ગુજરાત બિનકૉંગ્રેસી રાજકારણનો ગઢ કેમ અને કેવી રીતે બની ગયું?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

લોકસભા ચૂંટણી માટે ભાજપ ગુજરાતની તમામ 26 બેઠક ઉપર જીત મેળવીને વિજયની હેટ્રિક મારવા ચાહે છે. બીજી બાજુ, કૉંગ્રેસ આ વિજયરથને અટકાવવા માટે કટિબદ્ધ છે.

ગુજરાતના રાજકારણની ઉપર નજર કરવામાં આવે તો સ્થાપના સમયથી જ કૉંગ્રેસવિરોધી વિચારસરણી ધરાવતા પક્ષોનું રાજ્યમાં અસ્તિત્વ રહ્યું છે. ગુજરાતની સ્થાપનાના પ્રથમ દાયકામાં જ કૉંગ્રેસે રાજ્યમાં સત્તા ગુમાવી હતી અને દોઢ દાયકામાં ગુજરાતમાં પહેલી બિનકૉંગ્રેસી સરકારનું ગઠન થયું હતું.

ગુજરાતે લગભગ ત્રીસ વર્ષ અગાઉ છેલ્લા કૉંગ્રેસી મુખ્ય મંત્રી જોયા હતા તથા અંદાજે ચાર દાયકાથી પાર્ટીને રાજ્યની વિધાનસભામાં બહુમતી નથી મળી.

ગુજરાતમાં કૉંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. પાર્ટીએ આપને ભરૂચ અને ભાવનગર એમ બે બેઠક આપી છે. બીજી બાજુ, એ.આઈ.એમ.આઈ.એમ.એ ભરૂચ અને ગાંધીનગરની બેઠક ઉપરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તો રાષ્ટ્રવાદી કૉંગ્રેસે આણંદની બેઠક ઉપરથી ચૂંટણી લડવા સજ્જ છે.

પહેલો દાયકો, પ્રથમ પડકાર

વર્ષ 1962 સુધી ચૂંટાયેલા ધારાસભ્યોએ પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો. આ પહેલાં દેશના રાજકીય ફલક ઉપર એક ઘટનાક્રમે આકાર લીધો. સ્વતંત્રતા પછીનાં પ્રારંભિક વર્ષો દરમિયાન નહેરુ સામ્યયવાદી સોવિયેત સંઘ અને ચીનની તર્જ ઉપર ભારતનો આર્થિકવિકાસ કરવા માગતા હતા. જેના વિરોધસ્વરૂપે વર્ષ 1959માં સ્વતંત્ર પક્ષ અસ્તિત્વમાં આવ્યો.

ગુજરાતમાં સ્વતંત્ર પક્ષે પાટીદારો અને ક્ષત્રિયોનું 'પક્ષ' સમીકરણ સાધવા પ્રયાસ કર્યો હતો. વિધાનસભા ચૂંટણી દરમિયાન 154માંથી કૉંગ્રેસને 113, સ્વતંત્ર પક્ષને 26, પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીને સાત, અપક્ષને સાત તથા નૂતન મહાગુજરાત જનતા પરિષદને એક બેઠક મળી હતી.

ભાઈકાકા પટેલ, મીનુ મસાણી, નારાયણ દાંડેકર, પીલુ મોદી અને જયદીપસિંહ બારિયા જેવા નેતાઓએ ગુજરાતમાં કૉંગ્રેસથી વિપરીત વિચારસરણી ધરાવતા સ્વતંત્ર પક્ષને ગુજરાતમાં સ્થાપિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

મહારાષ્ટ્ર તથા ગુજરાતના રાજકારણ ઉપર નજર રાખનારા રાજકીય વિશ્લેષક હરિ દેસાઈના કહેવા પ્રમાણે, "ગુજરાતમાં કૉંગ્રેસવિરોધી પરિબળોના આગમન અને તેમને મજબૂત કરવામાં પાર્ટીનાં જ આંતરિક તત્ત્વોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ગુજરાતની સ્થાપના પછી જીવરાજ મહેતાને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા. ગુજરાતના રાજકારણ પર પકડ ધરાવતા મોરારજી દેસાઈ ઇચ્છતા હતા કે બળવંતરાય મહેતાને મુખ્ય મંત્રી બનાવવામાં આવે, પરંતુ તેઓ એક બૅન્કના કારકૂન સામે ચૂંટણી હારી ગયા હતા."

"એક તબક્કે વડોદરાના પૂર્વ રાજવી ફતેહસિંહ ગાયકવાડ પોતાના વિશ્વાસુ ધારાસભ્યો સાથે કૉંગ્રેસમાંથી અલગ થાય અને સ્વતંત્ર પક્ષને સરકાર રચવા માટે મદદ કરે એવો તખતો ઘડાયો હતો, પરંતુ એ પછી ગાયકવાડ પોતે મુખ્ય મંત્રી બનવા માગતા હતા એટલે આ યોજના પડી ભાંગી હતી."

જીવરાજ મહેતા પછી બળવંતરાય મહેતા ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા. પાકિસ્તાનના વાયુદળના વિમાને બળવંતરાયના વિમાનને નિશાન બનાવ્યું અને તેમનું મૃત્યુ થયું. બળવંતરાય પછી હિતેન્દ્ર દેસાઈ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા, જેઓ દેસાઈની નજીક હતા.

1967ની વિધાનસભા ચૂંટણી દરમિયાન 163માંથી કૉંગ્રેસને 93 બેઠક મળી, જે બહુમતથી માંડ 11 જેટલી વધારે હતી. સ્વતંત્ર પક્ષને 66, પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીને ત્રણ, જનસંઘને એક તથા અપક્ષને પાંચ બેઠકો મળી હતી.

એ પછી જ્યારે કૉંગ્રેસમાં ઊભી ફાટ પડી ત્યારે કે. કામરાજ, મોરારજી દેસાઈ, નિલમ સંજીવ રેડ્ડી અને સત્યેન્દ્ર નારાયણ સિંહા સહિતના વરિષ્ઠ કૉંગ્રેસીઓએ સંસ્થા કૉંગ્રેસની સ્થાપના કરી. ત્યારે હિતેન્દ્ર દેસાઈના નેતૃત્વમાં ધારાસભ્યો કૉંગ્રેસ (ઓ) સાથે ગયા. આમ ગુજરાતની સ્થાપનાના પ્રથમ દાયકામાં કૉંગ્રેસની સરકારનું પતન થયું.

વર્ષ 1971માં 'ગરીબી હટાવો'ના નારા સાથે ઇંદિરા ગાંધી જંગી બહુમતી સાથે સરકારમાં આવ્યાં. મે-1971માં ગુજરાતની હિતેન્દ્ર દેસાઈ સરકારને બરતરફ કરી દેવામાં આવી.

નવનિર્માણ પછી ખંડન

માર્ચ-1972માં પાકિસ્તાન ઉપર વિજયના ઉન્માદની વચ્ચે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ. કૉંગ્રેસને 160માંથી 140 બેઠક મળી અને ટકાવારીની દૃષ્ટિએ કૉંગ્રેસનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.

'ઇન્ડિયાઝ ફર્સ્ટ ડિક્ટેટરશિપ'માં (પેજ નંબર 233-234) ક્રિસ્ટૉફ જેફરોલેટ અને પ્રતિનવ અનિલ લખે છે કે 'અવિભાજીત ઉત્તર પ્રદેશમાં મધ્યસત્રી ચૂંટણી દરમિયાન ચીમનભાઈએ ચાર કરોડ રૂપિયા કેન્દ્રીય નેતૃત્વનેએ ચૂંટણી માટે પહોંચાડ્યા હતા. તેના સાટે ગુજરાતને નર્મદા ડૅમ મળે તેવું નક્કી થયું હતું.'

ઇંદિરા ગાંધીએ ઘનશ્યામ ઓઝાને સીએમપદ આપ્યું એટલે ફંડ મૅનેજર ચીમનભાઈ સમસમી ગયા હતા. વિજય સંઘવી તેમના પુસ્તક 'ધ કૉંગ્રેસ, ઇંદિરા ટુ સોનિયા ગાંધી'માં (પેજનંબર 81-93) લખે છે કે 'ઇંદિરા ગાંધીથી ઉપરવટ જઈને ચીમનભાઈએ સત્તા માટે દાવો રજૂ કર્યો હતો. લગભગ સવા વર્ષમાં ઓઝા સરકારનું પતન થયું અને ચીમનભાઈ મુખ્ય મંત્રી બન્યા. સત્તા માટે તેમના હરીફ કાંતિભાઈ ઘિયા નાયબ મુખ્ય મંત્રી બન્યા.'

હરિ દેસાઈના કહેવા પ્રમાણે, "ઘનશ્યામ ઓઝાની સરકારને અસ્થિર કરવા માટે ચીમનભાઈ પટેલે પ્રયાસો કર્યા હતા. આ પ્રવૃત્તિઓનું કેન્દ્ર પંચવટી (તેમનું ફાર્મહાઉસ) હતું, જે 'પ્રપંચવટી' તરીકે કુખ્યાત બન્યું. ચીમનભાઈના સમયમાં વિદ્યાર્થીઓનું નવનિર્માણ આંદોલન શરૂ થયું, ત્યારે એમની સરકારના કેટલાક મંત્રીઓએ જ આ આંદોલનને વેગ આપ્યો હતો."

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને આપવામાં આવતો અનાજનો ક્વૉટા ઘટાડી દેવામાં આવ્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓના ભોજનખર્ચમાં અસામાન્ય વધારો થયો હતો, જેણે નવનિર્માણ આંદોલનનો પાયો નાખ્યો હતો.

'ધ શૅપિગ ઑફ મૉર્ડન ગુજરાત'માં અચ્યુત યાજ્ઞિકે (પેજ નંબર 253થી 258) લખે છે: '1974ના 'નવનિર્માણ આંદોલન'એ વિદ્યાર્થીઓનું સમર્થન મેળવવા માટે ભારતીય જનસંઘને સ્વર્ણિમ તક આપી. જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવોમાં વૃદ્ધિ તથા કૉલેજ કૅમ્પસોમાં અસંતોષના મુદ્દે આ આંદોલને આકાર લીધો. શહેરો અને નગરોમાં વિદ્યાર્થીઓએ સ્થાનિકસ્તરે 'નવનિર્માણ સમિતિઓ'નું ગઠન કર્યું. જનસંઘ માટે 'વિદ્યાર્થી પરિષદ' મારફત આ આંદોલનમાં ભાગ લેવો સરળ બન્યો. આંદોલનના કેટલાક વિદ્યાર્થી નેતા આગળ જતાં પાર્ટીના નેતા બન્યા.'

જયપ્રકાશ નારાયણે 'નવનિર્માણ આંદોલન'થી પ્રેરાઈને બિહારમાં 'સંપૂર્ણ ક્રાંતિ'નો નારો આપ્યો. શરૂઆતમાં તો 'યુવાનોના વૃદ્ધ નેતા' તથા 'અશક્ત ગાંધીવાદી' માનીને તેમને અવગણવામાં આવ્યા, પરંતુ તેમના આહ્વાન ઉપર બિહારના વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા.

લાલુપ્રસાદ યાદવ, સુશીલકુમાર મોદી, સુબોધકાંત સહાય, રવિશંકર પ્રસાદ, શીવાનંદ તિવારી, વશિષ્ઠ નારાયણ વગેરે આ આંદોલનની ઉપજ હતા, તો મુલાયમસિંહ યાદવ, નીતીશકુમાર તથા રામવિલાસ પાસવાન આડપેદાશ હતા. આમાંથી અમુક નેતાઓએ આગામી દાયકાઓ દરમિયાન ન કેવળ બિહારમાં પરંતુ દેશભરમાં કૉંગ્રેસવિરોધી ઝંડો ઉઠાવ્યો અને જરૂર પડ્યે કૉંગ્રેસ સાથે ગઠબંધન પણ કર્યું.

નવનિર્માણ આંદોલનને પગલે ચીમનભાઈ સરકારના પતન પછી ઇંદિરા ગાંધી ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર પુનઃસ્થાપિત થાય તે માટે અલગ-અલગ સમીકરણ તપાસી રહ્યાં હતાં, એટલે રાષ્ટ્રપતિ શાસન લંબાવાયું હતું. એવામાં મોરારજી દેસાઈના ઉપવાસને કારણે તેમણે વિધાનસભા ભંગ કરીને નવેસરથી ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરવી પડી.

પ્રથમ બિનકૉંગ્રેસી સરકાર

કૉંગ્રેસમાંથી હાંકી કઢાયેલા ચીમનભાઈ પટેલે કિસાન મજદૂર લોકપક્ષની (કિમલોપ) સ્થાપના કરી. કૉંગ્રેસ, જનતા મોરચા અને કિમલોપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો.

ભાજપના નેતા વિજયકુમાર મલ્હોત્રા તેમના પુસ્તક 'ઇવૉલ્યુશન ઑફ બીજેપી'માં લખે છે કે 1975ની ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે સંસ્થા કૉંગ્રેસના નેતા મોરારાજી દેસાઈને તેમની પોતાની પાર્ટી ઉપરાંત ભારતીય જનસંઘ તથા લોકદળના ઉમેદવારોને પસંદ કરવાની સત્તા આપવામાં આવી.

12 જૂન, 1975ના ગુજરાત વિધાનસભાનાં ચૂંટણીપરિણામ આવ્યાં. એ જ દિવસે અલ્લાહબાદ હાઈકોર્ટે વર્ષ 1971માં ઇંદિરા ગાંધીની ચૂંટણીને રદ જાહેર કરી અને છ વર્ષ માટે તેમના ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂક્યો. આમ ઇંદિરા ગાંધીને બેવડો આંચકો લાગ્યો હતો.

182 ધારાભ્યોની વિધાનસભામાં કૉંગ્રેસને 75, સંસ્થા કૉંગ્રેસને 56, ભારતીય જનસંઘને 18, લોકદળને બે તથા સોશિયાલિસ્ટ પાર્ટીને બે બેઠક મળી હતી. જ્યારે 16 અપક્ષ ચૂંટાઈ આવ્યા હતા. ચીમનભાઈ પટેલ પોતે ચૂંટણી હારી ગયા હતા, પરંતુ કિમલોપને 12 બેઠક મળી હતી.

અપક્ષના ટેકા સાથે જનતા મોરચા પાસે 88 ધારાસભ્ય હતા અને બહુમતથી હાથવેંતનું છેટું રહેવા પામ્યું હતું. ત્યારે કિમલોપે વિના શરતે ટેકો જાહેર કર્યો અને બાબુભાઈ જશભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પહેલી વખત બિનકૉંગ્રેસી સરકારની સ્થાપના થઈ હતી.

બાબુભાઈએ સત્તા સંભાળી તેના એકાદ અઠવાડિયામાં જ ઇંદિરા ગાંધીએ દેશ ઉપર કટોકટી લાદી દીધી. વિપક્ષના મોટા નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. પ્રારંભિક આંચકાને પચાવ્યા પછી ડાબેરીપક્ષો સહિતના વિપક્ષે કટોકટી સામે ભૂગર્ભ ચળવળ હાથ ધરી. આ ચળવળકારો પ્રત્યે બાબુભાઈ પટેલની સરકાર સહાનુભૂતિ ધરાવતી હતી.

નવ મહિનામાં જ ઇંદિરા ગાંધીએ ગુજરાતની બાબુભાઈ પટેલ સરકારને બરતરફ કરી દીધી અને રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું. કટોકટી ઉઠાવવાના ત્રણેક મહિના પહેલાં માધવસિંહ સોલંકીને ગુજરાતના મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા.

ગુજરાતના મોરચા સરકારની તર્જ ઉપર કેન્દ્રમાં જનતા મોરચાની સરકાર બની. ગુજરાતમાંથી ભારતીય જનસંઘના સાંસદો લોકદળના ચૂંટણીચિહ્ન ઉપર ચૂંટાઈ આવ્યા હતા. કેન્દ્રમાં મોરારજી દેસાઈના નેતૃત્વમાં પહેલી બિનકૉંગ્રેસી સરકાર આવી. આ સાથે જ ગુજરાતમાં સોલંકી સરકારનું પતન થયું અને બાબુભાઈની સરકાર સત્તા ઉપર આવી.

રેકૉર્ડ પ્રદર્શન, ઐતિહાસિક પતન

1980ની લોકસભા ચૂંટણી સમયે કૉંગ્રેસ પૂર્ણ બહુમત સાથે સત્તા ઉપર આવી અને માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં સરકારે તેનો કાર્યકાળ પૂર્ણ કર્યો. એ સમયે પાર્ટીને 182માંથી 141 બેઠક મળી હતી. જેપીની જનતા પાર્ટીને 21 અને જનતા પાર્ટી (સેક્યુલર)ને એક બેઠક મળી હતી. જ્યારે 10 અપક્ષ ચૂંટાઈ આવ્યા હતા.

એપ્રિલ-1980માં ભાજપની સ્થાપના થઈ અને તેણે મે મહિનામાં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી હતી. 127માંથી છ બેઠક પર પાર્ટીનો વિજય થયો અને 66 બેઠક પર તેના ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ. છતાં તેના 55 ઉમેદવાર ડિપોઝીટ બચાવવામાં સફળ રહ્યા હતા. આગળ જતાં આ પક્ષ ગુજરાત અને દેશના રાજકારણમાં મોટી ભૂમિકા ભજવવાનો હતો.

વર્ષ 1985માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ. બહુચર્ચિત KHAM થિયરી અને ઇંદિરા ગાંધીની હત્યા પછીના સહાનુભૂતિના જુવાળને પગલે કૉંગ્રેસને 182માંથી 149 બેઠક મળી. સોલંકી ફરી સત્તા ઉપર આવ્યા. માધવસિંહે તેમની કૅબિનેટમાં મહદંશે સવર્ણ ધારાસભ્યોની ઉપેક્ષા કરી હતી.

આ સિવાય સોલંકીએ આર્થિક-શૈક્ષણિક અનામત લાગુ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે રાજ્યભરમાં વિરોધપ્રદર્શન ફાટી નીકળ્યાં, જે અમુક સ્થળોએ હિંસક પણ બન્યાં હતાં. આથી પાટીદાર તથા ઉચ્ચ જ્ઞાતિઓ કૉંગ્રેસથી વિમુખ થઈ ગઈ.

હરિ દેસાઈના કહેવા પ્રમાણે, "એવું વ્યાપક રીતે ચર્ચાતું હતું કે પ્રદર્શનકારીઓને કૉંગ્રેસના જ અમુક નેતાઓનાં છૂપા આશીર્વાદ પ્રાપ્ત હતાં. સોલંકીના સ્થાને અમરસિંહ ચૌધરીને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા. જેઓ ગુજરાતના અત્યારસુધીના એકમાત્ર આદિવાસી મુખ્ય મંત્રી છે. ચૌધરી વહીવટી તંત્ર ઉપર પોતાનું પ્રભુત્વ છે એવું પ્રસ્થાપિત ન કરી શક્યા."

ગુજરાતમાં કૉંગ્રેસ તેનો કાર્યકાળ પૂર્ણ કરે તે પહેલાં કેન્દ્રમાં વિશ્વનાથ પ્રતાપસિંહની સરકારે પણ મંડલપંચની ભલામણો ઉપરથી ધૂળ ખંખેરીને ઓબીસી અનામતને દેશભરમાં લાગુ કરી. ગુજરાત સહિત દેશભમાં ફરી એક વખત અનામતવિરોધી જુવાળ ફૂંકાયો.

ગામ-નગરોની સરખામણીએ શહેરી વિસ્તારોમાં તેની ભારે અસર જોવા મળી. જેણે ભાજપને આ વર્ગો સુધી પહોંચવામાં મદદ કરી. આને કારણે જ પ્રારંભિક વર્ષો દરમિયાન ભાજપની ઓળખ 'વાણિયા-બ્રાહ્મણના શહેરી પક્ષ' તરીકેની રહેવા પામી.

હરિ દેસાઈ ઉમેરે છે, "1990ની ચૂંટણી પહેલાં ફરી એક વખત સોલંકીને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા. કૉંગ્રેસ હારી ગઈ અને જનતાદળ-ભાજપની યુતિ સત્તા ઉપર આવી. ચીમનભાઈ પટેલ મુખ્ય મંત્રી તથા કેશુભાઈ નાયબ મુખ્ય મંત્રી બન્યા." એ વિધાનસભા ચૂંટણીમાં જનતા દળને 67, ભાજપને 65 તથા કૉંગ્રેસને 33 બેઠક મળી હતી.

ભાજપનો ભાગ્યોદય

ચીમનભાઈ રાજકીય પવન પ્રમાણે સઢ બદલીને બે વર્ષમાં ત્રણ વખત પોતાની સત્તા બચાવવામાં સફળ રહ્યા. જોકે, ચાલુ ટર્મે તેમનું નિધન થયું અને છબીલદાસ મહેતા મુખ્ય મંત્રી બન્યા.

ચૂંટણીમાં લગભગ બે તૃતીયાંશ બહુમતી સાથે ભાજપ વિજેતા થયો. કેશુભાઈ મુખ્ય મંત્રી બન્યા, પરંતુ લાંબો સમય ટકી ન શક્યા. શંકરસિંહ વાઘેલાના 'ખજૂરાહો પ્રકરણ' પછી સુરેશ મહેતા મુખ્ય મંત્રી બન્યા. મહેતા સરકારનું પણ પતન થયું અને કૉંગ્રેસના બહારના ટેકાથી શંકરસિંહ પોતે મુખ્ય મંત્રી બન્યા.

શંકરસિંહની સરકારને આપેલો ટેકો કૉંગ્રેસે પાછો ખેંચી લીધો. એ પછી વાઘેલાના વિશ્વાસુ એવા દિલીપ પરીખ મુખ્ય મંત્રી બન્યા. એ સરકાર પણ લાંબો સમય ન ચાલી. ભાજપ, કૉંગ્રેસ અને રાજપ વચ્ચેના ત્રિપાંખિયા જંગના અંતે વર્ષ 1998ની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો.

પછીનાં વર્ષોમાં શંકરસિંહે પોતાની પાર્ટીને કૉંગ્રેસમાં વિલીન કરી દીધી. કેશુભાઈ ફરી મુખ્ય મંત્રી બન્યા, પરંતુ પોતાનો કાર્યકાળ પૂર્ણ ન કરી શક્યા.

વર્ષ 2001ના ભૂકંપ પછી તેમને હઠાવીને નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા. શંકરસિંહ વાઘેલાના બળવા પછી સમાધાનની ફૉર્મ્યુલા સ્વરૂપે મોદીને ગુજરાતવટો આપવામાં આવ્યો હતો. હવે, તેઓ સત્તા ઉપર પરત ફર્યા હતા.

મોદી બન્યા મજબૂત

મુખ્ય મંત્રી તરીકે મોદી પ્રસ્થાપિત થાય તે પહેલાં ગુજરાતમાં ગોધરાકાંડ થયો અને એ પછી હુલ્લડો ફાટી નીકળ્યાં. વર્ષ 2002માં વિધાનસભા ચૂંટણી યોજાઈ અને બે તૃતીયાંશ બહુમતી સાથે ભાજપ ફરી ચૂંટાઈ આવ્યો.

રાજકીય વિશ્લેષક શિરીષ કાશીકરના મતે, "નરેન્દ્ર મોદીએ ન કેવળ ગુજરાતમાં પોતાની પકડ મજબૂત કરી, પરંતુ ભાજપને પણ મજબૂત બનાવ્યો. તેઓ લોકોને એ વાત ગળે ઉતારવામાં સફળ રહ્યા કે કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા ગુજરાતના વિકાસમાં અવરોધ ઊભા કરવામાં આવે છે."

વરિષ્ઠ પત્રકાર મનીષ મહેતાએ બીબીસી ગુજરાતી સાથેની અગાઉ કરેલી વાતચીતમાં જણાવ્યું હતું, "ગુજરાતમાં સંઘે પહેલાંથી જ તૈયાર રાખેલી હિંદુત્વની ફળદાયી જમીનનો ફાયદો ભાજપને થયો. એ જ કારણ હતું કે રાજીવ ગાંધીને મળેલાં સહાનુભૂતિનાં મોજાં વચ્ચે પણ ભાજપે જે બે બેઠકો જીતી એમાંની એક બેઠક ગુજરાતમાં હતી."

વળી, ભાજપે ગુજરાતી મધ્યમવર્ગમાં હિંદુત્વવાદી વિચારધારાનાં બીજ રોપ્યાં અને એ રીતે મધ્યમવર્ગને પોતાની તરફ વાળ્યો. મહેતાએ જમાવ્યું હતું, "ભારતીય સમાજના ત્રણ વર્ગો છે ધનવાન, મધ્યમ અને ગરીબ. ઇંદિરા ગાંધી અને કૉંગ્રેસની છાપ ગરીબ તરફી હતી અને ગરીબવર્ગ કૉંગ્રેસનો વફાદાર મતદાર ગણાતો. પણ ભાજપે મધ્યમવર્ગ પર ધ્યાન કેન્દ્રીત કર્યું. જેનું પ્રમાણ સંખ્યાની દૃષ્ટિએ ખૂબ જ મોટું હતું. ગુજરાતના મધ્યમવર્ગમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘે પહેલાંથી જ રોપેલાં હિંદુત્વાદી માનસિકતાનાં બીજને ભાજપે ઉછેર્યાં.”

અમુક અપવાદોને બાદ કરતાં દલિત અને આદિવાસી બેઠકો ઉપર કૉંગ્રેસનું પ્રભુત્વ જળવાય રહેવા પામ્યું હતું, પરંતુ તાજેતરના વર્ષોમાં ભાજપે તેમાં ગાબડું પાડ્યું છે. સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ અગાઉ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું :

"દાયકાઓથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એક જ શિક્ષક ભણાવતો હોય તેવી 'એકલશાળા'ના માધ્યમથી પકડ વધારવાનો પ્રયાસ કર્યો છે. આ કામમાં રાજ્ય સરકાર અને હિંદુ ધાર્મિક સંપ્રદાયોએ પણ ભૂમિકા ભજવી છે, જેઓ આદિવાસી યુવાનોને હિંદુત્વના રંગે રંગી રહ્યા છે. તેમને પૂજાપાઠ અને મંદિરો તરફ વાળી રહ્યા છે. "

"દલિત અને આદિવાસીમાં મુસ્લિમ તથા ખ્રિસ્તી ધર્માંતરણ સામે લાગણીઓ ઉશ્કેરીને મત્તોનુ ધ્રુવીકરણ કરવામાં આવે છે. કોઈપણ સમાજમાં માળખાકીય સુધાર કરવાના બદલે ભાવનાત્મક મુદ્દો ઊભો કરીને મત મેળવવા સરળ રહે છે. બંને સમાજમાં અમુક લોકોને સત્તામાં ભાગીદારી મળતી હોય છે, એટલે તેમને આ મુદ્દે વાંધો પણ નથી હોતો."

દરેક ચૂંટણી આગવા પરિબળો અને સમીકરણો સાથે લડાતી હોય છે. કોઈ પક્ષની ચડતી કે પડતી માટે પણ એક કરતાં વધુ કારણો જવાબદાર હોય છે, એ વાતને કદાચ જ નકારી શકાય.