You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
PM મોદીએ મુસલમાનો અંગે કૉંગ્રેસની સરકાર પર જે દાવો કર્યો એ કેટલો સાચો છે?
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુસ્લિમો વિશેના એક નિવેદન બાબતે વિવાદ શરૂ થઈ ગયો છે.
રાજસ્થાનના બાંસવાડામાં યોજાયેલી એક ચૂંટણીરેલીમાં વડા પ્રધાને કૉંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે "કૉંગ્રેસ માતાઓ-દીકરીઓનું સોનું ઝૂંટવીને ઘૂસણખોરોમાં વહેંચવા ઈચ્છે છે."
વડા પ્રધાનના ભાષણમાં મુસલમાનો બાબતે કરવામાં આવેલી ટિપ્પણી બાબતે પ્રતિભાવ આપતાં કૉંગ્રેસે કહ્યું હતું, "વડા પ્રધાન આ દેશમાં નફરતનાં બીજ વાવી રહ્યા છે."
એ નિવેદન પછી કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો હતો કે "અમારા ચૂંટણીઢંઢેરામાં ક્યાંય પણ હિંદુ-મુસ્લિમ લખેલું હોય તો દેખાડો."
નરેન્દ્ર મોદીએ બાંસવાડાની સભામાં એમ પણ કહ્યું હતું, "આગામી પાંચ વર્ષ સુધી લોકોને મફત રૅશન મળતું રહેશે અને આ મફત અનાજનો સૌથી મોટા ફાયદો દેશના આદિવાસી, દલિત અને પછાત પરિવારોને મળશે."
તેમણે ઉમેર્યું હતું, "દેશને એક મજબૂત સરકારની જરૂર છે. એક એવી સરકાર, જે દેશની સીમાઓનું રક્ષણ કરી શકે અને જરૂર પડ્યે અંડરવર્લ્ડના દુશ્મનોને શોધીને ખતમ કરી શકે."
"શું આટલો મોટો દેશ કોઈ ટ્રેક રેકર્ડ વિનાના માણસને સોંપી શકાય? બીજી તરફ એક મોદી છે, જેને તમે છેલ્લાં 23 વર્ષથી જાણો છો. હું કામ કરી રહ્યો છું. મેં ગુજરાતમાં 13 વર્ષ કામ કર્યું ત્યારે ડુંગરપુર-બાંસવાડાના લોકોએ મને બહુ નજીકથી જોયો છે."
કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરાની ટીકા
નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરાની ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવતાં જણાવ્યું હતું કે કૉંગ્રેસ આ દેશની મહિલાઓનું સોનું ગણતરી કરીને એની વહેંચણીનો પ્રયાસ કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, "આદિવાસી પરિવારોની ચાંદીનો હિસાબ કરવામાં આવશે. માતાઓ અને બહેનોની માલિકીનું સોનું, સંપત્તિની સમાન રીતે વહેંચણી કરવામાં આવશે. આ તમને મંજૂર છે? સરકારને તમારી સંપત્તિ લઈ લેવાનો અધિકાર છે? તમે બહુ મહેનત કરીને એકઠી કરેલી સંપત્તિ જપ્ત કરવાનો સરકારને અધિકાર છે?"
નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં વધુમાં કહ્યું હતું, "અગાઉ તેઓ સરકારમાં હતા ત્યારે તેમણે કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે."
"તમામ સંપત્તિ એકત્ર કરીને કોને વહેંચવામાં આવશે તે તમે જાણો છો? તેનો અર્થ એ છે કે જેમને વધુ સંતાનો હોય, જેમણે ઘૂસણખોરી કરી છે, તેમને તમારી સંપત્તિ વહેંચવામાં આવશે. તમે મહેનતથી એકત્ર કરેલા પૈસા ઘૂસણખોરોને વહેંચવામાં આવે એ તમને મંજૂર છે?"
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, "કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે દેશની માતાઓ અને બહેનોનાં સોનાનું આકલન કરવામાં આવશે. તેની માહિતી એકઠી કરીને તે સોનું વહેંચવામાં આવશે."
"એ સોનાની વહેંચણી એવા લોકોમાં કરવામાં આવશે, જેમના વિશે મનમોહનસિંહ સરકારે કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમ ભાઈ-બહેનોનો છે."
"ભાઈઓ અને બહેનો, આ અર્બન નક્સલોના વિચારો મારી બહેનોનાં મંગળસૂત્ર સુધી પહોંચી શકે છે. આ લોકો ત્યાં સુધી જઈ શકે છે."
કૉંગ્રેસે ફેંક્યો વડા પ્રધાનને પડકાર
નરેન્દ્ર મોદીના નિવેદનની ટીકા કરતાં કૉંગ્રેસે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી પોતે આ દેશમાં નફરતનાં બીજ વાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું હતું, "ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાનથી નિરાશ થયા પછી નરેન્દ્ર મોદીનું સ્તર એટલું નીચે ગયું છે કે તેઓ લોકોને ડરાવીને મૂળ મુદ્દાઓથી મતદારોનું ધ્યાન ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરી રહ્યા છે."
"કૉંગ્રેસના ‘ક્રાંતિકારી ચૂંટણીઢંઢેરા’ને સમર્થન મળતું દેખાય છે. દેશ હવે તેની સમસ્યાઓ માટે મતદાન કરશે. પોતાના રોજગાર, પરિવાર અને ભવિષ્ય માટે મતદાન કરશે. ભારત ભટકશે નહીં."
કૉંગ્રેસના નેતા પવન ખેડાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પ્રસારિત કર્યો છે. તેમાં તેમણે કહ્યું છે, "દેશના વડા પ્રધાન આજે ફરી એકવાર ખોટું બોલ્યા છે. એક ચૂંટણી જીતવા માટે તમે એક પછી એક ખોટાં નિવેદન કરતા રહેશો. તમે આપેલાં વચનો ખોટાં, તમારી ખાતરી ખોટી, તમારી ગૅરંટી ખોટી છે."
પવન ખેડાએ કહ્યું હતું, "તમે હિંદુ-મુસ્લિમના મુદ્દા પર ફરી એકવાર ખોટું બોલી રહ્યા છો. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંકું છું કે અમારા ચૂંટણીઢંઢેરામાં મુસ્લિમ કે હિંદુ શબ્દ ક્યાંય લખ્યો હોય તો તે દેખાડી દે. નરેન્દ્ર મોદીએ આ પડકાર સ્વીકારવો જોઈએ અથવા તો જૂઠાણાં બંધ કરવાં જોઈએ."
"કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં ન્યાયની વાત કરવામાં આવી છે. આ દેશના યુવાનોને ન્યાય, મહિલાઓને ન્યાય, આદિવાસીઓને ન્યાય, કામદારોને ન્યાય આપવાનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે."
"વડા પ્રધાનને તેની સામે જ વાંધો છે અને તેમના આવા આક્ષેપને આપણે સમજી શકીએ, કારણ કે અમારા ચૂંટણીઢંઢેરામાં ન્યાયની વાત કરવામાં આવી છે. પાછલાં દસ વર્ષોમાં તેમણે કરેલાં કામ દર્શાવે છે. તેમણે દેશમાં હિંદુ-મુસ્લિમ કરીને દસ વર્ષ પસાર કર્યાં છે અને આ ચૂંટણીમાં તેઓ ફરી એકવાર હિંદુ-મુસ્લિમના મુદ્દા પર બોલી રહ્યા છે. વડા પ્રધાનને શરમ આવવી જોઈએ."
તેમણે ઉમેર્યું હતું, "નરેન્દ્ર મોદીને આ રીતે ખોટું બોલતાં અને દેશના ભાગલા પાડતાં શરમ આવવી જોઈએ. મોદીજી, તમારાં જૂઠાણાંને કારણે લોકો અમારો ચૂંટણીઢંઢેરો વાંચી રહ્યા છે. તેમાં હિંદુ કે મુસ્લિમ શબ્દ ક્યાં લખ્યો છે તેની તપાસ કરી રહ્યા છે. આવા શબ્દો અમારા ચૂંટણીઢંઢેરામાં નથી. તમે આ હીન માનસિકતાને લીધે વિભાજનની વાત કરો છો. તે તમારા વિચારો છે."
"અમારા ચૂંટણીઢંઢેરામાં, આપણા દેશના બંધારણમાં, આપણા મનમાં અને ભારતીય સમાજમાં ક્યાંય પણ આ પ્રકારના વિભાજનની વાત નથી."
પવન ખેડાએ એમ પણ કહ્યું હતું, "આવી વાતો તમારી છીછરી માનસિકતા હોવાથી કહેવામાં આવે છે, અન્યત્ર ક્યાંય નહીં. વડા પ્રધાનસાહેબ, તમારે ખોટું બોલવાનું બંધ કરવું જોઈએ. માત્ર દોઢ મહિનો બાકી રહ્યો છે. હવે તમારે નિવૃત્ત થવું જોઈએ, સન્માન સાથે નિવૃત્ત થવું જોઈએ."
"આ પદ પર બેસીને ખોટું બોલવાનું તમને શોભતું નથી. તમારા પહેલાં અનેક સુશિક્ષિત મહાન વ્યક્તિઓ આ પદ પર બિરાજી છે અને એ પૈકીનું કોઈએ, તમે બોલો છો એ રીતે ખોટું બોલ્યું નથી."
"તમારા પછી પણ ઘણા સારા માણસો આવશે. વડા પ્રધાન બનશે, પરંતુ એ પૈકીનું કોઈ આ રીતે ખોટું બોલશે નહીં. તમે જે રીતે ખોટું બોલો છો, એ ચાલુ રહેશે તો ઇતિહાસમાં તમારું નામ કચરાના ડબ્બામાં જશે. માફ કરજો, પરંતુ અમે આ ભાષા તમારી પાસેથી જ શીખ્યા છીએ."
બીજી તરફ ઝારખંડના રાંચીમાં આયોજિત ઇન્ડિયા ગઠબંધનની સભામાં કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું, "દેશમાંથી લોકશાહી અને બંધારણનો નાશ થશે તો લોકો પાસે કશું બચશે નહીં. બાબાસાહેબ આંબેડકર અને જવાહરલાલ નહેરુએ દરેકને મતદાનનો સમાન અધિકાર આપ્યો હતો. તેનાથી સમાજના દરેક વર્ગને સન્માન મળ્યું છે, પરંતુ નરેન્દ્ર મોદી ગરીબો પાસેથી તેમનો અધિકાર છીનવી લેવા માંગે છે."
વડા પ્રધાનની ટીકા કરતાં ખડગેએ કહ્યું હતું, "મેં લોકો માટે જે કામ કર્યાં છે તે તો માત્ર ટ્રૅલર છે, એવું નરેન્દ્ર મોદી આજકાલ કહે છે. જો તમારા ટ્રેલરમાં જ આટલી સમસ્યાઓ હોય તો સંપૂર્ણ ફિલ્મ કેવી હશે?"
યુવક કૉંગ્રેસના નેતા શ્રીનિવાસે વડા પ્રધાનના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર શૅર કર્યો હતો અને લખ્યું હતું, "આ વ્યક્તિ વડા પ્રધાન છે તે આપણા દેશની મોટી કમનસીબી છે. તેનાથી પણ મોટી સમસ્યા એ છે કે ભારતનું ચૂંટણીપંચ હવે જીવંત રહ્યું નથી."
તેમણે લખ્યું હતું, "પરાજય દેખાઈ રહ્યો હોવાથી વડા પ્રધાન સમાજમાં નફરત ફેલાવી રહ્યા છે. તેઓ મનમોહનસિંહે 18 વર્ષ પહેલાં કરેલા નિવેદનને ખોટી રીતે ટાંકી રહ્યા છે અને ચૂંટણી પંચ (મોદીનો પરિવાર) તેમની સમક્ષ નતમસ્તક થઈ ગયું છે."
‘મોદી પાસે મુસ્લિમોને ગાળો દેવાની ગેરંટી’ – અસદુદ્દીન ઓવૈસી
વડા પ્રધાનના મુસ્લિમો સંબંધી નિવેદન બાબતે એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક જ ગૅરંટી છે અને તે છે ભારતના મુસ્લિમોને ગાળો આપો તથા મત એકઠા કરો."
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઓવૈસીએ લખ્યું હતું, "આજે મુસલમાનોને ઘૂસણખોર કહેવામાં આવ્યા છે અને તેમને વધારે સંતાનો હોય છે એવું કહેવામાં આવ્યું છે. 2002થી અત્યાર સુધી મોદીએ એકમાત્ર ગૅરંટી આપી છે અને તે ગૅરંટી ભારતના મુસલમાનોનું અપમાન કરીને લોકોના મત મેળવવાની ગૅરંટી છે."
ઓવૈસીએ જણાવ્યુ હતું કે આપણા દેશની સંપત્તિની વાત કરીએ તો મોદી સરકારના અબજોપતિ મિત્રોનો દેશની સંપત્તિ પર પહેલો અધિકાર છે. આજે દેશના એક ટકા લોકો પાસે દેશની 40 ટકા સંપત્તિ છે. સામાન્ય હિંદુઓને મુસ્લિમોનો ડર દેખાડવામાં આવે છે, પરંતુ સત્ય એ છે કે તમારા પૈસાથી કોઈ બીજું જ શ્રીમંત થઈ રહ્યું છે.
તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહે શું કહ્યું હતું?
તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહે 2006માં નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠકમાં ભાષણ આપ્યું હતું.
તેમાં તેમણે કહ્યું હતું, "મને ખાતરી છે કે અમારી સામૂહિક પ્રાથમિકતાઓ અત્યંત સ્પષ્ટ છે. કૃષિ, સિંચાઈ-જળસંપદા, આરોગ્ય, શિક્ષણ ગ્રામીણ પાયાભૂત સુવિધાઓમાં રોકાણ અને સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સાર્વજનિક રોકાણની જરૂરિયાત અમારી પ્રાથમિકતાઓ છે."
"તેની સાથે અનુસૂચિત જાતિ, જનજાતિ, અને પછાત વર્ગોની પ્રગતિ માટે વિવિધ કાર્યક્રમો તથા દેશના લઘુમતી સમુદાય, મહિલા તેમજ નાનાં બાળકોના વિકાસના કાર્યક્રમ હાથ ધરવા બાબતે અમે કામ કરવાના છીએ."
મનમોહનસિંહે કહ્યું હતું, "અનુસૂચિત જાતિ અને જનજાતિનો પુનરોદ્ધાર જરૂરી છે. આપણે નવી યોજનાઓ બનાવવી જોઈએ અને લઘુમતિ તથા ખાસ કરીને મુસ્લિમોની પ્રગતિ થાય, તેમને વિકાસનો લાભ મળે એ માટે પ્રયાસો કરવા જોઈએ."
"સંસાધનો પર આ તમામ વર્ગોનો પહેલો અધિકાર હોવો જોઈએ.. કેન્દ્ર સરકાર પર અનેક જવાબદારી છે. તેથી સંસાધનોની ઉપલબ્ધતા વિશે નિર્ણય લેતી વખતે દરેક ઘટકની જરૂરિયાત સમજીને તેનો સમાવેશ કરવો જોઈએ."
બીજી મહત્ત્વની વાત એ છે કે મનમોહનસિંહે આ ભાષણ અંગ્રેજીમાં આપ્યું હતું. તેમણે ભાષણમાં ‘અધિકાર’ કે ‘હક્ક’ શબ્દનો ઉપયોગ કર્યો ન હતો. તેમણે ‘ક્લૅઇમ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેનો ગુજરાતીમાં અર્થ ‘દાવો’ થાય છે. મનમોહનસિંહનું આ ભાષણ વડા પ્રધાનની ઑફિસની આર્કાઇવ્ઝમાં ઉપલબ્ધ છે. તમે અહીં ક્લિક કરીને તે વાંચી શકો છો.