20 વર્ષીય છોકરાએ લૉકડાઉનનો લાભ લઈને કેવી રીતે શૂન્યમાંથી 900 મિલિયન ડૉલરની કંપની બનાવી?

ઉદ્યોગજગતમાં તેમણે આ સફળતા માત્ર એક સૂત્રના આધારે મેળવી, "સમસ્યાનું નિરાકરણ શોધીને."

પણ આદિત પાલિચાના કેસમાં ચોંકાવનારી બાબત એ છે કે તેમણે માત્ર 20 વર્ષની ઉંમરે શૂન્યમાંથી 900 મિલિયન ડૉલરનું મૂલ્ય ધરાવતી કંપની ઊભી કરીને આ સફળતા પ્રાપ્ત કરી છે.

પાલિચા ભારતમાં સૌથી ઝડપથી વિકસી રહેલા સ્ટાર્ટઅપ્સ પૈકીના એક 'ઝૅપ્ટો'ના સહસ્થાપક છે અને તેમનું આ સ્ટાર્ટઅપ 10 મિનિટમાં કરિયાણા સહિતની વસ્તુઓની 'હોમ ડિલિવરી' કરવાનો વાયદો કરે છે.

બીબીસી રેડિયોના બિઝનેસ ડેઇલી પ્રોગ્રામમાં આદિત પાલિચાએ કહ્યું, "આ એકદમ અદભુત યાત્રા છે. અમે જુલાઈ 2021માં ઝૅપ્ટોની શરૂઆત કરી હતી અને માત્ર દોઢ વર્ષમાં અમે 200 મિલિયન ડૉલર્સનું વાર્ષિક વેચાણ કર્યું હતું. વર્ષ 2023ના અંત સુધીમાં અમારું વાર્ષિક વેચાણ એક બિલિયન ડૉલર્સ સુધી પહોંચે તેવી આશા છે."

તેમણે આ કર્યું કેવી રીતે?

આદિત કહે છે, "તેની શરૂઆત કોરોના મહામારી દરમિયાન લાગુ કરવામાં લૉકડાઉનથી થઈ હતી."

આદિત અને ઝૅપ્ટોના અન્ય સહસ્થાપક કૈવલ્ય મુંબઈમાં રહેતા હતા અને બિઝનેસ માટે એક આઇડિયા શોધી રહ્યા હતા.

આદિત જણાવે છે, "લૉકડાઉન દરમિયાન ભોજન મેળવવું એ એક ભયાનક સપના સમાન હતું. મોટા ભાગના ઑફલાઇન વિકલ્પો બંધ હતા અને જે ઑનલાઇન વિકલ્પો હતા, ત્યાંથી સામાન મેળવવામાં ઓછામાં ઓછું એક અઠવાડિયું લાગી જતું હતું."

તેઓ આગળ કહે છે, "આ દુવિધા અમારા એકલાની નહોતી. આ વિશે અમે અમારા પાડોશીઓ સાથે વાત કરી અને તેમને પણ આ જ તકલીફ હતી. આથી અમે વિચાર્યું કે આપણે તેમને જ ભોજન અને તેને લગતી સામગ્રીઓ કેમ ડિલિવર ન કરીએ? અને એ રીતે ઝૅપ્ટોની શરૂઆત થઈ."

10 મિનિટમાં ડિલિવરી

ઝૅપ્ટોને તેના પ્રતિસ્પર્ધિઓથી જુદી રાખતી બાબત એ છે કે તેઓ માત્ર 10 મિનિટમાં ડિલિવરી કરે છે.

પણ આ શક્ય કેવી રીતે છે? આ પ્રશ્નના જવાબમાં આદિત કહે છે, "આ માઇક્રો અને ઘોસ્ટ સ્ટોર્સના અમારા નેટવર્કના કારણે શક્ય બને છે."

આ વિશે વધારે માહિતી આપતા તેઓ કહે છે, "જ્યારે યૂઝર ઝૅપ્ટો ઍપ્લિકેશન ખોલે છે ત્યારે તેમને ત્યાં પાંચ હજારથી વધુ ઉત્પાદનો મળે છે. ત્યાંથી જ્યારે ઑર્ડર આપવામાં આવે ત્યારે તે ડિલિવરીની જગ્યાથી સૌથી નજીકમાં આવેલા માઇક્રો સ્ટોરને મોકલવામાં આવે છે."

"આ માઇક્રો સ્ટોરને ઑર્ડર પ્રોસેસ અને પૅક કરવામાં દોઢથી બે મિનિટ લાગે તે રીતે તૈયાર કરવામાં આવ્યા હોય છે."

"ઑર્ડર પ્લેસ કર્યાની બે મિનિટમાં પૅક થઈને ડિલિવરી માટે તૈયાર થઈ જાય છે અને ડિલિવરી પાર્ટનરને સૌથી નજીકનો રસ્તો દર્શાવવામાં આવે છે. જે 1.7 કિલોમીટરથી વધારેનો ન હોય."

આદિત ટૂંકમાં કહે છે, "અમે વધુ ઝડપના કારણે નહીં પરંતુ ટૂંકા અંતરના કારણે વધારે ઝડપી ડિલિવરી કરી શકીએ છીએ."

10 મિનિટમાં ડિલિવરી કરવાનો નિર્ણય સમજી વિચારીને લેવાયેલો નિર્ણય છે. આ નિર્ણયના કારણે તેમને ઘણો ફાયદો થયો હોવાનું પણ આદિત જણાવે છે.

તેઓ કહે છે, "બજારમાં અન્ય ઘણા ઑપ્શન છે જે 30-40 મિનિટમાં ડિલિવરી કરે છે પણ 10 મિનિટ રાખવાથી યૂઝર્સ પાછા આવવાનો દર ઊંચો જોવા મળે છે. કેટલાક કિસ્સામાં લોકોને કોઈક વસ્તુની તાત્કાલિક જરૂર હોય છે. આવા કિસ્સામાં જો તમે તેમને એ વસ્તુ તરત મોકલી આપો તો તેઓ ચોક્કસ ફરી વખત તમારી પાસે આવશે."

સફળતાનાં વધુ ઊંચાં શિખરો સર કરવાની ઇચ્છા

હાલમાં ઝૅપ્ટો ભારતનાં મુખ્ય શહેરોમાં ઉપલબ્ધ છે. તેમની ઑફિસમાં એક હજારથી વધુ કર્મચારીઓ અને દસ હજારથી વધુ લોકો ડિલિવરી પાર્ટનર તરીકે તેમની સાથે જોડાયેલા છે.

જોકે, પાલિચા પોતાના સ્ટાર્ટઅપને 'સફળ' જાહેર કરવાને લઈને ઘણા સ્પષ્ટ છે.

તેઓ કહે છે, "મને નથી લાગતું કે અમે સફળ થઈ ગયા છીએ. અમે જ્યારે અત્યંત નફાકારક અને પબ્લિક કંપની બની જઈશું ત્યારે હું કહીશ કે અમે સફળ થઈ ગયા છે. મને લાગે છે હજી તો આ અમારી સફળતાનો પ્રારંભિક તબક્કો છે."

તેઓ આગળ કહે છે, "હું આ અંગે સારું અનુભવુ છું કે અમારી કંપનીનું વૅલ્યુએશન 900 મિલિયન ડૉલર થયું છે, જે ઘણા પૈસા કહેવાય. મારી ઉંમર માત્ર 21 વર્ષ જ છે. પણ જે રીતે અમારા એક રોકાણકાર કહે છે કે અમે અહીંથી શૂન્ય સુધી પહોંચવાથી માત્ર ત્રણ ભૂલો દૂર છીએ."

"જ્યાં સુધી યાત્રા (કંપનીને અત્યંત નફાકારક બનાવવાની અને જાહેર કંપની બનવાની) પૂર્ણ ન થાય ત્યાં સુધી શૂન્ય થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે."

અંતે તેઓ કહે છે, "જો અમે કોઈ ભૂલ ન કરીએ અને અત્યારે જે રીતે કામ કરીએ છીએ તેમ જ કરતા રહીએ તો આ અમારા માટે વિશ્વના સૌથી મોટા માર્કેટમાં એક મોટી તક રહેશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો