણ રિયા યાદવ બતાવ્યું.”

ઇકરા હિંદી બોલી શકતાં હતાં, તેથી તેમના પાડોશીઓને તેમના પર શંકા ન ગઈ. પાડોશીએ જણાવ્યું હતું કે દંપતી ખુશ લાગતાં હતાં અને ક્યારેય એકબીજા સાથે ઝઘડતાં નહોતાં.

પોલીસને કેવી રીતે માહિતી મળી?

ઇકરા માટે મુલાયમે આધારકાર્ડની વ્યવસ્થા કરાવી હતી, પરંતુ આ નકલી આધારકાર્ડે તેમની મુશ્કેલી વધારી એવું નથી. તેમની મુશ્કેલી તો પાકિસ્તાનમાં ઇકરાએ તેમનાં માતાપિતાને કરેલા વૉટ્સઍપ કૉલના કારણે શરૂ થઈ હતી.

અહેવાલ અનુસાર એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતમાં આગામી દિવસોમાં જી-20 સમિટ અને એરો ઇન્ડિયા 2023 યોજવાનાં હતાં. એ દરમિયાન બૅંગ્લુરૂથી પાકિસ્તાન વૉટ્સઍપ કૉલનો શરૂ થયેલો સિલસિલો જોઈને ‘સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી હતી.’પરંતુ તપાસમાં આ સમગ્ર બાબત ‘એક લવસ્ટોરી’ હોવાનું સામે આવ્યું.

એજન્સીએ તરત જ આ અંગેની માહિતી સ્થાનિક પોલીસને આપતાં 23 જાન્યુઆરી 2023ના રોજ ઇકરાની ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા અને બનાવટી ઓળખના પુરાવા બનાવવાના આરોપમાં ધરપકડ કરી હતી. તેમજ મુલાયમની પાકિસ્તાની નાગરિકને આશરો આપવાના આરોપમાં ધરપકડ કરાઈ હતી.

અખબારમાં કરાયેલી નોંધ અનુસાર તપાસ અધિકારીએ આપેલી વિગતો અનુસાર ઇકરાએ પોતાના પરિવાર સાથેની વાતચીતમાં મુલાયમનો પરિચય પરિવાર સાથે કરાવ્યો હતો. પરંતુ તેમણે મુલાયમની ઓળખ સમીર તરીકે આપી હતી, જેથી તેમના પરિવારને લાગે કે તેમણે એક મુસ્લિમ સાથે લગ્ન કર્યાં છે.

અહેવાલ અનુસાર ઇકરાને બૅંગ્લુરૂ ખાતેના મહિલાઓ માટેના હોમમાં રખાયાં હતાં. ત્યાંનાં સૂત્રોને ટાંકીને અખબારે લખ્યું છે કે ત્યાં ઇકરાએ જે વ્યક્તિ તેમની વાત સાંભળી તેને પોતે પાકિસ્તાન પરત જવા ન માગતાં હોવાની તેમજ પોતાના પતિ પાસે રહેવા માગતાં હોવાની વાત કરતાં હતાં. તેમજ હંમેશાં પોતાના ‘પતિ’ સાથે વાત કરાવી દેવા વિનંતી કરતાં.

બૅંગ્લુરૂના એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, “ધરપકડ બાદથી ઇકરા માત્ર એક જ વિનંતી કરતી રહી કે તેણે તેના પતિ પાસે ભારતમાં જ રહેવું છે. એ તેને ખૂબ ચાહે છે. મને આ યુગલ માટે ખોટું લાગી રહ્યું છે. પરંતુ હું પણ કાયદાથી બંધાયેલો છું.”

ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજનું મકસુદન ગામ મુલાયમસિંહનું વતન છે. ત્યાં તેમનાં માતા શાંતિ યાદવે કહ્યું હતું કે તેઓ ક્યારેય તેમનાં વહુને મળ્યાં નથી. તેઓ કહે છે કે, “તેમને પાછાં મોકલો. એકને નહીં બંનેને. જ્યારે બધા રાજી છે, તો ખોટું શું છે.”

મુલાયમસિંહનો પરિવાર ગામમાં પાકા મકાનમાં રહે છે. મુલાયમ અને તેમના બીજા બે ભાઈ રંજિત અને જીતલાલ પરિવારમાં મુખ્ય કમાનાર છે. પરિવાર પાસે સાડા પાંચ વીઘા ખેતીની જમીન, ત્રણ ગાય અને એક ભેંસ છે.

મુલાયમના ભાઈ રંજિતે આ સમગ્ર ઘટના અંગે અખબારને જણાવ્યું હતું કે, “અમને મુલાયમનાં લગ્ન અંગે કોઈ ખબર નહોતી. અમે છોકરીને ક્યારેય જોઈ નથી, તેને ક્યારેય મળ્યા નથી. અમને પોલીસે તેમની ધરપકડ કરી બાદમાં ખબર પડી કે તેણે કોઈ પાકિસ્તાની સાથે લગ્ન કર્યાં છે. પરંતુ તેણે એટલી મોટી ભૂલ પણ નથી કરી. લગ્ન કર્યાં છે. એ પણ રાજીખુશી.”

અહેવાલ અનુસાર જાન્યુઆરીમાં ધરપકડ બાદ ઇકરાને 13 ફેબ્રુઆરી 2013ના રોજ મુલાયમે ઇકરાને જામીન આપવા માટે અરજી કરી હતી. પરંતુ ‘આતંકવાદના ભય’ને ટાંકીને બૅંગ્લુરૂએ તેમની અરજી ફગાવી દીધી હતી. પોલીસ પણ તેમની અરજીનો વિરોધ કર્યો હતો. પોલીસ પ્રમાણે તેઓ એ વાતની તપાસ કરી રહ્યા હતા કે શું મુલાયમે આવી રીતે અન્ય કોઈનેય પાકિસ્તાનથી ભારત લાવ્યા છે કે કેમ?

જાન્યુઆરી માસમાં ઇકરાની ધરપકડ બાદ તેમને ઇમિગ્રેશન ઑફિસરોને સોંપી દેવાયાં હતાં. બાદમાં 19 ફેબ્રુઆરી 2023ના રોજ અધિકારીઓએ ભારત-પાકિસ્તાન બૉર્ડરેથી ઇકરાને પાકિસ્તાન ડિપોર્ટ કરી દીધાં હતાં.

મુલાયમનાં માતા શાંતિ યાદવે જણાવ્યું હતું કે, “મુલાયમનો માત્ર એક જ ગુનો હતો કે તેણે પ્રેમ કર્યો. તેને નહોતી ખબર કે આનો આટલો મોટો મુદ્દો બની જશે. પ્રેમ આંધળો હોય છે, એ આપણા દેશની વહુ છે.”

સીમા હૈદર અને સચીન મીણા

ઉપર જણાવ્યું એમ સીમા હૈદર અને સચીન મીણાએ પોલીસે કસ્ટડીમાં લઈ ન્યાયિક પ્રક્રિયા માટે ઉત્તર પ્રદેશ મોકલી દેવાયાં હતાં. જ્યાંની કોર્ટે બંનેને જામીન આપતાં સચીનના ઘરે ‘ખુશીનો માહોલ’ છવાઈ ગયો હતો. સીમા હૈદરે ‘હિંદુ ધર્મ’ અપનાવી ‘લગ્ન’ કર્યાની વાતની પુષ્ટિ કરી હતી. બીજી તરફ સોશિયલ મીડિયા પર સીમાના આગમનને લઈને કેટલાક લોકોએ ‘શંકા’ પણ વ્યક્ત કરી હતી.

કેટલાક લોકો તેમને ‘પાકિસ્તાનનાં જાસૂસ’ ગણાવી રહ્યાં છે તો કેટલાક ‘તેમની કહાણી સામે પ્રશ્નો’ ઊભા કરી રહ્યા છે. તેમજ પાકિસ્તાનમાંથી પણ આ સમગ્ર ઘટનાને લઈને પ્રતિક્રિયા આવી રહી છે.

સાઉદી અરેબિયામાં સીમાના પતિ ગુલામ હૈદર અધિકારીઓને ‘પોતાનાં પત્ની અને બાળકોને પરત કરવાની અપીલ’ કરી ચૂક્યા છે.

પાકિસ્તાનમાં ‘ડાકુઓએ સીમાને પરત કરવા મામલે ચેતવણી આપી છે.’ જે અનુસાર જો ‘સીમા અને બાળકોને પરત નહીં કરાય તો પાકિસ્તાનમાં હિંદુઓનાં પૂજાસ્થળો પર હુમલો કરવાની વાત કરાઈ છે.’

બીજી તરફ પાકિસ્તાનમાં ‘હિંદુ સમુદાયના લોકોએ ગભરાટને કારણે પૂજાના સ્થળો અને જાહેર કાર્યક્રમોના આયોજનમાં અવરજવર નિયંત્રિત કરી દીધી છે.’