You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : સરદાર પટેલ જ્યારે એક મતથી ચૂંટણી જીત્યા અને કોર્ટે એને રદ કરી નાખી
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
તારીખ હતી 5મી જાન્યુઆરી, 1917. અમદાવાદ મ્યુનિસિપાલિટીના દરિયાપુર વૉર્ડની પેટાચૂંટણી માટેનું મતદાન થઈ રહ્યુ હતું. ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા. ત્રણેય ઉમેદવારોએ આ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું અને મતગણતરી પણ તે જ દિવસે હતી.
ચૂંટણી રસાકસીભરી હતી કારણ કે આ ત્રણ ઉમેદવારો પૈકીના એક ઉમેદવાર વલ્લભભાઈ પટેલ હતા. આ એ સમયની વાત છે જ્યારે વલ્લભભાઈ પટેલને ‘દેશના સરદાર’નું બિરુદ નહોતું મળ્યું.
આ પહેલાં વલ્લભભાઈ પટેલ ક્યારેય ચૂંટણી લડ્યા નહોતા અને તેઓ પહેલી વખત મ્યુનિસિપાલિટીની ચૂંટણી લડી રહ્યા હતા.
વલ્લભભાઈ પટેલ માનતા હતા કે મ્યુનિસિપાલિટી સ્વરાજના પાઠ શીખવાની પ્રથમ પાઠશાળા છે અને તે સ્વરાજનું પહેલું પગથિયું છે.
અમદાવાદ મ્યુનિસિપાલિટીના દરિયાપુર વૉર્ડના કાઉન્સિલર સૈયદ અહેમદમિયાં સરફુદ્દીનનું અવસાન થતાં બેઠક ખાલી પડી હતી તેથી વલ્લભભાઈ પટેલે આ દરિયાપુરની પેટાચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.
સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયું. મતપેટીઓ સીલ કરી દેવાઈ અને તેને અમદાવાદ મ્યુનિસિપાલિટીની મુખ્ય કચેરીના રિપન હૉલમાં લઈ જવાઈ.
મતગણતરી જ્યારે પૂર્ણ થઈ ત્યારે પરિણામ આશ્ચર્યજનક હતું. વલ્લભભાઈ પટેલનો માત્ર એક મતે વિજય થયો હતો.
કેવી હતી એ ચૂંટણી? સરદાર પટેલ આ ચૂંટણી કેમ લડ્યા હતા? એ ચૂંટણીમાં પરિણામ આવ્યા બાદ શું થયું હતું તેની માહિતી મેળવવા અમે કેટલાંક પુસ્તકોનો સંદર્ભ લીધો અને કેટલાક ઇતિહાસકારો સાથે વાત કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અંગ્રેજ અધિકારીને ‘પાઠ ભણાવવા’ મિત્રોએ સરદારને ચૂંટણી લડવા પ્રેરીત કર્યા
‘સરદાર પટેલ, એક સિંહ પુરુષ’ પુસ્તકના લેખક અને ઇતિહાસકાર રિઝવાન કાદરી લખે છે, “1-04-1915માં અમદાવાદમાં નવી મ્યુનિસિપાલિટી અસ્તિત્વમાં આવી. અહીં 13-11-1915ના રોજ જોન શિલીડી નામના આઈસીએસ અધિકારી કમિશનર બનીને આવ્યા.”
રિઝવાન કાદરી બીબીસી સાથે વાતચીતમાં આ અંગ્રેજ અધિકારી શિલીડી વિશે જાણકારી આપતા કહે છે, “તેઓ તૂંડમિજાજી અને તોછડા હતા. ભ્રષ્ટ પણ હતા. ચૂંટાયેલી પાંખ દ્વારા ચલાવવામાં આવતા વહીવટમાં હંમેશાં દખલ કરતા રહેતા. તેથી જેઓ મ્યુનિસિપાલિટીમાં કાઉન્સિલર હતા અને સરદાર પટેલના મિત્રો પણ હતા તેમણે સરદારને વિનંતી કરતા કે તમે ચૂંટાયેલા બૉર્ડમાં આવવા ચૂંટણી લડો.”
ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી પોતાના પુસ્તક ‘પટેલ, અ લાઇફ’માં લખે છે, “રમણભાઈ નીલકંઠ તે વખતે અમદાવાદ મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ હતા. સરદારના મિત્રો રાવ સાહેબ હરિલાલભાઈ કે જેઓ મ્યુનિસિપલ મૅનેજિંગ કમિટીના પ્રમુખ હતા, તેમણે સરદારને કહ્યું કે તમે ચૂંટણી લડો. સરદારના મિત્રોને લાગ્યું હતું કે માત્ર સરદાર જ ચૂંટાયેલી પાંખના વહીવટમાં દખલ કરતા આ અંગ્રેજ અધિકારીને અટકાવી શકે છે.”
રાજમોહન ગાંધી વધુમાં લખે છે, “ચંપારણમાં ગાંધીજીના સત્યાગ્રહ બાદ સરદારે નક્કી કર્યું કે અમદાવાદ મ્યુનિસિપાલિટીને પણ અંગ્રેજ અધિકારી શિલીડીના ચૂંગલમાંથી છોડાવવી છે. તેથી સરદારે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો.”
રિઝવાન કાદરી કહે છે, “સરદાર 1913માં અમદાવાદ આવ્યા અને ક્રિમિનલ લૉયર તરીકેની પ્રૅક્ટિસ શરૂ કરી. કોર્ટની બાજુમાં જ ગુજરાત ક્લબ હતી. ક્લબમાં વલ્લભભાઈ બ્રીજ રમવા જતા અને ત્યાં બેસીને મિત્રો સાથે વાતો કરતા. ગાંધીજી જ્યારે 1915માં અમદાવાદ આવ્યા ત્યારે તેમણે ગુજરાત ક્લબની મુલાકાત લીધી હતી પણ ત્યારે તેઓ ગાંધીજીથી આકર્ષાયા નહોતા. પાછળથી તેમણે સાર્વજનિક જીવનમાં ઝંપલાવ્યું.”
રિઝવાન કાદરી 'સરદાર પટેલ, એક સિંહપુરુષ'માં લખે છે, “જ્યારે વલ્લભભાઈ પટેલે મ્યુનિસિપાલિટીની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો ત્યારે તેમના એક બૅરિસ્ટર મિત્ર ચિમનલાલ ઠાકોરે તેમને સલાહ આપી કે અમદાવાદીઓમાં જાહેર જુસ્સા જેવું નથી. તેમને લોકોએ સાથ નહોતો આપ્યો. તેથી તમે જાહેર પ્રવૃત્તિઓમાં ન પડો.”
આ સલાહને અવગણીને વલ્લભભાઈએ ચૂંટણી લડવાનું મન બનાવ્યું.
તેમને તક પણ મળી. દરિયાપુર વૉર્ડના એક કાઉન્સિલર સૈયદ એહમદમિયાં સરફુદ્દીનનું અવસાન થયું અને તેમની બેઠક ખાલી થઈ. આ બેઠક પરથી 5-01-1917ના રોજ પેટાચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર થયો અને સરદાર આ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહ્યા.
સરદારની જીતને કોર્ટમાં પડકારવામાં આવી
આ પેટાચૂંટણીમાં કુલ ત્રણ ઉમેદવારો મેદાનમાં હતાં.
બૅરિસ્ટર વલ્લભભાઈ પટેલ, બૅરિસ્ટર ગુલામ મોહ્યુદ્દીન નરમાવાલા અને હોમી પેસ્તનજી ચાહેવાલા.
રિઝવાન કાદરી કહે છે, “સરદારે તેમના માટે ઘરે-ઘરે જઈને પ્રચાર પણ કર્યો હતો. સરદારના ટેકેદારો પણ લોકોને મત આપવા માટેની અપીલ કરતા હતા. બપોર સુધીમાં પારસી ઉમેદવાર હોમી પેસ્તનજી ચાહેવાલાએ હારી જવાની આશંકાને કારણે ઉમેદવારી પરત ખેંચી. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે રોમાંચિત બનેલી આ ચૂંટણીમાં સરદારનો એક મતે વિજય થયો.”
સરદાર પટેલને 313 મત મળ્યા હતા. જ્યારે તેમના નજીકના પ્રતિસ્પર્ધી ગુલામ મોહ્યુદ્દીન નરમાવાલાને 312 મત મળ્યા હતા.
જોકે, ગુલામ મોહ્યુદ્દીન નરમાવાલાએ આ ચૂંટણીના પરિણામને અમદાવાદની જિલ્લા કોર્ટમાં પડકાર્યું હતું. તેમનો આરોપ હતો કે રતિલાલ નાથાલાલ નામના એક મતદાતાએ મત આપ્યો હતો પણ તેઓ સગીર હોવાથી તેમનો મત રદ કરવામાં આવે.
રિઝવાન કાદરી આ કેસના ચુકાદા વિશે પુસ્તકમાં લખે છે, “26 માર્ચ, 1917ના રોજ ડિસ્ટ્રિક્ટ જજ મિસ્ટર કૅનેડીએ પોતાના ચુકાદામાં રતિલાલ નાથાલાલના મતને સગીર હોવાને કારણે ગેરકાયદે ગણ્યો. પેટાચૂંટણીનું પરિણામ રદ કર્યું. અરજદાર નરમાવાળાનું અડધો ખર્ચ બંને સામાવાળાઓએ આપવો એવો હુકમ પણ કર્યો. દરિયાપુર વૉર્ડની બેઠક ફરીવાર ખાલી થઈ.”
કોર્ટના આ આદેશ બાદ મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ રમણભાઈ નીલકંઠે 29મી માર્ચ, 1917ના રોજ અમદાવાદના કલેક્ટરને પત્ર લખીને આ પેટાચૂંટણી ફરી કરાવવા માટેની વિનંતી કરતો પત્ર લખ્યો. જ્યારે દરિયાપુરની પેટાચૂંટણી ફરી જાહેર થઈ ત્યારે વલ્લભભાઈ પટેલે ફરી ચૂંટણીમાં ઝંપલાવ્યું.
રિઝવાન કાદરી કહે છે, “આ વખતે તેમની સામે કોઈ હરીફ નહોતું. નરમાવાલાએ પણ ઉમેદવારી ન કરી. જોકે, તેમણે આમ કેમ કર્યું તેની જાણકારી નથી. તેથી સરદાર બિનહરીફ ચૂંટાયા.”
જ્યારે તેઓ જીત્યા ત્યારબાદ તેમણે જે કામ કરવા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું તે કર્યું. અંગ્રેજ અધિકારી શિલીડીને અમદાવાદ મ્યુનિસિપાલિટીના કમિશનરપદેથી દૂર કરવાનો પ્રસ્તાવ બૉર્ડમાં પાસ કરાવડાવ્યો. આખરે ચૂંટાયેલી પાંખ અને સરકાર વચ્ચેના સંઘર્ષને ટાળવા માટે સરકારે શિલીડીની ટ્રાન્સફર કરી દીધી.
ત્યારબાદ સરદાર પટેલે ચાર વખત અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણી લડી. ત્રણ વખત દરિયાપુરમાંથી અને એક વખત ખાડિયામાંથી. તેઓ 9મી ફેબ્રુઆરી, 1924ના રોજ અમદાવાદ મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ પણ બન્યા.
સરદાર પટેલ લગભગ 3,800 દિવસ કાઉન્સિલર અને 1,555 દિવસ મ્યુનિસિપલ અધ્યક્ષ રહ્યા હતા.
ગાંધીજી સાથે સક્રિયતાથી સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવાના નિર્ણયને કારણે તેમણે 13 એપ્રિલ, 1928ના રોજ અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું.
દેશ આઝાદ થયો ત્યારબાદ તેઓ દેશના ગૃહમંત્રી અને નાયબ વડા પ્રધાન પણ બન્યા. જોકે, વર્ષ 1951માં જ્યારે દેશમાં પહેલીવાર લોકસભાની ચૂંટણી યોજાઈ તે પહેલાં તેમનું નિધન થઈ ગયું.
જો સરદાર આ ચૂંટણી ન જીત્યા હોત તો.....
હવે સવાલ એ થાય છે કે જો વલ્લભભાઈ પટેલ આ ચૂંટણી ન જીત્યા હોત તો દેશને સરદાર મળ્યા હોત કે કેમ? સરદારનું નેતૃત્વ દેશને પ્રાપ્ત થયું હોત કે નહીં? આ સવાલો અંગે જાણકારોમાં ભિન્ન મતો જોવા મળે છે.
રિઝવાન કાદરી કહે છે, “સરદાર પહેલાં કૉલેજ ખોલવા માગતા હતા. તેથી કદાચ જો સરદાર આ ચૂંટણી ન જીત્યા હોત તો દેશને સરદાર ન મળ્યા હોત.”
સરદારના જીવન પર ‘સરદાર-સાચો માણસ, સાચી વાત’ પુસ્તક લખનારા લેખક ઉર્વીશ કોઠારી બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “જે પ્રકારે તેઓ (સરદાર) ચંપારણ સત્યાગ્રહને કારણે ગાંધીજીથી આકર્ષાયા હતા તે જોતા એવું કહી શકાય કે ભલે તેઓ ચૂંટણી ન જીત્યા હોત તો પણ તેઓ ગાંધીજી જોડે જરૂરથી ભળી ગયા હોત.”
“તેઓ ચૂંટણી ન જીત્યા હોત તો પણ તેઓ હારીને બેસી જાય તેવા નહોતા. વકીલાતમાં તેમણે જુસ્સો અને નેતૃત્વ દેખાડ્યું. મ્યુનિસિપાલિટીમાં જીતવું એ તેમનું પોલિટિકલ કૉલિંગ હતું પરંતુ ગાંધીજી સાથે જોડાવું તેમનું મોરલ કૉલિંગ હતું.”
સરદાર પટેલ પર સંશોધન કરનારા હરિ દેસાઈ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “જો ચૂંટણી હારી ગયા હોત તો સરદારે તેમની ક્રિમિનલ લૉયર તરીકેની પ્રૅક્ટિસ ચાલુ રાખી હોત (પણ આવી ઐતિહાસિક ઘટનાઓમાં) 'ઇફ ઍન્ડ બટ' નથી હોતું. સરદારના વ્યક્તિત્વને કોઈ રીતે એકલું ન મૂલવી શકાય તેને સમગ્રતામાં જોવું પડે.
એક મતનું મૂલ્ય
સરદારની ચૂંટણીનું પરિણામ એક મતનું મૂલ્ય કેટલું હોય છે તે દેખાડે છે.
પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકાર એક મતે પડી હતી. 1999માં જ્યારે જયલલિતાની પાર્ટી એઆઈડીએમકેએ વાજપેયી સરકારનું સમર્થન પરત ખેંચી લીધું ત્યારે 17, એપ્રિલ, 1999ના રોજ વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું.
કૉંગ્રેસના સાંસદ હતા ગિરધર ગોમાંગ, તેઓ ઓડિશાના મુખ્ય મંત્રી બની ગયા હતા છતાં તેમણે સંસદસભ્યપદેથી રાજીનામું નહોતું આપ્યું અને તેઓ પણ મતદાન દરમિયાન હાજર રહ્યા હતા.
સંસદમાં તેમના મત આપવાના અધિકાર પર ચર્ચા થઈ. પરંતુ લોકસભાના સ્પીકર જીએમસી બાલયોગીએ ચૂકાદો આપ્યો કે ગિરધર ગોમાંગ તેમના વિવેકને આધારે નક્કી કરે કે મત આપવો કે નહીં. તેમણે મતદાનમાં ભાગ લીધો અને વાજપેયી સરકાર એક મતે પડી.
ફારુખ અબ્દુલ્લાના પક્ષ નેશનલ કૉન્ફરન્સે વાજપેયી સરકારના સમર્થનમાં વોટ આપવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેમના એક સાંસદ સૈફુદ્દીન સોઝે નક્કી થયું તેના કરતાં વિરુદ્ધમાં મત આપ્યો. એટલે આ એક મત પણ વાજપેયી સરકારને નડ્યો અને તેમની સરકાર 13 મહિનામાં પડી.
2004માં કર્ણાટક વિધાનસભામાં સંતમેરહલ્લી બેઠક પર કેરળના પૂર્વ ગવર્નર બી. રમૈયાના પુત્ર એ. આર. કૃષ્ણમૂર્તિ તેમના નજીકના પ્રતિસ્પર્ધી ધ્રુવનારાયણથી માત્ર એક મતે પરાજીત થયા હતા.
ધ્રુવનારાયણને 40,752 અને કૃષ્ણમૂર્તિને 40,751 વોટ મળ્યા હતા. કૃષ્ણમૂર્તિ જનતાદળ સેક્યૂલરની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા.
આવો જ એક બનાવ મેઘાલયમાં ખેરાપારા બેઠકમાં બન્યો હતો. અહીં કૉંગ્રેસના આર. એમ. સંગમાને અને અપક્ષ ઉમેદવાર સી. મારાકને એકસરખા વોટ મળ્યા હતા. ડ્રો દ્વારા ચૂંટણીપંચે મારાકને વિજેતા ઘોષિત કર્યા હતા.
2008માં મધ્ય પ્રદેશમાં ધાર બેઠક પરથી ભાજપના ઉમેદવાર નીના વિક્રમ વર્મા માત્ર એક વોટથી જીત્યા. નીના વિક્રમ વર્માએ તેમના પ્રતિસ્પર્ધી બાલમુકુંદને એક વોટે હરાવ્યા હતા.
સૌથી મોટું ઉદાહરણ રાજસ્થાન વિધાનસભાની 2008ની ચૂંટણી વખતે નાથદ્વારા બેઠક પર જોવા મળ્યું હતું. તે વખતે સી. પી. જોશી રાજસ્થાન કૉંગ્રેસના અધ્યક્ષ હતા અને તેઓ મુખ્ય મંત્રીની દોડમાં આગળ હતા.
જોશીને 62,215 મત મળ્યા અને તેમના હરીફ કલ્યાણસિંહ ચૌહાણને 62,216 મત મળ્યા.
ફેરમતગણતરીની માગ કરવામાં આવી. બધાની નજર પોસ્ટલ મતો પર હતી. કુલ 501 પોસ્ટલ બૅલેટ હતા તે પૈકીના 158 મત રદ થયા અને આખરે કલ્યાણસિંહ ચૌહાણની જીત થઈ.
આ તમામ વિગતો ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ. વાય. કુરેશી તેમના પુસ્તક ‘એન અનડૉક્યુમેન્ટેડ વન્ડર: ધ મેકીંગ ઑફ ધ ગ્રેટ ઇન્ડિયન ઇલેક્શન્સ’ નામના પુસ્તકમાં લખી છે.(પેજ નંબર 95-96)
તેઓ વધુમાં લખે છે કે “ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ઉના બ્લૉકના ગીરના જંગલોમાં એક મતદાતા માટે બનાવાયેલું એક માત્ર મતદાન કેન્દ્ર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભામાં પણ યથાવત્ હતું. બાણેજ મંદિરમાં એક પૂજારી પૂજા કરે છે. મંદિરમાં જવા માટે કાચો રસ્તો છે. અહીં જંગલી પ્રાણીઓનો ભય છે. પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા નથી છતાં અહીં નજીકમાં વન વિભાગના એક ઓરડામાં મતદાનમથક બનાવવામાં આવ્યું હતું.”
“2019સુધી ગુરુ ભરતદાસનું જીવન મંદિરમાં જ સમર્પિત હતું. તેઓ 2019 સુધી અહીં જ મત આપતા હતા. તેઓ સવારના જ મત આપી દેતા પંરતુ ચૂંટણી અધિકારીઓ જ્યાં સુધી મતદાનનો સમય સમાપ્ત નહીં થાય ત્યાં સુધી ફરજ બજાવતા કારણ કે કાયદો કહે છે કે જો કોઈ તેમના મતને પડકારવા માગતા હોય તો તે પડકારી શકે.”
આ પ્રકારના વધુ એક મતદાનમથકની ચર્ચા કરતા કુરેશી લખે છે, “2004માં લોકસભા ચૂંટણી વખતે કેરળના કોઝીકોડ જિલ્લાની ચરણગટ્ટૂ કેન્દ્રમાં માત્ર એક જ મતદાતા હતા. કક્કાયમ ડેમના ગાઢ જંગલોમાં ચરણગટ્ટૂમાં કુલ 351 મતદાતા હતા. તે પૈકી 350 મતદાતા અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયા પરંતુ એક મતદાતા છેલ્લા શ્વાસ સુધી ત્યાં જ હતા. ચૂંટણીપંચે તેમના અધિકારનું સન્માન કરીને તેમના ઘરની નજીક વીજળી બૉર્ડની એક કચેરીમાં મતદાનકેન્દ્ર બનાવ્યું. 2007માં આ એક માત્ર મતદાતાનું મૃત્યુ થયું અને એક મતદાતા માટે બનાવાયેલું મતદાનમથક બંધ કરવામાં આવ્યું.”
હરી દેસાઈ કહે છે, “એક મતનું મહત્ત્વ વારંવાર દેખાયું છે, અનુભવાયું છે, પછી તે સરદાર યુગમાં હોય કે પછી થોડાં વર્ષો પહેલાં થયેલી સી. પી. જોશીની હારમાં.”
રિઝવાન કાદરી કહે છે, "એક મત કેટલો નિર્ણાયક હોય છે તે આ સરદારની ચૂંટણીમાં થયેલી જીતથી સાબિત થાય છે."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)