સંઘ-ભાજપનું બૅકગ્રાઉન્ડ ધરાવતા એ નેતા જે નરેન્દ્ર મોદીને ચૂંટણીના મેદાનમાં પડકારી રહ્યા છે

    • લેેખક, વિક્રાંત દુબે
    • પદ, બીબીસી માટે

અજય રાયની ઓળખાણ ઉત્તર પ્રદેશના એક એવા નેતા તરીકે થાય છે જેમણે દરેક પક્ષનો હાથ પકડ્યો છે. તેઓ ચૂંટણી પણ જીત્યા અને રાજકીય પક્ષો પણ બદલતા રહ્યા.

અજય રાય હાલમાં ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ છે અને વારાણસીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કૉંગ્રેસના ઉમેદવાર છે. આ બન્ને ભૂમિકાઓમાં તેમને કેટલી સફળતા મળશે તે તો ચૂંટણીનાં પરિણામો જ બતાવશે.

જોકે, એક વાત નક્કી છે કે કૉંગ્રેસે તેમને ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ બનાવીને તેમનું રાજકીય કદ વધારી દીધુ છે. આ પદ તેમને ત્યારે મળ્યું જ્યારે રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' પછી વિપક્ષી રાજકીય પક્ષોએ કૉંગ્રેસની આગેવાનીમાં ભાજપ સામે 'ઇન્ડિયા' નામનું એક પ્લેટફૉર્મ તૈયાર કર્યું.

જોકે, ઉત્તર પ્રદેશની રાજનીતિમાં કેટલાક લોકો પૂછી રહ્યા છે કે કૉંગ્રેસે અજય રાયને ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યના અધ્યક્ષ કેમ બનાવ્યા?

વરિષ્ઠ પત્રકાર જ્ઞાનેન્દ્ર શુક્લા આ સવાલનો જવાબ આપવાની કોશિશ કરે છે. તેમના મત પ્રમાણે, “યુપીમાં પોતાની ગુમાવેલી રાજકીય જમીન પાછી મેળવવા માટે કૉંગ્રેસ સતત પ્રયોગ કરી રહી છે. આ પ્રયત્નોમાં કૉંગ્રેસને યુપીમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે એક એવા ચહેરાની જરૂર હતી જે કૉંગ્રેસને લોકો સાથે જોડી શકે.”

વડા પ્રધાન મોદી વિરુદ્ધ

શુક્લાએ કહ્યું, “અજય રાય પોતાની અલગ ઓળખ અને વ્યક્તિત્વ ધરાવે છે. તેમની ઓળખ એક લડાયક અને આક્રમક નેતાની છે. જે રાહુલ ગાંધીની વર્તમાન આક્રમક કાર્યપ્રણાલીમાં વધારે ફીટ બેસે છે. આ કારણે કૉંગ્રેસના વ્યૂહરચનાકારોને લાગ્યું કે તેમનો ચહેરો આ પદ માટે યોગ્ય રહેશે.”

જ્ઞાનેન્દ્ર શુક્લાના મત પ્રમાણે, “કૉંગ્રેસને એ વાતની ચિંતા નથી કે અજય રાય વિરુદ્ધ 16 કેસો નોંધાયેલા છે અને તેઓ હિન્દુત્વની પ્રયોગશાળામાંથી આવે છે. તેમનું બૅક ગ્રાઉન્ડ સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ભાજપનું રહ્યું છે.”

તેમણે કહ્યું, “અજય રાયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે બે વખત ચૂંટણી લડવાનું સાહસ દેખાડ્યો એટલે કૉંગ્રેસને અજય રાયમાં એ દરેક ગુણ દેખાયા જે પાર્ટીને ઉત્તર પ્રદેશની કમાન સંભાળી શકે તેવી વ્યક્તિમાં જોઈએ છે.”

આ વખતે કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સાથે મળીને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડી રહ્યાં છે. કૉંગ્રેસને 17 બેઠકો મળી છે. કેટલાક વિશ્લેષકોના મત પ્રમાણે આ સંખ્યા ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસની રાજકીય શક્તિની તુલના કરતાં ઘણી વધારે છે.

અહીં મુખ્ય સવાલ એ છે કે ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ 17 બેઠકો મેળવવામાં સફળ કઈ રીતે થઈ?

કૉંગ્રેસ – સમાજવાદી પાર્ટીનું ગઠબંધન

કેટલાક રાજકીય વિશ્લેષકો આ વાતનું શ્રેય યુપી કૉંગ્રેસના અધ્યક્ષ અજય રાયને આપે છે. જોકે એ કહેવું મુશ્કેલ છે કે બેઠકોની વાતચીતને લઈને કોની કેવી ભૂમિકા રહી હતી.

વરિષ્ઠ પત્રકાર જ્ઞાનેન્દ્ર શુકલા જણાવે છે, “કૉંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી કેટલીક વખત અજય રાયે અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું હતું. તેમણે જ્યારે અખિલેશ યાદવ વિરુદ્ધ નિવેદન આપ્યાં ત્યારે આ વાણીવિલાસ કૉંગ્રેસને પણ પસંદ હતો. કારણ કે કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે મધ્ય પ્રદેશમાં ઘર્ષણ હતું.”

જ્ઞાનેન્દ્ર શુક્લાના મત પ્રમાણે આ કૉંગ્રેસની દબાણ ઊભું કરવાની જૂની ટેકનિક છે. રાજ્યસ્તરે નેતાઓને લડાવે છે અને જરૂર પડ્યે તેમને શાંત કરી દે છે. અહીં પણ તેવુ જ થયું.

તેમણે કહ્યું, “કૉંગ્રેસનું શિર્ષ નેતૃત્વએ આ નિવેદનો ધ્યાનમાં લીધાં અને અખિલેશ યાદવ સાથે વાતચીત પછી અજય રાયને દિલ્હી બોલાવીને આ વિશે સમજાવ્યા.”

કૉંગ્રેસે પૂર્વાંચલમાં દબંગ છાપ ધરાવતા અજય રાયને છેલ્લી વખતની જેમ જ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. અજય રાયનું રાજકીય કદ કેટલાક મહિનામાં વધ્યું છે. જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીમાં મત મેળવવા આસાન નથી.

છેલ્લી બે લોકસભાની ચૂંટણી પર ત્રીજા સ્થાને રહ્યા

અજય રાય છેલ્લી બન્ને લોકસભાની ચૂંટણીમાં મોદીની સામે વારાણસી બેઠક પર બીજા સ્થાને પણ નહોતા રહી શક્યા. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો અજય રાય ત્રીજા સ્થાન પર રહ્યા હતા.

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી પહેલી વખત ચૂંટણી લડવા માટે આવ્યા હતા અને તેમને પાંચ લાખ 81 હજારથી વધારે મત મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને બે લાખથી વધારે મત મળ્યા હતા. અજય રાયને લગભગ 75 હજાર મત મળ્યા હતા.

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં અજય રાયે પોતાના મત તો વધાર્યા પરંતુ તેઓ ત્રીજા સ્થાને જ રહ્યા. આ વખતે તેમણે 1 લાખ 52 હજાર 548 મત મળ્યા. જ્યારે નરેન્દ્ર મોદી લગભગ છ લાખ 75 હજાર મત મેળવવામાં સફળ રહ્યા હતા.

વર્ષ 2019માં લોકસભાના મતના આધારે આંકલન કરીએ તો વારાણસીમાં અજય રાય એક એવા ઉમેદવાર છે જેમને પોતાની જાતિ એટલે કે ભુમિહારોના મતનો ભરપુર લાભ મળે છે. આ કારણે જ તેમણે એક અપક્ષ ઉમેદવાર તરીકે 2009માં કોલઅસલા વિધાનસભામાં થયેલી ઉપચૂંટણીમાં જીત મેળવી હતી.

કૉંગ્રેસમાં નારાજગી

ગત વખતના મતદાનનાં સમીકરણો ચકાસવામાં આવે તો વર્ષ 2024ની સ્થિતિ થોડીક બદલાઈ છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યાં છે. આ બન્ને પાર્ટીના ભૂતકાળના મતોનો સરવાળો કરીએ તો એ આંકડો 32.8 ટકાનો થાય છે.

જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એકલાને જ 63.6 ટકા મત મળ્યા છે. જોકે, અહીં એક વાત ઉલ્લેખનીય છે કે છેલ્લી લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી ગઠબંધન કરીને ચૂંટણી લડ્યાં હતાં જ્યારે આ વખતે બહુજન સમાજવાદી પાર્ટી ગઠબંધનનો હિસ્સો નથી.

કૉંગ્રેસની અન્ય એક સમસ્યાએ એ છે કે અજય રાયને જ્યારથી ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા ત્યારથી ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓની નારાજગી વધી છે. ચૂંટણી પહેલાં જ વારાણસીથી સાંસદ રહેલા રાજેશ મિશ્રાએ કૉંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થયા છે.

રાજેશ મિશ્રા જણાવે છે, “અજય રાય તેમની ડિપોઝિટ પણ નહીં બચાવી શકે. જીત-હારની વાત તો અલગ છે. તેઓ અહીંથી ચૂંટણી લડવા જ માગતા નહોતા. તમે બધા લોકો જાણો છો કે અજય રાય ગાઝીપુર અથવા બલિયાથી ટિકિટ માંગી રહ્યા હતા પરંતુ કૉંગ્રેસ પાસે વારાણસીમાં કોઈ નેતા જ નથી.”

“કાશીનો લાલ છું, કાશી મારા માટે લડશે”

દૈનિક જાગરણના વારાણસીના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર ભારતીય બંસત જણાવે છે, “અજય રાય મજબૂત રીતે ચૂંટણી લડશે અને કૉંગ્રેસની ઉપસ્થિતિ નોંધાવશે. જોકે, મોદીની જીત વિશે કોઈને શંકા નથી. હા, જીત અને હારના અંતર પર વાત થઈ શકે છે.”

બની શકે છે કે અજય રાયના મતોની ટકાવારી કદાચ વધી જાય કારણ કે અજય રાય એક લડાયક વ્યક્તિત્વ ધરાવે છે અને આ વખતે કૉંગ્રેસનું સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન પણ છે. વારાણસીના રાજકીય હિલચાલ પર નજર રાખનાર ડીએવી ડિગ્રી કૉલેજના પૂર્વ આચાર્ય ડૉ. સત્યદેવ સિંહે જણાવે છે કે ભાજપ ખાસ કરીને મોદીનો ભાજપ હવે કોઈ સામાન્ય પક્ષ નથી રહ્યો.

“દરેક ચૂંટણીમાં તે રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓથી લઈને લોકલ મુદ્દાઓને પણ મતના આધારે કેન્દ્રિત કરે છે. નરેન્દ્ર મોદીને માત્ર ચૂંટણી જ નથી જીતવી પરંતુ તેમને જીતનો રેકૉર્ડ પણ વધારવો છે. વિશ્વનાથ કોરિડોર, અયોઘ્યાની સાથે જ્ઞાનવાપી પણ મોટા મુદ્દા છે.”

આ કારણે જ વારાણસીમાં મોદી સમર્થકોએ “મોદી નિર્વિરોધ”ના બેનર પણ લગાડી દીધાં છે.

અજય રાયના આવવાથી મોદી સમર્થકોનું આ સપનું પૂર્ણ થાય તેવુ લાગતું નથી. અજય રાય છેલ્લાં 30 વર્ષમાં 10થી વધારે ચૂંટણી લડી ચૂક્યાં છે.

અજય રાયને કૉંગ્રેસની મજબૂરી માનવામા આવે છે કારણ કે પાર્ટી પાસે મોદી વિરુદ્ધ કોઈ એવો ઉમેદવાર નથી જે પોતાને અજય રાયથી ચઢિયાતા સાબિત કરી શકે.

વારાણસી સંસદક્ષેત્રથી ઉમેદવારી જાહેર થયા પછી અજય રાયે બીબીસીને જણાવ્યું હતું, “હું આ જ બનારસનો વતની છું. મા ગંગાના ખોળે મારો જન્મ થયો છે અને તેમના ખોળામાં જ મારૂ મૃત્યું થશે. કૉંગ્રેસ સંગઠનમાં બધી જ જવાબદારી વહેંચાયેલી છે એટલે આ માત્ર મારી જ નહીં પરંતુ દરેકની જવાબદારી છે અને બધા લોકો પોતાની જવાબદારી નિભાવવા માટે પ્રતિબદ્ધ છે.”

“ભાઈની હત્યા પછી શરૂ થઈ રાજકીય સફર”

નેવુંના દાયકામાં ઉત્તર પ્રદેશનું પૂર્વાંચલ ગૅંગવૉર માટે જાણીતું હતું અને તેનુ કેન્દ્ર બિંદુ બનારસ હતું.

ગોરખપુરમાં હરિશંકર તિવારી અને વિરેન્દ્રપ્રતાપ શાહી હોય કે પછી ગાઝીપુર બનારસમાં નવી-નવી બનેલી મુખ્તાર અંસારી અને બૃજેશ સિંહની ગૅંગ.

અજય રાયના મોટા ભાઈ અવધેશ રાય બૃજેશ સિંહ અને કૃષ્ણાનંદ રાયની સાથે હતા. આ લોકો મુખ્તાર અંસારીના વિરોધી હતા. વર્ષ 1991માં વારાણસીના ચેતગંજમાં ધોળે દિવસે જ અવધેશ રાયની હત્યા કરવામા આવી હતી. આ હત્યાનો આરોપ મુખ્તાર અંસારી ગૅંગ પર લાગ્યો હતા.

32 વર્ષની લાંબી કાયદાકીય લડત પછી જૂન 2023માં મુખ્તાર અંસારીને આ મામલે ઉમરકેદની સજા મળી હતી. આ લાંબી લડતને કારણે જ અજય રાય સમાચારમાં રહ્યા હતા.

જોકે, મોટા ભાઈની હત્યા પછી નાના ભાઈ અજય રાય પર પરિવારની જવાબદારીની સાથોસાથ મોટા ભાઈના પ્રભાવ અને દુશ્મનીઓનાં ભારણ પણ આવી ગયાં. ગૅંગવૉર ચરમ પર હતી. આ કારણે રાજકીય સંરક્ષણ મેળવવા માટે અજય રાયે એબીવીપી થકી ભાજપનો હાથ પકડ્યો.

અજય રાય પર બનારસથી લઈને લખનૌ સુધી અલગ-અલગ મામલે અલગ-અલગ પોલીસચોકીમાં 16 કેસો નોંધાયેલા છે.

વર્ષ 2015માં અખિલેશ યાદવની સરકારના ગંગામૂર્તિ વિસર્જન પર રોક લગાડવાના નિર્દેશના વિરોધમાં થયેલા પ્રદર્શનને કારણે તેમના પર રાસુકા (રાષ્ટ્રીય સુરક્ષા કાયદો) લગાડીને જેલ મોકલી દેવામા આવ્યા હતા અને મહીનાઓ સુધી તેઓ જેલમાં જ રહ્યા હતા.

નવ વખતના ધારાસભ્યને હરાવ્યા

અજય રાયની રાજકીય સફરની ઔપચારિક અને મજબૂત શરૂઆત વર્ષ 1996માં થઈ હતી.

તેમણે ત્યારે પહેલી વખત ચૂંટણી કોલઅસલાથી લડી અને નવ વખત ધારાસભ્ય રહેલા કૉમરેડ ઉદલને હરાવવામાં સફળ રહ્યા હતા.

કોલઅસલા બેઠકને કૉમરેડ ઉદલનો ગઢ માનવામા આવતો હતો. પરંતુ અજય રાયે કોલઅસલામાં ઉદલના કિલ્લાને તોડી નાખ્યો હતો.

વિજયનું અંતર માત્ર 488 મત જ હતું. પરંતુ આ જીતને કારણે અજય કોલઅસલાના હીરો બની ગયા હતા.

અજય રાય ત્યાંથી 1996થી 2007 સુધી ત્રણ વખત ભાજપના ધારાસભ્ય રહ્યા હતા. તેઓ 2003માં ભાજપ અને બહુજન સમાજવાદી પાર્ટીની ગઠબંધન સરકારમાં સહકારિતા રાજ્યમંત્રી પણ રહ્યા હતા.

ટિકિટ ન મળતા છોડ્યો ભાજપનો સાથ

વર્ષ 2007માં મળેલી વિધાનસભાની જીત પછી અજય રાયની મહત્ત્વકાંક્ષા વઘી અને તેમણે સાંસદ બનવાનું સપનું સેવ્યું. જોકે, આ ગેરવાજબી પણ નહોતું. કેમ કે શંકરપ્રસાદ જયસ્વાલ 2004માં ચૂંટણી હારી ગયા હતા. તેઓ સતત ત્રણ વખત બનારસથી ભાજપના સાંસદ હતા.

વારાણસીની બેઠક પર કૉંગ્રેસના રાજેશ મિશ્રાએ જીત મેળવી હતી. અજય રાયે 2009માં થયેલી લોકસભાની ચૂંટણીમાં વારાણસીથી ઉમેદવારી માટે પોતાની દાવેદારી નોંધાવી હતી.

જોકે, પાર્ટીએ કદાવર નેતા મુરલીમનોહર જોશીને બનારસથી ટિકિટ આપી. ભાજપના નિર્ણયનો વિરોધ કર્યો અને સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા. આ ચૂંટણીમાં બહુજન સમાજવાદી પાર્ટી તરફથી મુખ્તાર અંસારીની ઍન્ટ્રીએ ચૂંટણીને ત્રિકોણીય જંગ બનાવી દીધો. જોશી ચૂંટણી જીત્યા અને મુખ્તારે તેમને તગડી ટક્કર આપી. અજય રાય ત્રીજા નંબરે રહ્યા.

પછી શરૂ થયો હારનો દોર

પાર્ટી છોડવાને કારણે અજય રાયે પોતાનું સભ્યપદ ગુમાવ્યું. એટલે 2009માં તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી અને જીતી. ત્યાર પછી તેમણે વર્ષ 2012માં કૉંગ્રેસ પાર્ટીનો હાથ પકડ્યો અને વિધાનસભાની ચૂંટણી જીત્યા. સતત પાંચ વખત વિધાનસભાની જીતનો આ ક્રમ 2014 પછી અટક્યો.

અજય રાયે 2014માં મોદીની વિરુદ્ધ કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી અને અજય રાયનો કારમો પરાજય થયો. આટલું જ નહીં, નવ વખત ધારાસભ્ય રહી ચૂકેલા ઉદલ પાસેથી છિનવાયેલી પિન્દ્રા વિધાનસભા બેઠક અજય રાય 2017માં હારી ગયા હતા.

ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ વારાણસી સીટ પર નરેન્દ્ર મોદી સામે હારી ગયા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં, મતદારોએ પણ તેમને તેમની પરંપરાગત પિન્દ્રા બેઠક પર હરાવ્યા અને ભાજપના અવધેશ સિંહ સતત બીજી વખત ધારાસભ્ય બન્યા.

હવે જોવાનું એ રહે છે કે અજય રાય કઈ વ્યૂહરચના હેઠળ 2024માં નરેન્દ્ર મોદી સામે પોતાના અને કૉંગ્રેસના મતો વધારી શકે છે.