સુરેન્દ્રનગર : જમીન મામલે જે દલિત ભાઈઓની હત્યા કરાઈ એ કોણ હતા?

ગત બુધવારે સાંજે સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે સ્થિત ખેતરમાં કામ કરાવી રહેલા દલિત પરિવારના સભ્યો પરના હુમલામાં બે પરિવારજનોનાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં હતાં.

સમગ્ર મામલે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.

ચુડા પોલીસ સ્ટેશનમાં આ મામલે નોંધાયેલી ફરિયાદ અનુસાર બે સગા ભાઈઓ આલજીભાઈ પરમાર (60 વર્ષ) અને મનજીભાઈ પરમાર (54 વર્ષ) બનાવના દિવસે પોતાના ખેતરે ખેડકામ કરાવી રહ્યા હતા ત્યારે ‘ઉચ્ચ જ્ઞાતિ’ના દસ-બાર જણે તલવાર અને ધારિયા સહિતનાં હથિયારો વડે હુમલો કરી મૃતકો સહિત પરિવારની ચાર અન્ય વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી.

ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગરની ટી. બી. હૉસ્પિટલમાં દાખલ કરાયા બાદ સારવાર દરમિયાન આલજીભાઈ અને મનજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.

પરિવારજનોની તમામ માગણી સ્વીકારી લેવાયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યા હતા.

સમગ્ર મામલે સરકારે એસઆઇટીની રચના કરી છે.

પરિવારના સભ્યોનો આરોપ છે કે, "હુમલાખોર ઉચ્ચ જ્ઞાતિના લોકો તેમની વારસાગત જમીન પડાવી લેવા માગતા હતા."

પોલીસે આપેલી માહિતી અનુસાર "પોલીસે સ્વરક્ષણ માટે હથિયારના પરવાના સહિતની પોલીસરક્ષણ અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની પરિવારજનોની માગ સ્વીકારી લીધી છે."

સોશિયલ મીડિયામાં મૃતકો, ઈજાગ્રસ્તો અને દલિત સમાજના પ્રદર્શન કરી રહેલા લોકોની તસવીરો સામે આવી રહી છે.

આ ‘દુ:ખદ બનાવ’ બાદ બીબીસી ગુજરાતીએ મૃતકો અંગે વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

બંને મૃતક ભાઈઓ અમદાવાદના રહેવાસી

ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરી રહેલા બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે આપેલી વિગતો મુજબ આ ઘટનામાં મૃત્ય પામેલા આલજીભાઈ અને મનજીભાઈ અમદાવાદ ખાતે રહેતા હતા.

બંને ભાઈઓ કન્સ્ટ્રક્શન કૉન્ટ્રેક્ટર, સળિયાકામના વ્યવસાયમાં હતા.

મૃતક ભાઈઓ પૈકી આલજીભાઈ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જ્યારે મનજીભાઈ એ જૂના વાડજ વિસ્તારમાં રહેતા હતા.

બંનેના પરિવારોની વાત કરીએ તો મૃતક આલજીભાઈ અને મનજીભાઈના કુલ ચાર ભાઈઓ હતા.

જોકે, આ બનાવ બાદ ચાર ભાઈઓ પૈકી માત્ર અમૃતભાઈ પરમાર જ હયાત રહ્યા છે.

આલજીભાઈ અને મનજીભાઈના ભાણેજ સુનિલભાઈ ઝાલાએ આપેલી વિગતો અનુસાર અમૃતભાઈ ગાંધીનગરમાં શિક્ષણકાર્યમાં સંકળાયેલા છે.

સુનિલ આગળ જણાવે છે કે, "મનોજભાઈ ઉર્ફે મનજીભાઈ એ ઘરની મુખ્ય કમાનાર વ્યક્તિ હતી. તેમને બે દીકરી અને એક દીકરો છે. તેમની સૌથી મોટી દીકરી અમેરિકામાં અભ્યાસ કરી રહી છે, અન્ય એક દીકરી એમ. બી. બી. એસમાં ભણે છે. જ્યારે દીકરો માત્ર પાંચ વર્ષનો છે."

મનજીભાઈના મૃત્યુ બાદ પરિવાર માટે તેમનાં સંતાનોના ભણતર પાછળના ખર્ચનો પ્રશ્ન ઊભો થયો છે.

પરિવારના અન્ય સગાએ આપેલી માહિતી અનુસાર મૃતક આલજીભાઈ પણ બે દીકરીઓ અને બે દીકરાના પિતા હતા. તેમના બંને દીકરા જયેશ અને અક્ષય પણ કન્સ્ટ્રક્શન કૉન્ટ્રેક્ટના વ્યવસાય સાથે જ સંકળાયેલા છે.

આલજીભાઈનાં બંને દીકરીઓ ઘટના સમયે દુબઈ હતાં, જેઓ ઘટનાની જાણ થતાં જ ગુજરાત આવી પહોંચ્યાં હતાં.

સમઢિયાળા ખાતે ખેતીની જે જમીનને લઈને ઘર્ષણ થયો હતો, આધિકારિક રેકૉર્ડ અનુસાર તે ચુડા તાલુકાની સીમમાં આવેલી છે, જેનો સરવે નંબર 347 છે.

આ મામલે સુરેન્દ્રનગરના એસપી હરેશ દૂધાતે પત્રકારો સાથેની વાતચીતમાં આપેલી લેટેસ્ટ અપડેટ અનુસાર પરિવારજનો મૃતદેહો સ્વીકારીને અંતિમ ક્રિયાની પ્રક્રિયા માટે નીકળી ચૂક્યા છે.

"પરિવારજનોની તમામ વાજબી માગણીઓ સ્વીકારી લેવાઈ છે. એક મૃતદેહની અંતિમવિધિ સમઢિયાળા ખાતે કરવાની માહિતી છે, જ્યારે બીજા એક મૃતદેહની અંતિમવિધિ વડોદરા ખાતે કરાશે."

લેટેસ્ટ માહિતી અનુસાર આલજીભાઈના મૃતદેહની ઘટનાસ્થળે એટલે કે પરમાર પરિવારની વાડીએ જ અંતિમક્રિયા કરાઈ હતી.

ઘટનાસ્થળે પરિવારજનો આક્રંદ કરતાં જોવા મળ્યા હતા, આલજીભાઈના પુત્ર જયેશ અને ભત્રીજા નીતિને આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "અમે આ ઘટના નહીં ભૂલીએ. અમે તેમની ખાંભી કરીને પૂજીશું."

શું હતી સમગ્ર ઘટના?

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, "બુધવારે સાંજના પાંચ વાગ્યે સમઢિયાળા ગામની સીમમાં આવેલા પોતાની માલિકીના ખેતરમાં કામ કરાવી રહેલા દલિત પરિવાર પર 12-15 માણસોએ હુમલો કર્યો હતો."

આ મામલે પીડિતોએ આરોપીઓ વિરુદ્ધ પહેલાં પણ હેરાનગતિ કરતા હોવાની ફરિયાદ કરીને તેમની સામે પોલીસ રક્ષણ માગ્યું હતું.

પણ પીડિતો અનુસાર પોલીસે તેમની માગને 'નજરઅંદાજ' કરી હતી. આ મામલે પોલીસે ચુડા પોલીસના બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે.

બુધવારે રાત્રે સરકારનાં કૅબિનેટમંત્રી ભાનુબહેન બાબરિયાએ ગાંધી હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.

ભાનુબહેન બાબરિયાએ આઇજી, કલેક્ટર સાથે પણ વાત કરી હતી અને ત્યાર બાદ પીડિત પરિવારના લોકોને પણ મળ્યાં હતાં.

ચુડા પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદ અનુસાર આલજીભાઈ પરમાર અને મનજીભાઈ પરમાર જ્યારે તેમના ખેતરે ખેડકામ કરાવી રહ્યા હતા ત્યારે દસથી બાર જણાએ તલવાર અને ધારિયા સહિતનાં હથિયારોથી હુમલો કર્યો હતો.

ફરિયાદમાં નોંધાયેલી વિગતો અનુસાર હુમલો કરનારાઓએ ‘ભોગ બનનારની ગાડી પર હુમલો કરી, વાડીમાં લાગેલા સીસીટીવી કૅમેરા તોડી નાખી, હાથમાંથી ફોન ઝૂંટવી લઈ ઢોર માર્યો હતો. સાથે જ બે લાખ રૂપિયાની રોકડ પણ ઝૂંટવી લેવાઈ હતી.’

ફરિયાદ પ્રમાણે ''આરોપીઓએ પરમાર પરિવાર પર લાલ મરચાની ભૂકી નાખી ધારિયા વડે હુમલો પણ કર્યો હતો.''

પીડિત પરિવારજનોનો આરોપ છે કે આરોપીઓ તેમને તેમની જમીન મામલે અવારનવાર ધમકીઓ આપતા હતા.

હુમલામાં જે મૃત્યુ પામેલા આલજીભાઈ પરમારના પુત્ર જયેશ પરમારે બીબીસી ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી.

જયેશ પરમાર આરોપ લગાવતા કહે છે, "70 વર્ષથી આ જમીન પર અમે ખેતી કરીએ છીએ. અમારી બાજુમાં રહેતા ઉચ્ચ જ્ઞાતિના લોકો તેના પર હક જમાવવા માગે છે. તેમણે આ જમીનને પચાવી પાડવા તેમણે અમારા પર કેસો પણ કર્યા હતા પણ તેઓ ફાવ્યા નહોતા."

"તેઓ તેથી અમને ધાકધમકી આપતા હતા, કારણ કે અમે બધા અમદાવાદમાં રહીએ છીએ. એટલે તેઓ જાણતા હતા કે અહીં કોઈ નથી, જેથી જમીન તેમને મળી શકે છે."

"તેઓ ગઈકાલે હથિયારોથી અમારા પર હુમલો કર્યો. ગંભીર રીતે ઘાયલ અમારા પરિવારજનો તડપતા રહ્યા. અમારા પૈસા પણ લૂંટી ગયા."

"તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા પણ સારવાર દરમિયાન તેમનું મોત થયું. મારા કાકા પણ આ હુમલામાં ગંભીર ઈજા પામવાને કારણે ગુજરી ગયા છે."

જયેશ પરમારે માગ કરી છે કે આ હુમલાખોરોને પકડીને સખત સજા કરવામાં આવે.

જયેશ પરમાર કહે છે, "અમને ન્યાય જોઈએ છે. મારા પિતા જતા રહ્યા. મારા કાકા પણ ન રહ્યા. મારું આખું કુટુંબ બરબાદ થઈ ગયું."

"અમારી ઉંમર શું છે? અમારે આ દિવસો જોવાના આવ્યા. મારા કાકાના તો છોકરા પણ નાના છે. તેમના ઘરનું ગુજરાન કોણ ચલાવશે?"

પીડિત પરિવારને અગાઉ પણ 'ધમકી મળી' હતી

પીડિત પરિવારનો આરોપ છે કે આરોપીઓ પહેલાં પણ તેમના પરિવારજનોને ધમકી આપતા હતા.

પીડિત પરિવાર સમઢિયાળા ગામમાં રહેતો નહોતો.

તેઓ ધંધારોજગાર અર્થે બહાર રહેતા હતા. તેથી તેઓ ગામમાં તેમની જમીન બીજાને ખેડવા માટે આપતા હતા.

પરંતુ, આરોપીઓએ તેમની જમીન પચાવી પાડવાની કોશિશ કરી હોવાનો આરોપ પીડિત પરિવારજનોએ મૂક્યો છે.

પોલીસ ફરિયાદ પ્રમાણે આ ધમકીથી રક્ષણ મેળવવા માટે પીડિત પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી.

જયેશ પોલીસ પર આરોપ લગાવતાં કહે છે, "જ્યારે અમે આરોપીઓ સામે પોલીસ રક્ષણ મેળવવા માટે અરજી આપવા ચુડા પોલીસ સ્ટેશનમાં ગયા તો ત્યાંના પીએસઆઈ અમને કહે કે આવું તો ચાલ્યા કરે. તમને કશું નહીં થાય. આવું કહીને અમને રવાના કરી દીધા."

"પોલીસની મિલીભગતને કારણે જ મારા પિતા અને કાકાએ આજે જીવ ગુમાવવા પડ્યા છે."

પોલીસની ગંભીર ભૂલ સામે આવતા રેન્જ આઈજી અશોકકુમારે ચુડા પોલીસ સ્ટેશનના બે પીએસઆઈને સસ્પેન્ડ કર્યા છે, જેમણે પીડિત પરિવારની રજૂઆતોને ગંભીરતાથી લીધી નહોતી.

શું કહે છે પોલીસ?

સાત આરોપીઓની સામે નામજોગ અને અજાણ્યા એવા 12થી 15 લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદમાં કોનાં-કોનાં નામ છે?

  • અમરાભાઈ ખાચર, સુદામડા ગામ-સાયલા તાલુકો
  • નાગભાઈ ખાચર, સુદામડા ગામ-સાયલા તાલુકો
  • જીલુભાઈ ઉર્ફે ઘુઘાભાઈ ખાચર, સુદામડા ગામ-સાયલા તાલુકો
  • મગળુભાઈ અમરાભાઈ ખાચર, સુદામડા ગામ-સાયલા તાલુકો
  • ભીખુભાઈ ખાચર, સુદામડા ગામ-સાયલા તાલુકો
  • ભાણભાઈ, સમઢિયાળા, તાલુકો-ચુડા
  • બીજા અજાણ્યા 12-15 માણસો

પોલીસે આરોપીઓ સામે આઈપીસી 302, 396, 307, 326, 325, 335, 427, 120 B, 506(2), 504, 143, 147, 148, 149 તથા અનુસૂચિત જાતિ અને જનજાતિ પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.

પોલીસે આ આરોપીઓ સામે ધમકી આપીને જમીન પચાવી પાડવાનો કારસો રચવાનો અને તે મામલે કાવતરું રચીને એકસંપ થઈને ફરિયાદી પર લાકડીઓ અને ધારિયા વડે જીવલેણ હુમલો કરવાનો તથા હત્યાનો અને હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો દાખલ કર્યો છે.

રેન્જ આઈજી અશોકકુમારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "આ દુ:ખદ ઘટના છે. જેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. ચુડા પોલીસ સ્ટેશનના બે પીએસઆઈને સસ્પેન્ડ કરાયા છે."

"પોલીસ વિભાગ બંને સામે કડક પગલાં લેશે. આરોપીઓને પકડીને તેમને કડક સજા થાય તે માટે અમે ખાસ પબ્લિક પ્રૉસિક્યૂટર એટલે કે પીપીની નિમણૂક કરીશું. જેથી આ કેસમાં આરોપીઓને છૂટવાનો કોઈ અવકાશ નહીં મળે."

"પોલીસ પીડિત પરિવાર સાથે જ છે. અમે તેમણે કરેલી તમામ રજૂઆતોને ધ્યાને લઈને આગળની કાર્યવાહી કરીશું."

રાજકારણ ગરમાયું

સમઢિયાળાના દલિત પરિવારની વડીલોપાર્જિત જમીન પચાવી પાડવાના મામલે બે દલિતોની હત્યા મામલે રાજકારણ પણ ગરમાયું છે.

ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે, "ભાજપ સરકારે જાણીજોઈને બેધ્યાનપણુ દાખવ્યું છે. તેને કારણે જ નિર્દોષ દલિતોની અસામાજિક તત્ત્વોએ હુમલો કરીને હત્યા કરી છે. ભૂમાફિયા વિરુદ્ધ વારંવાર પોલીસ રક્ષણ માગવા છતાં તેમને આપવામાં આવ્યું નથી.”

પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ સુરેન્દ્રનગરની હૉસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમણે પણ હૉસ્પિટલના ડૉક્ટરો પર આરોપ લગાવ્યો હતો.

તેમણે કહ્યું કે મૃતદેહોનું પોસ્ટમૉર્ટમ કરતી વખતે વીડિયોગ્રાફી કરવામાં આવે. પરંતુ તેમની માગ સ્વીકારાઈ નહોતી તેથી તેઓ ઉપવાસ પર બેસી ગયા હતા.

દરમિયાન દલિત આગેવાનો પણ આ ઘટનાના સમાચાર મળતાની સાથે જ હૉસ્પિટલોમાં ટોળે વળ્યા હતા.

કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ આરોપ લગાવતાં કહ્યું હતું કે ગુજરાત ‘દલિત અત્યાચારોની રાજધાની’ બનવા જઈ રહ્યું છે.

તેમણે કહ્યું, “ગુજરાતમાં દલિતો જમીન ખેડી શકતા નથી અને તમે રામરાજ્યનાં બણગાં ફૂંકો છો?”