ગુજરાત : ધર્મરથ શું છે અને ક્ષત્રિયો ધર્મરથ કેમ કાઢી રહ્યા છે?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદન બાદ ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ છે.

તો બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ અને ઉમેદવાર સી. આર. પાટીલે ફરી એક વાર ક્ષત્રિય સમાજને 'મોટું મન રાખવા' અપીલ કરી છે.

જોકે ક્ષત્રિય સમાજ નમતું જોખવાના મૂડમાં નથી અને હવે તેણે ગુજરાતમાં 'ધર્મરથ'નું આયોજન કર્યું છે. રાજકોટથી ધર્મરથનું આયોજન કર્યા બાદ હવે ક્ષત્રિય સમાજનું કહેવું છે કે તેઓ અન્ય જગ્યાએ પણ આ રથને લઈ જશે અને પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ભાજપની સામે મત આપવા લોકોને અપીલ કરશે.

ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી હતી. જોકે તેમની ભાજપે ટિકિટ રદ કરી નથી. આથી ક્ષત્રિય સમાજે આ વિવાદના ભાગ-2નું એલાન કરીને નવી રણનીતિ ઘડી છે.

ગુજરાતમાં સાતમી મેના રોજ મતદાન થવાનું છે અને ચાર જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ આવશે. રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે અને કૉંગ્રેસ નેતાઓ પણ પોતાના પ્રચારમાં રૂપાલાના નિવેદનને ટાંકી રહ્યા છે.

ભાજપ સામે ક્ષત્રિય સમાજનું આંદોલન શું છે?

રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ 19 એપ્રિલે અમદાવાદ ખાતે મળેલી બેઠક બાદ ગુજરાતની દરેક બેઠક પર ભાજપનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે.

આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે ગુજરાતનાં ગામડાંમાં સભાઓ કરીને ભાજપની વિરુદ્ધ મતદાન કરાવવા માટે સમાજનો લોકોને આહ્વાન કરવા માટે પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત સમાજની મહિલાઓ દરેક જિલ્લાઓમાં એક દિવસનો પ્રતીક ઉપવાસ કરશે.

સંકલન સમિતિએ 22 એપ્રિલથી ગુજરાતના પાંચ ઝોનમાં અલગ-અલગ ધાર્મિકસ્થળો પરથી ધર્મરથ કાઢીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે લોકોને જાગૃત કરવાની પણ વાત કરી છે.

ધર્મરથ બાદ વિવિધ જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા જાહેરસભા કરીને ભાજપ સામે વોટ આપવાની નાગરિકોને અપીલ કરવામાં આવશે.

આ પહેલાં ક્ષત્રિય સમાજના આગેવાનોને મનાવવા માટે સાબરકાંઠામાં બેઠક રાખવામાં આવી હતી. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા, પણ બેઠકમાં કોઈ સમાધાન નીકળ્યું નહોતું.

ક્ષત્રિય આગેવાન ક્રિપાલસિંહ ઝાલા બીબીસી સાથે વાત કરતાં કહે છે, "ગુજરાત રાજ્યમાં 75 લાખથી વધુ ક્ષત્રિયોની વોટબૅન્ક છે. તેમજ અત્યાર સુધી 80 ટકા ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો. આથી અમને વિશ્વાસ હતો કે ભારતીય જનતા પાર્ટી અમારી વાત સમજશે અને ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે વારંવાર અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતુ, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ અમને નિરાશ કર્યા છે."

તેમનું કહેવું છે કે હવે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવા માટે અમે ગામડેગામડે ધર્મરથ કાઢી રહ્યા છીએ. દરેક ગામોમાં અમારા રથને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

'ગામે ગામે જઈને ભાજપને હરાવવા અપીલ'

ક્ષત્રિય આગેવાન ક્રિપાલસિંહ ઝાલાએ જણાવ્યું, "ધર્મરથ નામ રાખવા પાછળનો ઉદ્દેશ એ છે કે આ રથ કોઈ પાર્ટી કે સમાજ માટે નહીં, પરંતુ અસ્મિતા માટેનો છે. જે માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં પરંતુ અઢારેય વર્ણના લોકો આ અસ્મિતાની લડાઈમાં સાથે છે. આ અહંકાર સામેની લડાઈ છે. જિલ્લા અને તાલુકા લેવલ પર પણ લોકો સ્વયંભૂ પણ રથ કાઢી રહ્યા છે. આ રથ દ્વારા 26 લોકસભાની બેઠકોને કવર કરવામાં આવશે. અમારો વિરોધ પરશોત્તમ રૂપાલા સામે છે, કોઈ સમાજ જ સામે નથી."

તેમણે વધુમાં જણાવ્યું, "અમે ગામેગામ જઈને ખુલ્લેઆમ અપીલ કરીએ છીએ કે 'અહંકારી ભાજપ'ને હઠાવો. આજે અમારી વાત નથી સાંભળતા, કાલે તમારી વાત પણ નહીં સાંભળે. અમે દરેક સમાજને અમારા આ લડાઈમાં સાથે રાખીને ચાલીએ છીએ. અમારા કાર્યક્રમો મતદાન સુધી ચાલશે. અમારી લડાઈ અમારા કોઈ નેતાને ટિકિટ લેવા માટેની નથી કે કોઈને નેતા બનાવવાની નથી. પરંતુ અમારી સ્વાભિમાનની લડાઈ છે. અમે કોઈ રાજકીય હાથા બન્યા નથી, પરંતુ અમારી બહેનોનો સાથ આપનાર જવતલિયા પરેશ ધાનાણીને જીતાડવા માટેનો પ્રચાર કરી રહ્યા છીએ. દરેક રથને ધાર્મિક સ્થાન પર જ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. "

ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "આ લડાઈ એ મહિલાઓની અસ્મિતાની લડાઈ છે. કોઈ જાતિ કે જ્ઞાતિની લડાઈ નથી. અમે મહિલાઓની અસ્મિતા માટે ધર્મરથ લઈને નીકળ્યા છીએ. અમને દરેક જ્ઞાતિ અને જાતિના લોકો દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. અમે 5 તારીખ સાંજ સુધી લોકોને અપીલ કરીશું. અમારી મોટી સભાઓ પણ થવાની છે."

તેમણે કહ્યું કે 27 એપ્રિલે મહેસાણા, 28 એપ્રિલે દક્ષિણ ગુજરાતની સંસ્થાઓની સભા, 1 મે 2024ના દિવસે ખેડા-આણંદની સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

તેઓ વધુમાં જણાવે છે, "આજે અમને આદિજાતિના ભાઈઓ, મુસ્લિમ ભાઈઓ, ખત્રી સમાજના ભાઈઓ એમ દરેક સમાજના લોકો દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા મહિલાઓનું અપમાન કરનાર પરશોત્તમ રૂપાલાને હઠાવવાની વાત કરવામાં આવી હતી, પરંતુ ભાજપ દ્વારા આ માગણી માનવામાં આવી ન હતી. જેથી મહિલાઓની અસ્મિતા જાળવવા અમે લોકશાહીમાં સંયમથી, શિસ્તથી તેમજ કાયદાનું પાલન કરીને આંદોલન કરી રહ્યા છીએ. કિરીટ પટેલ દ્વારા પણ તાજેતરમાં મહિલાઓ અને દિવ્યાંગોનું પણ અપમાન કરવામાં આવ્યું છે. અમે પ્રજાને અપીલ કરીએ છીએ કે મહિલાઓનું અપમાન કરનાર ભાજપને મત ન આપે."

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે શું કહ્યું?

ગુરુવારે મીડિયા સાથેની વાતચીતમાં પાટીલે કહ્યું કે "પરશોત્તમ રૂપાલાના નિવેદનને કારણે આખા ગુજરાતમાં રોષનું વાતાવરણ છે. તેમને ઠેસ પહોંચી છે. આજે દક્ષિણ ગુજરાતના લગભગ 108 આગેવાનો આવ્યા છે, તેમણે રાજકોટના સંમેલનમાં પણ હાજરી આપી હતી. એમનું સ્પષ્ટ માનવું છે કે આ રોષ તેમનો રૂપાલાસાહેબ સામે છે."

"એમને વડા પ્રધાન મોદી સામે કોઈ પણ વાંધો નથી. આજે એ લોકો સામેથી આવ્યા છે. એમણે કહ્યું કે એમનો જે વિરોધ છે, જે રોષ છે એ એમના (પરશોત્તમ રૂપાલા) પૂરતો મર્યાદિત રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું."

એમણે ક્ષત્રિય સમાજને વિનંતી કરી છે કે "તમારી લાગણી ઘવાઈ છે, એમાં કોઈ બેમત નથી. પણ તમારી ક્ષમા આપવાની જે તાકાત છે, એનો પરચો ફરીથી આપીને દરગુજર કરીને મોદીસાહેબના નેતૃત્વમાં આગળ વધીએ એવી વિનંતી કરું છું."

તો અગાઉ પણ પરશોત્તમ રૂપાલા તેમના નિવેદન બદલ ક્ષત્રિય સમાજની માફી માગી ચૂક્યા છે અને ભાજપને સમર્થન આપવાની અપીલ કરી ચૂક્યા છે.

પરશોત્તમ રૂપાલાનો વિવાદ શું છે?

ભાજપ દ્વારા રાજકોટના વર્તમાન સાંસદ મોહન કુંડારિયાને પડતા મૂકી કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલાને ટિકિટ અપાઈ હતી.

ઉમેદવારી બાદ પોતાના પ્રચારમાં જોતરાયેલા રૂપાલાએ 24 માર્ચના રોજ રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ‘રાજા-રજવાડાં’ વિરુદ્ધ કથિતપણે વિવાદિત નિવેદન આપ્યું હતું.

આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. વિવાદ વધતાં પરશોત્તમ રૂપાલા, સી. આર. પાટીલ સહિતના ભાજપના મોટા નેતાઓ પણ જાહેરમાં માફી માગી ચૂક્યા છે. પરંતુ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આ માફી ‘અસ્વીકાર્ય’ ગણાવી રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ ચાલુ રાખી હતી.

ક્ષત્રિય સમાજ દ્વારા 14 એપ્રિલના દિવસે રતનપુર ખાતે મોટી જાહેર સભા કરાઈ હતી અને તમામ આગેવાનોએ એક સૂરે રૂપાલાની ટિકિટ કાપવાની માગ કરી હતી.

દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા 16 એપ્રિલના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જાહેરનામા અનુસાર, "લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રચારપ્રસારની રેલી, સભા, સરઘસ દરમિયાન કોઈએ કાળા વાવટા ફરકાવવા નહીં કે ઉશ્કેરણીજનક બેનર/પ્લે કાર્ડ વગેરે બતાવવાં નહીં અથવા કોઈ વિરુદ્ધમાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવા નહીં."

આ જાહેરનામાના વિરોધમાં ક્ષત્રિય સમાજના આગેવાનોમાંથી એક આગેવાન હાઈકોર્ટમાં ગયા છે. તેમણે સરકારે ચૂંટણીટાણે લગાવેલી 144મી કલમનો પણ વિરોધ કર્યો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર કરણી સેનાના ભૂતપૂર્વ કન્વીનર અર્જુનસિંહ ગોહિલે પોલીસ કમિશનરના આ જાહેરનામા સામે પિટિશન દાખલ કરી છે.

અહીં ઉલ્લેખનીય છે કે ક્ષત્રિયો ભાજપના મંત્રી પરશોત્તમ રૂપાલાનો કાળા વાવટા ફરકાવીને અનેક જગ્યાએ વિરોધ કરી રહ્યા હતા.

ક્ષત્રિય સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે તેમના વિરોધના પગલે અમદાવાદ પોલીસે આ ‘જાહેરનામું’ બહાર પાડ્યું છે. જ્યારે પોલીસનું કહેવું છે કે આ જાહેરનામું ‘સ્વતંત્ર નિર્ણય’ છે અને એ કોઈ ‘આંદોલનને ધ્યાને રાખીને’ બહાર પડાયું નથી.