પ્રજ્વલ રેવન્નાના કથિત યૌન શોષણ વીડિયોથી કર્ણાટકના રાજકારણ પર કેટલી અસર પડશે?

    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બીબીસી માટે, બેંગલુરુથી

કર્ણાટકમાં ભાજપ-જેડીએસના ગઠબંધનના ઉમેદવાર પ્રજ્વલ રેવન્નાના કથિત યૌન શોષણના વીડિયો પેનડ્રાઇવથી સાર્વજનિક થયા છે. આ મામલો કર્ણાટકમાં કોઈપણ સ્કૅન્ડલની ભાંડાફોડ કરવાની રીતમાં મોટો બદલાવ આવ્યો હોવાનું સૂચવે છે.

આ બધું એવા સમયમાં થઈ રહ્યું છે કે જ્યારે રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે ઘમસાણ પહેલેથી જ વધી ગયું છે.

આ પહેલાં રાજ્યના ચૂંટણી ઇતિહાસમાં કોઈ કથિત સેક્સ સ્કૅન્ડલની વાત આ રીતે બહાર આવી નથી.

દરેક પ્રકારની પાર્ટીના કાર્યકર્તાઓ પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મને બદલે આ રીતે પેનડ્રાઇવ બસ સ્ટેન્ડ, પાર્ક, ગામડાઓમાં લાગતા મેળાઓ તથા ઘરો સુધી પહોંચી ગઈ તેનાથી નિરાશ છે.

પેનડ્રાઇવ એવા સમયમાં સાર્વજનિક કરવામાં આવી હતી કે જ્યારે હાસન લોકસભા બેઠક પર મતદાન થવામાં માત્ર પાંચ દિવસની જ વાર હતી.

કર્ણાટકની હાસન લોકસભા બેઠક પર બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થયું હતું.

અઝીમ પ્રેમજી યુનિવર્સિટીમાં પૉલિસી ઍન્ડ ગવર્નન્સના પ્રોફેસર નારાયણા બીબીસી હિન્દી સાથે વાતચીતમાં કહે છે કે, “ભારતમાં ટૅક્નોલૉજીની મદદથી પોલિટિકલ ઇનોવેશન વધતું જોવા મળે છે. પરંતુ જે થયું. એ રાજકીય ચાલાકી છે. કદાચ જૂન 2023માં મીડિયા સંસ્થાઓ તેને ન દેખાડી શકે તે માટે પ્રજ્વલ રેવન્ના જે વિશેષ ઑર્ડર લાવ્યા હતા તેનાથી બચવા માટે આમ કરવામાં આવ્યું હોઈ શકે છે.”

તેની રાજકીય અસર થઈ શકે?

આ સ્કૅન્ડલ સામે આવવાથી અલગ-અલગ રાજકીય અસરો થઈ શકે છે. તેની ટૂંકાગાળાની અને લાંબાગાળાની અસરો જેડીએસ અને ભાજપ બંનેને અલગ-અલગ રીતે કે એકસાથે પ્રભાવિત કરી શકે છે. ભાજપના નેતાઓ પણ અંગત વાતચીતમાં કહે છે કે આ શરમજનક બાબત છે.

જોકે, અત્યારે તો એવું લાગે છે કે ભાજપ અને જેડીએસ ગઠબંધન આ તોફાનથી પોતાને બચાવી લેશે.

રાજકીય વિશ્લેષકો પ્રમાણે આ એ વાત પર નિર્ભર કરે છે કે કર્ણાટકમાં આવનારા ત્રીજા તબક્કામાં 14 લોકસભા બેઠકો પર થનારા મતદાન માટે કૉંગ્રેસ તેનું પ્રચારઅભિયાન કઈ રીતે ચલાવે છે.

કર્ણાટક સરકારે આ પૂરા મામલાની તપાસ માટે એસઆઈટીનું ગઠન કર્યું છે. મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, “હાસન જિલ્લામાં અશ્લીલ વીડિયો સર્ક્યુલેટ થઈ રહ્યા છે. તેમાં એ સામે આવ્યું છે કે મહિલાઓ સામે યૌનહિંસાની ઘટનાઓ બની છે.”

એસઆઈટીનું નેતૃત્ત્વ રાજ્યના એડીજીપી બી કે સિંહ કરી રહ્યા છે. બી કે સિંહે જ પત્રકાર ગૌરી લંકેશ અને ઍક્ટિવિસ્ટ એમએમ કલબુર્ગીની હત્યાઓની તપાસનું નેતૃત્ત્વ કર્યું હતું.

ચૂંટણીમાં નવો વળાંક

હાસન જિલ્લો એ પૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડા પરિવારનો મજબૂત ગઢ રહ્યો છે. માંડ્યાની બેઠક સિવાય હાસન તાકાતવાન વોક્કાલિગા સમુદાયની શક્તિનું કેન્દ્ર મનાય છે. જોકે, વોક્કાલિગા સમુદાય દક્ષિણ કર્ણાટકનાં અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલો છે.

2019ની ચૂંટણીમાં એચડી દેવગૌડા તેમના પુત્ર પ્રજ્વલ રેવન્ના (એચડી રેવન્નાના પુત્ર) માટે હાસન બેઠક છોડીને તુમકુર શિફ્ટ થઈ ગયા હતા. તેમણે પોતાના પરિવારમાં સંતુલન બનાવવા માટે આવું કર્યું હતું. કારણ કે તેમના બીજા પૌત્ર નિખિલ કુમારસ્વામી (એચડી કુમારસ્વામીના પુત્ર) માંડ્યાથી ચૂંટણી લડી રહ્યા હતા. પરંતુ નિખિલ કુમારસ્વામી અને તેમના દાદા બંને ચૂંટણી હારી ગયા.

પેનડ્રાઇવની વહેંચણીનો મામલો ત્યારે સામે આવ્યો હતો, જ્યારે પ્રજ્વલ રેવન્નાના ચૂંટણી એજન્ટે 21 એપ્રિલે હાસન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી કે રાજકીય કારણોથી અશ્લીલ વીડિયોવાળી કેટલીક પેનડ્રાઇવ બસસ્ટેન્ડ અને લોકોના ઘરોમાં ડંપ કરવામાં આવી રહી છે. તેમાં રેવન્નાની મોર્ફ્ડ તસવીરો છે.

આ ફરિયાદમાં એક વ્યક્તિ નવીન ગૌડા અને બીજા લોકો સામે આંગળી ચીંધાઈ છે.

ત્યારપછી રવિવારે 28 એપ્રિલના રોજ દેવગૌડા પરિવાર પર હુમલાની આ નવી રીત સામે આવી.

એચડી રેવન્નાના ઘરમાં ખાવાનું બનાવનાર અને કામ કરનાર એક 47 વર્ષીય મહિલાએ હોલેનરસિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે એચડી રેવન્ના અને પ્રજ્વલ રેવન્નાએ તેમનું યૌનશોષણ કર્યું છે.

એચડી રેવન્ના પણ આરોપી

ફરિયાદ કરનાર મહિલાએ કહ્યું કે તેઓ એચડી રેવન્નાની પત્નીનાં સંબંધી છે. રેવન્નાના મોટા પુત્ર સૂરજનાં લગ્ન વખતે તેઓ રેવન્ના પરિવારમાં ઘરકામમાં મદદ કરવા આવ્યાં હતાં. પરંતુ બાદમાં તેઓ અહીં રસોઈયા તરીકે કામ કરવા લાગ્યાં હતાં. તેમણે 2019 થી 2022 સુધી ત્યાં કામ કર્યું છે.

તેમણે તેમની ફરિયાદમાં કહ્યું છે કે, "જ્યારે મેં કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે ત્યાં કામ કરતાં અન્ય છ કામ સહાયકોએ મને કહ્યું કે તેઓ પ્રજ્વલથી ડરે છે. ત્યાં કામ કરતાં પુરૂષ સહાયકોએ પણ કહ્યું હતું કે છે કે મારે પણ રેવન્ના અને પ્રજ્વલથી ડરીને રહેવું જોઈએ."

"જ્યારે પણ તેમનાં (એચડી રેવન્નાનાં) પત્ની ભવાની ઘરે ન હોય ત્યારે રેવન્ના મને અયોગ્ય રીતે સ્પર્શ કરતા હતા. તેમણે મારું યૌનશોષણ કર્યું હતું. તે બીજા લોકોને કહેતા હતા કે મારી પુત્રીને લઈ જાય અને તેની પાસે તેલ માલિશ કરાવે. પ્રજ્વલ મારી દીકરીને વીડિયો કોલ કરીને તેની સાથે અશ્લીલ વાતો કરતો હતો.”

મહિલાએ કહ્યું છે કે તેની પુત્રીએ પ્રજ્વલનો નંબર બ્લૉક કરી દીધો હતો અને ત્યારબાદ તેણે કામ પણ છોડી દીધું.

ફરિયાદમાં તેમણે કહ્યું હતું કે, "મેં વીડિયો જોયો છે અને હું તેમાંથી એક (મહિલા)ને ઓળખું છું."

પરંતુ આ બાબત અંગે એચડી રેવન્નાએ પત્રકારોને જણાવ્યું હતું કે, "હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે. હું તેની સમક્ષ હાજર થઈશ. જ્યારે બોલાવવામાં આવશે ત્યારે પ્રજ્વલ પણ જશે. ગઈકાલે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ચાર-પાંચ વર્ષ જૂનો મુદ્દો છે."

નારાજ એચડી કુમારસ્વામીએ પત્રકારોને કહ્યું, "તમે બધા આ અહેવાલોમાં દેવેગૌડાનું નામ કેમ મૂકો છો? જો કોઈ વ્યક્તિએ કોઈ ભૂલ કરી હોય તો તેનું પરિણામ તેને ભોગવવું જ પડે છે.”

રાજકારણ પર શું અસર પડશે?

ગત વર્ષે જૂનમાં રેવન્નાએ આ વીડિયો અંગે કોર્ટ પાસેથી રક્ષણ મેળવી લીધું હતું. ત્યારબાદ ભાજપના સ્થાનિક નેતા દેવરાજે ગૌડાએ કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીવાય વિજેન્દ્રને ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પત્ર લખ્યો હતો અને માંગ કરી હતી કે પ્રજ્વલ રેવન્ના અને તેમના પરિવારના કોઈપણ વ્યક્તિને ગઠબંધન તરફથી ઉમેદવાર ન બનાવવામાં આવે.

જોકે, ભાજપની નેતાગીરીએ નક્કી કર્યું હતું કે એકવાર ગઠબંધનમાં બેઠકોની ગોઠવણી નક્કી થઈ જાય એ પછી કોને ઉમેદવાર બનાવવાના છે એ ગઠબંધનના સહયોગીઓ પર છોડી દેવામાં આવે.

ભાજપના પ્રવક્તા પ્રકાશ શેષવર્ગાવાચરે બીબીસી હિન્દીને કહ્યું કે, "અમે ગઠબંધનના સહયોગીઓને નથી કહી શકતા કે કોને ઉમેદવાર બનાવવો અને કોને ન બનાવવો. આ વાત જે-તે પક્ષ પર છોડી દેવામાં આવી હતી."

પરંતુ પ્રોફેસર નારાયણ કહે છે, "જો કોઈ સ્કૅન્ડલ છે તો પણ તેની બહુ અસર નહીં થાય. કારણ કે જ્યારે મતદાન થયું ત્યારે કથિત વીડિયોવાળી પેનડ્રાઈવ માત્ર હસન શહેરમાં જ વહેંચવામાં આવી રહી હતી. કર્ણાટકમાં પ્રથમ તબક્કાના મતદાન પર તેની કોઈ અસર થઈ નથી. પરંતુ, જો કૉંગ્રેસ બાકીની 14 બેઠકો પર મહિલાઓના મતને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરે છે, તો ભાજપને નૈતિક રીતે પડકાર મળી શકે છે."

રાજકીય વિશ્લેષક ડી. ઉમાપતિનું કહેવું છે કે આ સ્કૅન્ડલે ભાજપના હાથમાં એ લાકડી આપી દીધી છે જેનાથી તે ભવિષ્યમાં જેડીએસ પર પણ પ્રભુત્વ મેળવી શકે છે.

ઉમાપતિ કહે છે, “તમે એ ધારી શકો છો કે ભાજપ જેડીએસને ગળી જશે. જેડીએસે પણ કદાચ આની ધારણા કરી હશે. પરંતુ આજની સ્થિતિમાં જેડીએસ ભવિષ્ય તરફ જોવા માટે તેના વર્તમાનને બચાવવા માંગે છે. તેમાં કોઈ શંકા નથી કે જેડીએસ પર આ મોટો પ્રહાર છે.”

પ્રોફેસર નારાયણ પણ અમુક અંશે ઉમાપતિ સાથે સહમત છે. તેઓ કહે છે, “આ ઘટનાએ જેડીએસનો અંત નજીક લાવી દીધો છે. આના કારણે જેડીએસ અને ભાજપ અલગ થઈ શકે છે અને જો આવું થશે તો જેડીએસના નેતાઓમાં ભાજપમાં જોડાવા માટે નાસભાગ મચી જશે."

જોકે, ઉમાપતિ પોતાની એ વાત પર અડગ રહીને કહે છે, "જ્યાં સુધી જેડીએસ નેતા એચડી દેવગૌડા જીવિત છે ત્યાં સુધી તેઓ તેમની પાર્ટીને તૂટવા દેશે નહીં. પરંતુ જો જેડીએસને કંઈક થાય છે, તો તેનો અર્થ એ છે કે કૉંગ્રેસની રાજનીતિ દ્વિધ્રુવી બની રહેશે અને ભાજપ માટે બહુમતી મેળવવી હવે સપનું રહેશે નહીં."