You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચૈતર વસાવાને કારણે ભાજપે ભરૂચમાં મનસુખ વસાવાને રિપીટ કરવા પડ્યા?
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
લોકસભાની ચૂંટણીમાં આખા ગુજરાતમાં સૌથી રસપ્રદ ચૂંટણી જો બની હોય તો તે ભરૂચની છે. અહીં કૉંગ્રેસ સાથે ગઠબંધન થતાં આમ આદમી પાર્ટીએ પહેલાથી જ પોતાના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને જાહેર કરી દીધા હતા.
હવે ભાજપે ગુજરાતના 26 પૈકી 15 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી છે તેમાં આ બેઠક પરથી મનસુખ વસાવાને રિપીટ કર્યા છે. આ યાદી બહાર પડ્યા પહેલા રાજકીય વર્તૂળમાં ચર્ચા હતી કે જે પ્રકારે મનસુખ વસાવાનું પત્તુ પણ કપાઈ શકે છે પણ ફરીવાર ભાજપે તેમના પર વિશ્વાસ મૂક્યો છે.
ભાજપે જે આ યાદી બહાર પાડી તેમાં પાંચ સિટીંગ એમપીની ટિકિટ કાપવામાં આવી છે પણ છેલ્લા 6 ટર્મથી ચૂંટાતા રહેલા મનસુખ વસાવાની ટિકિટ કાપવામાં નથી આવી.
હવે કેટલાક જાણકારો કહે છે કે ભરૂચ બેઠક પર ચૈતર વસાવાની ઉમેદવારીને કારણે જ ભાજપે અહીં ફરીથી મનસુખ વસાવાને રિપીટ કર્યા છે.
જોકે કેટલાક જાણકારો એમ પણ કહે છે કે મનસુખ વસાવા ભાજપના નેતાઓ સામે પણ જાહેરમાં પોતાનો બળાપો કાઢતા હતા તેથી સંગઠનમાં તેમની સામે રોષ હતો. જોકે, ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસના ગઠબંધનને જોતાં ભાજપના નેતાઓ કોઈ જોખમ ઉઠાવવા માગતા નહોતા જેને કારણે મનસુખ વસાવાને રિપીટ કરવામાં આવ્યા.
મનસુખ વસાવાએ જ્યારે પોતાને ટિકિટ મળી ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ જે. પી. નડ્ડાનો આભાર વ્યક્ત કરતા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું હતું કે સતત સાતમી વાર મારા પર પસંદગી કરવા બદલ આપ સૌનો આભાર.
બીજી તરફ ચૈતર વસાવાએ પણ પ્રચાર શરૂ કરી દીધો છે તો મનસુખ વસાવાએ પણ પ્રચારની રણનીતિના ભાગરૂપે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. બંને નેતાઓ જીતના દાવા કરી રહ્યા છે.
મનસુખ વસાવાને ભાજપે સતત સાતમી વખત કેમ રિપીટ કર્યા?
I.N.D.I.A. ગઠબંધન તરફથી ભરૂચમાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાનું નામ જાહેર થયું. અહીં પહેલા કૉંગ્રેસ મોટાભાગે મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં ઉતરતો હતો. હવે ભાજપે પણ તેમના જૂના જોગી મનસુખ વસાવાને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે. જેને કારણે હવે આ બેઠક પર વસાવા વિરુદ્ધ વસાવાનો ચૂંટણી જંગ યોજાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાણકારો કહે છે કે સતત છ ટર્મથી ચૂંટાતા મનસુખ વસાવા ભાજપની પહેલી પસંદ નહોતા, પરંતુ અહીં કૉંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થયું છે. અહીંથી આપે પોતાના મજબૂત ઉમેદવાર ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે, જેને કારણે ભાજપે મનસુખ વસાવાને ફરી ટિકિટ આપવી પડી.
સુરતથી પ્રકાશિત થતા અખબાર ધબકારના તંત્રી નરેશ વારિયા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “જો અહીં ત્રિપાંખીયો જંગ હોત તો ભાજપને ચિંતા નહોતી પરંતુ આપ-કૉંગ્રેસે ગઠબંધન કર્યું છે અને ચૈતર વસાવાની ઉમેદવારી છે તેને કારણે ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે.”
“ભરૂચમાં આદિવાસી અને મુસ્લિમ મતદારોનું કોમ્બિનેશન ભાજપ માટે નુકસાન પહોંચાડી શકે. તેથી ભાજપે કોઈ જોખમ ઉઠાવ્યા વગર ફરીથી મનસુખ વસાવાને ટિકિટ આપી.”
જાણીતા રાજકિય વિશ્લેષક વિદ્યુત જોશી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ વિશે વધુ પ્રકાશ પાડતા કહે છે, “મનસુખ વસાવાને વિનેબિલીટી ક્રાઇટેરિયાના આધારે પસંદ કરાયા છે. તેઓ સ્વીકૃત છે પણ જો ચૈતર વસાવા ઉમેદવાર ન હોત તો પરિસ્થિતિ અલગ હોત. કારણકે ભાજપના સંગઠનમાં તેમની સામે રોષ છે. જો ચૈતર વસાવા ઉમેદવાર ન હોત અને આપ તથા કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન ન હોત તો અલગ પરિસ્થિતિનું નિર્માણ થઈ શક્યું હોત.”
“હાલ ચૈતર વસાવાને પહોંચી વળવા માટે ભાજપ માટે સૌથી યોગ્ય ઉમેદવાર કદાચ મનસુખ વસાવા જ છે”
ભરૂચ ખાતેના બીબીસી ગુજરાતીના સહયોગી સાજીદ પટેલ જણાવે છે, "તેઓ ઘણીવાર ભાજપના પદાધિકારીઓ વિરુદ્ધ જાહેરમાં બોલી ચૂક્યા છે. એકવાર તેમણે જાહેર મંચ પર ફરિયાદ કરી હતી કે ભાજપના ત્રણ નેતાઓ તેમને ઉથલાવવા માટેનું ષડ્યંત્ર કરી રહ્યા છે. તેઓ બેબાક રીતે સરકારી અધિકારીઓને જાહેરમાં ખખડાવે છે."
"તેમને દબંગ નેતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે તેમને ટિકિટ ન મળે તે માટેની રજૂઆતો થઈ હતી પરંતુ ચૈતર વસાવાની ઉમેદવારીને કારણે ચિત્ર બદલાઈ ગયું કારણકે ભાજપ પાસે હાલ મનસુખ વસાવાની સરખામણીએ ચૈતર વસાવાને પડકારી શકે તેઓ કોઈ નેતા નથી."
ભાજપ,કૉંગ્રેસ અને આપનું શું કહેવું છે?
અંકલેશ્વરના ભાજપના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે આ એકતરફી ચૂંટણી છે અને મનસુખભાઈ વસાવાની જીત નિશ્ચિત છે.
તેઓ કહે છે, “મનસુખભાઈ લોકોના હૃદયમાં છે. છેલ્લી 6 ટર્મમાં તેમણે જે લોકોનાં કામો કર્યાં છે તે લોકોને યાદ છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે ભાજપ ભરૂચની બેઠક પરથી 5 લાખ વોટના તફાવતથી જીત મેળવશે.”
સ્થાનિક નેતાગીરીમાં મનસુખ વસાવાને ટિકિટ આપવા સામે શું વિરોધ હતો? તેઓ તેમના જ પક્ષના નેતાઓ અને તેમની જ સરકારના અધિકારીઓ સામે બોલતા હતા? આ પ્રશ્નોના જવાબમાં ઇશ્વરસિંહ પટેલ કહે છે, “સાચો માણસ જ બોલી શકે. છેલ્લાં 30 વર્ષથી ભરૂચ બેઠક પર ભાજપનો દબદબો છે. એક જમાનામાં અમારી પાસે આ સંસદિય વિસ્તારમાં આવતી સાત વિધાનસભા બેઠકો પૈકી માત્ર બે બેઠકો હોવા છતાં આ લોકસભા બેઠક અમે જીત્યા હતા. જ્યારે આજે તો માત્ર ડેડિયાપાડા સિવાયની તમામ બેઠકો ભાજપ પાસે છે. ચૈતર વસાવા કોઈ સ્પર્ધામાં જ નથી.”
તો કૉંગ્રેસના નેતા આરોપ લગાવતા કહે છે કે મનસુખ વસાવાએ ભરૂચની જનતાનાં કામો કર્યાં નથી એટલે ચૈતર વસાવાની જીત પાકી છે.
કૉંગ્રેસ નેતા વિજયસિંહ પટેલ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “મનસુખ વસાવા છેલ્લાં 30 વર્ષથી સાંસદ છે. તેમણે પ્રદૂષણના, ખેડૂતોના, વિકાસનાં એવા કોઈ કામો કર્યાં નથી. માત્ર તેઓ હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણના આધારે ચૂંટણી જીતે છે પણ આ વર્ષે તેઓ નહીં જીતી શકે.”
આમ આદમી પાર્ટી તરફથી ભરૂચના ઉમેદવાર ચૈતર વસાવાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “મનસુખભાઈ સક્રિય જ નથી. તેઓ લોકોના કામ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આમ તો તેઓ મારા કૌટુંબિક મામા થાય છે. કૉંગ્રેસ પક્ષ અત્યારસુધી અહીંથી મુસ્લિમ ઉમેદવારો ઊભા રાખતો હતો, જેને કારણે તેઓ જીતી જતા હતા. પરંતુ આ વખતે તેમની લડાઈ આદિવાસી સામે છે.”
ચૈતર વસાવા વધુમાં જણાવે છે, “થોડા દિવસો પહેલાં તેમણે જાહેરમાં કહ્યું હતું કે પીઠમાં દુખાવો હોવાને કારણે તેઓ રાજીનામું આપવા માગે છે. હવે અચાનક ટિકિટ મળતા સક્રિય થઈ ગયા?
ચૈતર વસાવા સામે ઉમેદવાર હોવાને કારણે જ તેમને ટિકિટ મળી છે તેવા રાજકીય વિશ્લેષણને અયોગ્ય ગણાવતા મનસુખ વસાવા કહે છે કે એવું નથી કે તેમની ટિકિટ કપાઈ જવાની હતી.
તેઓ કહે છે, "પાર્ટીએ તેમનું કામ જોયું છે, છેલ્લા 6 ટર્મની કામગીરી જોઈ છે તેના આધારે તેમનું આ મૂલ્યાંકન થયું છે."
મનસુખ વસાવા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, "આરોપો તો લાગ્યા કરે, હું સમર્પણ સાથે પાર્ટીમાં કામ કરું છું. આજે મારી સાથે પાર્ટીનું સંગઠન છે. છ ધારાસભ્યો છે. જિલ્લા પંચાયતના તમામ સભ્યો અને તમામ તાલુકા પંચાયતના સભ્યો છે. બૂથ લેવલનું જે સંગઠન અમારી પાસે છે તે કોઈ પાસે નથી. તેથી અમારી જીત નિશ્ચિત છે કારણકે અમારાં 28 વર્ષનાં કામ બોલે છે."
કેવું રહેશે ભરૂચનું ગણિત?
ભરૂચ લોકસભા વિસ્તારમાં ઝઘડિયા, ડેડિયાપાડા, અંકલેશ્વર, ભરૂચ, જંબુસર, વાગરા અને કરજણ વિધાનસભા બેઠકો આવેલી છે.
આ સાત બેઠકો પૈકી ડેડિયાપાડા બેઠક જ આમ આદમી પાર્ટી પાસે છે જ્યારે બાકીની તમામ છ બેઠકો ભાજપ પાસે છે.
લોકસભાની છેલ્લી દસ ટર્મથી ભરૂચ પર ભાજપનો દબદબો છે.
બીબીસી સહયોગી સાજિદ પટેલના જણાવ્યા પ્રમાણે અહીં 30થી 32 ટકા આદિવાસી મતદારો છે અને 25થી 27 ટકા મુસ્લિમ મતદારો છે.
સાજિદ કહે છે, “આ વખતે જો ભાજપે બિનઆદિવાસી ઉમેદવાર મેદાને ઉતાર્યા હોત તો તેને માટે આ લડાઈ પડકારજનક બની હોત. પહેલાં તેમના નેતાઓએ આ બેઠક સામાન્ય હોવાથી સામાન્ય ઉમેદવાર ઉતારવાનું મન બનાવ્યું હતું પરંતુ ચૈતર વસાવાની ઉમેદવારીને કારણે ભાજપે તેનું આયોજન બદલ્યું.”
અહીંની ઝઘડિયા વિધાનસભા બેઠક પર બીટીપી એટલે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીનો દબદબો હતો. આમ તો અહીંના સમગ્ર આદિવાસી વિસ્તારોમાં બીટીપીના નેતા છોટુ વસાવાનો દબદબો હતો પરંતુ જાણકારો કહે છે તે પ્રમાણે આ વિસ્તારમાં હવે છોટુ વસાવાનું પહેલાં જેટલું વર્ચસ્વ રહ્યું નથી.
જોકે ગત વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીને એક પણ બેઠક મળી નહોતી. છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવા વચ્ચે રાજકીય મતભેદો પણ ચૂંટણી વેળા ચરમસીમા પર હતા.
આમ મહદંશે આ બેઠક પર છેલ્લી 6 ટર્મથી મનસુખ વસાવાનું જ એકચક્રી શાસન ચાલે છે.
કોણ છે મનસુખ વસાવા?
મનસુખ વસાવા ભરૂચનો જ નહીં પરંતુ ભાજપ માટે દક્ષિણ ગુજરાતનો આદિવાસી ચહેરો છે. 1998માં ભાજપના સાંસદ ચંદુભાઈ દેશમુખનું અકાળે અવસાન થયું ત્યારે યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે તેમને મેદાનમાં ઉતાર્યા હતા. તેમણે આ પેટા ચૂંટણી જીતી સંસદમાં પહેલીવાર પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ સતત 6 ટર્મથી લોકસભામાં ચૂંટાતા આવ્યા છે.
પહેલી જૂન, 1957ના રોજ જન્મેલા મનસુખ વસાવાએ ચૂંટણી પંચમાં દાખલ કરલા સોગંદનામા પ્રમાણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી સામાજિક કાર્ય(એમએસડબ્લ્યૂ)માં માસ્ટર ડિગ્રી મેળવી છે જ્યારે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતક(બીએ) થયા છે.
ભરૂચ એક સમયે કૉંગ્રેસના દિગ્ગજ મનાતા અહમદ પટેલનો ગઢ મનાતો હતો. મુસ્લિમ મતદારોનો દબદબો ધરાવતી આ બેઠક પર ભાજપે મનસુખ વસાવા રૂપે આદિવાસી કાર્ડ મેદાનમાં ઉતાર્યું અને તે સતત સફળ રહ્યું.
તેઓ 1998, 1999, 2004, 2009, 2014 અને 2019માં લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા.
ગત વખતે મનસુખ વસાવા લગભગ સાડા ત્રણ લાખ વોટથી જીત્યા હતા.
સાંસદ તરીકે ચૂંટાયા તે પહેલાં તેઓ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય પણ બન્યા હતા.
1994માં તેઓ ગુજરાત વિધાનસભામાં રાજ્યકક્ષાના મંત્રી પણ બન્યા તથા વર્ષ 2014થી 2016 સુધી કેન્દ્રની મોદી સરકારમાં આદિવાસી કલ્યાણ વિભાગમાં રાજ્ય મંત્રી પણ બન્યા હતા.
તેમની સામે ભાજપના કેટલાક નેતાઓ અને સરકારના અધિકારીઓને જાહેરમાં ટીકા કરવાનો આરોપ પણ છે. તેમની સામે ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓ નારાજ હોવાની વાત પણ ચર્ચાતી હતી. આ વિશે બીબીસી ગુજરાતી સાથે ચોખવટ કરતા મનસુખ વસાવા કહે છે, "આટલી મોટી પાર્ટી હોય ત્યાં થોડો મતભેદ હોય જ છે. નાનું-મોટું છમકલું થતું હોય છે પણ હાલની લોકસભાની ચૂંટણીમાં મારી સાથે ભાજપનું આખુંય સંગઠન છે."
તેઓ જાહેરમાં સરકારી અધિકારીને ખખડાવી નાખતા હોવા અંગેના આરોપોનો બચાવ કરતા કહે છે, "મારો એકમાત્ર પ્રયાસ હોય છે કે લાભાર્થીને સરકારી યોજનાનો લાભ મળે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશને જે ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે તે દિશામાં તેમને મદદ કરવાની કોશિશ કરું છું."
કોણ છે ચૈતર વસાવા?
હાલમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પહેલા ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે બીટીપીના સભ્ય હતા. તેઓ વર્ષ 2014માં બીટીપીમાં જોડાયા હતા.
બીટીપીએ 2022ની વિધાનસભાની ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટી સાથે જોડાણ કર્યું હતું જે થોડા સમય બાદ તૂટી ગયું હતું. પરંતુ એ સમયે ચૈતર વસાવાએ પણ બીટીપી છોડી દીધી હતી અને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા.
તેઓ બીટીપીના સંસ્થાપક છોટુ વસાવાના ખૂબ નજીકના સાથી ગણાતા હતા. પરંતુ ટિકિટની ફાળવણી વખતે પણ તેમના પુત્ર મહેશ વસાવા સાથે વિવાદ થયો અને ત્યારબાદ આપે તેમને ડેડિયાપાડાથી ટિકિટ આપી હતી.
36 વર્ષીય વસાવા ચૂંટણી જીત્યા બાદ તેમના વિસ્તારમાં અને વિધાનસભામાં આક્રમક રીતે લોકોના પ્રશ્નો ઉઠાવતા હતા અને તેનું સમાધાન કરતા જોવા મળ્યા.
ત્યાર બાદ કથિતપણે વનવિભાગના કર્મચારીઓને ધમકાવવાના મામલામાં તમની સામે કેસ થયો હતો અને તેઓ ધરપકડથી બચવા ‘ફરાર’ થઈ ગયા હોવાનો તેમના પર આરોપ થયો. જોકે ઘણા દિવસો બાદ તેમણે જાતે જ સરેન્ડર કર્યું હતું.
તેઓ જેલમાં હતા તે સમયે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને તેમના સમર્થનમાં ભરૂચમાં સભા યોજી હતી. તે વખતે તેમને ભરૂચ બેઠક પરથી આપ પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.
જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી ચૈતર વસાવાને ભરૂચ અને નર્મદા જિલ્લામાં પ્રવેશવાની કોર્ટે મનાઈ ફરમાવી છે. તેથી તેઓ પોતાના જ પ્રચાર માટે પોતાના મતવિસ્તારમાં જઈ શકે તેમ નથી. એ સંજોગોમાં સવાલ તો ઉઠે છે કે કેસને કારણે તેમને મળેલી લોકચાહના ચૈતર વસાવા પોતે પોતાની બાજુ કેટલી હદે ખેંચી શકે છે અને ચૂંટણીપરિણામો પર તેની અસર પાડી શકે છે?
આવા સંજોગોમાં ચૈતર વસાવા તેમા મતદારોના પ્રભુત્વ ધરાવતી અન્ય બેઠકો પર કેટલો પ્રભાવ છોડે છે તે પણ જોવું રહ્યું.