વડોદરા ભાજપમાં લોકસભા ચૂંટણી સમયે જ બળવો કેમ થઈ રહ્યો છે?

    • લેેખક, આર્જવ પારેખ અને ઋષિ બેનરજી
    • પદ, નવી દિલ્હી

છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતના સમાચારોમાં ફક્ત એક જ શબ્દ ચમકતો હતો – ‘રાજીનામું’. સતત વિપક્ષના, ખાસ કરીને કૉંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોનાં રાજીનામાં આપવાનો અને ભાજપમાં જોડાવાનો દોર ચાલી રહ્યો હતો.

2022ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના આપબળે જીતેલા અને રાજકીય રીતે ‘ખમતીધર’ ગણાતા નેતાઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા હતા. કૉંગ્રેસમાં ચાર દાયકા સુધી કામ કરી ચૂકેલા અર્જુન મોઢવાડિયા અને અમરેલી કૉંગ્રેસના મજબૂત નેતા અંબરીષ ડેર પણ કૉંગ્રેસમાંથી રાજીનામાં આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા.

રાજીનામાંના આ સમાચારો વચ્ચે ભાજપ લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરે છે જેમાં વડોદરાથી રંજનબહેન ભટ્ટને ટિકિટ આપવામાં આવે છે. જોકે, આ નામની જાહેરાત થતાં જ ભાજપમાં અંદરખાને રહેલી કથિત અસંતોષની ભાવના બહાર આવે છે. વડોદરાનાં પૂર્વ મેયર અને પક્ષના વરિષ્ઠ નેતા જ્યોતિબહેન પંડ્યા એક પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કરે છે. પરંતુ એ પહેલાં જ તેમને ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદેથી હઠાવી દેવામાં આવે છે.

ડૉ. જ્યોતિબહેન પંડ્યા કહે છે, “હું પક્ષમાંથી રાજીનામું આપું છું, મારો અંતરાત્મા મને હવે પક્ષમાં કામ કરવાની મંજૂરી આપી રહ્યો નથી.”

ત્રણ દિવસ બાદ સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર રાજીનામું આપે છે અને સાંજ સુધીમાં સ્થાનિક મીડિયા અહેવાલો એવો દાવો કરે છે કે તેમને મનાવી લેવામાં આવ્યા છે. સરવાળે, એક અઠવાડિયામાં જ એવું બને છે કે ‘રાજીનામું’ શબ્દ કૉંગ્રેસ તરફથી થોડો સરકીને ભાજપ તરફ આવે છે.

વડોદરા ભાજપમાં રાજીનામાં કેમ પડ્યા?

રાજીનામું આપતી વખતે ભાજપનાં વરિષ્ઠ મહિલા નેતા જ્યોતિબહેન પંડ્યાએ એવું સ્પષ્ટ કહ્યું હતું કે તેમનો વિરોધ રંજનબહેન ભટ્ટને ફરીથી ટિકિટ આપવા સામે છે.

તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “સી.આર.પાટિલ હોય કે ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ, મારે કોઈની સામે વિરોધ નથી, તેઓ મારા આદર્શ છે. પરંતુ મારો અંતરાત્મા મને સાથ આપી રહ્યો નથી. જો મહિલા ઉમેદવાર જ ઉતારવાની હતી તો પછી કેમ એવાં ઉમેદવારને ઉતારવામાં આવ્યાં કે જે ત્રીજી ટર્મ માટે લાયક જ નથી? પક્ષને એવું શું લાગ્યું કે તેણે રંજનબહેન ભટ્ટને રિપીટ કર્યાં?”

તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, “એક મહિલા ઉમેદવાર તરીકે હું કેમ નહીં? મેં જાહેરજીવનમાં 30 વર્ષ પસાર કર્યાં છે. મેં પક્ષમાં અલગ-અલગ હોદ્દાઓ પર રહીને, પરિવારને કોરાણે મૂકીને દેશભરમાં કામ કર્યું છે. હું વડોદરાની મેયર પણ હતી. કોઈ એવું કહી શકે તેમ નથી કે હું સક્રિય નહોતી. ”

તેમણે વડોદરામાં વિકાસ અને અન્ય કામગીરી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે વડોદરાનો જોઇએ તેવો વિકાસ થયો નથી.

તો બીજી તરફ કેતન ઇનામદારે રાજીનામું આપવા પાછળ પક્ષના જૂના કાર્યકર્તાઓની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો.

સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં ઇનામદારે જણાવ્યું હતું, "મેં દરેક જગ્યાએ, પક્ષમાં મારી વાત મૂકી હતી. ભાજપ પક્ષ કાર્યકર્તાઓ થકી જ મજબૂત બન્યો છે. તો આટલા જૂના કાર્યકર્તાઓની પક્ષમાં અવગણના કેમ થાય છે?"

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ અવાજ એકલો કેતન ઇનામદારનો અવાજ નથી, ભાજપના તમામ જૂના કાર્યકર્તાઓનો અવાજ છે. ભાજપનો પરિવાર મોટો થાય એ સારી વાત છે પણ પક્ષના જૂના કાર્યકર્તાઓએ જે ભોગ આપ્યો છે તેની અવગણના થાય છે એ બરાબર નથી.”

આ સમગ્ર વિવાદ અંગે વાત કરતાં બીબીસી ગુજરાતીના સહયોગી રાજીવ પરમાર કહે છે કે, “ભાજપમાં કૉંગ્રેસના નેતાઓના સામેલ થવાના કારણે કેતન ઈનામદાર નારાજ હતા. તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો પરંતુ પક્ષ દ્વારા તેને નજરઅંદાજ કરવામાં આવતાં રાજીનામું આપી દીધું હતું.”

રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે તેઓ રંજનબહેન ભટ્ટને ટિકિટ મળી તેનો આડકતરો વિરોધ કરી રહ્યા હતા.

જોકે, કેતન ઇનામદારે એ વાતને નકારી કાઢી હતી કે તેમને રંજનબહેન ભટ્ટને ટિકિટ મળવા સામે તેમને વાંધો છે. તેમણે રંજનબહેન ભટ્ટને સંપૂર્ણ સમર્થન આપવાની વાત પણ કરી હતી.

એ બાદ સાંજ ઢળે તે પહેલાં જ તેમણે તેમની સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી મળી છે એમ કહીને રાજીનામું પાછું ખેંચી લીધું હતું.

કેમ દેખાઈ રહ્યો છે અસંતોષ?

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અનિલ દેવપુરકર કહે છે, “વડોદરા ભાજપમાં આ કાયમી પરિસ્થિતિ રહી છે. પક્ષના સંગઠનમાં પહેલાંથી જ બે જૂથો રહેલાં છે જેમની વચ્ચે સતત ખેંચતાણ ચાલુ રહે છે. આ પક્ષના સ્તરે રહેલો જૂથવાદ વડોદરાના વિકાસમાં પણ બાધારૂપ બન્યો છે. અમુકવાર એવુ થાય કે કોઈ એક જૂથના નેતા વડોદરા માટે કોઈ પ્રોજેક્ટ લાવવા માટે પ્રયત્નો કરે તો બીજું જૂથ તેમાં અડચણ ઊભી કરે. જેના કારણે સરવાળે શહેરને પણ નુકસાન થઈ રહ્યું છે.”

વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ માટે જે ભાજપના કાર્યકર્તાઓએ દાયકાઓ સુધી કામ કર્યું એ જ કાર્યકર્તાઓને ગત ચૂંટણીમાં તેમને હરાવવા માટે પ્રયત્ન કરવા પડ્યા હતા કારણ કે ભાજપે ટિકિટ ન આપતાં શ્રીવાસ્તવે અપક્ષ લડવાનું નક્કી કર્યું હતું.

એ જ રીતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ત્યાંથી અપક્ષ લડ્યા હતા અને હવે ભાજપ તેમને પેટાચૂંટણીમાં ટિકિટ આપશે તેવું મનાઈ રહ્યું છે. આથી ફરીથી એવી પરિસ્થિતિ ઊભી થાય એવી અટકળો પણ વહેતી થઈ છે.

આ અંગે વાત કરતાં દેવપુરકર કહે છે, “આવી પરિસ્થિતિમાં કાર્યકર્તાઓને સતત એવું લાગે છે કે આ સગવડિયો ધર્મ ક્યાં સુધી ચાલશે? જેમ રાજકીય પક્ષની વિચારસરણી હોય છે તેમ પક્ષના કાર્યકર્તાઓની પોતાની પણ વિચારસરણી હોય છે. ક્યાં સુધી તેઓ આ રીતે કામ કરતા રહેશે? પરિસ્થિતિ એવી ઊભી થઈ રહી છે કે ભાજપ પંજાવાળો થઈ ગયો છે. માત્ર વડોદરા જ નહીં, રાજ્યસ્તરે ભાજપના કમિટેડ કાર્યકર્તાઓમાં આવી લાગણી ઊભી થઈ છે. કેતન ઇનામદાર ભલે માની ગયા પણ આ પ્રકરણથી ભાજપના જૂના કાર્યકર્તાઓની લાગણીને વાચા મળી છે.”

તેઓ કહે છે, “સામે પક્ષે બીજો કોઈ રાજકીય પક્ષ મજબૂત ન હોવાને કારણે આ કાર્યકર્તાઓ બીજે ક્યાંય પણ જઈ શકે તેમ નથી. વળી, રંજનબેન ભટ્ટ સામે પણ તેમની કામગીરીને કારણે અસંતોષ દેખાય છે.”

વડોદરામાં ભાજપના નેતાઓને સંગઠનની જરૂર નથી?

વડોદરા લોકસભા બેઠક હેઠળ આવતી સાવલી વિધાનસભાથી કેતન ઇનામદાર પહેલીવાર અપક્ષ તરીકે ચૂંટાયા હતા અને પછી ભાજપની ટિકિટ પરથી ચૂંટાતા આવ્યા છે. એ જ રીતે વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ચૂંટાઈ આવ્યા હતા અને હવે તેઓ ભાજપમાં છે.

રાજીવ પરમાર કહે છે, “વડોદરા ભાજપના સ્થાનિક નેતાઓ પોતે એટલા મજબૂત છે કે જો ભાજપના સંગઠનનું સમર્થન ન મળે તો પણ તેઓ એકલે હાથે જીતવા સક્ષમ છે. અન્ય જિલ્લાઓમાં ભાજપની જેવી પરિસ્થિતિ છે એવી વડોદરામાં નથી.”

તેઓ કહે છે, “અહીંના નેતાઓ જમીની સ્તરેથી આપબળે ઉપર આવેલા છે. વળી, ભાજપના સંગઠનમાં રહેલા આ નેતાઓ વરિષ્ઠ છે. તેમનો ભાજપને મજબૂત કરવામાં સિંહફાળો રહેલો છે એટલે તેમની અવગણના થાય એ તેઓ સાંખી ન શકે. પક્ષના જાહેર થયેલા ઉમેદવાર સામે પણ અસંતોષની ભાવના દેખાઈ રહી છે.”

જોકે, ઘણા રાજકીય વિશ્લેષકો એવું માને છે કે વડોદરા ભાજપમાં હાલમાં જે કંઈ ઘટનાઓ સામે આવી રહી છે તેના પાછળનું મુખ્ય કારણ માત્ર સ્થાનિક સ્તરનો જૂથવાદ જ નહીં પરંતુ પક્ષના શીર્ષસ્થ નેતાઓ વચ્ચેનો જૂથવાદ પણ છે.

અનિલ દેવપુરકર કહે છે, “કેતન ઇનામદારે જે મુદ્દો ઉઠાવ્યો એ ઘણા અંશે સાચો છે. પક્ષના કાર્યકર્તાઓમાં જબરદસ્ત અસંતોષ છે અને ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ છે. માત્ર પક્ષના બે મોટા નેતાઓના કારણે કાર્યકર્તાઓ ચૂપ છે.”

જોકે, આ દરમિયાન ગુજરાત ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર અને પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં વડોદરામાં પક્ષમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.

વડોદરા બેઠકનો ઇતિહાસ

વડોદરા બેઠક અને ગાયકવાડના રાજવી પરિવારને સીધો સંબંધ રહ્યો છે. આ પરિવારના ત્રણ સભ્યો અહીંથી કુલ સાત વાર ચૂંટાયા છે. 1957, 1962, 1971 અને 1977માં અહીંથી ફતેસિંહ ગાયકડવાડ ચૂંટણી જીત્યા.

ત્રણ વાર કૉંગ્રેસમાંથી અને એક વાર કૉંગ્રેસ ઑર્ગેનાઇઝેશનમાંથી તેઓ ચૂંટાયા હતા. ત્યારબાદ તેમના નાના ભાઈ રણજિતસિંહ ગાયકવાડે ચૂંટણીમાં ઝંપલાવ્યું. 1980માં તેઓ કૉંગ્રેસ આઈમાંથી જ્યારે 1984માં કૉંગ્રેસમાંથી વિજયી થયા. રાજવી પરિવારનો આ વિજયરથ 1989ની ચૂંટણીમાં અટક્યો જ્યારે પ્રકાશ બ્રહ્મભટ્ટે તેમને હાર આપી.

1991માં ભાજપે અહીંથી રામાયણ ધારાવાહિકમાં સીતાનું પાત્ર ભજવીને ઘરઘરમાં ખ્યાતિ મેળવનારાં દિપીકા ચીખલિયાને મેદાને ઊતાર્યાં. તો તેમની સામે પણ રણજિતસિંહ હારી ગયા. ત્યારબાદ તેઓ ક્યારેય ચૂંટણી ન લડ્યા.

અત્યાર સુધીનો સૌથી રસપ્રદ જંગ અહીં 1996માં થયો હતો જ્યારે કૉંગ્રેસમાંથી સત્યજિતસિંહ ગાયકવાડ મેદાને હતા. તેમની સામે ભાજપમાંથી જિતુ સુખડિયા ઉમેદવાર હતા જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે રણજિતસિંહ ગાયકવાડનાં પત્ની શુભાંગિનીરાજે ગાયકવાડ મેદાનમાં હતાં.

ભાજપે સુખડિયાને ટિકિટ આપી હતી, પરંતુ પાર્ટીનો જ એક વર્ગ એમની ઉમેદવારીથી નારાજ હતો, એટલે તેમણે શુભાંગિનીરાજે તરફ ઝોક કર્યો અને ચૂંટણીપરિણામોમાં તેની અસર જોવા મળી. માત્ર 17 મતથી સુખડિયાનો પરાજય થયો અને સત્યજિતસિંહ વિજયી થયા.

1998થી સતત આ બેઠક ભાજપનો ગઢ બની રહી છે. 2009માં પુન:સીમાંકન પછી પણ ભાજપના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લ અહીં જીત્યા હતા.

2014માં જ્યારે નરેન્દ્ર મોદી પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યા તો તેમણે વારાણસીની સાથે અહીંથી ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે તેમની પાંચ લાખથી વધુની મતથી જીત થઈ હતી. જોકે, તેમણે વારાણસીથી સાંસદ રહેવાનું નક્કી કર્યું તો આ બેઠક પર પેટાચૂંટણી આવી.

ભાજપે અહીંથી રંજનબહેન ભટ્ટ પર પસંદગી ઉતારી. 2019માં પણ તેઓ જ જીતીને સાંસદ બન્યાં. 2014માં કૉંગ્રેસે અહીંથી નરેન્દ્ર રાવતને ટિકિટ આપી હતી.