'ફલાણાની વહુ, ઢીંકણાની પત્ની'- દેશની પ્રથમ ચૂંટણીમાં લાખો મહિલાએ મત કેમ નહોતો આપ્યો?

    • લેેખક, ગણેશ પોળ
    • પદ, બીબીસી સંવાદદાતા

કલ્પના કરો કે તમે મતદાન કરવા માટે જાઓ અને તમારું નામ કોઈ ચોક્કસ વ્યક્તિનાં પુત્ર કે પુત્રી તરીકે નહીં, પરંતુ અમુકનાં પતિ કે પત્ની તરીકે નોંધાયેલું હોય તો શું થાય?

તમારું નામ કોઈ અન્યની ઓળખ પર નિર્ભર છે એવું જાણીને તમને ગુસ્સો આવે અને સાથે દુઃખ પણ થાય કે તમે બંધારણ દ્વારા આપવામાં આવેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકતા નથી. આઝાદી પછીની દેશની પહેલી ચૂંટણીમાં આવું જ થયું હતું.

આ ઘટનાથી દેશને મોટી શીખ મળી હતી અને એક સામાજિક પરિવર્તન આવ્યું હતું. આ તેની કથા છે.

દેશ આઝાદ થયો ત્યારે તમામ ભારતીય મહિલાઓ અને પુરુષો બંનેને મતાધિકાર મળ્યો હતો.

ભારતીય લોકશાહીની આ બાબતને યુરોપિયન અને અમેરિકન દેશોની સરખામણીએ વધારે પ્રગલ્ભ માનવામાં આવતી હતી, કારણ કે યુરોપિયન અને અમેરિકન દેશોમાં મતાધિકાર મેળવવા માટે મહિલાઓ, શ્રમિકો, સ્થળાંતરકર્તાઓએ વર્ષો સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. કેટલાકે બલિદાન પણ આપવું પડ્યું હતું.

જોકે, ભારતે બંધારણ સ્વીકાર્યા પછી 21 વર્ષથી વધુ વયના દરેક ભારતીય નાગરિકને મતાધિકાર મળ્યો હતો.

તેને લોકશાહી દેશોના ઇતિહાસમાં એક ક્રાંતિકારી નિર્ણય ગણવામાં આવ્યો હતો.

ભારતીય મહિલાઓને મતાધિકાર આપવાના મહત્ત્વ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરે વધારે જોર આપ્યું હતું.

ડૉ. આંબેડકર માનતા હતા કે મહિલાઓને મતાધિકારથી વંચિત રાખવી એ ભેદભાવનું એક સ્વરૂપ છે અને મહિલાઓને લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવાની સમાન તક આપવી જોઈએ.

ડૉ. આંબેડકર દૃઢપણે માનતા હતા કે સામાજિક અને આર્થિક પડકારોનો સામનો કરવા માટે તેમજ વધારે સર્વસમાવેશક સમાજના નિર્માણ માટે મહિલાઓને રાજકીય પ્રતિનિધિત્વ આપવું જરૂરી છે.

ડૉ. આંબેડકરનું આ વાક્ય વિખ્યાત છેઃ “હું સમાજની પ્રગતિને મહિલાઓ કરેલી પ્રગતિથી માપું છું.”

બીજી તરફ પશ્ચિમના દેશો મહિલાઓને મતાધિકાર આપવાના આ નિર્ણયને શંકાની નજરે જોતા હતા.

કેટલાક કથિત વિદેશી રાજકીય વિશ્લેષકો અને પત્રકારોએ તો એવી આગાહી પણ કરી હતી કે “ભારતની પહેલી ચૂંટણી તેની છેલ્લી ચૂંટણી હશે.”

દેશની પ્રથમ સાર્વત્રિક ચૂંટણીમાં 21 વર્ષથી વધુ ઉંમરના 17.6 કરોડ ભારતીયો મતાધિકારને લાયક હતા. તે સમયે 85 ટકા ભારતીયો વાંચી કે લખી શકતા ન હતા.

દેશની પ્રથમ ચૂંટણી માટે તમામ લોકોના નામની મતદારયાદીમાં નોંધણી, મહદઅંશે અભણ મતદારો સમજી શકે તેવાં ચૂંટણીચિહ્નો તૈયાર કરવાં, લાખો મતપેટીઓ બનાવવી, મતપત્રો છાપવા, મતદાન કેન્દ્રો બનાવવા અને ચૂંટણી અધિકારીઓને તાલીમ આપવા જેવાં અનેક કામ ચૂંટણીપંચે એકસાથે કરવાં પડ્યાં હતાં.

બંધારણે મહિલાઓને મતાધિકાર આપ્યો છે, પણ..

દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુ વહેલામાં વહેલી તકે ચૂંટણી યોજવાની વિનંતી ચૂંટણીપંચને કરતા હતા, પરંતુ તત્કાલીન ચૂંટણી કમિશન સુકુમાર સેને નેહરુ પાસે વધારે સમય માગ્યો હતો.

સુકુમાર સેને 1921માં ભારતીય સિવિલ સર્વિસમાં જોડાયા હતા. દેશના પ્રથમ ચૂંટણી કમિશનર બન્યા એ પહેલાં તેઓ જિલ્લા કલેક્ટર હતા. તેમણે દેશની પ્રથમ સાર્વત્રિક ચૂંટણી અંગેના તેમના અહેવાલમાં આ વિશે વિગતવાર માહિતી આપી છે.

આખરે 1952ના પ્રારંભે દેશમાં સાર્વત્રિક ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

વરિષ્ઠ ઇતિહાસકાર રામચંદ્ર ગુહાના કહેવા મુજબ, પ્રથમ સાર્વત્રિક ચૂંટણી વખતે દેશ સામે ભૌગૌલિક અને સામાજિક એમ બે મુખ્ય પડકારો હતા.

‘ઈન્ડિયા આફટર ગાંધી’ નામના પોતાના પુસ્તકમાં રામચંદ્ર ગુહાએ લખ્યું છે, “સરકારી કર્મચારીઓએ મતદારો સુધી પહોંચવા માટે સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરવો પડ્યો હતો. ક્યારેક તેમણે નદી પાર કરવી પડી હતી તો ક્યારેક પહાડો, ખીણો અને જંગલોમાંથી પસાર થઈને મતદાન કેન્દ્રો સુધી પહોંચવું પડ્યું હતું.”

“બીજી સમસ્યા સામાજિક હતી. ઉત્તર ભારતની ઘણી મહિલાઓનાં ખરા નામ મતદાર યાદીમાં નોંધવામાં આવ્યાં ન હતાં. ગામડાંમાં મતદાન નોંધણી અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારે સ્ત્રીઓનાં નામ ફલાણાની વહુ કે ઢીંકણાની પત્ની, પુત્રી, માતા અને બહેન તરીકે નોંધવામાં આવ્યાં હતાં.”

મતદાર યાદીઓ તૈયાર થયા બાદ સ્ત્રીઓના અલગ નામનો મુદ્દો વડા ચૂંટણી કમિશનર સુકુમાર સેનના કાને પડ્યો હતો.

નિયમપાલનના કડક આગ્રહી સુકુમાર સેને એવાં નામોની યાદી ફગાવી દીધી હતી.

જે મહિલાઓનાં ખરાં નામ મતદાર યાદીમાં ન હોય તેમનાં નામ હટાવવાનો આદેશ સુકુમાર સેને ચૂંટણી અધિકારીઓને આપ્યો હતો.

સુકુમાર સેનને ડર હતો કે એક વખત આવાં નામોનો સમાવેશ મતદાર યાદીમાં કરવામાં આવશે તો પછી તે કાયમ માટે ઘૂસેલાં રહેશે. સુકુમાર સેને આ પ્રથાને “ભૂતકાળનો અર્થહીન અવશેષ” ગણાવી હતી.

પહેલી સાર્વત્રિક ચૂંટણીમાં આઠ કરોડ મહિલાઓ મતદાન માટે લાયક હતી, પરંતુ સુકુમાર સેનના નિર્ણયને લીધે 28 લાખ મહિલાઓ મતાધિકારને પાત્ર હોવા છતાં મતદાન કરી શકી ન હતી.

ખરેખર શું થયું હતું?

વરિષ્ઠ રાજકીય વિશ્લેષક રાશિદ કિદવાઈના કહેવા મુજબ, ભારતમાં વીસમી સદીમાં ઘરની સ્ત્રીનું નામ ત્રાહિત વ્યક્તિને ન જણાવવાનો રિવાજ હતો.

બીબીસી સાથેની વાતચીતમાં રાશિદ કિદવાઈએ કહ્યું, “ભારત આઝાદ થયું ત્યારે આપણા સમાજમાં મહિલાઓ પર ઘણાં નિયંત્રણો હતાં. ઉત્તર ભારતમાં, ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા ઉત્તર પ્રદેશમાં મહિલાઓને અજાણ્યા લોકો સાથે વાત કરવાની મનાઈ હતી. એ ઉપરાંત ગામડાંમાં મહિલાઓને તેમના ઘરના પુરુષના નામથી ઓળખવામાં આવતી હતી. એ તત્કાલીન પિતૃસત્તાક માનસિકતાનું પ્રતીક હતું.”

સમાજમાં આવી પ્રથા હોવાને કારણે સ્ત્રીઓને અમુકની માતા, તમુકની પત્ની, પુત્રી કે પુત્રવધૂ જેવાં નામ આપવામાં આવ્યાં હતાં. એ પૈકીના મોટા ભાગના કિસ્સા બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય ભારત, રાજસ્થાન અને વિંધ્ય પ્રદેશના હોવાનું સુકુમાર સેને ચૂંટણીપંચના અહેવાલમાં નોંધ્યું હતું.

મતદાર યાદી તૈયાર કરતી વખતે ચૂંટણીપંચના ધ્યાનમાં આવ્યું હતું કે કેટલાંક રાજ્યોમાં સંખ્યાબંધ મહિલાઓના નામની નોંધણી તેમના ખુદના નામે નહીં, પરંતુ તેમના પરિવારના પુરુષ સંબંધીઓના નામે કરવામાં આવી છે.

ચૂંટણીપંચના અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ચૂંટણીપંચના કર્મચારીઓએ ઘરે ઘરે જઈને નોંધણીનું કામ શરૂ કર્યું ત્યારે મહિલાઓએ એ અજાણ્યા લોકોને પોતાના સાચા નામ જણાવવાનો ઇનકાર કર્યો હતો.

આ બાબત સુકુમાર સેનના ધ્યાનમાં આવી પછી તેમણે પહેલી લોકસભા ચૂંટણી પહેલાં નવેસરથી મતદાર યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.

સુકુમાર સેને કડક સૂચના આપી હતી કે “નામ સહિતની સંપૂર્ણ વિગત આપ્યા વિના કોઈ પણ મતદારનું નામ મતદાર યાદીમાં નોંધી શકાશે નહીં.”

વધુમાં વધુ મહિલાઓ મતદાન કરી શકે એટલા માટે નોંધણીની સમયમર્યાદા લંબાવવામાં આવી હતી. વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

રાજસ્થાન અને બિહારમાં મતદાન યાદીમાં મહિલાઓનાં નામ સુધારવા માટે એક મહિનાની મુદ્દત આપવામાં આવી હતી.

આ બધું કરવા છતાં લોકો તરફથી પાંગળો પ્રતિસાદ મળ્યો હતો.

આખરે આઠ કરોડ મહિલા મતદાતાઓ પૈકીની 28 લાખ સ્ત્રીઓએ તેમનાં સાચાં નામ આપવાનો ઇનકાર કર્યો હતો.

તેથી તેમના નામ અંતિમ મતદાર યાદીમાંથી નછૂટકે કાઢી નાખવામાં આવ્યાં હતાં.

લોકસભાની બીજી ચૂંટણી વખતે શું થયું હતું?

પાંચ વર્ષ પછી 1957માં લોકસભાની બીજી ચૂંટણી યોજાઈ ત્યારે અમે રાહતનો શ્વાસ લીધો હોવાનું સુકુમાર સેને જણાવ્યું હતું. તેનું કારણ એ હતું કે ચૂંટણીપંચે મતદાર યાદીમાં મહિલાઓનાં નામ સામેલ કરવા પાંચ વર્ષ સુધી મહેનત કરી હતી.

સુકુમાર સેનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે “લોકસભાની બીજી ચૂંટણી દરમિયાન મહિલાઓને તેમના મતના મૂલ્યનો અહેસાસ થયો હતો. 1951માં જેમનાં નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં હતાં તે મહિલાઓએ પણ આગળ આવીને પોતાનાં નામ નોંધાવ્યાં હતાં, કારણ કે ગામની જે મહિલાઓ તથા સગાં-સંબંધીઓએ પોતાનાં ખરાં નામ આપ્યાં હતાં તેમને મતાધિકારનો ઉપયોગ કરતા જોઈને અન્ય મહિલાઓ ઉત્સુક થઈ હતી. કદાચ, એ જ કારણસર મહિલાઓ આગળ આવી હતી.”

સુકુમાર સેને પ્રથમ સાર્વત્રિક ચૂંટણી પછી તરત જ અધિકારીઓને મહિલા મતદારોને તેમનાં સાચાં નામ જાહેર કરવાં અને તે પછી તેમનાં નામ મતદાર યાદીમાં નોંધવાનો આદેશ આપ્યો હતો.

આ કામમાં રાજકીય પક્ષો અને મહિલા સંગઠનોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. રાજકીય પક્ષોના કાર્યકરો અને નેતાઓએ પણ આ માટે મહેનત કરી હતી. ઘરના પુરુષોએ મહિલાઓને મતદાનનું મહત્ત્વ સમજાવ્યું હોવાનો ઉલ્લેખ પણ આ અહેવાલમાં કરવામાં આવ્યો છે.

1957ની ચૂંટણી પહેલાં લગભગ 94 ટકા પુખ્ત મહિલાઓની નોંધણી મતદાર યાદીમાં થઈ ગઈ હતી. 1952માં અસલી નામ ન આપનારી મહિલાઓનાં નામ અમે “સારા ઈરાદાથી” મતદાર યાદીમાંથી કાઢી નાખ્યાં હોવાનો પુનરોચ્ચાર સુકુમાર સેને કર્યો હતો.

હવે ભારતમાં લોકશાહી પ્રણાલીને 76 વર્ષ પૂર્ણ થયાં છે. રામચંદ્ર ગુહા કહે છે તેમ આપણે લાંબી મજલ કાપી છે.

લોકસભાની 2019ની ચૂંટણીના આંકડા અનુસાર, પુરુષો કરતાં મહિલા મતદારોની સંખ્યા વધી છે. છેલ્લાં પાંચ વર્ષમાં 23 રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી. એ પૈકીનાં 18 રાજ્યોમાં પુરુષો કરતાં મહિલાઓએ વધુ મતદાન કર્યું હતું.