ઈવીએમ-વીવીપૅટ વેરિફિકેશન મુદ્દે સુપ્રીમ કોર્ટે બધી અરજી ફગાવીને શું કહ્યું?

ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમ અને વોટર વેરિફિયેબિલ પેપર ઑડિટ ટ્રેલ એટલે વીવીપૅટ સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે બધી અરજી ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે બૅલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અને વીવીપૅટ સાથે 100 ટકા મેળાપ કરવાની કરવાની અરજી પણ ફગાવી દીધી છે.

જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું, "અમે બે નિર્દેશ જાહેર કર્યા છે. પહેલો એ કે સિંબલના લોડ હોવાની પ્રક્રિયા પૂરી થયા બાદ તે યુનિટને સીલ કરાય. સિંબલ સ્ટોર યુનિટને કમસે કમ 45 દિવસ માટે રાખવામાં આવે."

વીવીપીએટી સ્લિપ પર પાર્ટીનું ચૂંટણીચિહ્ન અને ઉમેદવારનું નામ છાપવા માટે સિંબલ લોડિંગ યુનિટનો ઉપયોગ થાય છે.

ગત વર્ષે ચૂંટણીપંચે ચૂંટણીપ્રક્રિયામાં પારદર્શિતા વધારવા માટે એક નવી સુવિધાનું એલાન કર્યું હતું. જે હેઠળ પેપર ટ્રેલ મશીનો પર સિંબલ લોડ કરવાની પ્રક્રિયામાં એક વિઝ્યુલ ડિસ્પ્લે જોડવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવાતા કહ્યું કે લોકતંત્ર સામંજસ્ય બનાવવા માટે હોય છે અને આંખ બંધ કરીને ચૂંટણીપ્રક્રિયા પર ભરોસો ન કરવાથી કારણ વિના શંકા પેદા થઈ શકે છે.

કોર્ટના આ નિર્ણય બાદ વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું, "અમારા લોકોનું એ કહેવું હતું કે આ ઈવીએમ જે છે, તેમાં એક એવી મેમરી હોય છે, જેનાથી ચેડાં થઈ શકે છે. આથી એ જરૂરી છે કે વીવીપૅટની તપાસ કરવી જોઈએ. જે સ્લિપ નીકળે છે તેને બૅલેટ બૉક્સમાં નાખીને મેળ બેસાડવો જોઈએ."

ભૂષણે કહ્યું, "સુપ્રીમ કોર્ટે અમારી અરજીઓ ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણીપંચ તપાસ કરે, બધાં બૅલેટ પેપર પર આપણે બાર કોડ નાખી દઈએ તો તેની મશીનથી ગણતરી થઈ શકે છે કે નહીં."

અગાઉ સુપ્રીમ કોર્ટે ઈવીએમના માધ્યમથી નાખેલા બધા મતોને વીવીપૅટ સાથે મેળ કરવાનો આગ્રહ કરતી અરજીઓ પર બુધવારે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, કોર્ટે ચૂંટણીપંચની સામે ઉઠાવેલા તમામ સવાલોના જવાબનું સંજ્ઞાન લીધા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું હતું કે કેટલાક વિષયો પર સ્પષ્ટીકરણ જરૂરી છે, કેમ કે ઈવીએમ અંગે વારંવાર પુછાતા જે સવાલોના જવાબ પંચ તરફથી અપાયા છે, તેમાં કેટલુંક સ્પષ્ટ નથી.

ન્યૂઝ એજન્સી અનુસાર, બૅન્ચે ચૂંટણીપંચના અધિકારીને ઈવીએમના કામ સંબંધિત પાંચ સવાલ પૂછ્યા હતા.

ભારતમાં ચૂંટણી અને ઈવીએમ પર ઊઠતા સવાલો

ઈવીએમ ભારતમાં ચૂંટણીપ્રક્રિયાનું સૌથી મહત્ત્વનું અંગ બની ગયું છે.

ભારતની લોકતાંત્રિક પ્રણાલીમાં તેનું મહત્ત્વ એ વાતથી સમજી શકાય કે અંદાજે બે દશકથી દરેક સંસદીય અને વિધાનસભા ચૂંટણીમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે.

પોતાનાં 45 વર્ષના ઇતિહાસમાં ઈવીએમને શંકાઓ, ટીકાઓ અને આરોપોનો પણ સામનો કરવો પડ્યો છે, પરંતુ ચૂંટણીપંચનું કહેવું છે કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે ઈવીએમ બહુ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.

ઈવીએમમાં ગરબડ કે તેના માધ્યમથી ગોટાળાઓ સંબંધિત ચિંતાઓને દૂર કરવા માટે ચૂંટણીપંચે સમયાંતરે અનેક પ્રયાસો પણ કર્યા છે.

ઈવીએમ મતપત્રકથી કેવી રીતે અલગ છે?

ઈવીએમનો અર્થ છે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન. સામાન્ય બૅટરી પર ચાલતું એક એવું મશીન, જે મતદાન દરમિયાન નાખેલા મતોને નોંધે છે અને મતની ગણતરી પણ કરે છે.

આ મશીન ત્રણ રીતે બનેલું છે. એક હોય છે કંટ્રોલ યુનિટ (સીયુ), બીજું બૅલેટિંગ યુનિટ (બીયુ). આ બંને મશીન પાંચ મીટર લાંબા એક તારથી જોડાયેલું હોય છે. ત્રીજો ભાગ છે- વીવીપૅટ.

બૅલેટિંગ યુનિટ એ ભાગ હોય છે, જેને વોટિંગ કમ્પાર્ટમેન્ટની અંદર રાખવામાં આવે છે અને બૅલેટિંગ યુનિટને પોલિંગ ઑફિસરની પાસે રાખવામાં આવે છે.

ઈવીએમથી અગાઉ જ્યારે બૅલેટ પેપર એટલે કેમ મતપત્રથી મતદાન થતું હતું ત્યારે મતદાન અધિકારી મતદાતાને કાગળનું મતપત્ર આપતા હતા. પછી મતદાતા કમ્પાર્ટમેન્ટ જઈને પોતાના પસંદગીના ઉમેદવારની સામે મહોર મારતા હતા. પછી આ મતપત્રક મતપેટીમાં નાખી દેવાતું હતું.

હવે મતદાન અધિકારી કંટ્રોલ યુનિટ પર 'બૅલેટ' બટન દબાવે છે, ત્યાર બાદ મતદાતા બૅલેટિંગ યુનિટ પર પોતાના પસંદગીના ઉમેદવારની સામે નીલુ (બ્લ્યુ) બટન દબાવીને પોતાનો મત આપે છે.

આ મત કંટ્રોલ યુનિટમાં નોંધાઈ જાય છે. આ યુનિટ 2000 મત નોંધી શકે છે. મતદાન પૂરું થયા બાદ મતગણતરી આ જ યુનિટના માધ્યમથી થાય છે.

એક બૅલેટિંગ યુનિટમાં 16 ઉમેદવારનાં નામ નોંધાઈ શકે છે.

જો ઉમેદવાર વધુ હોય તો વધુ બૅલેટિંગ યુનિટ્સનો કંટ્રોલ યુનિટ સાથે જોડવામાં આવે છે.

ચૂંટણીપંચ અનુસાર, આવા 24 બૅલેટિંગ યુનિટને એક સાથે જોડી શકાય છે, જેનાથી નોટા સમેત મહત્તમ 384 ઉમેદવારો માટે મતદાન કરાવી શકાય છે.

ભારતના ચૂંટણીપંચ અનુસાર, ઈવીએમ બહુ જ ઉપયોગી છે અને આ પેપર બૅલેટ એટલે કે મતપત્રોની તુલનામાં સટીક પણ હોય છે, કેમ કે તેમાં ખોટો કે અસ્પષ્ટ મત નાખવાની સંભાવના ખતમ થઈ જાય છે.

તેનાથી મતદારોને મત આપવામાં સરળતા રહે છે અને ચૂંટણીપંચને ગણતરીમાં. અગાઉ યોગ્ય જગ્યાએ મત ન પડતા મત રદ થઈ જતો હતો, પણ એવું નથી.

ચૂંટણીપંચ કહે છે કે તેના ઉપયોગ માટે મતદારોને તકનીકનું જ્ઞાન હોવું જરૂરી નથી. નિરક્ષર મતદારો માટે તો તેને વધુ સુવિધાજનક બતાવાય છે.