મોદી સરકારના આ નવા બિલથી ચૂંટણીપંચની સ્વાયત્તતા જોખમાશે?

આ વર્ષે માર્ચ મહિનામાં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. વર્ષ 2015માં ચૂંટણીપંચના કામકાજમાં પારદર્શિતા અંગેની અનેક જાહેર હિતની અરજીઓ દાખલ કરવામાં આવી હતી જેના પર આ ચુકાદો અપાયો હતો.

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે આ બધી અરજીઓની એક સાથે સુનાવણી કરી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે ચૂંટણી કમિશનરોની નિમણૂક સરકારના નિયંત્રણની બહાર હોવી જોઈએ.

જસ્ટિસ કે.એમ.જોસેફની બંધારણીય બેન્ચે ચુકાદામાં કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર(સીઇસી અને અન્ય ચૂંટણી કમિશનર(ઇસી)ની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા એક સમિતિની સલાહ પર કરવામાં આવે, જેમાં વડા પ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા(અથવા સૌથી મોટા વિપક્ષી દળના નેતા) અને ભારતના મુખ્ય ન્યાયાધીશ સામેલ હોય.

સુપ્રીમ કોર્ટે આ નિમણૂકો અંગે એક કાયદો બનાવવા પણ કહ્યું હતું.

આ નિર્ણય પછી ચોમાસુ સત્રમાં 10 ઑગસ્ટના રોજ મોદી સરકારે રાજ્યસભામાં ‘મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિયુક્તિ, સેવાની શરતો અને અવધિ) બિલ, 2023’ નામનું બિલ પણ રજૂ કર્યું હતું. આ બિલ પર રાજ્યસભામાં જોરદાર હોબાળો થયો હતો.

વિપક્ષે આરોપ લગાવ્યો કે મોદી સરકાર ચૂંટણીપંચને પોતાની કઠપૂતળી બનાવવા માંગે છે. તેમણે આ બિલને ગેરબંધારણીય, મનસ્વી અને અન્યાયી ગણાવી તેનો વિરોધ કર્યો હતો.

સંસદનું વિશેષ સત્ર આવતા સોમવારે એટલે કે 18 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે જે શુક્રવાર, 22 સપ્ટેમ્બર સુધી ચાલશે.

લોકસભા અને રાજ્યસભા દ્વારા જાહેર કરાયેલા બુલેટિનમાં માહિતી આપવામાં આવી છે કે આ વિશેષ સત્રમાં ચર્ચા માટે કયાં બિલ રજૂ કરાશે.

રાજ્યસભાના બુલેટિન અનુસાર સંસદના વિશેષ સત્રમાં ત્રણ બિલ પર ચર્ચા કરવામાં આવશે જ્યારે લોકસભામાં બે બિલ પર ચર્ચા થશે.

રાજ્યસભામાં જે બિલ પર ચર્ચા થશે તેમાં ચૂંટણી કમિશનરની નિમણૂકને લગતું એક બિલ પણ છે, જેને રાજ્યસભામાં પહેલાં પણ રજૂ કરવામાં આવ્યું હતું.

આ બિલમાં શું છે?

આ બિલ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની પસંદગી એક સિલેક્શન કમિટીની ભલામણ પર થશે અને રાષ્ટ્રપતિની અનુમતિ બાદ તેમની આ પદ પર નિમણૂક થશે.

આ સિલેક્શન કમિટીની અધ્યક્ષતા વડા પ્રધાન કરશે. તેમાં વિપક્ષના નેતા અને એક કેન્દ્રીય મંત્રી સભ્ય તરીકે જોડાશે. કેન્દ્રીય મંત્રીની પસંદગી વડા પ્રધાન કરશે.

મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોનાં નામ એક સર્ચ કમિટી સિલેક્શન કમિટીને આપશે. આ સર્ચ કમિટીની અધ્યક્ષતા કૅબિનેટ સચિવ કરશે અને તેમાં ભારત સરકારના સચિવ કક્ષાના બે સદસ્યો હશે.

મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિયુક્તિ છ વર્ષ માટે અથવા 65 વર્ષની ઉંમર સુધી થશે અને તેમને બીજી વાર નિમણૂક નહીં મળે.

જો કોઈ વ્યક્તિને મુખ્ય ચૂંટણી કમિશનર કે અન્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવે તો તેમનો કુલ કાર્યકાળ છ વર્ષથી વધુ ન હોઈ શકે.

સિલેક્શન કમિટીના બંધારણમાં કોઈ પ્રકારની ખામીને કારણે કોઈ મુખ્ય ચૂંટણી કમિશનર કે અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂકને અમાન્ય ઠેરવી શકાય નહીં.

મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોને તેમના પદ ઉપરથી હઠાવી શકાય નહીં. તેમને માત્ર બંઘારણની કલમ 324ના ખંડ(5) હેઠળ જ હઠાવી શકાય છે.

આ કલમમાં કહેવાયું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોને તેમના પદ ઉપરથી હઠાવવા માટે સુપ્રીમ કોર્ટના જજને હઠાવવા જે પ્રક્રિયા અનુસરાય છે તે જ અનુસરવાની રહેશે.

બિલ જણાવે છે કે ચૂંટણીપંચનું કામ જ્યારે પણ શક્ય હોય ત્યારે સર્વસંમતિથી થવું જોઈએ અને અસંમતિના કિસ્સામાં બહુમતીનો મત માનવામાં આવશે.

અત્યાર સુધી કઈ રીતે થતી પસંદગી?

ચૂંટણીપંચ એક બંધારણીય સંસ્થા છે જેનું બંધારણની કલમ 324માં વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે. જેમાં એવું કહેવાયું છે કે ચૂંટણી કરાવવાની જવાબદારી ચૂંટણીપંચની છે.

બંધારણની કલમ 324 (2)માં રાષ્ટ્રપતિને મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરવાની સત્તા આપવામાં આવી છે. જોકે, તેમાં સીઇસી અને ઇસીની નિમણૂક માટે કાયદો બનાવવાની વાત પણ કરાઈ છે.

સીઇસી અથવા ઇસીની નિમણૂક માટે કોઈ કાયદો ન હોવાને કારણે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજીઓ દાખલ કરવામાં આવી હતી. અત્યાર સુધી રાષ્ટ્રપતિ સીઇસી અને ઇસીની નિમણૂક કરે છે.

કેમ થઈ રહ્યો છે વિવાદ?

વિપક્ષની સાથે સાથે જ ઘણા વિશ્લેષકો પણ આ બિલને લઈને કેન્દ્રની મોદી સરકારના ઈરાદા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

તેમની દલીલ છે કે આ બિલ દ્વારા સુપ્રીમ કોર્ટના જ નિર્ણયને પલટવામાં આવી રહ્યો છે કારણ કે પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે મુખ્ય ન્યાયાધીશને પસંદગી સમિતિમાં સ્થાન આપ્યું હતું.

આ સમિતિમાં સત્તાનું સંતુલન જળવાતું ન હોવાના સવાલો ઊઠી રહ્યા છે કારણ કે પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ વિપક્ષના નેતા લઘુમતીમાં ચાલ્યા ગયા છે. જો વડા પ્રધાન અને કેન્દ્રીય મંત્રી સંમત થાય તો વિપક્ષના નેતા તરફથી વાંધો ઉઠાવવાનો પ્રશ્ન જ નહીં રહે.

ટીકાકારો એવો પણ સવાલ કરી રહ્યા છે કે એક તરફ સરકાર ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે બંધારણમાં રહેલો ખાલીપો ભરી રહી છે તો બીજી તરફ ચૂંટણીપંચની સ્વાયત્તતા સાથે પણ ચેડા કરી રહી છે. જ્યારે પસંદગી પ્રક્રિયા જ એકતરફી હશે તો તે ચૂંટણીપંચની સ્વાયત્તતા અને નિષ્પક્ષતા પર પણ અસર કરશે.

હવે એવી માંગ ઊઠી રહી છે કે કેન્દ્ર સરકારે પસંદગી સમિતિની સમીક્ષા કરવી જોઈએ અને તેને વધુ સંતુલિત બનાવવી જોઈએ જેથી નિષ્પક્ષ નિર્ણયની પ્રક્રિયા પૂરી થઈ શકે.

આ પસંદગી સમિતિમાં વિપક્ષની મજબૂત હાજરી હોવી જોઈએ તેવી માંગ ઊઠી છે. તેમજ સર્ચ કમિટીમાં કાયદાકીય નિષ્ણાતોને સામેલ કરવા જોઈએ.

એવા સવાલો પણ ઉઠાવાઈ આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર આ બિલ ઉતાવળમાં લાવી છે. રાજ્યસભામાં તેને રજૂ કરતા પહેલાં તેણે વિપક્ષી પાર્ટીઓ અને કાયદાકીય નિષ્ણાતો સાથે તેની ઊંડાણપૂર્વક ચર્ચા કરવી જોઈતી હતી.