યુક્રેન-રશિયા સંકટ: શૅરબજાર ગબડતાં ગુજરાતની ટોચની 15 કંપનીઓને 92 હજાર કરોડનું નુકસાન - પ્રેસ રિવ્યુ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના મંડાણને પગલે ગુરુવારે બીએસઈમાં 2702 પોઇન્ટનું ગાબડું પડતા ગુજરાતની ટોચની 15 કંપનીઓમાં રોકાણકારોના 92,737.07 કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે.

અગાઉના દિવસે 57,232.06 પોઇન્ટ પર બંધ રહેલો બીએસઈ સેન્સેક્સ ગુરુવારે 54,529.91 પર આવીને અટક્યો હતો.

અદાણી ગ્રૂપની સાત કંપનીઓ અદાણી ગ્રીન એનર્જી, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણ ટ્રાન્સમિશન, અદાણી પોર્ટ્સ ઍન્ડ એસઈઝેડ, અદાણી ટોટલ ગૅસ, અદાણી પાવર અને અદાણી વિલ્મરમાં એક જ દિવસમાં કુલ 73,093 કરોડનું ધોવાણ થઈ ગયું છે.

રશિયા-યુક્રેન વચ્ચેના તણાવને પગલે વર્ષ 2014 પછીથી પહેલીવાર ક્રૂડની કિંમત પ્રતિ બૅરલ 105 ડૉલરને પાર ગઈ છે.

શાળાઓની વાર્ષિક પરીક્ષાનો 18 એપ્રિલથી પ્રારંભ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ગુજરાત બોર્ડ સંલગ્ન શાળાઓની વાર્ષિક પરિક્ષાનો 18 એપ્રિલથી પ્રારંભ થશે. શાળાઓની પરીક્ષા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થયા પછી તરત જ લેવાશે.

શાળાઓની પરીક્ષા 18 એપ્રિલે શરૂ થશે અને 28 એપ્રિલે પૂર્ણ થશે. બૉર્ડ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, એટલું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વાર્ષિક પરીક્ષાનો સિલેબસ જે પ્રકરણો દિવાળી પછી શરૂ થયેલી બીજી ટર્મમાં લેવાયાં હતાં, તેમાંથી જ હશે.

બોર્ડે કહ્યું છે કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતી વિષયનાં પ્રશ્નપત્રો સરકારી અને ખાનગી શાળાઓ બન્ને માટે સરખાં રહેશે.

પહેલાથી ત્રીજા ધોરણ સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષા 19 એપ્રિલે શરૂ થશે અને ત્રણ દિવસ ચાલશે.

ધોરણ છથી આઠની પરીક્ષા 21 એપ્રિલે શરૂ થશે.

યોગીની સલાહથી કથિત રીતે નિમણૂક કરાયેલા એનએસઈના પૂર્વ અધિકારીની ધરપકડ

એનડીટીવીના અહેવાલ મુજબ, નેશનલ સ્ટૉક ઍક્સચેન્જ ગૃપ ઑપરેટિંગ ઑફિસર આનંદ સુબ્રમણ્યનની શૅરબજારમાં હેરાફેરી કેસમાં કથિત અનિયમિતતાઓની ચાલી રહેલી તપાસના સંદર્ભમાં ગુરુવારે મોડી રાત્રે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, તેમની ધરપકડ કરતા પહેલા એજન્સી દ્વારા ચેન્નાઈમાં દિવસો સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

આનંદ સુબ્રમણ્યનને સૌપ્રથમ 2013માં નેશનલ સ્ટૉક ઍક્સચેન્જ (NSE)માં મુખ્ય વ્યૂહાત્મક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ એમડી ચિત્રા રામકૃષ્ણ દ્વારા 2015માં તેમને એનએસઈના ગૃપ ઑપરેટિંગ ઑફિસર તરીકે બઢતી આપવામાં આવી હતી.

2016 માં, તેમણે ગેરરીતિઓના આરોપો સપાટી પર આવ્યા બાદ રાજીનામું આપી દીધું હતું.

CBIએ તેની તપાસમાં જણાવ્યું છે કે આનંદ સુબ્રમણ્યનની નિમણૂક ચિત્રા રામકૃષ્ણનથી પ્રભાવિત હતી.

માર્કેટ રેગ્યુલેટરે રામકૃષ્ણ પર ત્રણ કરોડ રૂપિયા, એનએસઈના ભૂતપૂર્વ એમડી સુબ્રમણ્યન અને સીઈઓ રવિ નારાયણ પર બે-બે કરોડ રૂપિયાનો અને મુખ્ય નિયમનકારી અધિકારી અને અનુપાલન અધિકારી વી. આર. નરસિમ્હન પાસેથી છ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો