કચ્છ-બન્ની: બીમાર ગાય-ભેંસની મફત સારવાર કરતા 'ભાગિયા' કોણ છે? શું છે તેમની ખાસિયત?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

કચ્છના બન્નીમાં એરંડાવાડીમાં રહેતા ગુલ મહમદ હોલેપાત્રાને આમ તો દૂધનો વ્યવસાય છે, પરંતુ મોટે ભાગે તે બન્નીનાં ઘાસિયાં મેદાનોમાં ફરતા રહે છે. ઝાડીઝાખરાંમાં જઈને વિવિધ વનસ્પતિઓ એકઠી કરતા રહે છે.

"બન્નીમાં 56 પ્રકારના ઘાસનાં નામ મને યાદ છે અને એ ઘાસના નમૂના મેં માલધારીઓ માટે કામ કરતી ભુજની સહજીવન સંસ્થામાં નોંધાવ્યા છે." આવું તે બીબીસીને જણાવે છે.

બન્નીની ભાગ્યે જ કોઈ વનસ્પતિ હશે જેનું નામ ગુલ મહમદભાઈને ખબર ન હોય. ગામના કેટલાક લોકો તો પ્રેમથી એમ પણ કહે છે કે પાંદડું જો બોલી શકતું હોય તો ગુલ મહમદભાઈને નામથી બોલાવે એટલા તેઓ પર્યાવરણની નજીક છે.

માલધારીઓ માટે કામ કરતી સંસ્થા સહજીવનની વેબસાઇટ પર જણાવાયું છે કે બન્નીનાં ઘાસિયાં મેદાનો 2497 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલાં છે. એશિયાનું બીજા નંબરનું મોટું ઘાસનું મેદાન બન્ની છે. ચોમાસા પછી બન્નીમાં જાવ તો જાણે લીલા રંગની વિશાળ જાજમ બિછાવી દીધી હોય તેવું લાગે.

એક ઊઘડતી સવારે બીબીસીની ટીમ બન્નીના એરંડાવાડી પહોંચી તો ગુલ મહમદ આડેરી નામની વનસ્પતિને ચૂલે ઉકાળી રહ્યા હતા. થોડી વાર પછી તેમણે ઉકળેલું લીલા રંગનું પ્રવાહી ભેંસની પીઠ પર લગાવ્યું.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, "ભેંસને સાંધાનો દુખાવો છે. આડેરીનું ગરમ પ્રવાહી પીઠ પર કેટલાક દિવસ લગાવીશ તો થોડા દિવસમાં દુખાવામાંથી રાહત મળી જશે. કાળાંતર વર્ષોથી મારા વડવાઓ પણ આવું કરતા હતા અને હું પણ એમ જ કરું છું."

એરંડાવાડી અને આસપાસનાં કેટલાંક ગામોમાં કોઈની ભેંસ બીમાર પડે કે ગાય વિયાય એ પછી ખોરાક ન લેતી હોય કે બકરીના આંચળ ભારે થઈ ગયા હોય તો એના માલધારી તરત ગુલ મહમદ પાસે પહોંચે છે. ગુલ મહમદ તેને દેશી ઉપચાર બતાવે છે. આવા માણસને બન્નીમાં ભાગિયો કહે છે.

ગુલ મહમદભાઈ મૂળે 'ભાગિયા' તરીકે ઓળખાય છે. "ભાગિયો એટલે એવો ભાગ્યશાળી માણસ જેના નસીબમાં પશુના આરોગ્યની સુખાકારી અને પર્યાવરણની પીછાણ લખાયેલી છે." આવું ગુલ મહમદ કહે છે.

2001ના ભૂકંપ પછી કચ્છમાં માલધારીઓ સાથે કામ કરતી સંસ્થા સહજીવનના પ્રોગ્રામ ડિરેક્ટર રમેશ ભટ્ટી બીબીસીને કહે છે કે, "ભાગિયો એટલે એવો માણસ જેને પશુ સાથે જોડાયેલી જેટલી પણ બાબતો છે જેમ કે, વરસાદ, પર્યાવરણ, ઘાસ, પશુનાં પ્રજનન અને આરોગ્યને લગતી બાબતો વિશે તળની સમજ હોય છે."

'મેડિકલ સુવિધા વધી પણ ભાગિયાનું મહત્ત્વ ઘટ્યું નથી'

બન્નીમાં ભાગિયાની પરંપરા કાળાંતર વર્ષોથી ચાલતી આવે છે. હવે પશુની આધુનિક ચિકિત્સા કેટલેક ઠેકાણે મળતી થઈ છે, પણ અગાઉના વખતમાં તો ભાગિયા જ પશુ ઉપચાર માટે પ્રથમ અને એકમાત્ર પસંદ હતા.

કચ્છ જિલ્લાના નાયબ પશુ નિયામક હરેશ ઠક્કર બીબીસીને કહે છે કે, "ભાગિયા પાસે બન્નીની વિવિધ વનસ્પતિઓનું સારું જ્ઞાન હોય છે. સાથે પશુ સારવાર અને વિયાણ વખતે પશુને જે તકલીફ પડતી હોય, જેમ કે બચ્ચું ગાય કે ભેંસના પેટમાં હોય અને બહાર આવવામાં તકલીફ પડતી હોય ત્યારે શું ઉપાય કરવા એનું સારું પરંપરાગત જ્ઞાન હોય છે. એ જ્ઞાનથી જ પોતાના પશુઓની વર્ષોથી સારવાર કરતા આવ્યા છે."

"સમય આગળ વધ્યો તેમ પશુ ઉપચારની અદ્યતન સારવાર પણ બન્ની વિસ્તારમાં મળતી થઈ છે. એ લોકો પરંપરાગત પદ્ધતિની સાથે વૈજ્ઞાનિક પશુપાલન તરફ પણ વળતા થયા છે. હાલ બન્નીમાં ભીરંડિયાળા, હોડકો અને સેરવો એ ત્રણ ગામોમાં ફરતાં પશુ દવાખાનાં છે. ખાવડામાં પશુ આરોગ્યકેન્દ્ર છે. તેથી હવે તેમને આધુનિક ઉપચાર સુવિધા પણ મળી રહે છે."

જોકે, આધુનિક ઉપચાર સુવિધા પૂરતા પ્રમાણમાં નથી એવી પણ રાય છે. રમેશ ભટ્ટી કહે છે કે, "બન્ની ઘાસપ્રદેશમાં ઓછામાં ઓછા એક લાખ પશુ છે. તેના માટે કમસે કમ દસ ડૉક્ટર જોઈએ. એક ડૉક્ટર પણ માંડ માંડ મળે છે. તેથી માલધારીઓને પશુ બીમાર પડે ત્યારે ભાગિયાના ભરોસે જ રહેવું પડે છે. વળી, આધુનિક ઉપચારમાં પૈસા પણ બેસે છે, જ્યારે ભાગિયો પૈસા લેતો નથી."

હજી પણ બન્નીમાં પશુ બીમાર પડે છે ત્યારે પહેલી સલાહ તો ભાગિયાની જ લેવાય છે, એવું બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના પ્રોગ્રામ સંયોજક તેમજ ગોરેવાલી ગામના માલધારી એવા ઈસાભાઈ મુત્વા બીબીસીને કહે છે.

તેઓ જણાવે છે કે, "ભેંસ ઓછું દૂધ દેવા માંડે કે એને દમ ચઢવા માંડે કે નાકમાં પરસેવો થાય તો બન્નીના લોકો ભાગિયાને પૂછીને જ એનો ઉપચાર કરે છે. જો પશુને કોઈ મોટી બીમારી હોય તો આધુનિક ઉપચારનો સહારો પણ લે છે."

ભાગિયો કેવી રીતે તૈયાર થાય?

બન્નીના સરાડા ગામે રહેતા હાજી રહીમ દાદ ભાગિયા તરીકે ઓળખાય છે. તેમની ઉંમર 92 વર્ષ છે. ધીમે ધીમે ચાલે છે. પણ ગામના લોકો કહે છે કે હાજી રહીમ દાદના ઈલાજથી બીમાર ભેંસ દોડવા માંડે છે.

ગામના ચોકમાં ખાટલો ઢાળીને તળપદી ઢબે વાત કરતાં બીબીસીને કહે છે કે, "કોઈનું પશુ બીમાર હોય તો અમે પાંચ કિલોમીટર પણ જાયેં ને પચાસ કિલોમીટર પણ જાયેં. ઊંટ કે ઘોડા પર બેસીને જાયેં ને પૈદલ ચાલતા ચાલતા પણ જાયેં. હવે ઉમંરને લીધે બહાર જવાનું બંધ કરી દીધું છે."

ભાગિયો કઈ રીતે તૈયાર થાય છે? એ સવાલ પૂછ્યો ત્યારે ગુલ મહમદે તળપદી ઢબે કહ્યું કે, "જેને પ્રકૃતિ અને પશુ પ્રત્યે પ્રેમ જાગી જાય તે માણસ પોતાને પણ ખબર ન પડે એમ ભાગિયો થવા માંડે છે. અમારા વડીલો જ્યારે પશુ ચરાવવા જતા અને છાંયડે બેઠીને વાતો કરતા ત્યારે હું કાન માંડીને સાંભળતો હતો. તેઓ કહેતા કે ફલાણી ભેંસ કઈ નસલની છે અને તેની શું વિશેષતા છે."

"આ ઘાસ પશુ ખાય તો એને આ ફાયદો થાય. ચોમાસા પછી પશુને સૌપ્રથમ કયું ઘાસ ખવરાવવું જોઈએ. નમક, ખજૂર, ખાંડ વગેરે વસ્તુઓનો પશુના ઉપચારમાં ઔષધ કેવી રીતે ઉપયોગ થઈ શકે એ પણ તેમની પાસેથી જ સાંભળ્યું હતું. આ બધું સાંભળી સાંભળીને મારા મનમાં સંઘરાઈ ગયું. કોઈનું પશુ બીમાર પડે તો વડવાઓનું સંઘરાયેલું જ્ઞાન કામ લાગે છે. મેં કોઈ ઉપચાર લખીને નથી રાખ્યા કે આની કોઈ ડિગ્રી નથી. આ એક મૌખિક પરંપરા છે. મૂળ બાબત એ છે કે તેને પશુ અને પર્યાવરણ પ્રત્યે લગાવ હોવો જોઈએ."

બન્નીમાં પશુને થતી 39 બીમારીઓ માટે ભાગિયાએ કરેલા 339 પરંપરાગત ઈલાજ નોંધાયેલા છે. સંસ્થા સહજીવને એનો રિપોર્ટ તૈયાર કર્યો છે.

એ રિપોર્ટ વિશે જણાતાં રમેશ ભટ્ટી કહે છે કે, "2010માં અમે એ દસ્તાવેજ તૈયાર કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે કયા ભાગિયા કઈ કઈ વનસ્પતિનો કયા પ્રકારના ઉપચારમાં ઉપયોગ કરે છે."

ભુજમાં આવેલા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકૉલૉજીના ડિરેક્ટર ડૉ. વિજયકુમાર કહે છે કે, "ભાગિયા પાસેનું જે જ્ઞાન છે તે એકલદોકલ લોકો પાસે જ હોય છે. જે પરિવારના કોઈ સભ્યને આપે છે. જેની પાસે આ જ્ઞાન ભેગું થાય છે અને તે જેને જ્ઞાન આપે છે એમાં દાયકાઓ લાગે છે."

નવા ભાગિયા તૈયાર થાય એ માટે એક કોર્સ પણ શરૂ થયો

બન્નીની ભેંસ દૂધ ઉત્પાદન માટે ખૂબ જાણીતી છે. ત્યાં દર વર્ષે માલધારીઓ પશુમેળાનું આયોજન કરે છે. એ પશુમેળામાં કર્ણધાર ભાગિયા જ હોય છે.

પશુ અને પર્યાવરણ પ્રત્યે નિસબત ધરાવનારાઓની ચિંતા એ છે કે બન્નીમાં ભાગિયાઓની સંખ્યા ઘટી રહી છે.

રમેશ ભટ્ટી કહે છે કે, "સહજીવન સંસ્થાએ 2010માં એક યાદી તૈયાર કરી હતી. જેમાં 20-22 ભાગિયા નોંધાયેલા હતા. આજે લગભગ દશેક બચ્યા હશે. જે ભાગિયા ગુજરી ગયા તેમની ખાલી જગ્યા ભરાઈ નથી. આનાથી પર્યાવરણને પણ એક પ્રકારનું નુકસાન છે. જેમ કે, નવા કોઈ ભાગિયા તૈયાર જ ન થાય તો જે તે વનસ્પતિનું શું મહત્ત્વ છે એ સમજનારા જ ઓછા થતા જાય, કાળક્રમે એ વનસ્પતિનો ઉપયોગ ન રહે. એ રીતે એ લુપ્ત પણ થતી જાય."

સરાડામાં રહેતા હુસૈન જત કહે છે કે, "પહેલાં દરેક ગામમાં બે-ત્રણ ભાગિયા હતા. હવે ભાગિયા ઓછા થઈ ગયા છે. હવે બે-ત્રણ ગામ વચ્ચે એક ભાગિયો માંડ મળે છે."

સહજીવન સંસ્થાના પ્રોજેકટ કૉ-ઓર્ડિનેટર ભારતી નંજાર જણાવે છે કે, "કચ્છ યુનિ., બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન અને સહજીવન સલીમ નોડે નામના ભાગિયા થઈ ગયા તેમના નામનો એક કોર્સ ચલાવે છે. બન્નીના વિવિધ ઘાસની ઓળખ, પશુની વિવિધ નસલોની ઓળખ, બન્નીની માટી, માલધારીયત એટલે શું? બન્નીની જૈવવૈવિધ્યતા વગેરે વિષયો આ કોર્સમાં ભણાવાય છે."

"પ્રોફેસર તરીકે વિષયના નિષ્ણાતોની સાથે અમે ભાગિયાઓને પણ લૅક્ચર લેવા બોલાવીએ છીએ, કારણ કે બન્નીમાં કયે ઠેકાણે કયું ઘાસ ઊગે છે અને કઈ મૌસમમાં ઊગે છે અને પશુમાં તેની ઉપયોગિતા શું છે તેની વ્યાવહારિક સમજ ભાગિયા પાસે હોય છે. નિષ્ણાતો ઘાસનું વૈજ્ઞાનિક નામ અને મહત્ત્વ સમજાવે અને ભાગિયા તેની ઉપયોગિતા સમજાવે છે. 2019થી કોર્સ શરૂ થયો છે. સિત્તેર જેટલા યુવકોએ કોર્સની તાલીમ મેળવી છે. હવે મહિલાઓ માટે પણ આ કોર્સ શરૂ થયો છે."

ભારતીબહેન કહે છે કે, "પશુપાલન સાથે માત્ર પુરુષો જ નથી જોડાયેલા, બહેનો પણ એટલી જ જોડાયેલી છે. તેથી અમે બહેનોને પણ તાલીમ આપવાનું શરૂ કર્યું છે. બહેનો ક્લાસમાં નથી આવી શકતી તો અમે તેમના ગામ જઈને વર્ગો લઈએ છીએ." ભારતીબહેન પોતે પણ બહેનોને ભણાવવા જાય છે.

સમયની સાથે ભાગિયાની ભૂમિકા બદલાઈ

બન્નીમાં કબીલા પરંપરાથી પશુપાલન અને ઉછેર થાય છે. અહીંના માલધારીઓ વંશપરંપરાગત રીતે માત્ર ને માત્ર પશુપાલન પર નભે છે.

ઈસાભાઈ મુત્વા કહે છે કે અમે પરિવારના સભ્યની જેમ પશુને ઉછેરીએ છીએ. કોઈની ભેંસ ગુજરી ગઈ હોય તો લોકો તેમના ઘરે બેસવા જાય છે. જ્યાં સુધી બન્નીમાં માલધારીયત છે ત્યાં સુધી ભાગિયા પરંપરા રહેશે. ભાગિયાની સંખ્યા ઘટી છે એમ જોવાને બદલે એ રીતે જોવું જોઈએ કે સમયની સાથે ભાગિયાની ભૂમિકા બદલાઈ છે.

"ભાગિયો પોતે વનસ્પતિમાંથી ઉપચાર તૈયાર કરીને આપે તો એ ગૌણ બાબત છે. મુખ્ય બાબત એ છે કે ભાગિયો એ માલધારીને બીમાર પશુ વિશે ઉપચાર સૂચવે છે. દર વખતે ભાગિયો પોતે જઈને દવા નહીં કરે. તે સૂચવે છે કે આ વનસ્પતિમાંથી આ પ્રકારે લેપ તૈયાર કરે વગેરે. હવે તો મોબાઇલ જેવાં ઉપકરણો છે તેનો ફાયદો એ પણ થયો છે કે ભાગિયાને દરેક ઠેકાણે દોડીને જવું નથી પડતું. લોકો ફોન પર પૂછીને પણ ઉપચાર મેળવે છે."

"ભાગિયા તેને જમાવી દે કે તમારી નજીક આ વનસ્પતિ હશે કે તમારા ઘરમાં આ વસ્તુઓ હશે તેને આવી રીતે લેપ કરીને કે ખાંડીને બીમાર પશુને આપો. લોકો તેમ કરે છે અને તેમના પશુને રાહત પણ મળે છે."

ગુલ મહમદ કહે છે કે, "મને દિવસના ત્રણેક ફોન પશુની બીમારીને લગતા આવે છે. હું તેમને તેમની પાસે જે વનસ્પતિ અને ખોરાક હાથવગા હોય તેવા ઉપચાર સૂચવું છું. મને રાજસ્થાનથી પણ ફોન આવે છે."

આબોહવા પરિવર્તનને લીધે બન્નીના ઘાસમાં કેવા ફેરફાર થયા છે?

જોકે બન્નીમાં પણ આબોહવા પરિવર્તનની અસર વર્તાવા માંડી છે. ડૉ. વિજયકુમાર કહે છે કે, "બન્નીમાં વનસ્પતિના 900થી વધારે નમૂના નોંધાયેલા છે. જેમાંથી 400 જેટલા તો ઔષધીય મહત્ત્વ ધરાવે છે."

આબોહવા પરિવર્તનની અસરને પગલે ઉત્તરોત્તર બન્નીના ઘાસની ઊંચાઈ ઘટી છે. વરસાદમાં ફરક પડ્યો છે તેને લીધે ઘાસમાં પણ ફરક પડ્યો છે.

રમેશ ભટ્ટી કહે છે કે, "છેલ્લાં કેટલાંક વર્ષમાં કચ્છ અને બન્નીમાં ખૂબ વરસાદ પડે છે. પાણી ભરાઈ રહે છે. ઘાસની પેદાશ કેટલીક જમીન પર વધી છે તો કેટલીક જમીન પર ઘટી છે. ઘાસનું બંધારણ પણ બદલાયું છે. અગાઉ બન્નીમાં લાંબા સમય સુધી વરસાદી પાણી ભરાયેલું રહેતું નહોતું. એ રણમાં જતું રહેતું હતું, આથી તરત ઘાસ ઊગી નીકળતું હતું. હવે પાણી ભરાઈ રહેવાને લીધે ધામોર, ખેવઈ, કલ જેવા મીઠા ઘાસ ઓછી માત્રામાં ઊગે છે."

પશુમાં થતી અસર વિશે વાત કરતા ગુલ મહમદ કહે છે કે, "ભારે ગરમીને પગલે ગાય અને ભેંસ ઓછા દિવસોમાં વિયાવા માંડી છે. આવું અગાઉ નહોતું થતું."

પશુઓના વર્તન પરથી ભાગિયા કઈ રીતે વરસાદનો વરતારો મેળવે છે?

પશુના વર્તન પરથી ભાગિયાઓ વરસાદનું અનુમાન પણ કરતા હોય છે. રમેશ ભટ્ટી કહે છે કે, "2012માં વરસાદ ખેંચાયો હતો. કચ્છમાં સામાન્ય રીતે જુલાઈ મહિનામાં વરસાદ પડી જાય પણ એ વર્ષે સપ્ટેમ્બરની વીસ તારીખ સુધી વરસાદ ન હતો. માલધારીઓ પોતાનાં ઢોરઢાંખરને લઈને કચ્છમાં તેમજ કચ્છની બહાર પલાયન કરી ગયા હતા."

"એ વખતે મને ભાગિયા સલીમ નોડે (જેને અમે સલીમમામા કહીએ છીએ) તેઓ મળ્યા હતા. તેઓ પોતાની ભેંસને લઈને ગામ છોડીને નહોતા ગયા. મેં કહ્યું કે તમે ઢોર લઈને નથી ગયા? તેમણે કહ્યું કે હું રોજ ઊઠીને મારી ભેંસનું વર્તન જોઉં છું. એ મને કહે છે કે વરસાદ થશે. એના અઠવાડિયા પછી ઊગમણી બન્નીમાં અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થયો. મને ફરી સલીમમામા મળ્યા તો મેં કહ્યું કે ભેંસનું વર્તન તમે કઈ રીતે નિહાળો છો? તેમણે કહ્યું કે ઉનાળો પત્યા પછી બન્નીમાં ઘાસ ઓછું હોય અને પશુને ભૂખ પણ ખૂબ હોય."

"ભેંસો સવારે વથાણમાં બેઠી હોય અને પછી જ્યારે સીમમાં ચરવા જવાનું થાય ત્યારે એ જો વથાણમાં નિરાંતે બેઠી હોય અને નિરાંતે નિરાંતે ચાલીને ચરવા જાય તો અમને ખબર પડી જાય કે ભેંસોને વિશ્વાસ છે કે વરસાદ થશે અને પલાયન કરવાની જરૂર નથી. ભેંસો જો વિહવળ હોય અને ઉતાવળે ઘાસ ચરવા જાય તો સમજવાનું કે વરસાદ નથી થવાનો."

આવો જ એક બીજો પ્રસંગ જણાવતાં રમેશ ભટ્ટી કહે છે કે, "એક વખત અમે કાર લઈને છારીદંડ ગયા હતા. ત્યાં એક ઊંટવાળા ભાઈ અમને મળ્યા. તેઓ પણ ભાગિયા હતા. તેમણે અમને કહ્યું કે તમે ઝટ રવાના થઈ જાવ. વરસાદ આવશે. અમે કહ્યું કે આકાશમાં તો વરસાદનો અણસાર પણ નથી. તમને કેમ લાગે છે કે વરસાદ આવશે? ઊંટવાળાએ અમને કહ્યું કે મારા ઊંટની કાંધ પર પરસેવો થઈ રહ્યો છે."

"આવું ત્યારે થાય જ્યારે વરસાદ આવવાનો હોય. બીજી વાત એ કે ઊંટ બેઠા હોય અને અમે આદેશ આપીએ ત્યારે જ ઊભા થઈને ચાલવા માંડે છે. અત્યારે કોઈ આદેશ વગર ચાલવા માંડ્યા છે. તેમની વાત સાચી નીકળી અડધીએક કલાક પછી વરસાદ પડ્યો અને અમારી કાર પણ ત્યાં ફસાઈ ગઈ હતી."

"આમ ભાગિયાને કોઠાસૂઝ હોય છે. આબોહવા પરિવર્તનની અસરને લીધે ભાગિયાઓ પણ અનુમાનમાં ગોથાં ખાઈ જાય છે."