You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉંગ્રેસનું લોકસભા ચૂંટણીમાં આ વખતે ઓછી બેઠકો પર લડવું એ તેની રણનીતિ છે કે બીજું કંઈ?
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
એ વર્ષ 2009ની ચૂંટણી હતી. તેમાં છેલ્લીવાર કૉંગ્રેસ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. એ ચૂંટણીમાં કૉંગ્રેસે 440 ઉમેદવારો ઊભા રાખ્યા હતા. તેમાંથી 209 બેઠકો પર તેને જીત મળી હતી.
તેનું આ પ્રદર્શન લોકસભામાં બહુમત માટે જરૂરી આંકડાથી ઘણું ઓછું હતું પરંતુ યુપીએના સાથી પક્ષોની મદદથી તેમની સરકાર ફરીથી બની.
એ પહેલાં વર્ષ 2004ની ચૂંટણીમાં કૉંગ્રેસને માત્ર 145 બેઠકો જ મળી હતી. કૉંગ્રેસે એ ચૂંટણીમાં 417 બેઠકો પર ચૂંટણી લડી હતી. કૉંગ્રેસે સૌથી વધુ 529 બેઠકો પર ચૂંટણી વર્ષ 1996માં લડી હતી.
18મી લોકસભા માટે થઈ રહેલી ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન શુક્રવારે થઈ ગયું છે. આ વખતે કૉંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે.
કૉંગ્રેસ અત્યાર સુધીમાં 301 બેઠકો પર ઉમેદવારો ઉતારી ચૂકી છે અને તે 300થી 320 બેઠકો પર જ મહત્તમ ચૂંટણી લડશે તેવી સંભાવના છે. 1951થી લઈને અત્યાર સુધીના ઇતિહાસમાં આવું પહેલીવાર બનશે કે કૉંગ્રેસ આટલી ઓછી બેઠકો પર ચૂંટણી લડશે.
કૉંગ્રેસે 2014ની ચૂંટણીમાં 464 ઉમેદવારો ઉતાર્યા હતા જ્યારે 2019ની ચૂંટણીમાં તેણે માત્ર 421 ઉમેદવારોને ટિકિટ આપી હતી. વર્ષ 2019માં તેના માત્ર 52 ઉમેદવારો જીતી શક્યા હતા.
અત્યારે કેવી છે કૉંગ્રેસની હાલત?
આ પરિસ્થિતિમાં કૉંગ્રેસ પર ઘણા સવાલો ઊઠે તે સ્વાભાવિક છે. એ વાત પર ઘણી ચર્ચા થઈ રહી છે કે દેશના સૌથી જૂના રાજકીય પક્ષને આવું કેમ કરવું પડ્યું.
જાણકારો જણાવે છે કે છેલ્લાં 10 વર્ષમાં કૉંગ્રેસનું સંગઠન સંપૂર્ણપણે ભાંગી પડ્યું છે. આ સ્થિતિ તેના તરફ જ ઇશારો કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લાંબા સમયથી કૉંગ્રેસ પર નજર રાખનાર લેખક અને રાજકીય વિશ્લેષક રશીદ કિદવઈએ બીબીસીને જણાવ્યું હતું કે હાલના સમયમાં કૉંગ્રેસ પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે.
તેમણે કહ્યું, "આ વખતે લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને સમજાઈ ગયું હતું કે તે માત્ર પોતાના બળે ભાજપ અને નરેન્દ્ર મોદી સામે ટક્કર લઈ શકે તેમ નથી. એટલા માટે તેણે પ્રાદેશિક પક્ષો પર વધુ ભરોસો મૂકવાનો નિર્ણય કર્યો. તેને એક અલગ રીતે જોઈએ તો એવું કહી શકાય કે તેણે ત્યાગની ભાવનાથી આવું કર્યું છે."
કિદવઈ કહે છે કે, "ભાજપ અને એનડીએને સીમિત કરવા માટે પ્રાદેશિક પક્ષોનો ટેકો લીધા સિવાય કૉંગ્રેસ પાસે કોઈ વિકલ્પ ન હતો."
તેઓ માને છે કે આ વખતે કૉંગ્રેસે પણ પોતાની જીતનું લક્ષ્ય પણ એટલું મોટું રાખ્યું નથી. તેઓ અડધાથી વધુ બેઠકો પર જીતી જાય તોપણ તેમના માટે મોટી ઉપલબ્ધિ ગણાશે.
પરંતુ પ્રાદેશિક પક્ષો સાથે કૉંગ્રેસનું ગઠબંધન કેટલું મજબૂત સાબિત થશે એ તો સમય જ નક્કી કરશે.
રશીદ કિદવઈ કહે છે, "કૉંગ્રેસે ગઠબંધન તો કરી લીધું છે કે પરંતુ તેની સાથેના પક્ષો અલગ-અલગ ઘોષણાપત્ર લઈને આવ્યા છે. આ ગઠબંધનના પક્ષોએ કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરાને આત્મસાત કર્યો નથા. એટલા માટે કૉંગ્રેસને ઇન્ડિયા ગઠબંધનનો કેટલો લાભ મળશે એ તો પરિણામો જ દર્શાવશે. કૉંગ્રેસનો ચૂંટણીઢંઢેરો એ ઇન્ડિયા ગઠબંધનનો સામૂહિક ઢંઢેરો હોવો જોઈતો હતો. ત્યાં પણ કૉંગ્રેસ ચૂકી ગઈ."
કેટલી બેઠકો પર લડાઈમાં છે પ્રાદેશિક પક્ષો?
જાણકારો કહે છે કે લોકસભાની કુલ 543 બેઠકોમાંથી 200 એવી બેઠકો છે જેના પર ભાજપની પ્રાદેશિક પક્ષો સામે સીધી લડાઈ છે. આ પરિપ્રેક્ષ્યમાં કૉંગ્રેસ પાસે આનાથી સારો વિકલ્પ ન હતો.
વરિષ્ઠ પત્રકાર એનકે સિંહ કહે છે કે, "સંગઠનના સ્તરે કૉંગ્રેસની જે હાલત થઈ ગઈ છે અને છેલ્લાં પાંચ વર્ષમાં તેના સંગઠનના અનેક નાનામોટા નેતાઓએ એક પછી એક જે રીતે ભાજપપ્રવેશ કર્યો છે, એવી પરિસ્થિતિમાં કૉંગ્રેસ સામે આ એક જ વિકલ્પ બચ્યો છે."
એનકે સિંહ હાલમાં વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે. તે દરમિયાન તેમણે બાગડોગરા ઍરપોર્ટથી ફૉન પર કહ્યું કે "સંગઠનના સ્તરે કૉંગ્રેસ એ સ્થિતિમાં પહોંચી ગઈ છે કે જ્યાં તેને યોગ્ય ઉમેદવારોનો પણ અભાવ સર્જાયો છે."
તેમનું કહેવું હતું કે, "કૉંગ્રેસ પાસે તો હાલની પરિસ્થિતિમાં તમામ બેઠકો પર લડવા માટે ઉમેદવારો પણ નથી મળી રહ્યા. એવામાં તેની સામે એક જ વિકલ્પ હતો કે તે પ્રાદેશિક પક્ષોને સમર્થન આપે અને તેમનું સમર્થન મેળવે."
આ જ ક્રમમાં કૉંગ્રેસે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર અને તમિલનાડુમાં વધુમાં વધુ બેઠકો ગઠબંધનમાં સામેલ પ્રાદેશિક પક્ષોને આપી દીધી છે. તેમાં એકલા ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને તમિલનાડુમાં કુલ 201 બેઠકો છે. ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ 20થી ઓછી બેઠકો પર ચૂંટણી લડશે.
એ જ રીતે તે મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી 17 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના 21 બેઠકો અને શરદ પવારનો પક્ષ 10 બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે.
શું ભાજપે પકડ્યો કૉંગ્રેસનો જ રસ્તો?
રાજકીય વિશ્લેષક વિદ્યાભૂષણ રાવત કહે છે કે જે કૉંગ્રેસ પક્ષ કરી રહ્યો છે તે રાજકારણમાં નવું નથી કારણ કે આ પહેલાં ભાજપ પણ આવું કરી ચૂક્યો છે. તેઓ કહે છે કે વિભિન્ન પક્ષો વચ્ચે થનારું ગઠબંધન જ ભવિષ્યના રાજકારણનું સ્વરૂપ થવાનું છે.
તેમનું કહેવું છે કે, "રાજકારણમાં ઘણું બધું બદલાયું છે. પ્રાદેશિકતા અને પ્રાદેશિક મહત્ત્વાકાંક્ષાઓ પણ વધી રહી છે. જે હાલનો રાજકીય માહોલ છે તેને જોતાં એવું લાગે છે ઘણું બધું બદલાવાનું છે. આવનારા વર્ષોમાં રાષ્ટ્રીય પક્ષોને મળતાં મતોની ટકાવારી પણ ઘટી જશે."
"કૉંગ્રેસ માટે એ જ વધુ સારો વિકલ્પ હતો કે તે ખુદ હાથ-પગ હલાવવાને બદલે અને મતોનું વિભાજન કરાવવાને બદલે પ્રાદેશિક પક્ષો સાથે મજબૂત ગઠબંધન કરે. તેણે એવું જ કર્યું છે. આમ કરવા માટે કૉંગ્રેસે 200થી વધુ બેઠકોની કુરબાની આપી છે."
જાણકારો એવું પણ માને છે કે કૉંગ્રેસ જે પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહી છે તેવામાં તેના રાજકીય ભવિષ્ય માટે એ જ સારું રહેશે કે તે ઓછામાં ઓછી બેઠકો પર લડે અને ભાજપને પડકાર આપનારા નેતાઓનું સમર્થન કરે.
રાવત કહે છે કે જે રીતે ભાજપ હાલના સમયમાં રાજકારણ કરી રહ્યો છે એવું જ પહેલાં કૉંગ્રેસ કરતી હતી. પછી ભલે એ ફિલ્મસ્ટારોને મેદાનમાં ઉતારવાની વાત હોય કે પછી અન્ય રાજકીય પક્ષોના નેતાઓને પોતાનામાં સમાવવાની વાત હોય.
તેમણે અમિતાભ બચ્ચન, સુનીલ દત્ત અને રાજેશ ખન્નાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે કૉંગ્રેસે એ સમયે પણ દિગ્ગજ વિપક્ષી નેતાઓ સામે સિનેમાના મોટા ચહેરાઓને ઉતાર્યા હતા.
તેઓ કહે છે, "પહેલાં સમાજ અને બ્યૂરોક્રેસીનો ‘ઉચ્ચ’ વર્ગ કૉંગ્રેસની સાથે રહેતો હતો, હવે તે ભાજપની સાથે છે. પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરીને કૉંગ્રેસ આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપને કેટલો પડકાર આપી શકે છે તે જોવું પડશે. તેના પર જ કૉંગ્રેસનું ભવિષ્ય નિર્ભર કરશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન