મહંમદઅલી ઝીણા પૈસા લીધા વિના સરદાર પટેલનો કેસ લડ્યા એ શું હતો?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા

આઝાદી પહેલાં, આઝાદી મળી રહી હતી ત્યારે અને આઝાદી મળ્યા બાદ પાકિસ્તાનના સંસ્થાપક મહંમદઅલી ઝીણા અને સરદાર પટેલ વચ્ચેના સંબંધોમાં ઉતારચડાવ જોવા મળ્યો હતો.

બ્રિટિશ શાસિત ભારતના ભાગલા થયા અને પાકિસ્તાન બન્યું ત્યારે સરદાર અને ઝીણા કેટલીક બાબતોમાં સામસામે હતા.

એક સમય એવો હતો જ્યારે બંને વચ્ચે એવા સુંવાળા સંબંધો હતા અને એક વાર સરદાર સામે જ્યારે બ્રિટિશ સરકારે પૈસાના ગેરવહીવટનો કેસ કર્યો હતો ત્યારે ઝીણાએ સરદાર વતી કેસમાં વકીલ તરીકે પેરવી કરી હતી.

બ્રિટિશ સરકારે સરદારને જેલમાં પૂર્યા ત્યારે ઝીણાએ દિલ્હીની કેન્દ્રિય ઍસૅમ્બ્લીમાં તેનો જોરદાર વિરોધ કર્યો હતો.

એક સમય એવો હતો જ્યારે ઝીણા કૉંગ્રેસમાં અગ્રણી નેતા હતા અને ઇતિહાસકારોના મત મુજબ હિન્દુ-મુસ્લિમ એકતાના ભારે હિમાયતી હતા.

જોકે, જાણકારો કહે છે કૉંગ્રેસમાં જ્યારે ગાંધીયુગનો આરંભ થયો ત્યારબાદ તેઓ મુસ્લિમ લીગમાં જોડાયા અને મુસ્લિમોના રહેન્નુમા બન્યા ત્યારે બંને વચ્ચે કડવાશ વધી હતી.

જે સરદાર પર બ્રિટિશ સરકારે કર્યો હતો અને એ કેસ ઝીણા સરદાર પક્ષે લડ્યા હતા?

બીબીસીએ આ કેસને જાણવા કેટલાંક પુસ્તકોનો સહારો લીધો અને ઇતિહાસકારો અને જાણકારો સાથે વાત કરી.

પટેલ પર લાગ્યો હતો 1.68 લાખના ગેરવહીવટનો આરોપ

ત્યારે વલ્લભભાઈ પટેલ 'સરદાર' નહોતા બન્યા. અસહકારનું આંદોલન જોર પર હતું ત્યારે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પણ અસહકારની ચળવળનો આરંભ થયો.

1917માં વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા. 1919માં તેઓ ફરી ચૂંટાયા. 1920માં અસહકારનું આંદોલન શરૂ થયું. 28 સપ્ટેમ્બર, 1920ના રોજ વલ્લભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી એલિસબ્રિજ પાસેની સભામાં ગાંધીજીએ સહુ વિદ્યાર્થીઓને સરકારી સ્કૂલ અને કૉલેજોનો ત્યાગ કરવાની હાકલ કરી.

વલ્લભભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટીને સ્વતંત્રતા સંગ્રામના શસ્ત્ર કરીકે ઉપયોગ કર્યો. પ્રથમ અમદાવાદ મ્યુનિસિપાલિટીએ પ્રાથમિક શિક્ષણને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવા ગ્રાન્ટ લેવાનું બંધ કર્યું.

અમદાવાદ મ્યુનિસિપાલિટીની સ્કૂલ કમિટીએ નક્કી કર્યું કે સરકારી ગ્રાન્ટ લેતા ન હોવાને કારણે સરકારના કોઈ ઍજ્યુકેશન ઇન્સ્પેક્ટર શાળાના ઇન્સ્પેક્શન માટે સ્કૂલની મુલાકાતે આવી નહીં શકે. એટલું જ નહીં પરીક્ષામાં પણ સરકારી ચંચુપાત બંધ કરી દીધો.

દરમિયાન ડિસેમ્બર 1921માં ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસનું વાર્ષિક સંમેલન અમદાવાદમાં મળ્યું હતું તેના ભાગરૂપે મ્યુનિસિપાલિટીની સ્કૂલોમાં એક મહિનાની રજા જાહેર કરી દેવામાં આવી.

વલ્લભભાઈ કૉંગ્રેસના આ સંમેલનમાં રિસેપ્શન કમિટીના અધ્યક્ષ હતા. તે વખતે ઝીણા પણ અમદાવાદ આવ્યા હતા.

બ્રિટિશ સરકારને આ બધું નાપસંદ હતું અને પરિણામે તેમણે 1922માં અમદાવાદ મ્યુનિસિપાલિટીને સસ્પેન્ડ કરી નાખી.

'સરદાર પટેલ એક સિંહપુરુષ ' નામના પુસ્તકમાં ગુજરાતના જાણીતા ઇતિહાસકાર અને લેખક ડૉ. રિઝવાન કાદરી લખે છે, "સરકારે 23-9-1921ના રોજ ઠરાવ બહાર પાડ્યો હતો કે તેની કલમ 5 મુજબ મ્યુનિસિપલ શાળામાં જે ખર્ચ કરવામાં આવશે તે રકમને ગેરકાયદે ગણવામાં આવશે અને તે રકમને ઍક્ટની કલમ 42 મુજબ ખોટી રીતે વાપરેલી ગણાશે. જે કાઉન્સિલરે આ ખર્ચ કરવામાં સહભાગી હશે તેના પર દાવો માંડવામાં આવશે અને તેના ખર્ચ માટે પણ તે જવાબદાર હશે."(પેજ નંબર 169-170)

ડૉ. રિઝવાન કાદરી બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, "સરકારે આ ઠરાવ મુજબ અમદાવાદ મ્યુનિસિપાલિટીના 19 કાઉન્સિલરો સામે અમદાવાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાવો માંડ્યો. આ દાવા પ્રમાણે મ્યુનિસિપાલિટીના 1,68,600 રૂપિયાનો દુરુપયોગ થયો છે. 28-4-1922ના રોજ કુલ 19 કાઉન્સિલરો સામે બ્રિટિશ સરકારે આ નાણાં વસૂલવા માટે કેસ કરવામાં આવ્યો. જેમાં સરદાર પટેલનું નામ પણ હતું."

વલ્લભભાઈ પટેલનું નામ એટલા માટે હતું કે સ્કૂલ કમિટી અંગેના જે ઠરાવો કરવામાં આવ્યા હતા તેમાં તેમણે ઠરાવોની તરફેણમાં મતદાન કર્યું હતું. આ ઠરાવો અંતર્ગત તેમણે પ્રાથમિક સ્કૂલોને સરકારની ગ્રાન્ટ ફગાવીને તેના નિયંત્રણમાંથી મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો.

ડૉ. રિઝવાન કાદરી કહે છે, "એક વર્ષ સુધી ચાલેલા આ કેસનો નિકાલ કરતા ડિસ્ટ્રિક્ટ જજ ડિસોઝાએ કહ્યું કે નાણાંનો દુરુપયોગ થયો નથી અને કોઈ ગેરકાયદેસર કામ થયું નથી."

આમ વલ્લભભાઈ પટેલ સહિતના કાઉન્સિલરો કેસ જીતી ગયા.

પરંતુ બ્રિટિશ સરકાર આ ચુકાદાથી સમસમી ઊઠી અને તેમણે આ ચુકાદાને બૉમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો.

બૉમ્બે હાઈકોર્ટમાં ઝીણાએ સરદાર વતી કેસ લડ્યો

બૉમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નોર્મન મેક્લિઓડ અને જસ્ટિસ ક્રમ્પ સમક્ષ આ કેસ ચાલ્યો.

ડૉ. રિઝવાન કાદરી તેમના પુસ્તક 'સરદાર પટેલ એક સિંહપુરુષ'માં લખે છે, "બંને જસ્ટિસો સમક્ષ બંને પક્ષોએ લંબાણપૂર્વક દલીલો કરી. સરકાર પક્ષે ઍડવૉકેટ જનરલ કાંગા અને સરકારી વકીલ પાટકરે અસહકારવાદીઓ વિરુદ્ધ જોરદાર દલીલો કરી. તો સામે સરદાર પટેલ પક્ષે તે જમાનામાં જેના ડંકા વાગતા હતા તેવા વકીલો હતા. આ ધુરંધરો પૈકી હતા મહંમદઅલી ઝીણા, હરિસિદ્ધભાઈ દિવેટિયા, ગોવિંદલાલ નરભેરામ ઠાકોર, એ. જી. દેસાઈ અને પી. એન. દેસાઈ. પણ બંને ન્યાયમૂર્તિએ બ્રિટિશ સરકારની અપીલ રદ કરી."(પેજ નંબર 172)

ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી પણ તેમના પુસ્તક 'પટેલ, અ લાઇફમાં લખે છે, "ચીફ જસ્ટિસ મેક્લિઓડ અને જસ્ટિસ ક્રમ્પે તેના ચુકાદામાં કહ્યું કે ફંડનો દુરુપયોગ થયો હોય તેવું પુરવાર થઈ શક્યું નથી. તેમણે બચાવ પક્ષને થયેલા ખર્ચનું વળતર પણ ચૂકવવા કહ્યું. સરદાર અને તેમના મિત્રો માટે કેસ લડનારા વકીલો પૈકીના એક હતા મહંમદઅલી ઝીણા."

સરદાર પટેલ એક સિંહપુરુષ પુસ્તકમાં રજૂ કરેલા દસ્તાવેજ મુજબ આ કેસનો ચુકાદો 25 નવેમ્બર, 1924ના રોજ સંભળાવાયો હતો.

ઝીણા આ કેસ ફ્રીમાં લડ્યા હતા

ડૉ. રિઝવાન કાદરી લખે છે, "સને 1923ની 155 નંબરની અપીલમાં બંને ન્યાયમૂર્તિએ 'Misapplication' શબ્દની ચર્ચા કરતા ઠરાવ્યું કે સભ્યોએ નાણાંનો ઉપયોગ મ્યુ. શાળાના નિભાવ પાછળ બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ જ કર્યો છે. તેથી સરકારની અપીલ રદ કરવામાં આવે છે, સાથે સામાવાળા પક્ષકારના 19 સભ્યોને અપીલનો ખર્ચ આપવાનો હુકમ પણ કર્યો."

ભલે બૉમ્બે હાઈકોર્ટે બચાવ પક્ષને ખર્ચનું વળતર ચૂકવવાનું બ્રિટિશ સરકારને કહ્યું હોય પણ વલ્લભભાઈ પટેલ અને અન્ય કાઉન્સિલરોએ વળતરનો દાવો માંડ્યો નહોતો.

ડૉ. રિઝવાન કાદરી કહે છે, "ઝીણાએ આ કેસ માટે એક પૈસો લીધો નહોતો. સરદાર પટેલે જ્યારે ઝીણાને તેમની ફીનાં બિલો રજૂ કરવાનું કહ્યું ત્યારે ઝીણાએ કહ્યું કે બિલ તો ઠીક છે, આપણે તો આ બ્રિટિશ સરકારને સબક શીખવાડવાનો હતો."

"ઝીણાએ કહ્યું હતું કે મારે આ કેસ લડ્યો તેના કોઈ પૈસા નથી જોઈતા. આ કેસ અંગેનું બધું કામ સરદારના પરમ મિત્ર દાદાસાહેબ માલવંકર અને મુસ્તુફા મિંયા સંભાળતા હતા. ઝીણાના જવાબ પહેલાં તેમણે નક્કી કર્યું હતું કે વકીલોની જે ફી થાય તે અને અન્ય ખર્ચ બધાએ ભેગા મળીને ચૂકવવો. પણ ઝીણાએ તેમની ફી લીધી નહોતી."

સરદારની ધરપકડનો ઝીણાએ કેન્દ્રિય ઍસૅમ્બ્લીમાં વિરોધ કર્યો

ઇતિહાસમાં બીજો પણ એવો પ્રસંગ મળે છે જ્યારે ઝીણાએ સરદાર પટેલનો બચાવ કર્યો હોય.

વિગતો એવી હતી કે મહાત્મા ગાંધીની પ્રસ્તાવિત દાંડીકૂચની તૈયારી ચાલી રહી હતી. 12 માર્ચ, 1930ના રોજથી આ યાત્રા સાબરમતી આશ્રમથી શરૂ થવાની હતી. તૈયારીની ઘણી મોટી જવાબદારી સરદાર પટેલના શિરે હતી. પરંતુ આ યાત્રા નીકળે તેના એક દિવસ પહેલાં જ 7 માર્ચ, 1930ના રોજ સરદાર પટેલની રાસ ગામથી ધરપકડ થઈ.

તેમના પર આરોપ હતો કે તેમણે સરકાર સામે ઉશ્કેરણીજનક ભાષણો કર્યાં હતાં. તેમને બોરસદની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા.

રાજમોહન ગાંધી લખે છે, "તમામ વકીલોને બહાર જવાનું કહી દેવાયું. માત્ર સરકારી લોકોને જ હાજર રખાયા, જેમણે સરદારની ધરપકડ કરી હતી તે બે જણ અને વલ્લભભાઈ. કોઈ સાક્ષી નહીં, કોઈ ગવાહી નહીં. સીધો ચુકાદો. 8 લાઇનનો ચુકાદો લખવામાં જજે દોઢ કલાકનો સમય લીધો. જજે પટેલને માત્ર એટલું જ કહ્યું કે તેમને ત્રણ મહિનાની કેદ અને 500 રૂપિયાનો દંડ કરવામાં આવે છે, જો તેઓ દંડ નહીં ભરે તો વધારાની ત્રણ સપ્તાહની જેલ."

આ પ્રકારની કાર્યવાહીને કારણે દેશભરમાં બ્રિટિશ સરકાર વિરુદ્ધ જબરદસ્ત રોષ ફાટી નીકળ્યો.

ઘણા સ્વાતંત્રતા સેનાનીઓ વિશે પુસ્તકો લખનારા લેખક ડી. વી. તામ્હણકર તેમના પુસ્તક 'સરદાર પટેલ'માં લખે છે, "તેમણે (ઝીણાએ) ગૃહને સંબોધતા કહ્યું કે ગૃહના સભ્યના કહેવા પ્રમાણે, સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ થઈ તે પહેલાં તેમણે ઘણાં ભાષણો કર્યાં. હવે, મારો પ્રશ્ન એ છે કે શું તે ભાષણો કાયદા વિરુદ્ધ હતા, શું સરદાર પટેલે કોઈ કાયદાનો ભંગ કર્યો છે? આ મામલે ગૃહમાં અમને કોઈ માહિતી આપવામાં નથી આવી. જો અગાઉ તેમણે કોઈ કાયદાનો ભંગ કર્યો હોય અને ત્યારબાદ તેઓ કોઈ ભાષણના માધ્યમથી એ જ પ્રકારે કાયદાનો ભંગ કરવાના હોય તેવું સત્તાધીશોને લાગે તો તે પ્રકારની કાર્યવાહી યોગ્ય ગણી શકાય."(પેજ નંબર 118)

તામ્હણકર વધુમાં લખે છે કે સૅન્ટ્રલ ઍસૅમ્બલીમાં પંડિત મદન મોહન માલવિયે ગૃહની કાર્યવાહીને સ્થગિત કરીને સરદાર પટેલની ધરપકડ પર ચર્ચા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન ઝીણાએ કહ્યું, "તેમની સામે આ પ્રકારની કાર્યવાહી વાણીસ્વાતંત્ર્યનો ભંગ છે. તેથી હું ગૃહ સમક્ષ કહેવા માગું છું કે સરદાર પટેલનો કેસ મહત્ત્વનો છે. સરકારના આ પ્રકારનાં પગલાંના ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે. આ પ્રકારે બિનજરૂરી દલીલો દ્વારા ગૃહને ગેરમાર્ગે ન દોરવું જોઈએ."

રાજમોહન ગાંધી આ વિશે વધુમાં લખે છે કે ઝીણાએ પટેલનો સરદાર તરીકે ઉલ્લેખ કર્યો હતો.

ઝીણા અને સરદાર વચ્ચેના સબંધો

ઇન્દિરા ગાંધીના સમયમાં લોકસભામાં કૉંગ્રેસ પાર્ટીના નેતા રહી ચૂકેલા નેતા રફીક ઝકારિયા તેમના પુસ્તક 'સરદાર પટેલ તથા ભારતીય મુસલમાન'માં લખે છે, "ઝીણા અને તેમની રાજનીતિ પટેલને પસંદ નહોતી. છતાં સરદારે એ વાતનું હંમેશા ધ્યાન રાખ્યું હતું કે વ્યક્તિગતરૂપે ઝીણાને કોઈ નુકસાન ન પહોંચે."

"ખાસ સૂત્રો દ્વારા તેમને વિગતો મળી કે અકાલી નેતા માસ્ટર તારાસિંહ અને તેમના સાથી ઝીણાની હત્યાની યોજના બનાવે છે તો પટેલે તાત્કાલિક પંજાબના બ્રિટિશ ગવર્નર ઇવાન જેનકિંસનો સંપર્ક કરી તારાસિંહની ધરપકડ કરવા મામલે વાત કરી. જેનકિંસ તારાસિંહની ધરપકડ કરવા સંમત નહોતા થયા. તેમનું માનવું હતું કે તેને કારણે શીખ-મુસ્લિમ રમખાણો ફેલાઈ શકે છે. છતાં સરદારે તારાસિહની તમામ યોજનાની જે સૂચના મળી તેને તે સમયની પાકિસ્તાનની રાજધાની કરાચી મોકલવાની વ્યવસ્થા કરી. (પેજ નંબર 80)

ઝકારિયા લખે છે કે સરદારને આશંકા હતી કે મુસ્લિમ લીગ અને અંગ્રેજો મળેલા છે. તેમના મત પ્રમાણે ભલે પાછળથી તેમણે ભાગલા સ્વીકાર્યા હતા પણ પહેલાં તેઓ વિભાજનના શત્રુ હતા. જોકે અબુલ કલામ આઝાદ પટેલને 'વિભાજનના શિલ્પી' ગણે છે.

'સરદાર-સાચો માણસ, સાચી વાત' નામનું પુસ્તક લખનારા લેખક ઉર્વીશ કોઠારી બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહે છે, "1937 સુધી ઝીણા કટ્ટર નહોતા. પણ તે વર્ષમાં ભારતના વિવિધ પ્રાંતોની થયેલી ચૂંટણીમાં મુસ્લિમ લીગનો પરાજય થયો હતો. ત્યારબાદ તેમણે કૉંગ્રેસને સંયુક્ત સરકાર બનાવીને શાસન માટેની વિનંતી કરી પણ કૉંગ્રેસે તે ન સ્વીકારી. આ અવિભાજિત ભારતની વિભિષિકાનો ટર્નિંગ પૉઇન્ટ હતો."

ઇતિહાસકારો કહે છે કે આ પ્રસંગે ઝીણાને એવું લાગ્યું કે કૉંગ્રેસમાં હિન્દુઓ મુસ્લિમોને દબાવીને રાજ કરવા માગે છે.

જોકે ઉર્વીશ કોઠારી કહે છે કે પોતે વિજેતા હોવાથી કૉંગ્રેસને તેની સામે ચૂંટણી લડનારી લીગ સાથે હાથ મિલાવવાનું યોગ્ય ન લાગ્યું એ સ્વાભાવિક છે.

ઉર્વીશ કોઠારી કહે છે, "ત્યારબાદ તેઓ કૉંગ્રેસથી વધારે ચીડાયા અને પછી મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રની ભાવના પ્રબળ બની. જ્યારે અંગ્રેજોએ ભારતને બીજા વિશ્વયુદ્ધમાં સામેલ કરી દીધું ત્યારે કૉંગ્રેસની પ્રાંત સરકારોએ રાજીનામાં દઈ દીધાં ત્યારે ઝીણા ઘણા ખુશ થયા અને મુસ્લિમોને મુક્તિ દિવસ મનાવવા કહ્યું. 1940માં લાહોરમાં અલગ પાકિસ્તાનની માગનો ઠરાવ લીગ દ્વારા પાસ થયો ત્યારે સંબંધો સાવ વણસી ગયા."

"કૉંગ્રેસની પ્રાંત સરકારોએ રાજીનામાં આપ્યાં ત્યારે ઝીણાની સાથે હિન્દુ મહાસભા અને બાબાસાહેબ આંબેડકર પણ ખુશ થયા હતા. આ લોકોને પણ કૉંગ્રેસ સાથે વાંધો હતો."

ઝકારિયા લખે છે, "1937 સુધી ભણેલા હિન્દુ લોકોમાં ઝીણા લોકપ્રિય હતા. ઝીણાના ધર્મનિરપેક્ષ વિચારો અને રાષ્ટ્રીય ઉદ્દેશો પ્રતિ તેમના સમર્પણના લોકો પ્રશંસક હતા. સરોજિની નાયડુએ તેમને હિન્દુ-મુસ્લિમ એકતાના સર્વશ્રેષ્ઠ રાજપૂત ગણાવ્યા હતા. તેઓ ક્યારેય સાચા મુસ્લિમ નહોતા, પણ તેમણે આક્રમક સાંપ્રદાયિક નેતૃત્વનો મુખવટો પહેરી લીધો. એક હિન્દુ હોવાને કારણે ઝીણાના આ ધર્માંતરણ વિશે કશું જાણતા નહોતા."

ઉર્વીશ કોઠારી કહે છે, "મુસ્લિમ લીગ પ્રત્યેની નારાજગી છતાં સરદારે ઝીણાને વ્યક્તિગત નુકસાન પહોંચાડવાની ક્યારેય કોશિશ નથી કરી. કૉંગ્રેસને એટલે કે ભારતને નુકસાન ન જાય તે પ્રકારે ઝીણા સાથે ડીલ કરવામાં સરદારે હંમેશાં રાજકીય કુનેહ અને મુત્સદ્દીગીરી સાથે કામ પાર પાડ્યું. તે સમયે તેઓ ઝીણાની સામે હતા અને સરદારે રાજકીય શતરંજમાં ઝીણાને માત આપવાની હતી. ઝીણાની બધી જ માગ ન સંતોષાય તે માટે સરદારે તમામ પ્રયત્નો કર્યા હતા."

"ઝીણાએ પાકિસ્તાન મેળવ્યા બાદ કહ્યું હતું કે તેમને 'ઊધઈએ કોરી ખાધેલું પાકિસ્તાન' મળ્યું છે. ઝીણાની આ લાગણી પાછળ ક્યાંક ને ક્યાંક સરદારનો સિંહફાળો હતો, કારણ કે સરદારની મક્કમતાને કારણે ઝીણા જેવું ઇચ્છતા હતા તેવું પાકિસ્તાન ન મેળવી શક્યા."

'ઝીણા- ઇન્ડિયા, પાર્ટિશન અને ઇન્ડિપેન્ડન્સ'માં જશવંતસિંહ લખે છે, "7 ઑગસ્ટ, 1947ના રોજ ઝીણા કરાચી જવા રવાના થયા. અહીં બંધારણ સભામાં સરદાર પટેલે કહ્યું કે ભારતમાતાના શરીરમાંથી ઝેર દૂર થઈ ગયું છે. હવે આપણે એક છીએ. તેમનાં મૂળ અહીં છે, આપણે નદી અને સમુદ્રનાં પાણીને ન વહેંચી શકીએ. તેઓ પાકિસ્તાનમાં જઈને શું કરશે મને ખબર નથી, પણ તેઓ પરત ફરે તે દિવસો દૂર નથી."(પેજ નંબર 396)