ભાજપની નવી યાદીમાં કિરણ ખેરની ટિકિટ કપાઈ, બીજા કોને ટિકિટ મળી?

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીના નવ ઉમેદવારોની દસમી યાદી જાહેર કરી છે. છેલ્લી બે ટર્મથી ચંદીગઢથી સંસદસભ્ય રહેલાં કિરણ ખેરની ટિકિટ કાપવામાં આવી છે. તેમના બદલે સંજય ટંડનને ચંદીગઢથી ટિકિટ આપવામાં આવી છે.

ભાજપે ઉત્તર પ્રદેશના મૈનપુરીથી સમાજવાદી પાર્ટીનાં ડિંપલ યાદવ સામે જયવીરસિંહ ઠાકુરને ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે પશ્ચિમ બંગાળની આસનસોલ સીટ પરથી એસએસ અહલુવાલિયાની ટિકિટ કાપવામાં આવી છે. ભાજપે આ બેઠક પરથી પહેલા ભોજપુરી ગાયક અને અભિનેતા પવનસિંહને ઉમેદવાર જાહેર કર્યા હતા. જોકે, તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી.

કૌશામ્બીથી વિનોદ સોનકર અને ફુલપુરથી પ્રવીણ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે અલાહાબાદથી નીરજ ત્રિપાઠીને ઉમેદવાર બનાવ્યા છે.

બલિયાથી નીરજ શેખર, મછલીશહરથી બીપી સરોજ અને ગાઝીપુરથી પારસ નાથ રાય ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડશે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ચૂંટણીપંચે લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત કરી દીધી છે. લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં થશે અને બધી ચૂંટણીઓ બાદ 4 જૂને મતગણતરી થશે.

ગુજરાતમાં સાત મેના રોજ ચૂંટણી થશે અને પરિણામ 4 જૂને આવશે.

અગાઉ ભાજપે કંગના રણૌતને આપી હતી ટિકિટ

લોકસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોનું વધુ એક લિસ્ટ જાહેર કર્યું હતું. આ લિસ્ટમાં ભાજપે ગુજરાતમાં બાકી રહેલા છ ઉમેદવારોનાં નામ પણ જાહેર કરી દીધાં હતા. આ યાદીમાં કુલ 111 ઉમેદવારોનાં નામ જાહેર થયાં હતાં.

આ લિસ્ટ સાથે જ ગુજરાતમાં હવે ભાજપે તમામ 26 ઉમેદવારો જાહેર કરી દીધા હતા. આ યાદીમાં જૂનાગઢથી એકમાત્ર સાંસદ રાજેશ ચુડાસમાને ફરીથી ટિકિટ મળી હ

ગુજરાતમાં ભાજપના ઉમેદવારો:

  • સુરેન્દ્રનગર- ચંદુભાઈ શિહોરા
  • સાબરકાંઠા- શોભનાબહેન બારૈયા
  • અમરેલી- ભરતભાઈ સુતરિયા
  • મહેસાણા -હરિભાઈ પટેલ
  • જૂનાગઢ- રાજેશ ચુડાસમા
  • વડોદરા- ડૉ. હેમાંગ જોશી

તો હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકથી અભિનેત્રી કંગના રનૌતને ભાજપે ટિકિટ આપી હતી.

કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીને સુલતાનપુરથી, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશાના સંબલપુરથી, રાજીવ પ્રતાપ રૂડીને સારણથી, ગિરિરાજસિંહને બેગુસરાયથી, રવિશંકર પ્રસાદને પટણા સાહિબથી ટિકિટ આપવામાં આવી હતી.

ભાજપના સાંસદ વરુણ ગાંધીને પિલિભીતથી ટિકિટ આપવામાં આવી નથી અને તેમના સ્થાને જિતિન પ્રસાદને ટિકિટ અપાઈ હતી.

રામાયણ ધારાવાહિકથી લોકપ્રિય થયેલા અરુણ ગોવિલને ભાજપે મેરઠથી ટિકિટ આપી હતી.

વાયનાડથી રાહુલ ગાંધી સામે ભાજપના કે. સુરેન્દ્રન લડશે. ઓડિશાની પુરી બેઠકથી ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા ચૂંટણી લડશે.

અગાઉ કોનાં નામ જાહેર થયાં હતાં?

આ અગાઉ ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં તામિલનાડુ રાજ્યની સીટનો સમાવેશ થાય છે.

આ યાદીમાં નવ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે.

ભાજપે જાહેર કરેલા ઉમેદવારોની વાત કરીએ તો-

  • ચેન્નાઈ સાઉથ- ડૉ. તામિલીસાઈ સુંદરરાજન
  • ચેન્નાઈ મધ્ય- વિનોજ પી. સેલ્વમ
  • વેલ્લોર- એ.સી. સંગમુગમ
  • કૃષ્ણાગિરિ- સી. નરસિમ્હા
  • નીલગિરિ- (એસસી) એલ. મુરુગન
  • કોઈમ્બતૂર- કે. અન્નામલાઈ
  • પેરેમ્બાલૂર- ટી.આર. પારીવેલધર
  • થૂથુક્કુડી- નયનાર નાગેન્દ્રન
  • કન્યાકુમારી- રાધાક્રિષ્ણન

ભાજપના લોકસભાના ઉમેદવારની બીજી યાદી

અગાઉ લોકસભા ચૂંટણી અગાઉ ભારતીય જનતા પાર્ટીએ પોતાના લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી.

ગત 2 માર્ચના રોજ ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં કુલ 195 નામો જાહેર કરાયાં હતાં. તે પૈકી 15 ગુજરાતની લોકસભા બેઠકોના ઉમેદવાર પણ સામેલ હતા.

આ બીજી યાદીમાં 72 ઉમેદવારોને જાહેર કરાયા છે.

આ યાદીમાં ગુજરાતના સાત ઉમેદવારોનાં નામ જાહેર થયાં છે.

  • સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર
  • અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ (રિપીટ)
  • ભાવનગરથી નીમુબહેન બાંભણિયા
  • વડોદરાથી રંજનબહેન ભટ્ટ (રિપીટ)
  • છોટાઉદેપુરથી જશુભાઈ ભીલુભાઈ રાઠવા
  • સુરતથી મુકેશભાઈ દલાલ
  • વલસાડથી ધવલ પટેલ

તેમજ દાદરાનગર હવેલીથી કલાબહેન ડેલકરને ઉમેદવાર બનાવાયાં છે.

તો સુરતથી દર્શના જરદોશ, ભાવનગરથી ભારતીબહેન શિયાળ, વલસાડથી ડૉ. કે.સી. પટેલ, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ અને છોટાઉદેપુરથી ગીતાબહેન રાઠવાનું પત્તું કપાયું છે. એટલે કે આ યાદીમાં ભાજપે પાંચ વર્તમાન સાંસદને રિપીટ કર્યા નથી.

ગુજરાતમાં ભાજપે અત્યાર સુધીમાં લોકસભાના 22 ઉમેદવાર જાહેર કર્યા છે અને હવે 4 ઉમેદવારનાં નામ બાકી છે.

ચાર બાકી સીટમાં અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને મહેસાણાનો સમાવેશ થાય છે.

ભાજપે દિલ્હીના બે, ગુજરાતના સાત, હરિયાણાના છ, હિમાચલ પ્રદેશના બે, કર્ણાટકના વીસ, મધ્યપ્રદેશના પાંચ, મહારાષ્ટ્રના વીસ, તેલંગણાના છ, ત્રિપુરાના એક અને ઉત્તરાખંડના બે ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે.

ભાજપે કરનાલથી પૂર્વ મુખ્ય મંત્રી અને અહીંના ધારાસભ્ય રહેલા મનોહરલાલ ખટ્ટરને ટિકિટ આપી છે.

તો કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ મુંબઈ (ઉત્તર) અને નીતિન ગડકરી નાગપુરથી લોકસભાની ચૂંટણી લડશે. પંકજા મુંડેને બીડ સીટ પરથી ટિકિટ મળી છે.

ભાજપે હરિદ્વારથી ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતને ઉમેદવાર બનાવ્યા છે.

પ્રથમ યાદીમાં કોના નામ હતા?

લોકસભા ચૂંટણી માટેની ભાજપની પ્રથમ યાદી

ભાજપની પ્રથમ યાદીમાં કુલ 16 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના લોકસભા ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા હતા.

આ યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી એક વાર વારાણસીથી ચૂંટણી લડશે એવી જાહેરાત કરાઈ હતી.

આ યાદીમાં ગુજરાતમાં લોકસભા બેઠકો પરના ભાજપના ઉમેદવારોની વાત કરીએ તો ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલનાં નામની અપેક્ષિત જાહેરાત ઉપરાંત અન્ય 13 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરાઈ હતી.

કચ્છથી વિનોદભાઈ ચાવડા, બનાસકાંઠાથી ડૉ. રેખાબહેન ચૌધરી, પાટણથી ભરતસિંહજી ડાભી, અમદાવાદ પશ્ચિમથી દિનેશભાઈ મકવાણા, રાજકોટથી પરશોત્તમ રૂપાલા, પોરબંદરથી મનસુખ માંડવિયા, જામનગરથી પૂનમબહેન માડમ, આણંદથી મીતેશભાઈ રમેશભાઈ પટેલ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલથી રાજપાલ જાધવ, દાહોદથી જસવંતસિંહ ભાભોર, ભરૂચથી મનસુખ વસાવા અને બારડોલીથી પ્રભુભાઈ વસાવાનાં નામની જાહેરાત કરાઈ હતી.

ભાજપની પહેલી યાદીમાં ગુજરાતની 15 બેઠકો પરથી જાહેર થયેલાં નામમાં ભાજપના હાલના પાંચ સાંસદોની ટિકિટ કપાઈ હતી.

બનાસકાંઠાથી પરબત પટેલ, અમદાવાદ પશ્ચિમથી કિરીટ સોલંકી, રાજકોટથી મોહન કુંડારિયા, પંચમહાલથી રતનસિંહ રાઠોડ અને પોરબંદરથી રમેશ ધડુકના સ્થાને અન્ય ઉમેદવારોને ટિકિટ અપાઈ હતી.

પહેલી યાદીમાં કુલ 28 મહિલા ઉમેદવારો અને બે પૂર્વ મુખ્ય મંત્રીઓને ભાજપે ટિકિટ આપી હતી.

ઉત્તરપ્રદેશમાંથી સૌથી વધુ 51 ઉમેદવારોની જાહેરાત થઈ છે. કુલ 34 મંત્રીઓ લોકસભાની ચૂંટણી લડશે.

રાજનાથસિંહ-સ્મૃતિ ઈરાની સહિતના મંત્રીઓને મળી ટિકિટ

ઉત્તર પૂર્વ દિલ્હીથી મનોજ તિવારી, નવી દિલ્હીથી સુષમા સ્વરાજનાં પુત્રી બાંસુરી સ્વરાજને ટિકિટ મળી હતી.

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર થિરૂવનંતપુરમથી ચૂંટણી લડશે. તો ગુનાથી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને ટિકિટ મળી હતી.

વિદિશાથી મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણને ટિકિટ મળી હતી.

કોટાથી લોકસભાના હાલના સ્પીકર ઓમ બિરલાને ભાજપે ફરીથી ટિકિટ આપી છે. તો મથુરાથી હેમા માલિનીને પણ ફરીથી ટિકિટ મળી હતી.

ખેડૂતોને ગાડીથી કચડી નાખવાના જેમના પુત્ર પર આરોપ છે એવા અજય મિશ્ર ટેનીને ફરીથી લખીમપુર ખીરીથી ટિકિટ આપવામાં આવી હતી.

લખનૌથી રાજનાથસિંહ અને અમેઠીથી સ્મૃતિ ઈરાનીને ટિકિટ અપાઈ હતી.

કાંતિથી બંગાળના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીને પણ ટિકિટ મળી હતી.

એનડીએ અને ઇન્ડિયા વચ્ચે મુકાબલો

સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં યોજાય છે અને 2024માં પણ લોકસભાની ચૂંટણીપ્રક્રિયા આ મહિનાઓમાં જ યોજાય તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે 17મી લોકસભાની મુદત 16 જૂનના રોજ સમાપ્ત થશે, જે પહેલાં મતગણતરી સહિતની લોકસભાની ચૂંટણીને લગતી મોટા ભાગની પ્રક્રિયાઓ પૂરી થઈ જાય તેવી પ્રબળ શક્યતા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી ટર્મ માટે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે વિપક્ષે ભાજપને હરાવવા માટે તૈયાર હોવાનો હુંકાર ભર્યો છે.

2024ની લોકસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સત્તાધારી ભાજપનાં નેતૃત્વવાળા નૅશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સ (એનડીએ) અને વિપક્ષી દળોના ગઠબંધન “ઇન્ડિયા” વચ્ચે થવાની સંભાવના છે.

વિપક્ષી પાર્ટીઓ જેવી કે કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, ડીએમકે અને સમાજવાદી પાર્ટી “ઇન્ડિયા” ગઠબંધનનો ભાગ છે. આમ આદમી પાર્ટીએ તો દિલ્હીમાં પોતાના ચાર ઉમેદવારો અને ગુજરાતમાં બંને ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં છે. જ્યારે સમાજવાદી પાર્ટીએ અત્યાર સુધીમાં પોતાની ત્રણ યાદીમાં ઉત્તરપ્રદેશની 31 સીટો પર પોતાના ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે. કૉંગ્રેસે પણ ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે.

ગુજરાતમાં રાજકીય પક્ષોની ચૂંટણીની તૈયારીઓ

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં કુલ 26 બેઠકો છે. છેલ્લી બંને લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની દરેક 26 સીટો પર કબજો કર્યો હતો. પાર્ટીએ આ વખતે પણ ગુજરાતની તમામ બેઠકો ભારે માર્જિનથી જીતવાનો નિર્ધાર કર્યો છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે ગઠબંધનની જાહેરાત કરી છે. આ સમજૂતીના આધારે કૉંગ્રેસ ગુજરાતની 24 સીટો પર જ્યારે આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગરની સીટો પર લોકસભાની ચૂંટણી લડશે.

આમ આદમી પાર્ટીએ ભરૂચ સીટ પરથી હાલ ડેડિયાપાડાના ઘારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે પાર્ટીએ ભાવનગરથી ઉમેશ મકવાણાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

ગત વખતે શું હતી ચૂંટણી પરિણામની સ્થિતિ?

17મી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાની બીજી ટર્મ માટે ‘મૈં ભી ચોકીદાર’ના નારા સાથે ચૂંટણીમેદાને ઊતર્યા હતા.

આ ચૂંટણી માટેનું મતદાન સાત તબક્કામાં યોજાયું હતું. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલના રોજ અને અંતિમ તબક્કાનું મતદાન 19 મેના રોજ યોજાયું હતું.

તેમજ 23 મે, 2019ના રોજ પરિણામ જાહેર કરાયાં હતાં. જેમાં, ભાજપની આગેવાનીમાં એનડીએને 543માંથી 353 બેઠકો મળી હતી. જ્યારે ભાજપ આપબળે આ ચૂંટણીમાં 303 બેઠકો મેળવી લાવ્યો હતો, જે વર્ષ 2014ના તેના 282 બેઠકો પર જીતના રેકૉર્ડ કરતાં પણ વધુ હતો.

સામેની બાજુએ મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ આ વર્ષ 2014 અને 2019ની ચૂંટણીમાં અનુક્રમે 44 અને 52 બેઠકો પર સમેટાઈ ગઈ હતી.

ગુજરાતની વાત કરીએ તો ગત વખતે ત્રીજા તબક્કામાં રાજ્યની 26 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)