You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભાની ચૂંટણી પહેલાં જ રાજીનામું આપનાર ચૂંટણી કમિશનર અરુણ ગોયલ કોણ છે?
પંજાબ કૅડરના પૂર્વ આઇએએસ અધિકારી અરુણ ગોયલે 9મી માર્ચના રોજ ચૂંટણી કમિશનરના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
તેમનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થવાને માત્ર થોડો સમય જ બાકી છે. તેમનો કાર્યકાળ પૂરો થવામાં પણ ત્રણ વર્ષ બાકી હતા.
ધી ઇન્ડિયન ઍક્સપ્રેસમાં છપાયેલા એક અહેવાલ પ્રમાણે અરુણ ગોયલના રાજીનામાએ લોકોને ચોંકાવ્યા છે કારણ કે 2022માં તેમની અચાનક આ પદે નિયુક્તિના સમાચારો પણ એટલા જ ચોંકાવનારા હતા.
એ સમયે તેમની નિમણૂકને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી.
આઇએએસ અધિકારી તરીકે 37 વર્ષ કામ કર્યા બાદ અરુણ ગોયલ 31 ડિસેમ્બર, 2022ના રોજ નિવૃત્ત થવાના હતા પરંતુ તેના એક મહિના અગાઉ જ તેમણે સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ લઈ લીધી હતી.
તેના એક દિવસ બાદ 19 નવેમ્બર, 2022ના રોજ રાષ્ટ્રપતિએ તેમને ચૂંટણી કમિશનરના પદે નિયુક્ત કરી દીધા હતા. 15મે, 2022થી આ પદ ખાલી પડ્યું હતું અને તેમણે 21 નવેમ્બર, 2022ના રોજ આ પદ સંભાળી લીધું હતું.
તેમની નિયુક્તિને કેમ પડકારવામાં આવી હતી?
2022માં જે સમયે તેમની નિયુક્તિ થઈ એ સમયે સુપ્રીમ કોર્ટ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિયુક્તિની પ્રક્રિયાઓને લઈને દાખલ થયેલી અરજીઓ પર સુનાવણી કરી રહ્યું હતું.
ચૂંટણી સાથે જોડાયેલા મામલાઓમાં પારદર્શિતા માટે કામ કરી રહેલી સંસ્થા અસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સ(એડીઆર) એ અરુણ ગોયલની નિયુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી અને તેને એકતરફી નિયુક્તિ ગણાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એડીઆરની દલીલ હતી કે અરુણ ગોયલને પહેલેથી આ વાતની જાણકારી હશે એટલે જ તેમણે સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ લીધી હશે. જોકે, આ અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે અરુણ ગોયલની ઉતાવળે કરાયેલી નિમણૂક પર સવાલ ઉઠાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે ગોયલની નિમણૂક પર આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે, "આ વાત આશ્ચર્યજનક છે કે કાયદા મંત્રાલયે તેમના રાજીનામાના એક જ દિવસમાં તેમના નામને મંજૂરી આપી દીધી. ત્યારબાદ ચૂંટણી કમિશનરના પદ માટેના ચાર ઉમેદવારોની યાદી વડા પ્રધાનને સુપ્રત કરવામાં આવી હતી અને રાષ્ટ્રપતિ 24 કલાકની અંદર તેમના નામને મંજૂરી આપે છે."
હવે, ફરી એકવાર તેઓ તેમના રાજીનામાંને કારણે ચર્ચામાં છે.
અરુણ ગોયલ કોણ છે?
અરુણ ગોયલનું રાજીનામું એવા સમયે આવ્યું છે કે જ્યારે ચૂંટણીપંચ લોકસભાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે અને અધિકારીઓ દેશભરમાં ફરીફરીને તૈયારીઓની ચકાસણી કરી રહ્યા છે. ચૂંટણીની તારીખોનું પણ થોડા દિવસોમાં એલાન થશે.
ચૂંટણી કમિશનર અનૂપચંદ્ર પાંડે ગત મહિને જ નિવૃત્ત થયા છે. તેમના રાજીનામા બાદ ત્રણ સદસ્યોવાળા આ સંગઠનમાં માત્ર હવે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર જ બચ્યા છે.
ચૂંટણીપંચની વેબસાઈટ અનુસાર 1962માં પંજાબના પટિયાલામાં જન્મેલા અરુણ ગોયલે ગણિતમાં માસ્ટર્સ ડિગ્રી હાંસલ કરી છે.
સ્વૈચ્છિક નિવૃત્તિ લેતી વખતે અરુણ ગોયલ ભારે ઉદ્યોગોના મંત્રાલયમાં સચિવ તરીકે કામ કરતા હતા. આ પહેલાં તેઓ સંસ્કૃતિ મંત્રાલયમાં સચિવ તરીકે અને દિલ્હી ડેવલપમેન્ટ ઑથોરિટીમાં વાઇસ ચેરપર્સન તરીકે કામ કરી ચૂક્યા છે.
ભારે ઉદ્યોગ મંત્રાલયમાં કામ કરતી વખતે તેમણે ઈ-વાહનોના પ્રમોશન પર કામ કર્યું હતું. આ સમય દરમિયાન, તેમણે ઑટો ઉદ્યોગ માટે પીએલઆઈ(પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ) યોજના અમલમાં મૂકી હતી અને આ ક્ષેત્રમાં રોકાણ વધાર્યું.
તેમણે થોડો સમય પંજાબ સરકાર માટે પણ કામ કર્યું હતું અને મુખ્ય સચિવ તરીકે ન્યૂ ચંદીગઢના માસ્ટરપ્લાનને અમલમાં મૂકવા અને ઊર્જા ક્ષેત્રે સુધારાઓ લાગુ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલો
કૉંગ્રેસ નેતા મનીષ તિવારીએ સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ ઍક્સ પર લખ્યું હતું કે, "વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં એક જ ચૂંટણી કમિશનર સાથે તમે કઈ રીતે સૌથી મોટી ચૂંટણીનું આયોજન પાર પાડી શકો? ટીએન શેષને ચૂંટણી પંચને એકથી વધુ સભ્યોનું માળખું બનાવવાનું નક્કી કર્યું તેના ચોક્કસ કારણો હતા."
તૃણમૂલ કૉંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ સાકેત ગોખલેએ લખ્યું હતું કે, “એક ચોંકાવનારા નિર્ણયમાં ચૂંટણી કમિશનર અરુણ ગોયલે રાજીનામું આપ્યું છે. હવે ચૂંટણીપંચમાં બે જગ્યા ખાલી છે. લોકસભાની 2024ની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી 2 કમિશનરોની નિમણૂક કરશે. આ વાત ખૂબ ચિંતાજનક છે.”