મોદી સરકારની યોજનાઓ: ચૂંટણીઢંઢેરામાં આપેલાં વચનો કેટલાં પૂર્ણ થયાં?

પોતાનો બીજો કાર્યકાળ શરૂ થાય તે પહેલાં વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારે તેમના 2019ના ચૂંટણીઢંઢેરામાં આપેલાં વચનો માટે ચોક્કસ લક્ષ્યો નક્કી કર્યાં હતાં.

શું તેમણે આપેલાં આ વચનો 2024 સુધીમાં પૂરાં થઈ શક્યાં? બીબીસીએ કુલ ચાર યોજનાઓના ઉપલબ્ધ ડેટાને ચકાસ્યો હતો. આ ડેટા પરથી શું સામે આવ્યું?

પીએમ-કિસાન સન્માન નિધિ (PM-Kisan)

વચન: બે હૅક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવશે. ત્યારબાદ દેશભરના ખેડૂતોને આ યોજનાનો ફાયદો મળશે.

2018-19માં શરૂ કરવામાં આવેલી આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતોના પરિવારોને વાર્ષિક 6 હજાર રૂપિયા મળશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. આ ખેડૂતો પાસે બે હૅક્ટરથી ઓછી જમીન હોવી જોઈએ. ત્યારબાદ આ યોજનાનો જૂન 2019માં વિસ્તાર કરવામાં આવ્યો અને તેમાં જમીનનો માપદંડ હઠાવીને તમામ પ્રકારના ખેડૂતો સમાવવામાં આવ્યા.

ખેડૂતોને ચુકવણી ત્રણ હપ્તામાં કરવામાં આવે છે અને પૈસા સીધા જ તેમના ખાતામાં જમા થાય છે. જ્યારથી આ યોજના શરૂ થઈ ત્યારથી 52 કરોડ લાભાર્થીઓને તેમનો લાભ મળ્યો છે. જેમાંથી વર્ષ 2023-24ના નાણાકીય વર્ષમાં 8.5 કરોડ લોકોને ફંડ મળ્યું હતું.

આ યાદીમાં ઉત્તર પ્રદેશ 1.8 કરોડ લાભાર્થીઓ સાથે ટોચના સ્થાને છે. કુલ લાભાર્થીઓમાં ઉત્તર પ્રદેશનો હિસ્સો 21 ટકા છે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ આવતી પીએમ-કિસાન યોજના સૌથી મોટી યોજના છે. આ મંત્રાલયે વર્ષ 2021-22માં તેના ફાળે આવેલા બજેટમાંથી 49 ટકા જેટલું બજેટ આ યોજના પાછળ ખર્ચ્યું છે. આ યોજના જ્યારથી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં તેનું બજેટ ત્રણ ગણું થઈ ગયું છે.

નાણાકીય વર્ષ 2018-19માં આ યોજના માટે 20 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું અને પછીના વર્ષે તેના માટે 75 હજાર કરોડ ફાળવવામાં આવ્યા હતા. જોકે, કેટલાક ફેરફાર પછી તે વર્ષે બજેટ 54370 કરોડનું કરવામાં આવ્યું. આ 28 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો હતો કારણ કે આ યોજના માટે લાયક ઠરેલા ખેડૂતોના ધારવામાં આવેલી સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. કેટલીક ચુકવણીઓને ફેબ્રુઆરી-માર્ચ 2019 દરમિયાન રોકી દેવામાં આવી હતી.

જળ જીવન મિશન (નલ સે જલ)

વચન: 2024 સુધીમાં દરેક ઘર સુધી પાઇપથી પાણી પહોંચાડવું

ભારતની સરકારે 2009ના નેશનલ રૂરલ ડ્રિંકિંગ વૉટર પ્રોગ્રામ (NRDWP)ને જળ જીવન મિશન(JJM)માં મર્જ કરી દીધી હતી. આ યોજના હેઠળ 2024 સુધીમાં દરેક ઘર સુધી પાઇપથી પાણી પહોંચાડવામાં આવ્યું હતું.

19 કરોડ ઘરમાંથી અંદાજે 14 કરોડ ઘર એટલે કે 73 ટકા ઘરમાં નળમાંથી પાણી આવે છે. 2019 સાથે સરખામણી કરીએ તો આમાં નોંધપાત્ર વધારો થયો છે. 2019માં 16.80 ઘરોમાં જ નળથી પાણી આવતું હતું.

રાજ્યોની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ સૌથી નીચેના સ્થાને છે જ્યાં માત્ર 41 ટકા ઘરમાં જ નળથી પાણી આવે છે. ત્યારબાદ ઝારખંડ અને રાજસ્થાન આવે છે જ્યાં પણ 50 ટકાથી ઓછા ઘરમાં નળથી પાણી આવે છે. ગોવા, હરિયાણા, તેલંગણા, ગુજરાત અને પંજાબ એવાં રાજ્યો છે જ્યાં 100 ટકા ઘરમાં નળના કનેક્શન પહોંડાવામાં આવ્યાનું કહેવાય છે.

જાન્યુઆરી 2024 સુધીમાં, કેન્દ્ર અને રાજ્યની સરકારોએ સાથે મળીને આ યોજના પાછળ 1 લાખ કરોડ ખર્ચ્યા છે. છેલ્લા ચાર વર્ષોમાં માત્ર કેન્દ્ર સરકારે જ તેનું ફંડિંગ વધાર્યું છે એવું નથી પરંતુ રાજ્ય સરકારોએ પણ તેનું ફંડિંગ વધાર્યું છે. 2019-20માં આ યોજના માટેના ફંડમાં રાજ્યોએ 40 ટકાનો ફાળો આપ્યો હતો. આ આંકડો વર્ષ 2023-24માં વધીને 44 ટકા થઈ ગયો છે.

હજુ પણ પાંચ કરોડથી વધારો ઘરમાં પાણી માટેનું કનેક્શન નથી. સરેરાશ 2 કરોડથી વધુ ઘરમાં દર વર્ષે જળ જીવન મિશન હેઠળ કનેક્શન આપવામાં આવી રહ્યું છે. 2019-20માં સૌથી વધુ 3.2 કરોડ કનેક્શન આપવામાં આવ્યાં હતાં.

કેટલી ઝડપે આ કનેક્શન આપવામાં આવી રહ્યાં છે એ તપાસવા માટે અમે વાર્ષિક ટકાવારીના આંકડાઓ પણ જોયા. વર્ષ 2022-23માં નળના જોડાણ આપવાની સંખ્યામાં 15 ટકાના દરે વધારો (2 કરોડથી વધીને 2.3 કરોડ) થયો હતો.

પરંતુ 2023-24માં આ વૃદ્ધિ દર 6.8 ટકા (2.33 કરોડથી વધીને 2.48 કરોડ) રહ્યો હતો. આ ગતિએ વર્ષના અંત સુધીમાં તમામ ઘર સુધી તો નળથી પાણી નહીં પહોંચે પરંતુ 80 ટકા ઘરોમાં નળથી જળ યોજના મારફત પાણી પહોંચશે.

બેટી બચાઓ, બેટી પઢાઓ

વચન: લિંગ-પક્ષપાત થતો રોકવા માટે, બાળકીનું અસ્તિત્ત્વ અને રક્ષણ સુનિશ્ચિત કરવા માટે, બાળકીના જન્મનું મૂલ્ય લોકો સમજે તેના માટે અને બાળકીઓને શિક્ષણ તથા સમાજમાં સમાન ભાગીદારીની ખાતરી મળે તેના માટે કામ કરવું.

2015માં ભારત સરકારે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના દાખલ કરી હતી. જાતીય ભેદભાવ સામે લડવું અને મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપવું એ આ યોજનાના મુખ્ય હેતુ છે.

શરૂઆતમાં આ યોજનાને 100 કરોડનું ફંડ આપવામાં આવ્યું હતું જ્યારે 2017-18માં તેના માટે 200 કરોડનું ફંડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી.

મંત્રાલયે આ બજેટમાંથી 84 ટકા ફંડનો ખર્ચ કર્યો હતો જેમાંથી 164 કરોડ રૂપિયા મીડિયા અને આ યોજના માટેના પ્રચારમાં ખર્ચવામાં આવ્યા હતા.

આગામી નાણાકીય વર્ષમાં એકંદરે ખર્ચમાં ઘટાડો થયો હોવા છતાં 2018 અને 2022 વચ્ચે મંત્રાલયનો આશરે 40 ટકા ખર્ચ હજુ પણ મીડિયા અને આ યોજનાને લગતી પ્રચારઝુંબેશને સમર્પિત હતો.

આ વચન કન્યાકેળવણી પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરે છે. તેનું મૂલ્યાંકન કરવા માટે અમે મહિલા વિદ્યાર્થીઓના ગ્રૉસ ઍનરૉલમેન્ટ રૅશિયો (GER) ની તપાસ કરી હતી જેમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું.

2016-17માં છોકરીઓનો GER (23.8) છોકરાઓ (24.3) કરતાં ઓછો હતો. જોકે, 2020-21 સુધીમાં તે 27.3 ના છોકરાઓના ગુણોત્તરને વટાવીને 27.9 પર પહોંચી ગયો હતો.

આ સાથે જ માધ્યમિક શાળામાં છોકરીઓનો ડ્રૉપઆઉટ દર 2018-19માં 17.1થી ઘટીને 2020-21માં 12.3 થઈ ગયો હતો. જે છોકરાઓના અનુરૂપ દર (13) કરતાં પણ ઓછો છે.

પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના (PMFBY)

વચન: ખેતીને લગતા શક્ય જોખમોમાં ઘટાડો કરવો અને વીમા-કવર આપવું

2016માં શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ જે ખેડૂતોનો કુદરતી આફત, જીવાત કે રોગોને કારણે પાક ખરાબ થઈ જાય તેમને વીમો અને નાણાકીય સહાય મળે છે. આ યોજના ફરજિયાત હોવા ન છતાં ઘણાં રાજ્યોએ તેનો અમલ કર્યો હતો.

આ રાજ્યોમાં દેશમાં જેટલી જમીન પર પાકની વાવણી વર્ષમાં કરવામાં આવે છે તેનો 30 ટકા હિસ્સો આવી જાય છે. જે ખેડૂતોએ લોન ન લીધી હોય તેમણે પણ આ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

તાજેતરના ડેટા મુજબ ખેડૂતોએ ચુકવેલા 30800 કરોડના દાવાઓ સામે તેમને 1,50,589 કરોડના દાવાઓ ચૂકવવામાં આવ્યા છે.

વધુમાં, આ ડેટા વીમા યોજના માટેની અરજીઓમાં વધારો સૂચવે છે, જે 2018-19માં 577 લાખથી વધીને 2021-22માં 827.3 લાખ થઈ ગયો છે.

જોકે, વીમા હેઠળ જેટલો જમીન વિસ્તાર આવરી લેવામાં આવ્યો તેમાં ઘટાડો થયો છે. 2021-22માં જમીન વિસ્તાર ઘટીને 525 લાખ હૅક્ટરથી ઘટીને 456 લાખ હૅક્ટર થઈ ગયો છે.

અમુક રાજ્યો પોતાની યોજનાઓ લાગુ કરવાને કારણે આ યોજનામાંથી બહાર આવી ગયાં છે જેના કારણે આ ઘટાડો નોંધાયો છે.

રાજસ્થાન અને મહારાષ્ટ્ર એવાં રાજ્યો છે જેમની પાસે ચુકવણીનું લાંબુ લિસ્ટ છે. વર્ષ 2021-22 પ્રમાણે રાજસ્થાને 430 કરોડના દાવાઓ ચૂકવવાના બાકી છે જ્યારે મહારાષ્ટ્રે 443 કરોડના દાવાઓ ચૂકવવાના બાકી છે.