'દેશને નવા બંધારણની જરૂર', નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર સમિતિના અધ્યક્ષના નિવેદનથી વિવાદ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર પરિષદ (ઇએએસી-પીએમ)ના અધ્યક્ષ વિવેક દેબરોયે એક વર્તમાનપત્રમાં નવા બંધારણની માગ કરતો લેખ લખ્યો છે.

આ લેખને લઈને વિવાદ વધતાં વડા પ્રધાન પૅનલે સ્પષ્ટીકરણ આપ્યું છે અને કેન્દ્ર સરકારે પોતાને આ વાતથી અલગ કરી લીધી છે.

ગુરુવારે ઇએએસી-પીએમએ સaશિયલ મીડિયા પર સ્પષ્ટીકરણ કરતાં લખ્યું છે કે,“ડૉ. વિવેક દેબરોયનો તાજેતરનો લેખ તેમના વ્યક્તિગત વિચાર છે. એ કોઈ પણ રીતે ઇએએસી-પીએમ કે ભારત સરકારના વિચારોનું પ્રતિબિંબ નથી.”

ઇએએસી-પીએમએ ભારત સરકાર તથા ખાસ કરીને વડા પ્રધાનને આર્થિક મુદ્દાઓ પર સલાહ આપવા માટે ગઠન કરવામાં આવેલું માળખું છે.

લેખમાં શું લખાયું છે?

15 ઑગસ્ટના દિવસે આર્થિક વર્તમાનપત્ર ‘મિન્ટ’માં ‘ધેઅર ઇઝ અ કેસ ફૉર વી ધ પીપલ ટૂ ઇમ્બ્રેસ અ ન્યૂ કૉન્સ્ટિટ્યૂશન’ના મથાળા સાથે વિવેક દેબરોયે એક લેખ લખ્યો હતો.

તેમણે લખ્યું હતું કે, "હવે આપણી પાસે એ બંધારણ નથી કે જે આપણને 1950માં વારસામાં મળ્યું હતું. તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને તે હંમેશાં સારા માટે જ કરવામાં આવ્યા હોય એવું નથી."

"જોકે, 1973થી આપણને એવું કહેવામાં આવ્યું છે કે તેનું 'મૂળભૂત માળખું' બદલી શકાતું નથી, પછી ભલે સંસદના માધ્યમથી લોકશાહી ગમે તે ઇચ્છતી હોય. જ્યાં સુધી હું તેને સમજું છું, 1973નો ચુકાદો એ વર્તમાન બંધારણમાં સુધારાને લાગુ પડે છે, જો નવું બંધારણ હશે તો તેના પર આ નિયમ લાગુ થશે નહીં."

દેબરોયે એક અભ્યાસને ટાંકીને કહ્યું કે કોઈ પણ લેખિત બંધારણનું આયુષ્ય માત્ર 17 વર્ષ હોય છે.

ભારતના વર્તમાન બંધારણને ‘ઉપનિવેશવાદી વારસા’ તરીકે વર્ણવતાં તેમણે લખ્યું કે, "આપણું વર્તમાન બંધારણ મોટા ભાગે 1935ના ભારત સરકારના કાયદા પર આધારિત છે. તેનો અર્થ એ કે તે ઉપનિવેશવાદી વારસો છે."

લેખમાં તેમણે કહ્યું છે કે, "આપણે જે પણ ચર્ચા કરીએ છીએ તે મોટા ભાગે બંધારણથી શરૂ થાય છે અને સમાપ્ત થાય છે. માત્ર થોડા ફેરફાર કરવાથી નહીં ચાલે. આપણે ડ્રૉઈંગ બોર્ડ પર પાછા જવું જોઈએ અને ‘શરૂઆતથી એક નવી શરૂઆત’ કરવી જોઈએ. આપણે એ પૂછવું જોઈએ કે બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા જેવા શબ્દોનો અર્થ શું છે. આપણે એક નવું બંધારણ આપણને જ આપવું પડશે."

વિવાદ વધ્યા પછી ગુરુવારે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા દેબરોયે કહ્યું, "પ્રથમ વાત તો એ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કૉલમ લખે છે, ત્યારે દરેક કૉલમમાં એક નોંધ હોય છે કે આ કૉલમ લેખકના અંગત વિચારોને પ્રતિબિંબિત કરે છે. તે કોઈ સંસ્થાનાં મંતવ્યો પ્રતિબિંબિત કરતું નથી કે જેની સાથે જે તે વ્યક્તિ જોડાયેલ છે."

"દુર્ભાગ્યે આ બાબતે મારાં મંતવ્યોને વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ સાથે જોડવામાં આવી રહ્યા છે. જ્યારે પણ વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ આવાં મંતવ્યો સાથે આવશે ત્યારે તેને ઇએએસી-પીએમ વેબસાઇટ પર અથવા તેના સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવશે. આ કેસમાં આવું તો કંઈ બન્યું નથી."

તેમણે એમ પણ કહ્યું કે આ પહેલી વાર નથી જ્યારે તેમણે આવા મુદ્દા પર લખ્યું હોય.

દેબરોય કહે છે, "મેં આ જ મુદ્દા પર આવા જ વિચારો વ્યક્ત કરીને પહેલાં પણ લખ્યું છે."

"મામલો ખૂબ જ સરળ છે. મને લાગે છે કે આપણે બંધારણ પર પુનર્વિચાર કરવો જોઈએ. મને નથી લાગતું કે તે વિવાદાસ્પદ છે, કારણ કે સમયાંતરે વિશ્વના દરેક દેશ બંધારણ પર પુનર્વિચાર કરે છે. આપણે સંશોધનનો રસ્તો અપનાવ્યો છે."

"ભારતીય બંધારણના કામકાજની તપાસ રાખવા માટે એક કમિશનની રચના કરવામાં આવી હતી. આંબેડકર બંધારણ સભા પહેલાં અને 2 સપ્ટેમ્બર, 1953ના રોજ રાજ્યસભામાં આપેલા નિવેદનમાં પણ ઘણી વાર સ્પષ્ટ હતા કે બંધારણ પર પુનર્વિચાર થવો જોઈએ. હવે આ બૌદ્ધિક પરામર્શનો મુદ્દો બની ગયું છે. બીજા લોકોની જેમ મેં એવું નથી કહ્યું કે બંધારણ બકવાસ છે. કોઈ પણ સંજોગોમાં આ મારા જ વિચારો છે. આર્થિક સલાહકાર પરિષદ અથવા સરકારના નથી."

લેખ અને પીએમ પૅનલ પર વિવાદ

દેબરોયના આ લેખની ટીકા થઈ રહી છે અને ઘણા નેતાઓ અને સાંસદો પણ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પણ આ લેખ પર કહ્યું છે કે શું આ બધું પીએમની મરજીથી થઈ રહ્યું છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ (ટ્વિટર) પર લખ્યું કે, "વડા પ્રધાન મોદીના કોઈ આર્થિક સલાહકાર છે જેમનું નામ વિવેક દેબરોય છે. તેઓ બાબાસાહેબના બંધારણની જગ્યાએ નવું બંધારણ બનાવવાની સલાહ આપી રહ્યા છે. શું આ બધું વડા પ્રધાનના કહેવાથી લખવામાં આવી રહ્યું છે?"

સીપીએમ સાંસદ જૉન બ્રિટાસે પણ આ લેખ સામે વાંધો ઉઠાવતા લખ્યું છે કે, "વિવેક દેબરોય નવું બંધારણ ઇચ્છે છે. તેમને મુખ્ય સમસ્યા બંધારણના મૂળભૂત માળખામાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી જેવા શબ્દો સાથે છે. વાસ્તવમાં તેઓ હિન્દુ રાષ્ટ્રની હિમાયત કરે છે. જો તેમણે પોતાની અંગત ક્ષમતામાં જ આ લખ્યું છે તો પછી લેખ સાથે તેમનું પદ કયું છે એ કેમ લખ્યું?"

ભૂતકાળમાં કેન્દ્ર સરકારે એનસીઈઆરટી માટે ઉચ્ચ સમિતિની રચના કરી હતી અને તેમાં વિવેક દેબરોયને સભ્ય બનાવવામાં આવ્યા હતા.

શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું છે, "તેઓ એવું નવું બંધારણ ઇચ્છે છે જે તેમના ફાયદા માટે કામ કરે. તેઓ એક નવો વિચાર ઇચ્છે છે જેથી ઇતિહાસને વિકૃત કરી શકાય. તેમને નવા સ્વાતંત્ર્યસેનાનીઓની જરૂર છે, કારણ કે તેમની પાસે હવે કોઈ બચ્યું નથી. તેઓ ભારતમાં નફરતનો નવો વિચાર ઇચ્છે છે. તેઓ નવી અનૈતિક લોકશાહી ઇચ્છે છે. તો ભારતના આ નવા બૌદ્ધિકોને મળો."

આરજેડીના રાજ્યસભાના સાંસદ મનોજ ઝાએ આ લેખ પર કહ્યું છે કે, "આરએસએસ ક્યારેય બંધારણ સાથે ચાલવા માગતું ન હતું. તેથી વર્તમાન સરકાર અને તેના વડા બંધારણમાં સમાવિષ્ટ સ્વતંત્રતા, સમાનતા, ન્યાય અને ધર્મનિરપેક્ષતાના વિચારોને જ નફરત કરે છે. વિવેક દેબરોયે એ લોકોની જ ભાષા બોલી છે અને તેમના આદેશ પર જ આ વાત મૂકી છે."

જ્યારે મોદી સરકારના મંત્રીએ કહ્યું હતું- અમે બંધારણ બદલી નાખીશું

વર્ષ 2017માં તત્કાલીન કેન્દ્રીય રાજ્યમંત્રી અનંત હેગડેએ પણ બંધારણ બદલવા અંગે નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ભાજપ "બંધારણ બદલવા" માટે સત્તામાં આવ્યો છે અને "નજીકના ભવિષ્યમાં" એવું થશે.

કર્ણાટકના કોપ્પલમાં બ્રાહ્મણ યુવા પરિષદના એક કાર્યક્રમને સંબોધતા હેગડેએ ‘સેક્યુલરો’ પર પણ નિશાન સાધ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, "હવે સેક્યુલર બનવાનો નવો ટ્રેન્ડ આવ્યો છે. જો કોઈ કહે કે હું મુસ્લિમ છું, અથવા હું ખ્રિસ્તી છું, અથવા હું લિંગાયત છું અથવા હું હિંદુ છું. તો મને ખૂબ આનંદ થાય છે, કારણ કે તે તેના મૂળને જાણે છે. પરંતુ આ લોકો કે જે પોતાને બિનસાંપ્રદાયિક કહે છે તેમને હું શું કહું એ મને ખબર નથી."

"તેઓ એવા લોકો છે જેમનાં માતાપિતા નથી અથવા જેઓ તેમના વંશને જાણતા નથી. તેઓ પોતાને જાણતા નથી. તેઓ તેમનાં માતાપિતાને ઓળખતા નથી, પરંતુ તેઓ પોતાને બિનસાંપ્રદાયિક કહે છે. જો કોઈ કહે કે હું ધર્મનિરપેક્ષ છું, તો મને તરત શંકા જાય છે."

અનંતકુમાર હેગડે કેન્દ્ર સરકારમાં સ્કિલ ડેવલપમૅન્ટ (રાજ્ય) મંત્રી હતા અને મંત્રી તરીકે તેમણે કહ્યું હતું કે, "કેટલાક લોકો કહે છે કે બંધારણમાં ધર્મનિરપેક્ષ શબ્દનો ઉલ્લેખ છે, તેથી તમારે સહમત થવું પડશે. આ શબ્દો બંધારણમાં છે એટલે અમે તેનો આદર કરીએ છીએ પરંતુ નજીકના ભવિષ્યમાં તે બદલાશે. ભૂતકાળમાં પણ અનેક વખત બંધારણમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અમે અહીં બંધારણ બદલવા આવ્યા છીએ. અમે તેને બદલીશું."