You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
24 કલાકમાં સુરતમાં એવું તો શું બન્યું કે મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા?
- લેેખક, શીતલ પટેલ, ઋષિ બેનરજી અને રૂપેશ સોનવણે
- પદ, સુરતથી બીબીસી ગુજરાતી માટે
સુરત લોકસભા બેઠકના સાત દાયકાના ઇતિહાસમાં 22મી એપ્રિલે પ્રથમ વખત એવી ઘટના બની કે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ લોકસભાની ચૂંટણી માટે મતદાન થાય તે પહેલાં જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા.
સમગ્ર પ્રકરણમાં ભાજપ અને કૉંગ્રેસના નેતાઓ એક બીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. કૉંગ્રેસ કહે છે કે ભાજપે લોકશાહીનું ખૂન કર્યું છે તો ભાજપ કહે છે કે કૉંગ્રેસના ઉમેદવારના ટેકેદારો જ સોગંદનામું આપીને કહેતા હોય કે ઉમેદવારીપત્રકમાં તેમની સહી ખોટી છે અને તેમનું ફૉર્મ રદ થાય તેમાં ભાજપનો શો વાંક?
આ સમગ્ર મામલે હવે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ સ્વીકાર્યું છે કે ભાજપે અપક્ષ ઉમેદવારોનો ફૉર્મ પરત ખેંચી લેવા માટે સંપર્ક સાધ્યો હતો.
સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ બીબીસી ગુજરાતીને કહ્યું છે કે જ્યારે ખબર પડી કે કૉંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં ખામી છે તો તેમના પક્ષના નેતાઓ સક્રિય થઈ ગયા હતા.
સુરતમાં કુલ 15 ઉમેદવારીપત્રકો ભરવામાં આવ્યાં હતાં. તે પૈકી કૉંગ્રેસના નીલેશ કુંભાણી સહિતનાં 6 ફૉર્મ રદ થયાં હતાં. આમ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સિવાયના કુલ આઠ ઉમેદવારોનાં ફૉર્મ બાકી રહ્યાં હતાં પરંતુ આ આઠેય ઉમેદવારોએ પણ તેમનાં ફૉર્મ પરત ખેંચી લીધાં હતાં અને પરિણામે મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા. હવે નીલેશ કુંભાણી સહિતના સાત ઉમેદવારો સંપર્કવિહોણા થઈ ગયા છે.
કૉંગ્રેસનો આરોપ છે કે ભાજપના ઇશારે જ આખી ઘટના બની છે, જ્યારે ભાજપે આ વાતને નકારી દીધી છે.
નીલેશ કુંભાણી મામલે ખરેખર શું થયું?
કૉંગ્રેસ નેતા અને નવસારી બેઠક માટે કૉંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે, "ભાજપે સુરતની મેરેડિયન હોટલમાં લઈ જઈ તમામ સાત અપક્ષ ઉમેદવારોની પાસેથી ફૉર્મ પરત ખેંચાવી લીધાં હતાં. બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ભારતી તેમની સંપર્કની બહાર હતા તેથી ભાજપે તેમની પાછળ સત્તાનો દુરુપયોગ કરીને ક્રાઇમબ્રાંચની પોલીસ લગાડી હતી. પોલીસે તેમને મધ્ય પ્રદેશથી ઝડપી પાડ્યા અને પછી તેમનું ફૉર્મ પણ પરત ખેંચાવી લેવાયું હતું."
જોકે ભાજપે તમામ આરોપો નકાર્યા છે. ભાજપનું કહેવું છે કે મુકેશ દલાલ નિયમ પ્રમાણે જીત્યા છે અને પક્ષ પર જે પ્રકારના આરોપો કરવામાં આવી રહ્યા છે તેમાં કોઈ તથ્ય નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી કે જેમનું ફૉર્મ રદ થયું હતું તેઓ ગાયબ થઈ ગયા હોવાનું કહેવાઈ રહ્યું છે. સુરતમાં જાણકારોનું કહેવું છે કે તેમનો કોઈ પત્તો નથી. તેમના ઘરે તાળું જોવા મળે છે. કૉંગ્રેસના નેતાઓને પણ ખબર નથી કે કુંભાણી ક્યાં છે. બીજી તરફ કૉંગ્રેસના કાર્યકર્તાઓએ કુંભાણીના ઘરની બહાર પ્રદર્શન કર્યું અને તેમની ઘરની બહાર ગદ્દારનું પોસ્ટર લગાવ્યું. પોલીસે આ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
છેલ્લે 21 તારીખે સવારના સમયે નીલેશ કુંભાણી કલેક્ટર કચેરી પર સુનાવણી માટે આવ્યા હતા જ્યાં તેમની સાથે કેટલાક કૉંગ્રેસ નેતાઓ પણ પહોંચ્યા હતા. થોડા સમયમાં જ કુંભાણી બેઠકમાંથી નીકળી ગયા હતા ત્યાર બાદ તેમનો કોઈ પત્તો નથી. કૉંગ્રેસના નેતાઓ પણ કહી રહ્યા છે કે તેમની સાથે તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કૉંગ્રેસ નેતા અસલમ સાઇકલવાલાએ જણાવ્યું, "21 તારીખે બપોરે સાડા બાર વાગ્યે મારી નીલેશ કુંભાણી સાથે ફોન પર વાતચીત થઈ હતી ત્યારે કુંભાણીએ મને કહ્યું હતું કે મારા પર બહુ દબાણ છે અને હું કંઈ કહું એ સ્થિતિમાં નથી. આટલું કહ્યા બાદ તેમણે ફોન કાપી નાખ્યો હતો. ત્યાર બાદ મારી તેમની સાથે કોઈ વાતચીત થઈ નથી."
ફૉર્મ રદ થવા મામલે અસલમ સાઇકલવાલાએ જણાવ્યું, "કુંભાણીના ત્રણ ટેકેદારો વિશે પક્ષને કોઈ જ માહિતી નહોતી. ટેકેદારો કુંભાણીએ જાતે જ નક્કી કર્યા હતા. છેલ્લે પાર્ટીને તેમના નામની જાણ થઈ."
તેમણે કુંભાણી પર આરોપ લગાવતા કહ્યું, "લાગે છે કે બધું પૂર્વનિયોજીત કાવતરું હતું. તેને કારણે તેઓ હાલ પોતાનો ચહેરો લોકોને બતાવી શકતા નથી."
ક્યાં છે કુંભાણી?
નીલેશ કુંભાણી સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સ્વસ્તિક ટાવરમાં રહે છે. બીબીસી ગુજરાતીની ટીમ જ્યારે કુંભાણીના ઘરે પહોંચી તો ત્યાં તાળુ હતું અને પોલીસ બંદોબસ્ત હતો. પોલીસે જણાવ્યું કે તેમના ઘરે હાલ કોઈ હાજર નથી.
અસલમ સાઇકલવાલાએ બીબીસીને તેઓ ક્યાં છે તે વિશે અંદાજો લગાવતા કહ્યું, "અમને માહિતી મળી છે કે કુંભાણી હાલ પરિવાર સાથે ગોવામાં છે. અમે સતત તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ થઈ શકતો નથી."
કૉંગ્રેસ નેતા નૈષધ દેસાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "કુંભાણીનું ફૉર્મ રદ થવા મામલે અમે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાના છીએ પરંતુ તેઓ સંપર્કમાં નથી. તેમણે અમને હજુ એફિડેવિટની કૉપી આપી નથી. જેને કારણે અમે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી શક્યા નથી. જે પ્રકારે કુંભાણીએ એફિડેવિટની કૉપી આપી નથી તે જોતાં તેમની ભૂમિકા પણ શંકાસ્પદ લાગે છે."
ફૉર્મમાં ટેકેદારોની સહી બોગસ છે તેની ખબર કેવી રીતે પડી?
અટકળો ચાલે છે કે કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે પરંતુ આ વિશે ભાજપને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ અટકળો પર મૌન રહેવાનું મુનાસિબ માન્યું હતું.
આ સમગ્ર મામલામાં ભાજપે શું કર્યું?
સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "ભાજપને જ્યારે ખબર પડી કે નીલેશ કુંભાણીના ફૉર્મમાં ખામી છે એટલે પક્ષના નેતાઓ સક્રિય થઈ ગયા હતા. અમે કલેક્ટરને એફિડેવિટ આપી કે કુંભાણીના ફૉર્મમાં જે ટેકેદારોની સહી છે તે બોગસ છે તેથી તેમની ઉમેદવારી રદ કરવામાં આવે. અમને તો તક મળી અને ઝડપી લીધી. કુંભાણીના ટેકેદારોએ સામેથી અરજી કરી હતી. આખા મામલામાં ભાજપની કોઈ ભૂમિકા નથી."
જોકે કુંભાણીના વકીલ ઝમીર શેખ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, "એક તબક્કે માની લઈએ કે સહી નકલી છે તો પણ ટેકેદારોને કેવી રીતે ખબર પડી કે તેમની સહી ઉમેદવારી ફૉર્મમાં છે. આ બધી ગોઠવણ થયેલી છે."
"19મી તારીખે જ્યારે ફૉર્મ ચકાસણી થઈ રહી હતી તે સમયે ભાજપના ચૂંટણી એજન્ટે વાંધો ઉઠાવ્યો. તે પહેલાં જો ટેકેદારો કલેક્ટરને એફિડેવિટ આપીને કહી ગયા હોય કે તેમની સહી બોગસ છે તો પણ ભાજપને તે કેવી રીતે ખબર પડી."
કૉંગ્રેસના નેતાની ઉમેદવારી રદ થયા બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે અપક્ષ ઉમેદવારો અને બસપાના ઉમેદવાર હતા. જોકે, આ તમામે પણ છેલ્લા દિવસે ફૉર્મ પરત ખેંચી લીધાં હતાં.
આ મામલે 23મી એપ્રિલના રોજ એક પ્રેસ કૉન્ફરન્સમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ જ્યારે વિનોદ તાવડેએ સ્વીકાર્યું કે કૉંગ્રેસના ઉમેદવારનું ફૉર્મ રદ થયા બાદ ભાજપે અપક્ષ અને બીજા ઉમેદવારોને સંપર્ક કર્યો હતો અને તેમને ફૉર્મ પરત ખેંચી લેવા માટે કહ્યું હતું.
તેમને જ્યારે સુરતમાં કૉંગ્રેસના ઉમેદવારનું ફૉર્મ રદ થવા મામલે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું ભાજપ નીચલી કક્ષાનું રાજકારણ રમે છે? ત્યારે વિનોદ તાવડેએ કહ્યું, "વિરોધી ઉમેદવારે ફૉર્મ ખોટું ભર્યું છે તો તેનો વાંધો ઉઠાવવો એ કોઈ રાજનીતિનું નીચું સ્તર નથી. અમે અપક્ષ ઉમેદવારોને વિનંતી કરી અને તેમણે ફૉર્મ પરત ખેંચ્યું તો તે સ્તર નીચું નથી."
પત્રકારે જ્યારે તેમને પ્રશ્ન પૂછ્યો કે શું તમામ હરીફ ઉમેદવારોને ફૉર્મ પરત કરવા માટે સંપર્ક કર્યો હતો? તો જવાબમાં વિનોદ તાવડેએ કહ્યું, "હા અમે તમામ ઉમેદવારોનો ફૉર્મ પરત કરવા માટે સંપર્ક કર્યો હતો અને તેઓ ફૉર્મ ભરે તે પહેલાં પણ તેમને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો."
તેમણે એમ પણ કહ્યું, "ભાજપ ચૂંટણી જીતવા માટે લડે છે અને તે પણ ચૂંટણીપંચના નિયમો પ્રમાણે."
અન્ય આઠ ઉમેદવારોએ જ્યારે ફૉર્મ પરત ખેંચ્યાં
નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ થયું પછી અન્ય ઉમેદવારોની ભૂમિકા મહત્ત્વની બની ગઈ હતી. આઠ પૈકી સાત ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. પરંતુ બસપાના ઉમેદવાર પ્યારેલાલ ભારતીની ઉમેદવારી પરત ખેંચવામાં નહોતી આવી.
નવસારી બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ આ વિશે જણાવ્યું, "અમે બસપાના અશ્વિન બારોટ, સુરેશ સોનવણે સાથે ફોન પર વાતચીત કરી. કૉંગ્રેસ પ્યારેલાલને ટેકો આપવા રાજી થઈ ગઈ. અમે ઉમેદવારને ગુજરાત બહાર લઈ જવા કહ્યું. પરંતુ અચાનક સોમવારે બપોરે બે વાગ્યે ઉમેદવારીપત્રક પરત ખેંચી લેતા સુરતમાં ચૂંટણી યોજાવાની આશા પર પાણી ફરી વળ્યું હતું."
બીજીતરફ બસપાના સુરત જિલ્લાના પ્રમુખ સતિષ સોનવણેએ જણાવ્યું, નસુરતમાં છેલ્લા બે દિવસથી જે પ્રકારનો ઘટનાક્રમ જોયો તેનાથી અમને અંદાજો આવી ગયો હતો. અમને ખબર પડી ગઈ હતી કે અમારા ઉમેદવાર પર દબાણ આવશે. અમે પ્યારેલાલને અંડરગ્રાઉન્ડ કરી દીધા."
"તેઓ અમારા સંપર્કમાં હતા. પરંતુ સોમવારે તેઓ સંપર્કવિહોણા થઈ ગયા. અમે તેમને શોધવા લાગ્યા પણ મીડિયાના માધ્યમથી ખબર પડી કે પ્યારેલાલ કલેક્ટર કચેરી પહોંચી ગયા છે અને તેમણે ઉમેદવારીપત્રક પરત ખેંચ્યું છે. અમે ત્યાં ગયા પરંતુ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા અને ત્યારથી તેમનો સંપર્ક નથી."
બીબીસી ગુજરાતીએ પ્યારેલાલ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી.
અમે વધુ એક અપક્ષ ઉમેદવાર રમેશ બારૈયાનો સંપર્ક સાધ્યો. રમેશ બારૈયાએ કહ્યું, "મેં કૉંગ્રેસના નેતાને વાત કરી કે મને તમે ટેકો આપો. પરંતુ તેમનો જવાબ જ ન આવ્યો."
"મને થયું કે ભાજપ સામે ન લડાય. ખર્ચો પણ થાય. મેં કૉંગ્રેસને આ ખર્ચાની વાત કરી પણ તેમણે મને કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. તેથી મેં ઉમેદવારી પરત ખેંચી."
જોકે અમે જ્યારે રમેશ બારૈયાને પૂછ્યું કે શું કોઈ લોભ-લાલચ કે દબાણને કારણે તેમણે ઉમેદવારી પરત ખેંચી છે? તો તેમના જવાબમાં તેમણે કહ્યું, "ના, મને કોઈ પૈસાની ઑફર નહોતી ન મને કોઈ દબાણ હતું. મેં સ્વેચ્છાએ ઉમેદવારી પરત ખેંચી છે."
ટેકેદારોની ભૂમિકા પર પણ શંકા?
નીલેશ કુંભાણીના ટેકેદારો તરીકે રમેશભાઈ બળવંતભાઈ પોલરા, જગદીશ નાગજીભાઈ સાવલિયા અને ધ્રુવિન ધીરુભાઈ ધામેલિયાએ સહીઓ કરી હતી. જગદીશ સાવલિયા નીલેશ કુંભાણીના બનેવી થાય છે. તથા ધ્રુવિન ધામેલિયા તેમના ભાણેજ અને રમેશ પોલરા તેમના ધંધાના ભાગીદાર રહ્યા છે.
આ ત્રણેય લોકો નીલેશ કુંભાણીની સૌથી અંગત વ્યક્તિઓમાંથી હોવાને કારણે એ સવાલો ઊઠી રહ્યા છે કે તેમણે શા માટે કલેક્ટર કચેરી જઈને એફિડેવિટ ફાઇલ કરી કે કુંભાણીના ઉમેદવારીપત્રકોમાં તેમની સહી ખોટી છે. આ ઘટનાક્રમ બાદ આ ટેકેદારો પણ સંપર્કવિહોણા થઈ ગયા છે.
ઝમીર શેખ આરોપ લગાવે છે, "ટેકેદારોની ભૂમિકાની સાથે કુંભાણીની ભૂમિકા પણ શંકાસ્પદ છે. બધું મેન્યુપ્યુલેટ કર્યું હોય તેવું લાગી રહ્યું છે."
કુંભાણીએ પહેલાં તો ઉમરા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ પણ લખાવી કે તેમના ટેકેદારોનું અપહરણ થયું છે પણ પછી તેઓ જ ગાયબ થઈ ગયા.
ટેકેદારોના અપહરણના આરોપ મામલે સુરત શહેરના પૂર્વ મેયર જગદીશ પટેલે કહ્યું, "ચૂંટણી હોય કે ન હોય કૉંગ્રેસના નેતાઓનું કામ ભાજપ પર આરોપ કરવાનું જ છે. બધાની હાજરીમાં ફૉર્મ ભરવામાં આવ્યાં છે."
"અચાનક એવું બન્યું કે કૉંગ્રેસના ઉમેદવારોના ટેકેદારોએ સોગંદનામું કર્યું? તેઓ એમના જ માણસો હતો. તેમનાં જ ફૉર્મ હતાં. આ બધી બાબતમાં ભાજપ ક્યાંય નથી."