You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : રૂપાલા મામલે ક્ષત્રિયો વિરોધ ના કરી શકે એટલે પોલીસે કાળા વાવટા ફરકાવવાની મનાઈ ફરમાવી?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રચારપ્રસારની રેલી, સભા, સરઘસ દરમિયાન કોઈએ કાળા વાવટા ફરકાવવા નહીં કે ઉશ્કેરણીજનક બેનર/પ્લે કાર્ડ વગેરે બતાવવાં નહીં અથવા કોઈ વિરુદ્ધમાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવા નહીં."
ઉપરોક્ત જાહેરનામું અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે 16 એપ્રિલના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે 21 દિવસ સુધી એટલે કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખ (7 મે) સુધી અમલમાં રહેશે.
જોકે, આ જાહેરનામા અને તેની ટાઇમિંગ સામે પણ સવાલો ઊભા કરાયા છે.
નોંધનીય છે કે ભારતીય ચૂંટણીપંચ દ્વારા 16 માર્ચ 2024ના દિવસે લોકસભાની ચૂંટણી જાહેર કરાતાં જ સમગ્ર દેશભરમાં આદર્શ આચારસંહિતા અમલી બની હતી.
પાછલા ઘણા દિવસોથી રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ‘રાજા-રજવાડાં’ અંગે કરેલી ટિપ્પણીનો ક્ષત્રિય સમાજ દ્વારા ભારે વિરોધ થતો જોવા મળી રહ્યો છે. રૂપાલા પોતાની ટિપ્પણી અંગે માફી માગી ચૂક્યા છે, છતાં તેમની ઉમેદવારીનો વિરોધ કરાઈ રહ્યો છે.
એવામાં ક્ષત્રિય સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે તેમના વિરોધના પગલે અમદાવાદ પોલીસે આ ‘જાહેરનામું’ બહાર પાડ્યું છે. જ્યારે પોલીસનું કહેવું છે કે આ જાહેરનામું ‘સ્વતંત્ર નિર્ણય’ છે અને એ કોઈ ‘આંદોલનને ધ્યાને રાખીને’ બહાર પડાયું નથી.
બીબીસી ગુજરાતીએ આ સમગ્ર મામલા અંગે વધુ જાણવાનો પ્રયાસ કર્યો હતો. એ પહેલાં જાણી લઈએ કે જાહેરનામામાં ખરેખર શું છે?
જાહેરનામામાં શું છે?
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા થોડા દિવસ પહેલાં વિરોધની સંભાવના તથા આગામી ચૂંટણી સમયે જાહેર વ્યવસ્થાની જાળવણીને ધ્યાને રાખીને આ જાહેરનામું બહાર પાડ્યું હોવાની સ્પષ્ટતા કરાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાહેરનામામાં લખાયું છે : આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ રીતે યોજાય તેમજ અમદાવાદ શહેરમાં પ્રવર્તમાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે અનુસંધાને આગામી લોકસભા સામાન્ય ચૂંટણી અનુસંધાને થનારા પ્રચારપ્રસાર માટેની રેલી/સભા/સરઘસમાં અમુક કારણોસર કેટલાંક ઈસમો કે જૂથ દ્વારા વિરોધ કરવાની તથા કાળા વાવટા ફરકાવી, સૂત્રોચ્ચાર કરી, પ્લે કાર્ડ/બેનરો દર્શાવી કે આક્રમક કે ઉશ્કેરણીજનક ભાષણ કે સૂત્રોચ્ચાર કરી જે તે વિસ્તારની શાંતિ સલામતી જોખમાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે.
આ સિવાય જાહેર સુલેહશાંતિ ભંગ કે હુલ્લડ કે બખેડો થવાની પૂરેપૂરી સંભાવના રહેલી હોઈ સામાન્ય નાગરિકોની સલામતી અને સુરક્ષા અને યોગ્ય જાહેર વ્યવસ્થા જાળવવા સારુ નિયમન રાખવાની જરૂર જણાય છે.
આથી, લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રચારપ્રસારની રેલી, સભા, સરઘસ દરમિયાન કોઈએ કાળા વાવટા ફરકાવવા નહીં કે ઉશ્કેરણીજનક બેનર/પ્લે કાર્ડ વગેરે બતાવવાં નહીં અથવા કોઈ વિરુદ્ધમાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવા નહીં.
ક્ષત્રિય આગેવાનો અને પોલીસે જાહેરનામા અંગે શું કહ્યું?
નોંધનીય છે કે ભાજપના રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અને કથિતપણે ‘રાજા-મહારાજા’ અંગે કરેલી ટિપ્પણી સંબંધે રાજ્યમાં ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ સમવાનું નામ નથી લઈ રહ્યો.
એવામાં ક્ષત્રિય આગેવાનો આ જાહેરનામાને ‘ગેરવાજબી’ ગણાવી રહ્યા છે.
આ જાહેરનામા અંગે પ્રતિક્રિયા આપતાં ક્ષત્રિય આગેવાન પી. ટી. જાડેજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, " સરકાર દ્વારા નવો કાયદો બનવામાં આવ્યો કે કાળા વાવટા ફરકાવશે તો ગુનો બનશે. લોકશાહીમાં તમામ નાગરિકોને આંદોલન કરવાનો અધિકાર છે. આંદોલનને દબાવવા માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવું તે વાજબી નથી.”
તેઓ કહે છે કે તેઓ શાંતિપૂર્ણ આંદોલનમાં માને છે. તેઓ કાયદાનું પાલન કરીને જ આંદોલન કરી રહ્યા છે. તેઓ કાયદામાં માનનાર લોકો છે. પી. ટી. જાડેજા કહે છે કે શાંતિપૂર્ણ માર્ગે અને કાયદાની મર્યાદામાં રહીને તેઓ તેમનું આંદોલન ચાલુ રાખશે.
તો બીજી તરફ અમદાવાદ પોલીસ આ જાહેરનામાનો કોઈ પણ સમાજ સાથે સંબંધ ન હોવાનું જણાવે છે.
અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "આ જાહેરનામું એ અમારો સ્વતંત્ર નિર્ણય છે. કોઈ વ્યક્તિગત આંદોલન માટે નથી. આ જાહેરનામાનો ઉદ્દેશ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે છે.”
તેઓ આ જાહેરનામાનું ઔચિત્ય સમજાવતાં કહે છે કે, “માનો કે કોઈ જગ્યા પર સભા થઈ રહી છે અને ત્યાં કોઈક લોકો દ્વારા કાળા વાવટા ફરકાવવામાં આવે કે સૂત્રોચાર કરવામાં આવે છે. આ દરમિયાન સભામાં હાજર બીજા લોકો દ્વારા મારામારી કરવામાં આવે તો ત્યાં મોટી બબાલ થઈ શકે છે. આ જ પ્રકારે કોઈ બેનર દેખાડી વિરોધ કરે તો પણ મોટી બબાલ થઈ શકે છે, તેમજ રાયોટિંગ પણ થઈ શકે છે. આ પ્રકારની કોઈ પરિસ્થિતિ ન સર્જાય તે માટે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે."
આ અંગે વાત કરતાં નિવૃત્ત આઇપીએસ અધિકારી સંજય શ્રીવાસ્તવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં આ જાહેરનામા પાછળના તર્ક અંગે અંદાજ મૂક્યો હતો. તેઓ કહે છે કે, " પોલીસ પરિસ્થિતિ મુજબ કામ કરતી હોય છે અને પરિસ્થિતિ મુજબ જે પણ કાર્યવાહી જરૂરી જણાય એ કરાતી હોય છે."
જોકે, આ મામલે હાઇકોર્ટના દ્વાર પણ ખટખટાવાયા છે અને જાહેરનામાને વિરોધ કરવાના મૂળભૂત અધિકાર પર તરાપ ગણાવાયું છે.
આ અંગે પી. ટી. જાડેજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું છે, "લોકશાહીમાં આંદોલન કરવું એ નાગરિકોનો અધિકાર છે. સરકાર દ્વારા આંદોલનને દબાવી દેવા માટે પ્રયત્નો કરવામાં આવે છે. એટલે પોલીસના જાહેરનામા વિરુદ્ધ અમે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે."
રૂપાલા વિ. ક્ષત્રિયો : શું છે સમગ્ર વિવાદ?
ભાજપ દ્વારા થોડા દિવસ પહેલાં લોકસભાના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરાઈ હતી. જેમાં, રાજકોટના વર્તમાન સાંસદ મોહન કુંડારિયાને પડતા મૂકી કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલાને ટિકિટ અપાઈ હતી.
ઉમેદવારી બાદ પોતાના પ્રચારમાં જોતરાયેલા રૂપાલાએ 24 માર્ચના રોજ રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ‘રાજા-રજવાડાં’ વિરુદ્ધ કથિતપણે વિવાદિત નિવેદન આપ્યું હતું.
આ નિવેદનના ક્ષત્રિય સમાજ દ્વારા આક્રોશ વ્યક્ત કરાયો હતો.
વિવાદ વધતાં પરશોત્તમ રૂપાલા, સી. આર. પાટીલ સહિતના ભાજપના મોટા નેતાઓ પણ જાહેરમાં માફી માગી ચૂક્યા છે. પરંતુ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આ માફી ‘અસ્વીકાર્ય’ ગણાવી રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ ચાલુ રાખી છે.
આ માગ સાથે રાજ્યમાં ઘણાં સ્થળે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધપ્રદર્શનો અને ઉપવાસના કાર્યક્રમો અપાઈ રહ્યા છે.
ક્ષત્રિય સમાજ દ્વારા 14 એપ્રિલના દિવસે રતનપુર ખાતે મોટી જાહેર સભા કરાઈ હતી અને તમામ આગેવાનોએ એક સૂરે રૂપાલાની ટિકિટ કાપવાની માગ કરી હતી.
આ સિવાય ક્ષત્રિય સમાજના આગેવાનોની સંકલન સમિતિએ તા.16 એપ્રિલ 2024 મોડી રાત સુધી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે બેઠકો કરી હતી પણ કોઈ ઉકેલ આવ્યો ન હતો અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ ઉપર અડીખમ રહ્યા હતા.
આ દરમિયાનમાં પોલીસ કમિશનરનું જાહેરનામું આવ્યું હતું અને ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે પરસોતમ રૂપાલાએ રાજકોટથી ઉમેદવારી નોંધાવી હતી.
હવે ક્ષત્રિય સમાજની માગ પૂરી ન થતાં સમાજે ભાજપ સામે વિરોધ કરવાનું એલાન કર્યું છે. તેમનું કહેવું છે કે સમાજ હવે રાજ્યની તમામ 26 બેઠકો પર ભાજપનો વિરોધ કરશે. અમદાવાદમાં ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે હવે તમામ બેઠકો પર ભાજપની વિરુદ્ધમાં મતદાન કરાવવામાં આવશે.
અગાઉ ક્ષત્રિય સમાજે વિવિધ જિલ્લામાં સંમેલનો પણ કર્યાં હતાં અને હવે 'પાર્ટ-2'ના ભાગરૂપે નવી રણનીતિ ઘડાઈ છે, જે મુજબઃ
- 26 લોકસભા સીટ પર ભાજપનો જાહેરમાં વિરોધ કરવો અને વિરુદ્ધમાં સક્ષમ પક્ષના ઉમેદવારને મત આપવો
- ગુજરાતનાં ગામડેગામડે સભાઓ કરીને ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા સર્વ સમાજને આવાહન કરવું
- ભાજપની જાહેર સભાઓમાં કાળા વાવટાની જગ્યાએ હવેથી ભગવા (કેસરિયો) ઝંડાથી વિરોધ કરવો
- મહિલાઓ દ્વારા દરેક જિલ્લાઓમાં એક દિવસના પ્રતીક ઉપવાસ ઉપર બેસવું
- ગુજરાતના પાંચ ઝોનમાં 22 એપ્રિલથી ધાર્મિક સ્થળથી ધર્મરથ કાઢીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા લોકોને જાગૃત કરવા
હવે, એ જોવું રહ્યું કે આ રાજ્યમાં ક્ષત્રિય વિરુદ્ધ રૂપાલાનો વિવાદની ભાજપ પર ચૂંટણીમાં કોઈ અસર થશે કે કેમ.