ભાજપની એ રણનીતિ જેણે ‘સોશિયલ જસ્ટિસ’વાળી પાર્ટીઓ પાસેથી પછાત–દલિત મતદારોને પડાવી લીધા

લોકસભાની ચૂંટણી માટે મતદાન અને પ્રચાર અભિયાનો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નિવેદનો સતત હેડલાઇનોમાં ચમકતાં રહે છે.

આરંભિક ચૂંટણી રેલીમાં વડા પ્રધાન પોતાની સરકારનાં વિકાસકાર્યોના નામે મત માંગતા દેખાયા.

પરંતુ ટૂંક સમયમાં જ તેમનાં ભાષણ ધ્રુવીકરણની તરફ ઢળી ગયાં.

બીજા તબક્કાની ચૂંટણી પહેલાં અપાતાં તેમનાં ભાષણોમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણની કોશિશ જોવા મળી, જ્યારે પ્રથમ ચરણનાં ભાષણોમાં જાતીય જૂથબંધી પર તેમણે ભાર આપ્યો હતો.

19 એપ્રિલના પહેલા ચરણના મતદાન પહેલાં તેઓ દરેક બીજી ચૂંટણી રેલીમાં ભાજપને પછાત અને દલિતોની સૌથી મોટી શુભચિંતક પાર્ટી ગણાવતા હતા.

ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં સંસદમાં નરેન્દ્ર મોદીએ પોતાના ઓબીસી હોવા પર ભાર આપ્યો હતો.

બિહારમાં જાતિ આધારિત સર્વેનાં પરિણામો આવ્યાં પછી કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જ્યારે ભાજપ સરકારમાં ઓબીસીના પ્રતિનિધિત્વ બાબતે સવાલ ઉઠાવ્યો હતો ત્યારે અમિત શાહે તેનો જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું હતું કે ભાજપ અને એનડીએ સરકારમાં ઓબીસીનું પ્રતિનિધિત્વ એવી પાર્ટીના ઓબીસી પ્રતિનિધિત્વ કરતાં ઘણું વધારે છે જે રાતદિવસ ઓબીસીનો રાગ આલાપતી રહે છે.

શાહે આંકડા આપીને દાવો કર્યો કે ભાજપે પાર્ટીમાં ઓબીસી અને દલિત નેતાઓને કેટલું બધું મહત્ત્વ આપ્યું છે.

શાહ દ્વારા રાહુલ ગાંધીને અપાયેલો આ જવાબ એક નિવેદનમાત્ર નહોતો.

વિશ્વાસપાત્ર ગણાતા ચૂંટણી સર્વેક્ષણના આંકડા દર્શાવે છે કે છેલ્લાં દસ વર્ષમાં દરમિયાન થયેલી ચૂંટણીઓમાં ભાજપને ઓબીસી અને દલિત મતદારોનું ભારે સમર્થન મળ્યું છે.

ભાજપને પછાતો–દલિતોનું કેટલું સમર્થન?

સામાન્ય રીતે ઉચ્ચ જાતિઓની પાર્ટી કહેવાતી ભાજપે છેલ્લાં દસ વર્ષમાં ઓબીસી જાતિઓ અને દલિતોમાં પોતાનું વર્ચસ વધારવા માટે જે રણનીતિ અપનાવી અને જે જમીની કામ કર્યાં તેની પડતાલ માટે બીબીસીએ થોડા દિવસ પહેલાં ઉત્તર પ્રદેશ અને પછી મહારાષ્ટ્રની યાત્રા કરી.

આ યાત્રા, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપની મોટી જીતમાં ઓબીસી અને દલિત જાતિઓની ભૂમિકા સમજવાની કોશિશના ભાગરૂપે હતી.

અમે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની પસંદગી એટલા માટે કરી કેમ કે, લોકસભા સીટોના ધોરણે બે સૌથી મોટાં રાજ્ય છે. યુપીમાં લોકસભાની 80 સીટો છે, અને મહારાષ્ટ્રમાં 48.

અમારી સામે સવાલ એ હતો કે ભાજપે ‘સોશિયલ જસ્ટિસ’ની પાર્ટી ગણાતી સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, જનતા દળ (યુનાઇટેડ), અને એનસીપી જેવી પાર્ટીઓના સામાજિક આધાર પર કબજો કરી લીધો છે?

શું આ પાર્ટીઓની સૌથી મોટી સમર્થક પછાત જાતિઓએ હવે ભાજપનો છેડો પકડી લીધો છે? જો તેવું થયું છે, તો તેનું કારણ શું છે?

શું આ રણનીતિ ભવિષ્યમાં પણ ઓબીસી–દલિત મતદારોને ભાજપ સાથે જોડી રાખશે?

ચાલો, આ પહેલાં ઉત્તર પ્રદેશની જમીની સ્થિતિ વિશે જાણીએ.

અમિત શાહની રણનીતિ

2014માં લોકસભા ચૂંટણીના 11 મહિના પહેલાં ભાજપે અમિત શાહને ઉત્તર પ્રદેશમાં પાર્ટીને સૌથી વધુ સીટો જિતાડવાની જવાબદારી સોંપી દીધી હતી.

અમિત શાહે ઉત્તર પ્રદેશમાં જાતીય સમીકરણોને નવી રીતે તપાસ્યાં અને 2014ની લોકસભા ચૂંટણીમાં 25 ઓબીસી અને 17 દલિત ઉમેદવાર ઉતાર્યા.

શક્તિશાળી ખેડૂત જાતિ કુર્મીઓની પાર્ટી ‘અપના દલ’ (સોનેલાલ)ને બે બેઠકો આપી. ત્યાર બાદ બાકીનો ઇતિહાસ બની ગયો. ફક્ત દસ સાંસદવાળી ભાજપે યુપીમાં 80માંથી 73 સીટ જીતી લીધી.

ઉત્તર પ્રદેશમાં 2014માં ભાજપની આ મોટી જીતને ‘મોદી લહેર’નું પરિણામ ગણાવાય છે, પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે તે પાર્ટીની બિન-યાદવ ઓબીસી જાતિઓવાળી પાર્ટીઓ સાથેના ગઠબંધનનું પરિણામ હતી.

ઉત્તર પ્રદેશમાં આ ગઠબંધનની અસર જોવા માટે અમે જ્યારે વારાણસીથી પોતાની સફર શરૂ કરી તો રસ્તામાં નરેન્દ્ર મોદીનાં મોટાં મોટાં હોર્ડિંગ દેખાઈ રહ્યાં હતાં. એમાં તેમની સરકાર તરફથી કરવામાં આવેલા નિર્ણયોની જાહેરાત હતી.

શહેરમાં નવી સડકો અને ઓવરબ્રિજ દેખાયાં. વારાણસીનો બહારનો વિસ્તાર તો લગભગ સાફસૂથરો દેખાતો હતો. બાબતપુર ઍરપૉર્ટથી લઈને મુખ્ય શહેરને સાંકળતી સડકો પર દીવાલો પર ઘણી જગ્યાએ પેઇન્ટિંગ બનાવાયાં હતાં.

શહેરથી જોનપુર અને પૂર્વાંચલના બીજા વિસ્તારોમાં જઈ રહેલી સડકો પણ ખૂબ પહોળી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકસભા સીટ હોવાના કારણે પોલીસ–વહીવટી તંત્ર સાબદાં જોવા મળતાં હતાં. મોટા ભાગની જગ્યાએ ભગવા ઝંડા લહેરાતા હતા. જોકે, આ ઝંડા ભાજપના નહીં પરંતુ અલગ અલગ હિંદુ સંગઠનના હતા.

બીએસપી અને સમાજવાદી પાર્ટીનાં પોસ્ટર અને હોર્ડિંગ પણ હતાં પરંતુ તે થોડા હતાં. હા, અમુક દુકાનોમાં બીએસપીનાં ઝંડા અને બેનરો વેચતાં જરૂર દેખાયાં.

આ રસ્તો અમને જોનપુર લઈ જતો હતો, જે વારાણસી ડિવિઝનનો જિલ્લો છે. દોઢ સદી સુધી મુગલોના શાસનમાં જોનપુરમાં ઇસ્લામી સંસ્કૃતિની સ્પષ્ટ ઝલક દેખાય છે.

વિશાળકાય મૂળા અને ઇમરતી માટે મશહૂર જોનપુરમાં મુસ્લિમ, ઠાકુરો, અને યાદવોની વસ્તી ઘણી છે.

અહીં ઠાકુર સમુદાયના નેતા કૃપાશંકર સિંહ ભાજપના ઉમેદવાર છે, જ્યારે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર છે બાબુસિંહ કુશવાહા, જે ક્યારેક માયાવતીની ઘણી નજીકના મનાતા હતા.

પરંતુ બાહુબલી નેતા ધનંજય સિંહનાં પત્ની શ્રીકલા રેડ્ડીને બીએસપીએ પોતાના ઉમેદવાર બનાવીને ચૂંટણીજંગને રસપ્રદ બનાવી દીધો છે.

આ સફર દરમિયાન જોનપુરમાં હાઈવેની બાજુમાં એક ઢાબા પર અમારી મુલાકાત રામ શિરોમણિ પ્રજાપતિ સાથે થાય છે. છાપું વાંચી રહેલા પ્રજાપતિ ચૂંટણીના સમાચારને ધ્યાનથી જોઈ રહ્યા છે. પ્રજાપતિ ઇન્ટર કોલેજમાં ભણાવે છે અને હવે રિટાયર્ડ થઈ ચૂક્યા છે.

પહેલાં તો તેઓ વાત કરતા ખંચકાતા રહ્યા પરંતુ જ્યારે અમે પૂર્વાંચલ અને આખા ઉત્તર પ્રદેશનાં ચૂંટણી સમીકરણોની વાત શરૂ કરી તો તેઓ ખૂલવા લાગ્યા. તેમણે કહ્યું કે યુપીમાં ભાજપની જીતનું મોટું કારણ બિન-યાદવ ઓબીસી વોટરની જૂથબંધી છે.

અમિત શાહે જ એ સ્ટ્રેટેજી બનાવી કે બિન-યાદવ ઓબીસી નેતાઓને જોડવામાં આવે.

પ્રજાપતિ અનુસાર, અમિત શાહે જ અવધ અને પૂર્વાંચલના વિસ્તારોમાં બિન-યાદવ ઓબીસી નેતાઓને યાદવ જાતિના વર્ચસવાળી સમાજવાદી પાર્ટી અને જાટવો, મુસ્લિમોના વર્ચસવાળી બીએસપીમાંથી પોતાની તરફ ખેંચવાની રણનીતિ બનાવી.

પ્રજાપતિની એ વાતમાં વજૂદ દેખાય છે, કેમ કે, ભાજપે 2014 લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં 25 અને લોકસભા ચૂંટણી 2019માં 24 બિન-યાદવ ઓબીસી ઉમેદવાર ઉતાર્યા હતા.

બિન-યાદવ ઓબીસી જાતિઓ અને તેમનું ચૂંટણીલક્ષી મહત્ત્વ

ઉત્તર પ્રદેશના અવધ અને પૂર્વાંચલના વિસ્તારોમાં રાજભર, કુર્મી, મૌર્ય, પાસી, નિષાદ, ચૌહાણ, અને નોનિયા જેવી બિન-યાદવ ઓબીસી જાતિઓના મતદારોની સંખ્યા એટલી છે કે તેઓ કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન કરીને તેને નિર્ણાયક જીત અપાવી શકે છે.

ગોરખપુર, દેવરિયા, બલિયા, મઉ, ગાજીપુર, ચંદોલી, મિર્ઝાપુર, ભદોહી, કોશાંબી, પ્રયાગરાજ, અને પ્રતાપગઢથી લઈને બસ્તી, સિદ્ધાર્થનગર, આઝમગઢ, જોનપુર, વારાણસી, અને મોહનલાલગંજ સુધી આખા અવધ અને પૂર્વાંચલ વિસ્તારની 171 બેઠકો યુપીની 403 સભ્યવાળી વિધાનસભામાં સરકાર બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ગયા વર્ષે ખુદ ભાજપે માન્યું હતું કે રાજભર જાતિના વર્ચસવાળી ઓમપ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી તેને 12 લોકસભા સીટો પર જીત મેળવવામાં મદદ કરી શકે છે. બીજી તરફ સુહેલદેવ ભારતીય સમાજે પોતાના આંતરિક સર્વેના આધારે કહેલું કે તે 32 લોકસભા સીટો પર અસરકારક સાબિત થઈ શકે છે.

ઉત્તર પ્રદેશમાં રાજભર મતદારોની સંખ્યા લગભગ 4 ટકા છે, પરંતુ તે પૂર્વાંચલની 10થી 12 સીટો પર કોઈ પણ પાર્ટીની જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.

ભાજપ આ પ્રકારની બિન-યાદવ ઓબીસી પાર્ટીઓ સાથે તાલમેલ કરીને 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ જબરજસ્ત જીત મેળવી ચૂક્યો છે.

આ જ કારણ છે કે તે પોતાની આ વિનિંગ ફોર્મ્યુલાને વારંવાર અજમાવી રહ્યો છે.

સપા-બસપાની ભૂલો અને ભાજપનો ફાયદો

આ વખતની લોકસભાની ચૂંટણીમાં પણ તેની સાથે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી, આપના દલ (સોનેલાલ) અને નિષાદ પાર્ટી જેવી મહત્ત્વની બિન-યાદવ ઓબીસી પાર્ટીઓ છે.

આ પાર્ટીઓ તેને બિન-યાદવ ઓબીસી અને બિન-જાટવ દલિત વોટરોમાં વર્ચસ ઊભું કરવામાં મદદ કરે છે.

ડૉ. અરવિંદકુમાર ઇંગ્લૅન્ડની રૉયલ હૉલોવે યુનિવર્સિટી સમાજશાસ્ત્ર ભણાવે છે અને આજકાલ આંબેડકરનગરસ્થિત પોતાના ઘરે આવેલા છે.

આ સફળ દરમિયાન થયેલી વાતચીતમાં તેમણે કહ્યું, “સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પછાતોની સાથે અતિપછાતો, દલિતો, અને મુસ્લિમ મતદારોના દમ પર સત્તામાં આવી હતી. પરંતુ જ્યારે આ પાર્ટીઓ સત્તામાં હતી ત્યારે તેમની નીતિઓનો અતિપછાતો અને દલિતોને ખાસ કશો લાભ મળતો ન હતો.”

તેઓ સમાજવાદી પાર્ટીની સરકારમાં પોલીસ ભરતીમાં મુલાયમસિંહ યાદવના ભાઈ શિવપાલસિંહ યાદવના લિસ્ટનો ઉલ્લેખ કરે છે.

તેઓ કહે છે, “તે સમયમાં બિન-યાદવ પછાત વર્ગના યુવા પોલીસ ભરતી પરીક્ષા આપ્યા બાદ જ્યારે પાછા આવતા હતા ત્યારે કહેતા હતા કે તેમનું પ્રદર્શન ઠીક હતું, પરંતુ શિવપાલનું લિસ્ટ વચ્ચે આવી ગયું અને તેમનું સિલેક્શન ન થઈ શક્યું.

અરવિંદ કુમારનું કહેવું છે કે આ પ્રકારના બનાવોથી બિન-યાદવ ઓબીસી વર્ગના મતદારોનો સમાજવાદી પાર્ટી માટેનો મોહભંગ થવો શરૂ થયો.

બિન-યાદવ પછાતો અને અતિપછાતોને એવું લાગવા લાગ્યું કે સમાજવાદી પાર્ટી હવે માત્ર એક જાતિ (યાદવો)ની પાર્ટી બનીને રહી ગઈ છે.

તેઓ કહે છે “આ પ્રકારે જ્યારે બીએસપી પ્રમુખ માયાવતી 2007માં મુખ્ય મંત્રી બન્યાં ત્યારે તેમને લાગ્યું કે આ જીત તેમને ઊંચી જાતિઓ—ખાસ કરીને બ્રાહ્મણ મતદારો—ના કારણે મળી છે. પરંતુ તે સમયે માત્ર 30 ટકા બ્રાહ્મણ મત જ બીએસપીની તરફ શિફ્ટ થયા હતા. આ ભ્રમના કારણે પાર્ટીના કોર વોટરમાં સામેલ અતિપછાતો તરફનું ધ્યાન ઘટવા લાગ્યું.

બિન-યાદવ બિન-જાટવ, મુસ્લિમ મતદારો, અને ભાજપ

રાજકીય વિશ્લેષકો અનુસાર મૌર્ય, કુશવાહા, શાક્ય, સૈની, નિષાદ જેવી બિન-યાદવ ઓબીસી જાતિઓ બીએસપીની મોટી સમર્થક જાતિઓ હતી. પરંતુ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનો ક્રમશઃ યાદવો અને જાટવો તરફનો વધારે ઝુકાવ બીજી પછાત અને દલિત જાતિઓને નિરાશ કરવા લાગ્યો હતો. પોતાના સમુદાયનાં હિતોને વણજોયા કર્યાંને કારણે બીએસપીના ઘણા કુશવાહા નેતાઓએ પાર્ટી છોડી દીધી હતી.

યુપીમાં મુસ્લિમ મતદારો કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી, અને બહુજન સમાજ પાર્ટીની સાથે રહ્યા છે પરંતુ હવે તે પાર્ટીઓ તેમને નિરાશ કરી રહી છે.

જોનપુરથી આઝમગઢની તરફ જતાં અમે જાફરાબાદ ગામમાં મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોને મળ્યા. નામ ન છાપવાની શરતે તેમાંની એક વ્યક્તિએ કહ્યું, “ભાજપના શાસનમાં મુસ્લિમોને સતત હાંસિયા પર ધકેલવામાં આવી રહ્યા છે. પરંતુ દુઃખની વાત એ છે કે સમાજવાદી પાર્ટી અને બીએસપીને સપોર્ટ કરનારા આ મુસ્લિમોના સમર્થનમાં આ પાર્ટીઓ પણ ખૂલીને સામે નથી આવતી.”

ઈદના બીજા દિવસે આ ગામમાં પહોંચેલા અને અમને એક મહિલાએ સેવૈયાં ખવડાવતાં કહ્યું, “મોદી સરકાર ત્રણ તલાકના કાયદાને લઈને અમારી અંગત બાબતોમાં દખલ કરી રહી છે. એ યોગ્ય નથી. પરંતુ અમારા સમુદાયના કેટલાક લોકો હવે ભાજપને પણ સપોર્ટ કરવા લાગ્યા છે.”

તેનો પુરાવો અમને ઝડપથી મળ્યો. જોનપુરના જ રહેવાસી અને હવે લખનૌમાં એક સરકારી હૉસ્પિટલમાં હેડ નર્સ તરીકે કામ કરનારાં તંજીલા પરવીને અમને કહ્યું કે ત્રણ તલાકનો કાયદો લાવવાથી મુસ્લિમ મહિલાઓને ખૂબ ફાયદો થયો છે. તેમને ખૂબ દબાવવામાં આવતી હતી. તેમનું શોષણ થઈ રહ્યું હતું.

આ જ ગામના ઇમરાન બોલ્યા, “જોનપુરમાં મુસ્લિમ મતદારોની સંખ્યા સારી એવી છે, પરંતુ અહીં મોટા ભાગે ઠાકુર અથવા યાદવ ઉમેદવાર જ જીતતા આવ્યા છે. યાદવોને સમર્થન આપવાનો મુસ્લિમ સમુદાયને કોઈ ખાસ ફાયદો નથી થતો.”

બીજી તરફ સામે ઊભેલા પાસી જાતિના જ એક યુવકે નામ ન છાપવાની શરતે કહ્યું કે તેમનો સપા-બસપામાંથી મોહભંગ થઈ ચૂક્યો છે. તેમને હવે ભાજપમાં આશા દેખાઈ રહી છે.

ભાજપની વિરોધી પાર્ટીઓની દલીલ

સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજકુમાર ભાટી પણ માને છે કે અતિપછાતો અને બિન-જાટવ દલિત મતદારોમાંના કેટલાક ભાજપ સાથે ગયા છે. પરંતુ તેમનું માનવું છે કે તે ભાજપના ખોટા પ્રચાર અને પ્રૉપગેંડાના કારણે થયું છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, “ભાજપે એવો ખોટો પ્રચાર કર્યો કે સમાજવાદી પાર્ટીની સરકારમાં 86માં 56 યાદવ એસડીએમ ભરતી થયા. ભાજપ એવી અફવા ફેલાવતો રહ્યો છે કે સમાજવાદી પાર્ટી માત્ર યાદવો માટે કામ કરે છે અને માયાવતીની સરકાર જાટવો માટે.”

ભાટી કહે છે, “આ ભાજપની બે સમુદાયોને એકબીજા સાથે લડાવવાની રાજકીય શૈલી છે. ભાજપ દરેક રાજ્યમાં બે સમુદાયોને લડાવી રહ્યો છે. રાજસ્થાનમાં ગુર્જર અને મીણા, હરિયાણામાં જાટ વિરુદ્ધ અન્ય, અને મહારાષ્ટ્રમાં મરાઠા અને ઓબીસી; એટલે સુધી કે મણિપુરમાં કુકી અને મૈત્રીને લડાવી દીધા.”

તેઓ કહે છે."જોકે, અતિ-પછાત, દલિત, અને અલ્પસંખ્યક ભાજપની આ ચાલને સમજી ચૂક્યા છે અને હવે આ સમુદાયોના મતદારો સપા-બસપામાં પાછા ફરી રહ્યા છે."

રોહિણી કમિશનની ભૂમિકા

તાજેતરના દિવસોમાં ઉત્તર પ્રદેશમાં ભાજપ તરફી બિન-યાદવ ઓબીસી અને અતિપછાતોના વલણમાં અમુક હદ સુધી જસ્ટિસ બી. રોહિણીપંચની રચનાની ભૂમિકા રહી છે.

ઓબીસી જાતિઓમાં રિઝર્વેશનના ફાયદાની ‘ન્યાયસંગત’ વહેંચણીની સંભાવના તપાસવા માટે મોદી સરકારમાં આ પંચની રચના થઈ હતી.

રોહિણી કમિશનને 2023માં પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો હતો, પરંતુ તેની ભલામણોને હજુ સુધી સાર્વજનિક કરવામાં નથી આવી.

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અરુણ રાજભર કહે છે કે રોહિણીપંચની રચનાથી ભર અને રાજભર સમુદાયમાં આશા જાગી કે અતિપછાત જાતિઓની સાથે ન્યાય થશે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે 2017માં જ્યારે આ પંચની રચના થઈ હતી ત્યારે કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાએ ભાજપનું શાસન હતું. તેને જોતાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીને લાગ્યું કે આ યોગ્ય તક છે જ્યારે તે પોતાના સમુદાયનાં હિતો માટે ભાજપનો હાથ પકડી લે.

અરુણ રાજભર કહે છે, “ભાજપની સાથે ગયા પછી અમારા સમુદાયના લોકો પર થનારા અત્યાચારો પર સુનાવણી થવા લાગી. અમારા સમુદાય સામે અપરાધ કરનારા લોકો પર મુકદમા દાખલ થવા લાગ્યા. ગુનેગારોની ધરપકડ થવા લાગી.”

તેઓ કહે છે, “સમાજવાદી પાર્ટીના શાસનમાં યાદવ સમુદાયના દબંગોનો દબદબો ઘણો વધી ગયો હતો. અમારી જમીનો પર કબજો થવા લાગ્યો હતો. લોકોને ડરાવવા-ધમકાવવામાં આવતા હતા. તેનાથી અતિપછાત વર્ગના લોકો ડરવા લાગ્યા. આ ડરના કારણે પણ આ વર્ગના લોકો ભાજપને સાથ આપવા લાગ્યા.”

બીબીસીએ ઉત્તર પ્રદેશના મછલીશહર લોકસભા સીટ પર કેટલાક અતિપછાત જાતિઓના મતદારો સાથે વાત કરી.

આ વાતચીતમાં તે લોકોએ કહ્યું કે સમાજવાદી પાર્ટીના સમયમાં યાદવ જાતિના દબંગોને સંરક્ષણ મળી રહ્યું હતું. આ સમુદાયના ગુનેગાર લોકો પર પોલીસ કાર્યવાહી કરવામાં ખંચકાતી હતી. યુપીમાં ભાજપે અતિપછાતો અને દલિતોને સાથે લાવવા માટે મંત્રીમંડળમાં આ સમુદાયના ધારાસભ્યોને વધારે સ્થાન આપવાની ફૉર્મ્યુલા અપનાવી છે.

2022માં જ્યારે યોગી આદિત્યનાથ કૅબિનેટનું પહેલી વાર ગઠન કરવામાં આવ્યું ત્યારે તેના 52 મંત્રીઓમાં 20 ઓબીસી અને 9 દલિત સમુદાયના હતા.

ચાલુ વર્ષના માર્ચમાં જ્યારે યોગી કૅબિનેટે પોતાનો વિસ્તાર કર્યો તો સામેલ કરાયેલા ચાર નવા મંત્રીઓમાં બે બિન-યાદવ ઓબીસી (ઓમપ્રકાશ રાજભર અને દારાસિંહ ચૌહાણ) અને એક દલિત (આરએલડીના અનિલકુમાર) સમુદાયના હતા.

દલિત–પછાત સમુદાયના નાયકોની જયંતી અને મૂર્તિઓ

ભાજપે ઉત્તર પ્રદેશમાં અતિપછાતો, પછાતો, અને દલિત સમુદાયના મતદારોને પોતાના પક્ષમાં લાવવા માટે તેમના નાયકો અને મહાપુરુષોની જયંતી ઊજવવાનું શરૂ કર્યું. ઘણી જગ્યાએ તેમની મૂર્તિ સ્થાપવાનો સિલસિલો શરૂ થયો.

આ નાયકો અને મહાપુરુષોને હિન્દુત્વના નાયકોની જેમ રજૂ કરવાની કોશિશ કરવામાં આવી.

જેમ કે, મહમદ ગઝનવીના એક જનરલને યુદ્ધમાં કથિત રીતે હરાવનારા રાજભર રાજા સુહેલદેવને હિન્દુઓના રક્ષક ગણાવાયા. ભાજપે ઘણી જગ્યાએ તેમની જયંતી આયોજિત કરી અને મૂર્તિઓ સ્થાપિત કરાવી.

પાસી રાજા બાલદેવ અને ડાલદેવને રાષ્ટ્રીય નાયક ગણાવીને તેમની જયંતી આયોજિત કરવામાં આવી. જ્યારે બીએસપી બાલદેવ અને ડાલદેવને કથિત ઊંચી જાતિઓના શોષણની સામે ઊભેલા નાયકો તરીકે રજૂ કરતી હતી.

આ જ રીતે જાટવ સમાજમાંથી આવતા મહર્ષિ વાલ્મીકિ અને સુપચ ઋષિની જયંતીએ ભાજપ દ્વારા આયોજનો થયાં. મુસહર સમુદાયમાં પૂજાતા બે ભાઈઓ દીના અને બદરી તથા આહીર નાયક લોરીકદેવને રાષ્ટ્ર અને હિન્દુ નાયક ગણવામાં આવવા લાગ્યા. ભાજપે કુર્મી (પટેલ) સમુદાયના સમર્થન માટે આપના દલના સંસ્થાપક સોનેલાલ પટેલના જન્મદિવસે પણ આયોજન કરાવ્યાં.

કુર્મીઓ વચ્ચે એ વાતનો પણ પ્રચાર કરવામાં આવ્યો કે નહેરુ સરકારમાં સરદાર વલ્લભભાઈ પટેલને તેમના હકથી વંચિત રાખવામાં આવ્યા.

આંબેડકરનગરમાં અમને પરશુરામ પટેલ મળે છે. તેઓ કહે છે, “પટેલ નહેરુ કરતાં વધારે કાબેલ હતા. તેઓ હોત તો કાશ્મીર મુદ્દો આટલો વધારે ન ખેંચાત. પટેલ સમુદાયના લોકોએ બીએસપીને સાથ આપ્યો. સોનલાલ પટેલ બીએસપીના સંસ્થાપકોમાંના એક હતા પરંતુ તેમણે બીએસપી છોડીને પોતાની પાર્ટી ‘અપના દલ’ બનાવવી પડી.”

તેઓ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી સાથેના પટેલો (કુર્મીઓની પાર્ટી)ના અંતર વિશે કહે છે, “ભાજપ અપના દલ (સોનેલાલ)નાં અનુપ્રિયા પટેલને પોતાની સાથે રાખે છે પરંતુ સમાજવાદી પાર્ટીના લોકો તેમનાં બહેન અને માતાની પાર્ટી અપના દલ (કમેરાવાદી)ને સંભાળી શકતા નથી.”

બિન-યાદવ ઓબીસી પાર્ટીઓને પોતાની સાથે જોડવા માટે ભાજપની રણનીતિ વિશે વરિષ્ઠ પત્રકાર સુનિતા એરન કહે છે, “ભાજપ બિન-યાદવ અને બિન-જાટવ મતદારોને પોતાની સાથે લાવવાની કોશિશ કરી રહ્યો છે અને તેમાં આ સમુદાયના મહાપુરુષો અને નાયકોને સાથે લેવાની કોશિશ તેને આ દિશામાં ફાયદો કરાવે છે. આ સમુદાયના લોકોને લાગે છે કે ભાજપ તેના તેમને ઓળખ અને સન્માન આપી રહ્યો છે.

લાભાર્થી યોજનાઓ અને અતિપછાતો–દલિતોની જૂથબંધી

રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે યુપીમાં ભાજપે પોતાના હિન્દુત્વ, રામજન્મભૂમિ, અને ટ્રિપલ તલાકના મુદ્દા નથી છોડ્યા. પરંતુ તેણે એવી રણનીતિ પણ બનાવી કે કઈ રીતે જાતિ આધારિત પાર્ટીઓને પોતાની સાથે જોડવામાં આવે. ભલેને પછી તે રાજભરોની પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી હોય કે મલ્લાહ-નિષાદોની પાર્ટી નિષાદ પાર્ટી કે પછી કુર્મીઓની પાર્ટી અપના દલ હોય.

તેમનું કહેવું છે કે 2013માં જ્યારે અમિત શાહને ઉત્તર પ્રદેશનો પ્રભાર સોંપવામાં આવ્યો હતો ત્યારે ભાજપે આ રણનીતિ પર કામ શરૂ કર્યું હતું.

ગોરખપુર યુનિવર્સિટીમાં રાજનીતિશાસ્ત્ર ભણાવનારા મહેન્દ્રસિંહ કહે છે કે પાર્ટીએ 2017માં બીજી એક રણનીતિ અપનાવી. બીબીસી સાથેની વાતચીતમાં તેનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે, “ભાજપે એ સુનિશ્ચિત કર્યું કે લાભાર્થી સ્કીમોની યોગ્ય અને સમાન ડિલિવરી થાય. સરકાર તરફથી તેમાં કશો ભેદભાવ ન કરાયો. ગામડાંમાં ઊંચી જાતિઓ, ઓબીસી, અતિપછાતો, દલિતો, અને જનજાતીય સમુદાયના લોકોમાં લાભાર્થી યોજનાઓની સમાન વહેંચણી થઈ.”

તેઓ કહે છે, મફત અનાજ, ગૅસ સિલેન્ડર, વૃદ્ધાવસ્થા પેન્શન, દીકરીઓ માટે પ્રોત્સાહન રકમ જેવી યોજનાઓના લાભ જ્યારે બધા વર્ગોમાં પહોંચવા લાગ્યા ત્યારે ભાજપને સમર્થન ન આપનારા મતદારોનું વલણ પણ તેની તરફ વધ્યું.

વારાણસી, જોનપુર, અને મછલીશહરની યાત્રા દરમિયાન અમને ઘણા લોકોએ લાભાર્થી સ્કીમની સારી ડિલિવરીની વાત કરી. જોનપુરમાં પાંડેપુરની પટેલ વસ્તીમાં લોકોએ કહ્યું કે તેમને લાભાર્થી સ્કીમોની ડિલિવરી સારી રીતે થઈ રહી છે.

મહિલાઓને તેનાથી સારી એવી સગવડ મળી રહી છે. જોકે, તેમણે એમ જરૂર કહ્યું કે મહિલાઓ માટેના રોજગારને વધારવામાં સરકારે ઝડપભેર પગલાં ભરવા જોઈએ.

જોનપુરમાં એક ટીવી ચેનલ માટે કામ કરનારા પત્રકાર સુધાકરે જણાવ્યું કે લાભાર્થી સ્કીમોની સારી ડિલિવરીના કારણે પછાત સમુદાયના મતદારોમાં ભાજપની શાખ વધી છે.

તેમણે કહ્યું હવે તેઓ સીધા ભાજપ સાથે જોડાઈ રહ્યા છે અને તેના પરિણામે આ સમુદાયના નેતાઓની પણ એ મજબૂરી થઈ ગઈ છે કે તેઓ ભાજપમાં સામેલ થઈ જાય. તાજેતરના દિવસોમાં જોનપુરમાં પછાત સમુદાયના ઘણા નેતા ભાજપમાં સામેલ થયા છે.

જોકે, ઉત્તર પ્રદેશમાં પોતાની યાત્રા દરમિયાન આ બીબીસી સંવાદદાતાને લોકોએ જણાવ્યું કે બેરોજગારી એક મોટી સમસ્યા છે. ખાસ કરીને યુવાઓ પાસે રોજગારની ભારે અછત છે.

યુવાઓનું કહેવું છે કે 2024માં ભાજપે રાજ્યમાં રોજગાર વધારવા પર ધ્યાન આપવું પડશે, નહીંતર બિન-યાદવ પછાત અને દલિતોનો સાથ લઈ સત્તા હાંસલ કરવાની રણનીતિ નિષ્ફળ થઈ શકે છે.

તેમનું કહેવું છે કે બિન-યાદવ પછાત મોટા ભાગે ખેતી અને હુનરવાળાં કામો પર નિર્ભર છે. ખેતીમાંથી કશું મળતું નથી અને ઉદ્યોગ-ધંધા વધતા નથી. જેનાથી સુથાર, રાજ મિસ્ત્રી, પેન્ટર, વેલ્ડર અને કારીગરી કરનારા લોકો ને નોકરી મળી શકે.

વારાણસીની એક હોટલમાં કામ કરનારા આઝમગઢના અંકિત યાદવ કહે છે, “અમારા વિસ્તારના યુવા પહેલાં સેનામાં જતા હતા પરંતુ અગ્નિવીર યોજનામાં તેમને વધારે રસ નથી. તેઓ એને કૉન્ટ્રેક્ટની નોકરી માને છે.”

તેઓ કહે છે, “યુપીમાં ભણેલા-ગણેલા અને કુશળ યુવકોને પણ સારી નોકરી મળતી નથી. મેં હોટલ મેનૅજમૅન્ટ કરવામાં બે-અઢી લાખ રૂપિયા ખર્ચ કર્યા. કહેવા માટે તો ફાઇવસ્ટાર હોટલમાં કામ કરું છું પરંતુ પગાર પંદર હજાર રૂપિયાથી વધારે વધતો નથી.

કારીગર જાતિઓની આર્થિક મદદની યોજના

ભાજપે યુપીમાં છેલ્લાં થોડાં વર્ષોથી રાજ્યની હુન્નરવાળી જાતિઓને અલગ અલગ સ્કીમો દ્વારા જોડવાની કોશિશ કરી છે. આ જાતિઓ ઉત્પાદન સાથે સંકળાયેલી છે અને પોતાના સામાનના વેચાણ માટે બજાર પર નિર્ભર છે.

2022માં વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપે એવાં કામમાં રહેલી જાતિના લોકોની સગવડ માટે માટી કળા બોર્ડ, કેશ કલા બોર્ડ, અને વિશ્વકર્મા બોર્ડની રચના કરી. આ જાતિઓના લોકોને આવાં બોર્ડના પ્રમુખ બનાવાયા.

માર્ચ 2024 સુધી 2,00,000 કરતાં વધારે કારીગર અને હુનરવાળા વ્યવસાયોમાં જોડાયેલા લોકો વડા પ્રધાન વિશ્વકર્મા સ્કીમનો લાભ લઈ ચૂક્યા હતા અને તેમને નવી અને આધુનિક ટૂલકિટ ખરીદવા માટે 15 હજાર રૂપિયાનાં વાઉચર આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત દરજી, લુહાર, સોની, જૂતાની મરમ્મત કરનારા લોકો, રાજ મિસ્ત્રી, હોડી બનાવનારા, હથોડી અને ટૂલકિટ બનાવનારા, તાળાં બનાવનારા, અને પથ્થર કંડારનારા જેવા હુનરમાં કામે લાગેલી જાતિઓના લોકોને પોતાનું કામ શરૂ કરવા માટે વગર ગૅરંટીની પહેલાં એક લાખની લોન અને પછી તે લોન ચૂકવવી દીધા બાદ બે લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે.

યુપીમાં લોકો આ યોજનાઓનો ફાયદો લઈ રહ્યા છે.

આંબેડકરનગરના સંજય સોની વ્યવસાયે સોની છે અને જ્વેલરી ડિઝાઇનમાં છે. તેઓ વિશ્વકર્મા યોજના હેઠળ લોન લઈને હવે પોતાનું કામ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે આ પ્રકારની આર્થિક મદદથી તેમને મોટી જ્વેલરી દુકાનોની નોકરી પર નિર્ભર રહેવું નહીં પડે. પોતાનું કામ પોતાનું કામ હોય છે.

બિન-જાટવ દલિતોનું ભાજપ તરફ વલણ

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનાં પ્રોફેસર સુધા પઈ અને તેમના સહયોગી સજ્જન કુમારે પોતાના પુસ્તક ‘માયા, મોદી અને આઝાદ’માં પોતાના ફીલ્ડ વર્ક અને લોકો સાથે કરેલી વાતચીતના આધારે જણાવ્યું છે કે બિન-જાટવ દલિતોથી અલગ અન્ય દલિત જાતિઓએ યાદવોના વર્ચસથી છુટકારો મેળવવા માટે ભાજપનો હાથ પકડ્યો. તેઓ પોતાના સંરક્ષણની શોધમાં ત્યાં ગયા.

90 અને 2000 ના દાયકામાં સમાજવાદી પાર્ટીનું વર્ચસ આ દલિતો માટે મુશ્કેલી ઊભું કરી રહ્યું હતું. ગ્રામીણ વિસ્તારોના સામાજિક જીવનમાં તેમણે બીજી કથિત ઉચ્ચ જાતિઓની સાથે યાદવના દબદવાનો સામનો કરવો પડતો હતો.

દલિત વર્ગમાં સમૃદ્ધિની આકાંક્ષા બીજું એક મોટું કારણ રહ્યું. બીએસપી પ્રમુખ માયાવતીના સત્તામાં ન હોવાના કારણે તેમને પોતાની ભૌતિક પ્રગતિના રસ્તા બંધ થતા દેખાતા હતા, તેણે પણ બિન-જાટવ દલિતોને ભાજપ તરફ ઢળવા માટે પ્રેરિત કર્યા.

આ વિષયમાં જ્યારે મેં આંબેડકરનગરથી થોડાક આગળ પાસી સમુદાયના એક વ્યક્તિ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે ‘બહેનજી’ (માયાવતી) રાજકીય રીતે નબળાં પડવાના કારણે તેમના સમુદાયના લોકોએ ભાજપ તરફ જવાને સુરક્ષિત વિકલ્પ સમજ્યો.

મહારાષ્ટ્રમાં મરાઠાઓ કરતાં વધારે ઓબીસી અને દલિતો પર વિશ્વાસ

ઉત્તર પ્રદેશમાં બિન-યાદવ ઓબીસી જાતિઓ અને દલિતોને પોતાની સાથે જોડવાની ભાજપની રણનીતિ સમજ્યા બાદ અમે મહારાષ્ટ્રની દિશા પકડી.

એપ્રિલના બીજા અઠવાડિયામાં અમે નાગપુર પહોંચ્યા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી, દલિત, અને આદિવાસીઓની ઘણી બધી વસ્તી ધરાવતા પૂર્વ વિદર્ભની બીજી લોકસભા સીટો પર સતત રેલીઓ કરી રહ્યા હતા.

નાગપુર બીજેપીના પિતૃ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મુખ્યાલય છે અને તેને મહારાષ્ટ્રનું બીજું પાટનગર પણ કહેવામાં આવે છે.

નાગપુર લોકસભા સીટ પર ભાજપના અધ્યક્ષ રહેલા અને મોદી સરકારમાં મંત્રી નીતિન ગડકરી સાંસદ છે અને અહીંથી ત્રીજી વાર ચૂંટણી લડી રહ્યા છે. અહીં, સુચારુ મેટ્રો નેટવર્ક, સારા માર્ગો, અને ઓવરબ્રિજના નિર્માણનું શ્રેય ગડકરીને અપાય છે.

અમને નાગપુરના સીતાબર્ડી મેટ્રો સ્ટેશનની સામે મળેલા અભિષેક મેશ્રામ કહે છે કે નાગપુરમાં તેલી જાતિ (ઓબીસી), દલિત, અને મુસ્લિમ મતદારો વધારે છે, પરંતુ લોકો જાતિથી ઉપર ઊઠીને ગડકરીને મત આપે છે.

મેશ્રામ કહે છે, “ગડકરીજીએ અહીં સડકો, પુલો, અને મેટ્રોનું ખૂબ કામ કરાવ્યું. લોકો તેમના કામથી ખુશ છે. વ્યસ્ત રહેવા છતાં તેઓ અહીંના લોકોને ખૂબ મળે છે.” પરંતુ ત્યાં જ બાજુમાં ઊભેલા વૈભવ સાકલે કહે છે કે નાગપુર અને આખા વિદર્ભમાં આ વખતે ઓબીસી મતદારો ભાજપથી નારાજ છે. નાગપુરમાં પણ ગડકરી આસાનીથી નહીં જીતે.

તેઓ કહે છે કે જ્યારથી શિંદે સરકારે મરાઠાઓને કુનબીનું સર્ટિફિકેટ આપીને અનામત આપવાનું વચન આપ્યું છે ત્યારથી ઓબીસી નારાજ છે. તેમને લાગે છે કે તેમની અનામત ઘટી જશે.

એપ્રિલના બીજા અઠવાડિયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં એક પછી એક ત્રણ રેલીઓ—ચંદ્રપુર, નાગપુરને અડીને આવેલા રામટેક, અને પછી નાગપુરમાં—કરી.

આ ત્રણેય રેલીઓમાં પીએમ મોદીએ પોતાના ભાષણનો એક મોટો ભાગ ભાજપ સરકાર તરફથી ઓબીસી અને દલિતો માટે કરાયેલાં કામ ગણાવવામાં ખર્ચ કર્યો.

નાગપુરને અડીને આવેલા ચંદ્રપુર, વર્ધા, રામટેક, ગોંદિયા-ભંડારા, અને ગઢચિરોલી જેવી લોકસભા સીટો ઓબીસી અને દલિત બહુલ છે. નાગપુરમાં સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પરંતુ ચંદ્રપુર અને વર્ધા તરફ આગળ જતાં જ તે ગાયબ થતું દેખાય છે.

વર્ધા મહાત્મા ગાંધીની કર્મભૂમિ રહી છે પરંતુ અહીં સેવાગ્રામની આસપાસ પણ સડકોની સ્થિતિ સારી નથી.

આ પૂર્વ વિદર્ભનો વિસ્તાર છે અને તે ખેડૂતોની આત્મહત્યાઓ અને નક્સલી સમસ્યા માટે સમાચારપત્રોમાં ચમકતું રહે છે.

વિસ્તારમાં કપાસ, સોયાબીન, અને સંતરાની ખેતી થાય છે. દેશમાં કુલ ઉત્પાદનના 30 ટકા સંતરાં અહીં જ ઊગે છે.

ખેતી પર નિર્ભર આ સમગ્ર વિસ્તારમાં કુનબીઓ અને તેલી જાતિના લોકોનું વર્ચસ છે.

કુનબી લોકો ભાજપથી નારાજ દેખાતા હતા. તેમના અનુસાર, ખેતીમાં તેમને કશું મળતું નથી અને ઉપરથી મરાઠાઓને અનામત આપવાના વચનને કારણે તેમની નોકરીઓની તકો ઓછી થવાનું જોખમ ઊભું થયું છે.

વર્ધા જવાના રસ્તામાં અમને મળેલા જયેશ ઉપાસેએ કહ્યું, “મરાઠાઓને ઓબીસીના ભાગમાંથી અનામત આપવાની શી જરૂર છે. તેલી સમુદાયના લોકોની સ્થિતિ કુનબીઓ કરતાં સારી છે. તેમની પાસે વેપાર અને સારા પૈસા પણ છે. તેઓ પણ ઓબીસી છે પરંતુ અનામત ઘટવાથી તેમને ખાસ કશો ફરક નહીં પડે—અમને પડશે. અમે ભાજપને મત નહીં આપીએ.”

‘માધવ ફૉર્મ્યુલા’

છેલ્લા એક દાયકા દરમિયાન ભાજપે આ વિસ્તારમાં પછાત મતદારોને પોતાના પક્ષમાં કરીને કૉંગ્રેસનો દબદબો તોડી નાખ્યો છે. પરંતુ, ઉપાસે જેવા મતદારો સાથે વાત કરવાથી અહીંની પછાત જાતિઓની ભાજપ તરફની નારાજગી દેખાઈ આવે છે.

2019ની ચૂંટણીમાં ભાજપે વિદર્ભની દસમાંથી પાંચ બેઠકો જીતી લીધી હતી. અહીંની 62 વિધાનસભા બેઠકોમાંથી 27 ભાજપના ખાતામાં ગઈ હતી.

ઓબીસી મતદારોની નારાજગીની આશંકાને જોતાં ભાજપે તેલી જાતિ (ઓબીસી)ના ચંદ્રશેખર બાવનકુલેને પોતાના પ્રદેશ અધ્યક્ષ બનાવી દીધા છે.

બાવનકુલેને અધ્યક્ષ બનાવવાથી વિદર્ભમાં તેની પકડ મજબૂત થશે, કેમ કે, અહીં તેલી સહિત બીજી ઓબીસી જાતિના લોકોની સંખ્યા ઘણી છે.

મહારાષ્ટ્રમાં જાતિ આધારિત વસ્તીગણતરી નથી થઈ, પરંતુ એક ઉપરછલ્લા અનુમાન મુજબ અહીં મરાઠા જાતિઓની વસ્તી 32 અને ઓબીસી સમુદાયની 39 ટકા વસ્તી છે.

યરવડાની ડૉ. આંબેડકર આર્ટ્સ ઍન્ડ કોમર્સ કૉલેજમાં પ્રોફેસર રહી ચૂકેલા નીતિન બિરમલ જણાવે છે, “1980ના દાયકામાં શિવસેનાએ ઓબીસી જાતિઓને નવ-હિંદુવાદ હેઠળ ‘માધવ’ એટલે કે, માલી, ધનખડ, અને બંજારી (MADHAV) સમીકરણ દ્વારા સંગઠિત કરવા શરૂ કર્યા. તેનો તેને લાભ મળ્યો અને તે ભાજપ સાથે મળીને 1995માં મહારાષ્ટ્રમાં પહેલી વાર સરકાર બનાવવામાં કામિયાબ રહી.

ભાજપે 1990ના દાયકાથી પોતાના નેતા વસંત રાવ ભાગવતની સલાહ પ્રમાણે ‘માધવ’ સમીકરણ પર સંપૂર્ણ કટિબદ્ધતા સાથે કાર્ય કરવાનું શરૂ કરી દીધું.

મંડલ કમિશનના રિપોર્ટ અનુસાર માધવ અંતર્ગત આવતી જાતિઓ મહારાષ્ટ્રની સૌથી મોટી ઓબીસી જાતિઓ છે.

બાદમાં ભાજપે અન્ના ડાંગે, પાંડુરંગ ફંડકર જેવા નેતાઓની મદદથી પોતાની ઓબીસી વોટ બૅન્કનો વિસ્તાર કર્યો. પછીના એક સમયમાં ભાજપે અહીં ગોપીનાથ મુંડે, એકનાથ ખડગે જેવા પછાત જાતિઓના નેતાને જોડીને પોતાની ઓબીસી વોટ બૅન્તનો વિસ્તાર કર્યો.

લોકમત મરાઠીના સંપાદક શ્રીમંત માને કહે છે કે મહારાષ્ટ્રમાં સ્થાનિક એકમોથી લઈને વિધાનસભા અને લોકસભા સુધીના રાજકારણમાં મરાઠાઓનો દબદબો રહ્યો છે.

તેઓ જણાવે છે કે પહેલા મુખ્ય મંત્રી યશવંત રાવ ચવ્હાણથી માંડીને અત્યાર સુધીના મોટા ભાગના મુખ્ય મંત્રી મરાઠા રહ્યા છે. તેનાથી ઓબીસી સમુદાયમાં એક રાજકીય અસુરક્ષાની ભાવના જન્મી. તેનો ફાયદો ઉઠાવીને ભાજપે આ જાતિઓમાં પોતાનું વર્ચસ વધાર્યું.

માને કહે છે, “પહેલાં ઓબીસી એકજૂથ ભાજપનું સમર્થન કરતા હતા. માધવ ફૉર્મ્યુલા હેઠળ માળી, ધનખડ, અને વણજારી એકસાથે ભાજપને મત આપતા હતા. ઓબીસીમાં પણ ધનખડ અને વણજારી સમુદાયને અલગથી અનામત છે. તેનું પરિણામ એ આવ્યું કે ઓબીસી સાથે મળીને લડવાના બદલે અલગ અલગ લડવા લાગ્યા; જેમ કે, ધનખડ જાતિ અનુસૂચિત જાતિના દરજ્જા માટે લડી રહી છે.”

મહારાષ્ટ્રમાં ઓબીસી સ્થાનિક એકમોની ચૂંટણીઓમાં અનામત ઇચ્છે છે, પણ સુપ્રીમ કોર્ટે તેના પર સ્ટે મૂકી દીધો છે.

તેનાથી પણ ભાજપની ઓબીસી વોટ બેંક પર અસર થઈ છે. આ નિર્ણય બાદ વિદર્ભના ઘણા કુનબી (ખેતીવાડી કરનારી ઓબીસી જાતિ / કણબી) નેતા બીજેપીથી અલગ થઈ ગયા હતા. પરંતુ ભાજપ હવે તેમને ફરીથી પોતાની નજીક લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

માને કહે છે, “છેલ્લાં દશપંદર વર્ષથી ભાજપને ઓબીસીના થોકબંધ વોટ મળતા રહ્યા, પરંતુ હવે ઓબીસીમાં સામેલ દરેક જાતિ અલગથી પોતપોતાની શરતો મૂકી રહી છે. પરિણામે, ભાજપ માટે દરેક ઓબીસી જાતિને સાધવી આકરું થઈ પડ્યું છે.”

“ભાજપ તેવો પ્રયત્ન કરે છે પરંતુ તે એટલું આસાન પણ નથી રહ્યું; ખાસ કરીને એવા સમયે જ્યારે મરાઠાઓને અનામત આપવા માટે સરકાર સહમત થઈ છે.”

દલિત મતદારોના સવાલ

તાજેતરનાં કેટલાંક વર્ષોમાં મહારાષ્ટ્રમાં દલિત મતદારો પણ ભાજપની સાથે ગયા છે, એ કેટલું સાચું છે?

આ પ્રશ્નના જવાબમાં માને કહે છે, “મહારાષ્ટ્રમાં દલિતોમાં રાજકીય વિભાજન છે. બૌદ્ધ દલિતોમાં મોટા ભાગના મહાર છે અને તેઓ ભાજપના સમર્થક નથી. પરંતુ ચાંભર, માંગ, અને માતંગ જેવા હિન્દુ દલિત ભાજપના સમર્થનમાં રહે છે. બિન-દલિત હિન્દુ સમુદાય પણ બૌદ્ધ દલિતોને મત નથી આપતા, તેથી વિધાનસભા અને લોકસભામાં તેમનું પ્રતિનિધિત્વ ઓછું છે.”

માને જણાવે છે, “ભાજપને સાથ આપનારું બિન-દલિત હિન્દુ નેતૃત્વ પણ ઇચ્છે છે કે, હિન્દુ દલિત તેની સાથે રહે. આ કારણે ભાજપ હિન્દુ દલિતોમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે.”

નીતિન બિરમલ હિન્દુ દલિતોના ભાજપ સાથે જવાનું બીજું એક કારણ જણાવે છે.

તેમનું કહેવું છે કે મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોમાં હિન્દુ દલિત નિમ્ન મધ્યમ વર્ગ સાથે સંબંધ ધરાવે છે, જ્યારે બૌદ્ધ દલિતોનો એક મધ્યમ વર્ગ બની ગયો છે.

બિરમલ કહે છે, “ગ્રામીણ વિસ્તારોમાં રહેતા હિન્દુ દલિતોને મોદી સરકારની લાભાર્થી યોજનાઓનો લાભ મળી રહ્યો છે, તેથી પણ તેઓ ભાજપને સાથ આપી રહ્યા છે.”