પરશોત્તમ રૂપાલાને જયારે હરાવીને પરેશ ધાનાણી બન્યા હતા 'જાયન્ટ કિલર'

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

લગભગ દોઢેક મહિના પહેલાં ગુજરાતના રાજકારણમાં ચર્ચા હતી કે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા રહી ચૂકેલા પરેશ ધાનાણી કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ જશે. તેઓ ભાજપના નેતા પરશોત્તમ રૂપાલા સાથે તેઓ ચા પીતા નજરે પડ્યા હતા.

હવે, એ જ રૂપાલા સામે ધાનાણી રાજકોટની લોકસભા બેઠક ઉપરથી ઉમેદવાર બનાવાયા છે. અગાઉ ધાનાણીએ લોકસભા ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે ક્ષત્રિય સમાજ વિશે રૂપાલાની ટિપ્પણી બાદ થયેલો વિવાદ થોભી નથી રહ્યો ત્યારે કૉંગ્રેસ શનિવારે રાજકોટથી ધાનાણીને ઉમેદવાર જાહેર કરી દીધા છે.

આમ 22 વર્ષ પછી ફરી એક વખત રૂપાલા અને ધાનાણી વચ્ચે સીધો જંગ જામશે. વર્ષ 2002માં માત્ર 26 વર્ષની ઉંમરે ધાનાણીએ ભાજપના દિગ્ગજ નેતા રૂપાલાને પરાજય આપ્યો હતો અને ગુજરાતના રાજકારણમાં 'જાયન્ટ કિલર' તરીકે પ્રસ્થાપિત થયા હતા.

પછીના બે દાયકા દરમિયાન ધાનાણી ભાજપના વધુ બે દિગ્ગજને પરાજય આપવાના હતા અને બે વખત તેમણે પણ પરાજયનો સ્વાદ ચાખવાનો હતો.

2002ની બહુપ્રતિષ્ઠિત લડાઈ

ગોધરાકાંડ પછી ફાટી નીકળેલા હુલ્લડોના ઓછાયાની વચ્ચે કૉંગ્રેસે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાની અમરેલી બેઠક ઉપરથી પરેશ ધાનાણીને ઉતાર્યા હતા. તેમની સામે રૂપાલા ખૂબ જ અનુભવી નેતા હતા.

રૂપાલા 1990, 1995 અને 1998ની વિધાનસભા ચૂંટણીમાં અમરેલી બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા હતા. તેઓ કેશુભાઈ પટેલના નેતૃત્વમાં બનેલી ભાજપની પ્રથમ સરકારમાં નર્મદા અને જળસંસાધન મંત્રી બન્યા હતા. 'ખજૂરિયા-હજૂરિયાકાંડ' પછી ફરીથી તેઓ એ જ મંત્રાલયના પ્રધાન બન્યા.

હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને અમરેલીના ચીફ ઑફિસર તરીકે કૅરિયરની શરૂઆત કરનારા રૂપાલા ભાજપના સંગઠનમાં સક્રિય હતા, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેના પ્રચારક નરેન્દ્ર મોદીને ગુજરાતમાં ભાજપના સંગઠનમંત્રી તરીકે મોકલ્યા હતા અને રૂપાલા તેમના સંપર્કમાં આવ્યા હતા.

કહેવાય છે કે આ અરસામાં મોદીએ જ કાર્યકરોના ડૅટાને કેવી રીતે મૅન્ટેન કરવો અને કઈ-કઈ નવી વિગતો મેળવવી, તેના વિશેની માહિતી આપી હતી. ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી પરત ફર્યા, ત્યારે રૂપાલાને કૃષિ અને સહકારમંત્રી બનાવ્યા.

રૂપાલા અને ધાનાણી વચ્ચેની ચૂંટણીને મોટાભાગના રાજકીય નિષ્ણાતો એકતરફી માનતા હતા, ત્યારે ધાનાણીએ 16 હજાર 314 મતે રૂપાલાને પરાજય આપ્યો હતો અને 'જાયન્ટ કિલર' તરીકે પ્રસ્થાપિત થયા હતા.

આ ચૂંટણી રસપ્રદ હતી. રૂપાલા સામે કૉંગ્રેસમાંથી નવાસવા અને યુવા પરેશ ધાનાણી ઊભા હતા.

ધાનાણીની ઉંમર માત્ર 26 વર્ષની હતી. એ ચૂંટણીમાં રૂપાલાની હાર થઈ. તે વખતે ગુજરાતમાં મોદી યુગનો આરંભ થયો હતો પરંતુ અમરેલી વિધાનસભાની બેઠક પરથી રૂપાલાની હાર થઈ.

હારનું કારણ જણાવતા ભાજપના નેતા દિલીપ સંઘાણીએ બીબીસી સંવાદદાતા જય શુક્લને કહ્યું હતું કે, "તેઓ ભાજપમાં આંતરિક જૂથબંધી હતી તેના કારણે હાર્યા."

બીબીસીના સહયોગી હનિફ ખોખર રૂપાલાની હારનું વધુ એક કારણ જણાવતા કહે છે, "રૂપાલા એક ચૂંટણીસભામાં એવું બોલ્યા કે ‘ધાનાણી તો દૂધ પીતું બચ્ચું છે.’ બસ આ જ મુદ્દાને ધાનાણીએ ઉપાડી લીધો. તેઓ બધી જગ્યાએ દૂધની બૉટલ લઈને ચૂંટણીસભા ગજવતા અને કહેતા કે દૂધ પીતું બચ્ચું પણ તમને હરાવી શકે છે."

"જ્યારે ધાનાણી ચૂંટણી જીત્યા અને તેમનું વિજય સરઘસ નીકળ્યું ત્યારે પણ તેઓ દૂધની બૉટલ લઈને નીકળ્યા હતા અને રસ્તા પર દૂધ ઢોળવામાં આવ્યું હતું."

જોકે ચૂંટણી પછી એવું આકલન થયું કે પાટીદારોમાં 'કેશુબાપા' તરીકે ઓળખાતા પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલને હઠાવીને નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા, એટલે પાટીદારોમાં ભાજપવિરોધી અંડરકરંટ હતો. જેની અસર સમાજની બહુમતી ધરાવતી અમરેલીની બેઠક ઉપર જોવા મળી હતી.

કોમી ધ્રુવીકરણના માહોલમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 182માંથી 127 બેઠક જીતીને લગભગ બે તૃતીયાંશ બહુમતી મેળવી હતી, પરંતુ મોદીના મંત્રીમંડળમાં રૂપાલા ન હતા.

રૂપાલા કેન્દ્રીય મંત્રી પણ બન્યા અને ધાનાણી વિધાનસભામાં વિપક્ષના નેતા

એ પછીનાં વર્ષો દરમિયાન રૂપાલા ગુજરાત ભાજપના પ્રવક્તા તથા મહાસચિવ તરીકે સક્રિય રહ્યા, જ્યારે ધાનાણી વિધાનસભ્ય તરીકેના પાઠ શીખ્યા.

વર્ષ 2006માં રૂપાલા ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ બન્યા અને તેમના જ નેતૃત્વમાં પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી લડી, જ્યારે નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રીપદનો ચહેરો હતા.

એ વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ધાનાણીને રિપીટ કર્યા હતા. તેમની સામે સહકારક્ષેત્રના અગ્રણી દિલીપભાઈ સંઘાણી હતા. નાતાલના બે દિવસ પહેલાં ચાર હજાર 189 મતની પાતળી સરસાઈથી ધાનાણીનો પરાજય થયો અને પાટીદાર નેતા સંઘાણી ગાંધીનગર પહોંચ્યા.

વર્ષ 2012માં ફરી એક વખત કૉંગ્રેસે તેના નિવડેલા ઉમેદવાર ધાનાણી ઉપર ભરોસો મૂક્યો અને તેમને ટિકિટ આપી. જ્યારે ભાજપે સંઘાણીને રિપીટ કર્યા. ધાનાણીએ પાંચ વર્ષ પહેલાંની હારનો બદલો લીધો અને 29 હજાર 893 મતથી સંઘાણીનો પરાજય થયો.

2010ના અંતભાગમાં રૂપાલાએ પ્રદેશાધ્યક્ષનું પદ છોડી દીધું હતું અને પાર્ટીની અલગ-અલગ પાંખોમાં પોતાની ભૂમિકા ભજવતા રહ્યા.

યુપીએ-2 દરમિયાન વારંવાર ચર્ચા હતી કે રાહુલ ગાંધી તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહની સરકારમાં મંત્રી બનશે, પરંતુ એવું ન બન્યું. વર્ષ 2013માં રાહુલ ગાંધી સંગઠનમાં સક્રિય થઈ રહ્યા હતા અને જયપુર ખાતેની પાર્ટીની કાર્યસમિતિની બેઠકમાં રાહુલ ગાંધીને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા.

લગભગ બે દાયકા સુધી કૉંગ્રેસે ઉપાધ્યક્ષની નિમણૂક કરી ન હતી. આ જાહેરાત દ્વારા અણસાર આપી દેવાયા હતા કે આગામી સમયમાં કૉંગ્રેસના નેતૃત્વમાં સરકાર બનશે, તો ગાંધી તેમાં 'સૌથી મોટી ભૂમિકા' ભજવશે.

રાહુલ ગાંધી સાથે રહી શકે અને તેમના વિચાર-યોજનાને ધરાતલ ઉપર લાગુ કરી શકે, તે માટે દરેક રાજ્યોમાંથી સંગઠન અને ચૂંટણીલક્ષી રાજકારણમાં યુવા નેતાની યાદી બનાવવામાં આવી. એ પછી ચુનંદા લોકો 'ટીમ રાહુલ'માં સામેલ થયા. ધાનાણી પણ એમાંથી એક હતા.

બે રસ્તા, એક મુકામ?

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પહેલી વખત ભાજપની સરકાર બની, તેના થોડા સમય પહેલાં જ રૂપાલાનો રાજ્યસભાનો કાર્યકાળ પૂર્ણ થયો હતો, પરંતુ તેમને રિપીટ કરવામાં નહોતા આવ્યા. તેઓ પાર્ટીમાં અલગ-અલગ ભૂમિકા ભજવતા રહ્યા.

આ અરસામાં ગુજરાતમાં પાટીદારોનું અનામત માટેનું આંદોલન ઊભું થયું. રૂપાલાએ મક્કમતા પૂર્વક પાર્ટીનો પક્ષ સમાજ સમક્ષ રજૂ કર્યો હતો. ગુજરાતમાં ભાજપનો પગપેસારો થયો, ત્યારથી જ પાટીદારોએ ભાજપને સાથ આપ્યો હતો, પરંતુ લગભગ 30 વર્ષમાં (1984થી 2015) પહેલી વખત સમાજ પાર્ટીથી વિમુખ થતો હોય તેવું લાગતું હતું.

એવા સમયે રૂપાલા અને મનસુખ માંડવિયાને રાજ્યસભાના રસ્તે સાંસદ બનાવવામાં આવ્યા. પાર્ટીએ પાટીદારોના આક્રોશને શાંત પાડવા માટે પ્રયાસ હાથ ધર્યા હોવાનું નિષ્ણાતોનું આકલન હતું. એ પછી નરેન્દ્ર મોદીએ તેમના પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું. જેમાં રૂપાલાને કૃષિ, કૃષકકલ્યાણ અને પંચાયતીરાજ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા.

ભાજપ વિરૂદ્ધ પાટીદારોના આક્રોશ વચ્ચે વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ. ધાનાણીએ અમરેલીની બેઠક ઉપરથી ભાજપના દિગ્ગજ નેતા બાવકુભાઈ ઉંધાડને પરાજય આપ્યો. ગુજરાત વિધાનસભાના ચૂંટણીપરિણામ આવ્યા, તેના એકાદ અઠવાડિયાં પહેલાં જ રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

ચૂંટણીપરિણામોમાં કૉંગ્રેસે 77 બેઠક મેળવી હતી અને બહુમત માટે હાથવેંતનું છેટું રહી ગયું હતું. ગુજરાતમાં કૉંગ્રેસને પુનર્જીવિત કરવાનો શ્રેય રાહુલ ગાંધીને મળ્યો. માત્ર સાત બેઠકની પાતળી સરસાઈ સાથે ભાજપે ગુજરાતમાં સત્તા મેળવી.

જ્યારે પરેશ ધાનાણીને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા, ત્યારે પાર્ટીના આંતરિકસૂત્રો તથા રાજકીય નિષ્ણાતોએ આ પસંદગી ઉપર રાહુલ ગાંધીની છાપ સ્પષ્ટ જોઈ હતી. એક તબક્કે તેમને પાર્ટીના 'સીએમ મટિરિયલ' માનવામાં આવતા હતા.

ધાનાણીએ સરકારી ગાડી અને સુરક્ષા લેવાનો ઇન્કાર કર્યો હતો, પરંતુ ગાંધીનગર ખાતે બંગલો લીધો હતો, જેથી કરીને પાર્ટીના નેતા-કાર્યકર્તાઓ સાથે સંપર્ક જળવાઈ રહે.

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠક ઉપર કૉંગ્રેસનો પરાજય થયો, ત્યારે ધાનાણીએ નૈતિક જવાબદારી સ્વીકારતા પોતાના પદ પરથી રાજીનામું આપવાની તૈયારી દાખવી હતી.

નરેન્દ્ર મોદીની નવી સરકારમાં રૂપાલા તેમના જૂના પદ પર પરત ફર્યા. 2018માં તેમનો રાજ્યસભાનો કાર્યકાળ પૂર્ણ થયો, એટલે ફરી ઉપલાગૃહના રસ્તે તેમને સાંસદ બનાવવામાં આવ્યા.

વર્ષ 2021માં કોરોનાની વચ્ચે ગુજરાતમાં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ. જેમાં કૉંગ્રેસનું ધોવાણ થયું. ધાનાણી તથા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષે તેમના પદ પરથી રાજીનામા આપી દીધા.

એજ વર્ષે જુલાઈ મહિનામાં રૂપાલાની માછીમારી, ડેરી અને પશુપાલન મંત્રાલયના કૅબિનેટ મંત્રી તરીકે બઢતી થઈ.

ડિસેમ્બર-2022માં ગુજરાત વિધાનસભામાં ભાજપનું રોલર ફરી વળ્યું. પાર્ટીને 182 માંથી રેકર્ડ 156 બેઠક મળી, જે પાર્ટીનું અત્યારસુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

ધાનાણી પોતાની બેઠક પરથી હારી ગયા. આ વખતે ભાજપના ઉમેદવાર 36 વર્ષીય કૌશિક વેકરિયા 'જાયન્ટ કિલર' તરીકે પ્રસ્થાપિત થયા અને તેમણે કૉંગ્રેસના ઉમેદવારને 46 હજાર 600 કરતાં વધુ મતે પરાજય આપ્યો.

એપ્રિલ મહિનામાં રાજ્યસભાના સાંસદ તરીકે રૂપાલાના કાર્યકાળ પૂર્ણ થતો હતો. આમ છતાં પાર્ટીએ તેમને રિપીટ નહોતા કર્યા, ત્યારથી એવું માનવામાં આવતું હતું કે પાર્ટી તેમને લોકસભાના ચૂંટણીજંગમાં ઉતારશે.

પાર્ટીએ રૂપાલાને અમરેલીના બદલે ભાજપના ઉમેદવાર માટે સલામત મનાતી રાજકોટની બેઠક ઉપરથી ઉમેદવાર બનાવ્યા, ત્યારથી જ એવી અટકળો છે કે ભાજપનું કેન્દ્રીય મોવડીમંડળ રૂપાલાના વિજયને સુનિશ્ચિત કરવા માગે છે. જેથી કરીને આગામી સમયમાં તેમને કોઈ મોટી ભૂમિકા મળી શકે છે.

છેલ્લી લગભગ 10માંથી એકાદ અપવાદને બાદ કરતા રાજકોટની બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે. ત્યારે રાજકોટની બેઠક પરથી વિજય મેળવીને પરેશ ધાનાણી 22 વર્ષ પછી ફરી એક વખત અપસેટ સર્જશે કે રૂપાલા શક્તિશાળી સાબિત થશે, તેના ઉપર બંને પાર્ટીના નેતા તથા રાજકીયનિષ્ણાતોની નજર રહેશે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)