ગુજરાતમાં કૉંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડવા માટે લોકો પાસે પૈસા કેમ માગી રહ્યા છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે હવે માત્ર એક પખવાડિયાં જેટલો સમય બચ્યો છે. તમામ પક્ષોના ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. ચૂંટણીમાં પ્રચાર માટે દરેક રાજકીયપક્ષોના ઉમેદવારો અલગ-અલગ પદ્ધતિ અપનાવતા હોય છે.

એવામાં ગુજરાતમાં કૉંગ્રેસના ત્રણ ઉમેદવારોએ આ વખતે ચૂંટણી લડવા માટે લોકો પાસે આર્થિક મદદ માગી છે. ખાસ કરીને બનાસકાંઠાથી કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોરને લોકો રોકડા પૈસા આપીને પછી આશીર્વાદ આપતા હોય તેવા વીડિયો સામે આવ્યા છે.

એ સિવાય પણ કૉંગ્રેસના અન્ય ઉમેદવારોએ ‘વોટ સાથે નોટ’ ની માગણી કરી છે. કૉંગ્રેસ તેને લોકોનો મળી રહેલો સહયોગ ગણાવે છે તો ભાજપ તેને સહાનુભૂતિના નામે 'પબ્લિસિટી'માં ખપાવે છે.

અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ જ કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પત્રકારપરિષદ સંબોધતાં એવો દાવો કર્યો હતો કે આવકવેરા વિભાગે વર્ષો જૂના એક કેસમાં કૉંગ્રેસ પક્ષનાં બૅન્ક ખાતાં ફ્રીઝ કરી દીધાં છે અને પક્ષનું કહેવું છે કે પાસે પૈસા હોવા છતાં ચૂંટણીમાં ઉપયોગ નથી કરી શકાઈ રહ્યો.

કૉંગ્રેસના ઉમેદવારો શું કહી રહ્યા છે?

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનાં ત્રણ ઉમેદવાર રામજી ઠાકોર, ગેનીબહેન ઠાકોર અને લલિત વસોયાએ ચૂંટણી લડવા માટે પ્રજાને ‘વોટ સાથે નોટ’ એટલે કે પૈસાનો ફાળો આપવાનું પણ કહ્યું છે .આ ઉમેદવારોનું કહેવું છે કે તેઓ ગરીબ ઘરનાં હોવાથી તેમને ચૂંટણી લડવા માટે પૈસાની પણ જરૂર છે.

બનાસકાંઠામાં કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે સૌપ્રથમ આ પ્રકારની માગ કરી હતી અને કહ્યું હતું કે, “તમારી દીકરી આ ચૂંટણી લડી રહી છે ત્યારે ડિપોઝિટ ભરવા માટે તમે મારું મામેરું ભરો.” ત્યારબાદ લોકોએ તેમને યથાશક્તિ પ્રમાણે પૈસા આપવાનું શરૂ કર્યું.

ગેનીબહેન ઠાકોરે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, “આ વિસ્તારમાં બહેનો-દીકરીઓને મામેરું આપવાનો રિવાજ છે. હું ગરીબ ઘરમાંથી આવું છું, બનાસકાંઠાના લોકોને મારા માટે પ્રેમ છે એટલે ચૂંટણી લડવા માટે મામેરું ભરીને તેઓ મને પૈસા આપે છે.”

મહેસાણાના કૉંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર કહે છે કે, “અમારા વિસ્તારમાં સારા કામ માટે નીકળીએ ત્યારે શુકન તરીકે 11 રૂપિયા આપવાનો રિવાજ છે. એટલે મેં લોકો પાસેથી ચૂંટણી લડવા માટે શુકન આપવાનું કહ્યું છે.”

તો પોરબંદરથી કૉંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ કહ્યું હતું કે તેઓ ખેડૂતપુત્ર હોવાથી ચૂંટણી લડવા માટે તેમણે લોકો પાસે મદદ માંગી છે.

આ મુદ્દે બીબીસી સાથેની વાતચીતમાં ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, “સત્યની લડાઈ લડવા માટે લોકો પાસેથી ચૂંટણી લડવા માટે પૈસા લેવા એ ખોટું નથી. ક્રાઉડફંડિંગની શરૂઆત ગાંધીજીએ કરી હતી. લોકો સામેથી આગળ આવીને જો તેમના લોકપ્રિય ઉમેદવારને સમર્થન આપતા હોય અને ચૂંટણી લડવા માટે પૈસા આપતા હોય તો એમાં કંઈ ખોટું નથી. ”

તેઓ વધુમાં કહે છે કે, “જે લોકો કૉંગ્રેસને સમર્થન કરે છે એ લોકો સામેથી ઉમેદવારને પૈસા આપે છે. ઈન્કમટૅક્સ વિભાગને ધ્યાનમાં રાખીને આ ફંડ સીધું જ બૅન્કમાં જમા થાય એવું આયોજન કરવામાં આવ્યું છે. જે-તે ઉમેદવારે બૅન્ક ખાતાની વિગતો જાહેર કરી છે અને લોકો તેમાં પૈસા આપે છે.”

સહાનુભૂતિ સાથે જનસમર્થન મેળવવાનો માર્ગ?

આ મામલે વાત કરતાં જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ કહે છે કે, “કૉંગ્રેસ ચૂંટણી માટે ક્રાઉડફંડિંગ કરે એ ખોટું નથી. લોકશાહીમાં સામાન્ય માણસ પાસેથી આર્થિક અને વૈચારિક સમર્થન મળતું હોય છે. ભૂતકાળમાં નાના પક્ષો આ પ્રકારે સમર્થન મેળવતા રહ્યા છે. આ મનોવૈજ્ઞાનિક પકડ ઊભી કરવાનું પણ માધ્યમ છે જેનાથી એવું સાબિત થાય છે કે જે-તે ઉમેદવારને પ્રજાનું વ્યાપક જનસમર્થન છે.”

આ વાત સાથે સહમત થતાં રાજકીય વિશ્લેષક ડૉ. વિદ્યુત જોષીનું કહેવું છે કે ભૂતકાળમાં સમાજવાદી અને સામ્યવાદી ઉમેદવારોએ ચૂંટણીઓમાં આ પ્રકારે પ્રજા પાસેથી જ આર્થિક મદદ લીધી હતી.

તેઓ કહે છે, “ચૂંટણી દરમિયાન થતા ક્રાઉડફંડિંગને કોઈ પક્ષ માટેનું નહીં પણ વ્યક્તિગત ભંડોળ ગણવામાં આવે છે. આ એ બતાવવાનો પ્રયાસ છે કે લોકો માત્ર મત જ નહીં પરંતુ પૈસા પણ આપે છે.”

તો બીજી તરફ ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે બીબીસી સાથેની વાતચીતમાં આ મામલે જણાવ્યું હતું કે, “કૉંગ્રેસ શું કરે છે એમાં અમે પડવા માંગતા નથી. પરંતુ ચૂંટણી સમયે ક્રાઉડફંડિંગના નામે સહાનુભૂતિના ઊભી કરવા લોકો પાસેથી પૈસા લઈને જનસમર્થન હોવાની પબ્લિસિટી કરવી યોગ્ય નથી. એનો જવાબ તો મતદારો જ આપશે કે કોને કેટલું જનસમર્થન છે.”

ભારતમાં ક્રાઉડફંડિંગ માટેના કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં ઇક્વિટી માટે ક્રાઉડફંડિંગ માન્ય નથી, પરંતુ ડૅટ ક્રાઉડફંડિગ માન્ય છે જેમાં પૈસા રોકનારને કંપનીએ વ્યાજ ચૂકવવું પડે છે.

ભારતમાં ધાર્મિક, સામાજિક, તબીબી સારવાર માટેના ડૉનેશન માટે ક્રાઉડફંડિંગને માન્યતા મળેલી છે. જેમાં પૈસા આપનાર વ્યક્તિ કોઇ પણ વળતરની અપેક્ષા વગર સ્વેચ્છાએ પૈસા આપે છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો પણ આ પ્રકારે પૈસા મેળવી શકે છે.

ભારતમાં ચૂંટણીઓમાં ક્રાઉડફંડિગ

ગુજરાતના રાજકારણમાં ક્રાઉડફંડિંગનો પ્રયોગ 1952ની ચૂંટણીમાં બાબુલાલ વૈદ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ સાઇકલ પર ચૂંટણી લડવા માટે ફાળો ઉઘરાવતા હતા. ત્યારબાદ સવસી મકવાણા ‘એક વોટ, એક રૂપિયો’ સૂત્ર સાથે લોકો પાસેથી પૈસા ઉઘરાવીને 1999ની લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત પણ મેળવી હતી.

2022ની લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ કોઇ પણ ઉદ્યોગપતિ પાસેથી ચૂંટણીભંડોળ લેવાનો ઇનકાર કર્યો હતો અને ચૂંટણી માટે 'અવર ડૅમોક્રસી' નામના પ્લૅટફૉર્મ પરથી ક્રાઉડફંડિંગની માંગ કરી હતી.

મોટા ભાગે ચૂંટણીમાં ક્રાઉડફંડિંગ યુરોપના દેશોમાં વધુ પ્રચલિત રહ્યું છે. 2017માં મણિપુરમાં ઇરોમ શર્મિલાએ આ માધ્યમથી તેમના પક્ષ માટે 4.5 લાખ રૂપિયા એકઠા કર્યા હતા.

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા ભાગના ઉમેદવારો 2013ની ચૂંટણી પ્રજા પાસેથી ફાળો ઉધરાવીને લડ્યા હતા અને પછીનાં વર્ષોમાં પણ ઘણા ઉમેદવારોએ આ પ્રથા ચાલુ રાખી હતી.

2019ની લોકસભાની ચૂંટણીમાં કનૈયાકુમારે ઓનલાઇન ક્રાઉડફંડિંગના માધ્યમથી 70 લાખ 70 લાખ અને આપનાં ઉમેદવાર આતિશીએ 50 લાખ મેળવ્યા હતા. એ સિવાય 2019માં આપના રાઘવ ચઢ્ઢા, ધરમવીર ગાંધી, ઍલ્વિસ ગોમેઝ, બસપાના એચએસ બુખારી, સીપીઆઈ-એમએલના રાજુ યાદવે પણ ક્રાઉડફંડિંગ કર્યું હતું.

2019ની ચૂંટણીમાં ‘અવર ડૅમોક્રસી’ એ ક્રાઉડફંડિંગ માટેનું પ્રચલિત માધ્યમ બન્યું હતું અને લગભગ ચાલીસેક ઉમેદવારોએ તેના મારફતે ફાળો એકઠો કર્યો હતો.