મોદી સરકાર જો ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવે તો તમારું જીવન કેટલું બદલાશે?

    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

વડા પ્રધાન મોદીએ બુધવારે દિલ્હીના પ્રગતિ મેદાનમાં 'ભારત મંડપમ'નું ઉદ્ઘાટન કરતી વખતે ગૅરન્ટી આપી કે તેમની સરકારના ત્રીજા કાર્યકળમાં ભારત વિશ્વની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થામાં સામેલ થઈ જશે.

ભારત હાલ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

એવામાં જો પીએમ મોદી વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી જીતીને વડા પ્રધાન બનશે તો તેમની સરકાર પાસે આ વાયદો પૂર્ણ કરવા 2029 સુધીનો સમય હશે.

કૉંગ્રેસે પીએમ મોદીની આ ગૅરન્ટીને આડેહાથ લેતા કહ્યું છે કે સરકાર ઘણી ચતુરતાથી એવા રૅકર્ડ બનાવવાની ગૅરન્ટી આપે છે, જેનું થવું પહેલેથી નિશ્વિત છે.

કૉંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું, "આંકડા પ્રમાણે જે ઉપલબ્ધિઓ દેશને મળવાની જ છે, તેના માટે પણ ગૅરન્ટી આપવી પીએમ મોદીની રાજનીતિનું સ્તર દર્શાવે છે. આ દાયકામાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ભવિષ્યવાણી ઘણા સમયથી કરાઈ રહી છે અને એ નક્કી છે કે આમ થશે જ, ભલે કોઈ પણ સરકાર બનાવે."

કૉંગ્રેસે જે ભવિષ્યવાણીની વાત કરી છે, આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ એટલે કે આઈએમએફે તે છ મહિના પહેલાં કરી હતી.

લાઇવ મિન્ટના અહેવાલ પ્રમાણે, આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષે ગયા વર્ષે ઑક્ટોબરમાં અનુમાન લગાવ્યું હતું કે ભારત વર્ષ 2027-28 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.

આઈએમએફ સહિત વૈશ્વિક નાણાકીય સંસ્થા મૉર્ગન સ્ટૅનલીએ પણ ગયા વર્ષે અનુમાન લગાવ્યું હતું કે વર્ષ 2027 સુધીમાં ભારત અમેરિકા અને ચીન બાદ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

હાલ ત્રીજા નંબરે જાપાનની અર્થવ્યવસ્થા છે.

મોદીકાળમાં અર્થવ્યવસ્થા ક્યાંથી ક્યાં સુધી પહોંચી?

પીએમ મોદીના વડા પ્રધાનપદ પર રહેતા ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં દસમા નંબરેથી પાંચમા નંબર સુધી પહોંચવામાં સફળ રહી છે.

પરંતુ તેનું કારણ શું છે?

કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા તેની જીડીપી પર નિર્ભર છે અને છેલ્લા નવ વર્ષમાં ભારતની જીડીપીમાં ઉછાળો જોવા મળ્યો છે.

જોકે, કૉંગ્રેસના કાર્યકાળમાં જીડીપીનો સૌથી વધુ વિકાસ દર 2010માં 8.5 ટકા સુધી પહોંચ્યો હતો.

કોરોના દરમિયાન વિશ્વની તમામ અર્થવ્યવસ્થાઓની જેમ ભારતમાં વૃદ્ધિની જગ્યાએ ઘટાડો જોવા મળ્યો હતો.

ભારતની જીડીપી કેવી રીતે વધી રહી છે?

વર્ષ 2014થી 2023 વચ્ચે ભારતની જીડીપી 83 ટકા વધી છે.

નવ વર્ષના વૃદ્ધિદરના મામલે ભારત ચીનથી માત્ર એક ટકા નીચે રહ્યું છે કારણ કે ચીનની જીડીપીમાં 84 ટકા વધારો નોંધાયો છે.

આ નવ વર્ષમાં અમેરિકન જીડીપીમાં વૃદ્ધિનો દર 54 ટકા રહ્યો. જો આ ત્રણ દેશોને છોડી દેવામાં આવે તો જીડીપી મુજબ ટોચમાં સામેલ કેટલાક દેશોની જીડીપીનો વૃદ્ધિદર ઘટ્યો છે અથવા તો સ્થિર રહ્યો છે.

આ દરમિયાન ભારત પાંચ દેશોને પાછળ છોડીને વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. આ પાંચ દેશોમાં બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી અને રશિયાનો સમાવેશ થાય છે.

ભારતની અર્થવ્યવસ્થામાં જે ઉછાળો જોવા મળ્યો છે એ આ દેશોની સરખામણીએ જ જોવા મળ્યો છે. આ તમામ વિકસિત દેશોની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ ન થવા પાછળનું કારણ શું હશે?

તેનું એક કારણ 2008-09નું વૈશ્વિક આર્થિક સંકટ છે. કારણ કે તેની પશ્ચિમી દેશો પર આકરી અસર પડી હતી, પરંતુ ભારત પર તેની અસર મર્યાદિત હતી.

જો ભારતની જીડીપી હાલના છ-સાત ટકાના દરે આગળ વધતી રહે છે, તો પણ એ વર્ષ 2027 સુધીમાં જર્મની અને જાપાનને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

કારણ કે આ દેશોનો વૃદ્ધિદર સરેરાશ દોઢથી અઢી ટકા છે. તેમના માટે છ-સાત ટકાનો વૃદ્ધિદર હાંસલ કરવો લગભગ અશક્ય છે.

અર્થવ્યવસ્થા વધવાનો અર્થ શું છે?

કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા વધવાનો અર્થ તેની જીડીપી વધવાથી છે અને જીડીપીનો અર્થ એ દેશમાં એક વર્ષમાં તૈયાર થતા માલ અને સેવાઓની કુલ કિંમત છે.

દાખલા તરીકે જો તમે વર્ષભર ખેતી કરો છે. જેનું બજારમાં મૂલ્ય 10 લાખ રૂપિયા છે તો તમારી વાર્ષિક જીડીપી દસ લાખ રૂપિયા થઈ.

એવામાં જો તમારી વાર્ષિક જીડીપી 10 ટકાના દરે વધે તો જીડીપી વૃદ્ધિદર 10 ટકા કહેવાશે.

જીડીપીમાં વૃદ્ધિના કારણે કંપનીઓ પોતાનો વેપાર વધારવા પર ધ્યાન આપશે. વિદેશી કંપનીઓ પણ એ દેશમાં રોકાણ કરશે જેનો વૃદ્ધિદર સારો હશે.

તેનાથી નોકરીઓ માટે નવી તકો સર્જાશે. તેનાથી ધીરેધીરે સમાજના આર્થિક રૂપથી ટોચના વર્ગથી મધ્યમ અને નીચલા વર્ગ સુધી લાભ પહોંચશે.

પ્રતિવ્યક્તિ આવક વગર જીડીપીની અધૂરી જાણકારી

હવે એ સમજવાનો પ્રયાસ કરીએ કે કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા આગળ વધવાથી સામાન્ય લોકો પર શું અસર પડશે.

દેશની અર્થવ્યવસ્થા વધવી એક સકારાત્મક વાત છે, પરંતુ જીડીપી દેશના સામાન્ય નાગરિકોની સમૃદ્ધિ માપવાનો માપદંડ નથી.

એ માપદંડ છે પ્રતિવ્યક્તિ આવક. દેશની કુલ વસતી વડે જીડીપીનો ભાગાકાર કરવાથી જે રકમ મળે તેને દેશના એક વ્યક્તિની વાર્ષિક સરેરાશ આવક કહેવાય છે.

તેમાં રોજમદાર શ્રમિકો, નોકરી કરનારા લોકો, મહિલાઓ સહિત અંબાણી-અદાણી જેવા ધનાઢ્ય ઉદ્યોગપતિઓ પણ સામેલ છે.

ઘણા લોકો આ સરેરાશ આવકથી વધારે કમાય છે અને ઘણા લોકો તેનાથી ઓછું કમાય છે. આમ, તેનાંથી મધ્યમવર્ગીય લોકોની આર્થિક હાલતનો મોટો સંકેત મળે છે.

ભારત જીડીપીના મામલે વિશ્વમાં પાંચમા નંબરે છે પરંતુ પ્રતિવ્યક્તિ આવકના મામલે ભારત ટોચના 100 દેશોમાં પણ નથી.

તેનાં બે મહત્ત્વપૂર્ણ કારણો છે. પહેલું છે, વધુ વસતી અને બીજું, ધનની અસમાન વહેંચણી.

ભારતમાં ધનની અસમાન વહેંચણી અંગે પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા ઑક્સફૅમ પ્રમાણે, ભારતમાં એક ટકા લોકો પાસે દેશની 40 ટકા સંપત્તિ છે.

લોકોની સમૃદ્ધિ કેવી રીતે જાણી શકાય?

છેલ્લાં કેટલાંક વર્ષોમાં જ્યારે ભારતે બ્રિટન, ઇટાલી, ફ્રાન્સ અને બ્રાઝિલ જેવા દેશોની અર્થવ્યવસ્થાને પાછળ છોડી દીધી છે. તો શું આ સમયમાં ભારતમાં રહેતા લોકોની સ્થિતિ સુધરી છે?

આર્થિક મામલાના જાણકાર આલોક પુરાણિક કહે છે, "જીડીપી અને પ્રતિવ્યક્તિ આવકના બે અલગઅલગ કૉન્સેપ્ટ છે. જીડીપી જ્યાં દેશમાં ઉત્પન્ન થતી વસ્તુઓ અને સેવાઓની કુલ કિંમત હોય છે. જ્યારે પ્રતિવ્યક્તિ આવકનો ઉદ્દેશ્ય એ દેશમાં રહેતા પ્રત્યેક વ્યક્તિની સરેરાશ આવક હોય છે. હવે જે દેશોની વસતી વધારે હોય છે, એ દેશોમાં પ્રતિવ્યક્તિ આવક ઓછી હોય છે."

વળી જે દેશોની વસતી ઓછી હોય છે, એ દેશોની પ્રતિવ્યક્તિ આવક વધારે હોય છે. એવા ઘણા દેશો છે, જે વિશ્વની ટોચની અર્થવ્યવસ્થામાં સામેલ નથી પરંતુ ત્યાં લોકોની પ્રતિવ્યક્તિ આવક અમેરિકા જેવી ટોચની અર્થવ્યવસ્થા કરતાં પણ વધારે છે.

સ્વિત્ઝર્લૅન્ડ અને લક્ઝમ્બર્ગ જેવા દેશો આ શ્રેણીમાં આવે છે. સ્વિત્ઝર્લૅન્ડની પ્રતિવ્યક્તિ આવક 80 હજાર ડૉલરથી વધારે છે અને લક્ઝમ્બર્ગની પ્રતિવ્યક્તિ આવક એક લાખ રૂપિયાથી વધારે છે.

પરંતુ મોટી અર્થવ્યવસ્થાની યાદીમાં સ્વિત્ઝર્લૅન્ડ વીસમા સ્થાને અને લક્ઝમ્બર્ગ 72મા સ્થાને છે.

હવે ભારત છેલ્લા નવ વર્ષમાં બ્રાઝિલ, કૅનેડા, ફ્રાન્સ, ઇટાલી અને બ્રિટનને પાછળ છોડી ચૂક્યું છે, પરંતુ તેમાંથી દરેક દેશની પ્રતિવ્યક્તિ આવક ભારતની સરખામણીએ ઘણી વધારે છે.

ભારતમાં પ્રતિવ્યક્તિ આવક 2.6 હજાર અમેરિકન ડૉલર છે. અમેરિકામાં એ આંકડો 80 હજાર ડૉલરથી વધારે છે.

જ્યારે હાલ દસમાં સ્થાને હાજર બ્રાઝિલની પ્રતિવ્યક્તિ વાર્ષિક આવક 9.67 હજાર અમેરિકન ડૉલર છે.

એટલે કે જે દેશ દસમા નંબરે છે તેની પણ પ્રતિવ્યક્તિ આવક ભારત કરતાં ચાર ગણી વધારે છે.

આલોક પુરાણિક માને છે કે "જ્યાં એક બાજુ ભારત વિશ્વની ત્રીજી ટોચની અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેનાથી આર્થિક ગતિવિધિઓમાં વધારો થશે. જેનો ફાયદો લોકોને પહોંચશે, પરંતુ તેનાથી સામાન્ય લોકોના જીવન અને તેમની આર્થિક સમૃદ્ધિમાં નાટકીય બદલાવ આવવાની શક્યતા ઓછી છે."