શંકરસિંહ વાઘેલાનું ‘દંડાસેના’ નામે ઓળખાતું 'શક્તિદળ' નામનું સંગઠન ક્યાં ખોવાઈ ગયું?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

જ્યારે શંકરસિંહ ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ હતા ત્યારે તેમણે ભાજપ અને સંઘ તથા બજરંગદળને ટક્કર આપવાના ઉદ્દેશ્યથી 'શક્તિદળ'ની સ્થાપના કરી હતી.

શક્તિદળમાં સામેલ યુવા કાર્યકર્તાઓને વિશેષ બ્લૂ રંગનો યુનિફૉર્મ આપવામાં આવ્યો હતો અને સાથે લાલ રંગનો દંડો.

દંડાને કારણે લોકમુખે શક્તિદળને ‘દંડાસેના’ તરીકે ઓળખવામાં આવતી હતી.

આ શક્તિદળનું સંગઠન વ્યવસ્થિત માળખુ પણ હતું અને તેના જિલ્લા કક્ષાના પ્રમુખો પણ હતા.

શક્તિદળની દરેક ડિવિઝનના વડા અને તેના વડાના હોદ્દા સેનાની તર્જ પર રાખવામાં આવ્યા હતા.

શંકરસિંહના ટેકેદારોના દાવા પ્રમાણે તે વખતે શક્તિદળમાં એક લાખ કાર્યકર્તાઓ હતા. પરંતુ આ દંડાસેનાને કારણે કૉંગ્રેસમાં વિવાદ થયો.

આખરે શક્તિદળની યોજનાને પડતી મૂકવામાં આવી. જાણકારો કહે છે કે મૂળ કૉંગ્રેસના નેતાઓ શંકરસિંહનું પાર્ટીમાં કદ ન વધે તે માટે શક્તિદળનો વિરોધ કરતા હતા. જ્યારે શંકરસિંહ પાર્ટીમાં વિરોધીઓ સામે આ નવા સંગઠનના બહાને શક્તિપ્રદર્શન કરવા માગતા હતા.

કૉંગ્રેસમાં જ્યારે હતા ત્યારે શંકરસિંહની આ યોજના ખોરંભે ચડી, પરંતુ જ્યારે તેઓ એનસીપીમાં જોડાયા ત્યારે તેમણે ફરી શક્તિદળને જીવંત કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે વખતે પણ તેઓ નિષ્ફળ રહ્યા.

આજે આ શક્તિદળ મૃતપાય અવસ્થામાં છે. પણ સવાલ એ થાય છે કે શું આ શક્તિદળ જીવંત હોત અને સક્રિય હોત તો શું તે ગુજરાતમાં ભાજપની અને સંઘની કેડરને ટક્કર આપી શક્યું હોત?

બીબીસીએ આ મામલે શક્તિદળ સાથે જોડાયેલા નેતાઓ અને વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સાથે વાત કરી.

શક્તિદળનો ઉદ્દેશ શું હતો?

શક્તિદળ સ્થાપવાનો શંકરસિંહ વાઘેલાનો હેતુ એ હતો કે “રાષ્ટ્રદ્રોહીઓ, અસામાજિક તત્ત્વો અને સરકાર કે સરકારી તંત્રથી ત્રસ્ત સમાજના સામાન્ય નાગરિક ભાઈ-બહેનોને સક્ષમ બનાવવા અને સહાયરૂપ થવા તથા અન્યાયી, અત્યાચારી અને આસુરી પરિબળો સામે ગાંઘી-સરદાર ચીંધ્યા માર્ગે માનવ-જાતની સુખ, શાંતિ અને સલામતી માટે તથા કુદરતી કે માનવસર્જીત આપત્તિવેળાએ ધર્મ-લિંગ કે જાતિના ભેદભાવ સિવાય માનવધર્મ સમજીને લોકોની સહાય કરવી.”

આ સંગઠનનું મુખ્ય સુત્ર હતું, “હું માનવી માનવ થાઉં તો ઘણું.”

જોકે આ ઉદ્દેશ તો માત્ર કાગળ પર હતો, તેની રચના પાછળનો મુખ્ય આશય ભાજપ, સંઘ અને બજરંગદળને ટક્કર આપવાનો હતો.

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી અને શક્તિદળની સ્થાપના કરવા પાછળના મુખ્ય સૂત્રધાર શંકરસિંહ વાધેલા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “તેમાં સામેલ યુવાનો બોગસ વોટિંગ જો થતું હોય તો રોકે, વધુ વોટિંગ કરાવે અને આરએસએસને ટક્કર આપે તેવી યોજના હતી. ખાસ અંતરિયાળ અને ગામડાના વિસ્તારોમાં આ પ્રકારે યુવાનો તૈયાર કરવાના હતા.”

29મી ડિસેમ્બર, 2003ના રોજ અમદાવાદમાં 500 જેટલા જવાનોના પૂર્ણ ગણવેશમાં પરેડ કરવાની સાથે શંકરસિંહ વાઘેલાએ શક્તિદળની શરૂઆત કરી.

ગણવેશ બ્લૂ રંગનો હતો અને પરેડની સલામી ઝીલવા માટે શંકરસિંહ વાઘેલા હાજર હતા.

તે વખતે શંકરસિંહ વાઘેલા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પ્રમુખ હતા.

29મી જાન્યુઆરી, 2004ના રોજ અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્ટેડિયમથી 8 કિલોમીટરની માર્ચ પાસ્ટ કરીને 51 હજાર યુવાનોએ પૂર્ણ ગણવેશ સાથે પરેડ કરી.

29મી ફેબ્રુઆરી, 2004ના રોજ વડોદરાના પૉલો ગ્રાઉન્ડ ખાતેથી 30 હજાર યુવાનોની માર્ચ પાસ્ટ યોજવામાં આવી.

જોકે શંકરસિંહ કહે છે કે શક્તિદળનાં મૂળ તેમના મુખ્ય મંત્રીપદના કાર્યકાળમાં જ રોપાઈ ગયાં હતાં.

તેઓ આ વિશે વધુ માહિતી આપતાં કહે છે, “તે વખતે અમે ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ બનાવી હતી. દસ લાખ લોકોને ભરતી કરવાનું આયોજન હતું. અમે એક લાખ લોકોને નોકરી આપી હતી. તે પૈકી આજે પણ 40 હજાર જેટલા લોકો કદાચ નોકરી કરતા હશે.”

શક્તિદળનો કૉંગ્રેસમાં વિરોધ

જાણકારો માનતા હતા કે આ શંકરસિંહનો કૉંગ્રેસમાં પોતાના કદને વધારવાનો પ્રયાસ છે.

કૉંગ્રેસમાં તેનો વિરોધ શરૂ થયો. ફરિયાદો દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચી અને પછી બન્યું એવું કે પહેલાં તો કહેવાયું કે શક્તિદળને કૉંગ્રેસનો ભાગ ન બનાવવામાં આવે, પરંતુ તેને એક એનજીઓ તરીકે ચાલુ રાખી શકાય.

જોકે જાણકારો કહે છે કે ભાજપનું રાજકીય ગોત્ર ધરાવતા શંકરસિંહના કૉંગ્રેસમાં વિરોધીઓ ઓછા નહોતા. અમરસિંહ ચૌધરીના વડાપણ હેઠળ કૉંગ્રેસી ધારાસભ્યોનું અને નેતાઓનું એક જૂથ ગુજરાત કૉંગ્રેસના તત્કાલિન પ્રભારી વિલાસરાવ દેશમુખને મુંબઈમાં મળ્યું. તેમણે રજૂઆત કરી કે શક્તિદળ એ કૉંગ્રેસની વિચારધારાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે.

કૉંગ્રેસ નેતા જગત શુક્લ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “બાપૂ (શંકરસિંહ) પોતાનું શક્તિપ્રદર્શન કરવા માગતા હતા. કૉંગ્રેસને તે સ્વીકાર્ય નહોતું. તેઓ તે વખતે પ્રદેશ પ્રમુખ હતા તેથી તેમને કહેવાયું કે સેવાદળને વધુ સક્ષમ બનાવો. શક્તિદળ એક એનજીઓ હોઈ શકે, પરંતુ તે કૉંગ્રેસનો ભાગ ન બની શકે.”

આખરે શંકરસિંહે શક્તિદળને વિસર્જિત કરી દેવાનો વારો આવ્યો. એટલું જ નહીં તેમણે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષપદેથી પણ રાજીનામું આપવું પડ્યું.

જગત શુક્લ કહે છે, “જેવી તેમણે શક્તિદળના જવાનોની કૂચ કરીને તાકાત દેખાડવાનો પ્રયત્ન કર્યો એટલે તેમનું રાજીનામું લઈ લેવાયું.”

જાણકારો એમ પણ કહે છે કે આ વિરોધીઓને કૉંગ્રેસના તત્કાલીન દિગ્ગજ નેતા અહમદ પટેલનું પણ સમર્થન હતું.

રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “શંકરસિંહે પોતાનું વજુદ ઊભું કરવા માટે શક્તિદળ બનાવ્યું હતું, તેથી કૉંગ્રેસની નારાજગી વહોરી. કૉંગ્રેસ હોંશિયાર હતી તે આવું ન કરવા દે. કૉંગ્રેસમાં સ્પર્ધા ઘણી છે.”

શંકરસિંહ વાઘેલાના એક સમયના પર્સનલ આસિસ્ટન્ટ હર્ષદ બ્રહ્મભટ્ટ કહે છે, “અહમદ પટેલ અને અમરસિંહ ચૌધરી એમ બંને જૂથને તેમનાથી વાંધો હતો. શક્તિદળના બહાને બાપૂએ હજારો કાર્યકર્તાઓને ભેગા કર્યા તેથી કૉંગ્રેસના પેટમાં તેલ રેડાયું.”

વરિષ્ઠ પત્રકાર દિનેશ અનાજવાલા બીબીસી ગુજરાતીને કહે છે, “બાપૂ સત્તાના કેન્દ્રમાં રહેવા માગતા હતા અને કૉંગ્રેસ તે સ્વીકારે નહીં. શક્તિદળ એ બાપૂનું શક્તિપ્રદર્શનનો જ એક ભાગ હતો તેથી અહમદ પટેલ અને અમરસિંહ ચૌધરી વિરોધમાં આવ્યા.”

રાજકીય વિશ્લેષક શિરીષ કાશિકર કહે છે, “શક્તિદળની રચના એ શંકરસિંહ વાઘેલાનો કોઈ અનોખો પ્રયાસ નહોતો. એ અગાઉ પણ કૉંગ્રેસમાં યુવાપાંખ, એનએસયુઆઈ, સેવાદળ સહિતનાં સંગઠનો સક્રિય હતાં જ. હા એવું કહી શકાય કે સંગઠનને વધુ યુવા લોહી મળે અને એની સક્રિયતા જળવાઈ રહે એટલા માટે એ પેટા સંગઠન બનેલું.”

શંકરસિંહના એક સમયના સાથી કિશોરસિંહ સોલંકી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “કૉંગ્રેસના નેતાઓને લાગ્યું કે શંકરસિંહ પાર્ટીને ગળી જશે તેથી તેમણે રમત રમી.”

જોકે કૉંગ્રેસ કહે છે કે આ વિચારધારાનો પ્રશ્ન હતો કોઈ વ્યક્તિગત દ્વેષ નહીં.

જગત શુક્લ કહે છે, “પહેલા તેમને કહ્યું કે તેને એનજીઓ બનાવો. પણ પછી બાપૂએ જે પ્રકારે શક્તિદળના જવાનોની કૂચ કરીને તાકાત બતાવવાનો પ્રયત્ન કર્યો, તે કૉંગ્રેસ માટે અસ્વીકાર્ય હતું.”

જોકે શંકરસિંહ કહે છે કે શક્તિદળનો ઉદ્દેશ બીજો હતો. તેઓ આ વિશે જણાવે છે, “અમે નોકરી આપવામાં સફળ થયા. અમારો ઉદ્દેશ શક્તિદળમાં સામેલ થયેલા યુવાનોને તાલીમ આપવાનો હતો અને તેમની પોલીસમાં પણ ભરતી થાય તે હતો. તેમાં મહિલાઓ પણ હતી.

શક્તિદળમાં સામેલ યુવાનોને ‘દંડા’ અપાતા વિવાદ

કૉંગ્રેસને સૌથી મોટો વાંધો એ હતો કે શક્તિદળમાં સામેલ જવાનોને લાલ રંગના દંડા આપ્યા હતા.

કૉંગ્રેસ ગાંધીની અહિંસાની વિચારધારાનું ઉલ્લંઘન માનતું હતું.

શંકરસિંહ તેનો બચાવ કરતાં કહે છે, “કૉંગ્રેસના નેતાઓ કહેતા હતા કે સેવાદળને મજબૂત કરો. આ ભાજપ, સંઘ અને બજરંગદળની સામે ગાંધીજીની ફિલોસોફીમાં માનનારું સેવાદળ નહીં ચાલે. તેમની સામે આક્રમકતા જોઈએ.”

દંડાને કારણે પેદા થયેલા વિવાદ પર બોલતા તેઓ કહે છે, “તે દંડો નહોતો, બૅટન હતી. તેનો લાલ રંગ ક્રાંતિનું પ્રતિક હતો. બૅટન લોકોને મારવા માટે નહોતી, તે આક્રમકતાનું પ્રતીક હતી. જેનાથી ખોટું કરનારા લોકોને રોકી શકાય.”

વિષ્ણુ પંડ્યા કહે છે, “દંડો હોય કે તોપ હોય, તેનાથી રાષ્ટ્રવાદી થવાય તેવું નથી.”

કિશોરસિંહ સોલંકી કહે છે, “સંઘને ટક્કર આપે તેવી કૅડર ઊભી કરવાની આ કવાયત હતી જેથી ચૂંટણીમાં તેનો મહત્તમ લાભ મેળવી શકાય. આ સાથે તેમાં સામેલ યુવાનોનું શારીરિક ઘડતર થાય તેવો પ્રયત્ન થયેલો.”

શક્તિદળ સંઘને ટક્કર આપી શક્યું હોત?

કૉંગ્રેસમાં રહેતા શંકરસિંહ વાઘેલાએ શક્તિદળને વિસર્જિત કરી દેવાની ફરજ પડી. પરંતુ જ્યારે તેમણે કૉંગ્રેસ છોડી અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીનો હાથ ઝાલ્યો ત્યારે તેમણે ફરીથી શક્તિદળને જીવંત કરવાની કોશીશ કરી હતી.

શક્તિદળ જીવંત હોત તો કૉંગ્રેસને તેનો ફાયદો થયો હોત કે નહીં? આ સવાલના જવાબમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું, “તેને કારણે ભાજપને કંટ્રોલ કરી શકાયું હોત.”

જોકે જાણકારો એમ પણ કહે છે કે તેની સંઘ સાથે સરખામણી ન કરી શકાય.

વિષ્ણુ પંડ્યા કહે છે, “સંઘ આત્મનિર્ભર છે. તેની ટીમ છે. કાર્યકર્તાઓ છે. શક્તિદળ જેવા સંગઠનને ચલાવવા નાણાં જોઈએ, કાર્યકર્તાઓ જોઈએ, વિચાર જોઈએ. જ્યારે શક્તિદળના સમર્થકો ઓછા અને વિરોધીઓ વધારે હતા.”

રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રચાર પ્રમુખ (પૂર્વ પ્રવક્તા) પ્રદીપ જૈને શક્તિદળનું નામ દીધા વગર તેમના પર પ્રહાર કરતા કહે છે, “સંઘ કોઈ દ્વેષભાવના સાથે જન્મેલું સંગઠન નથી. સંઘ જેવા કામ કરે તેમાં સંઘને કોઈ વાંધો ન હોઈ શકે પણ સ્વાર્થ અને દ્વેષભાવના સાથે શરૂ થયેલું સંગઠન ક્યારેય સફળ થતું નથી.”

શિરીષ કાશીકર કહે છે, “સંઘનું સંગઠન અને તેના ઉદ્દેશો સમાજલક્ષી છે. તેનું મોડેલ પણ ગ્રાસરૂટ સાથે એ જોડાયેલો છે. સમવૈચારિક લોકોને એકઠા કરવા માટેની પદ્ધતિ કદાચ શક્તિદળે અપનાવેલી પણ તેમાં કોઈ સામ્ય નહોતું. તે કદાચ લાંબો સમય રહ્યું હોત તો કૉંગ્રેસને ફાયદો જરૂર મળ્યો હોત પણ કૉંગ્રેસમાં શંકરસિંહની સ્વીકૃતિના અભાવે આખી યોજના પડી ભાંગી.”

હર્ષદ બ્રહ્મભટ્ટ કહે છે, “કૉંગ્રેસે પોતાના પગ પર કુહાડો માર્યો, બાપૂ સાથેની ઇર્ષ્યામાં આમ કર્યું.”

જોકે કૉંગ્રેસ આ પ્રકારના આરોપોને નકારે છે. જગત શુક્લ કહે છે, “બાપૂને કહેવામાં આવ્યું કે કૉંગ્રેસમાં સેવાદળ આ માટે છે તેને વિસ્તૃત કરો. પરંતુ તેમને તેમની તાકાત દેખાડવી હતી. તેમને એમ પણ કહેવામાં આવ્યું કે તેને એક એનજીઓ તરીકે વિકસાવો કૉંગ્રેસના ભાગ તરીકે નહીં.”