ચૈતર વસાવા ભરૂચથી 'આપ'ના ઉમેદવાર, ગુજરાતના આદિવાસી મતદારો પર આમ આદમી પાર્ટી કેટલો પ્રભાવ પાડી શકશે?

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દક્ષિણ ગુજરાતના ડેડિયાપાડામાં સભા સંબોધતા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે એ જાહેરાત કરી હતી કે આદિવાસી નેતા ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડશે.

દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ધરપકડની આશંકાઓ વચ્ચે બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતમાં છે.

બંને નેતાઓએ જેલમાં બંધ આપના આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દક્ષિણ ગુજરાતના ડેડિયાપાડા નજીક નેત્રંગમાં એક રેલીને સંબોધિત કરી હતી.

અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે ચૈતર વસાવાને મળવા રાજપીપળા જેલમાં પણ ગયા હતા.

ચૈતર વસાવાના સમર્થનમાં રેલીનું આયોજન કરીને આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભા બેઠક પર પોતાનો દાવો સ્પષ્ટ કરી દીધો છે.

‘ઇન્ડિયા’ ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ કેટલી બેઠકો પર લડશે તે હજુ નક્કી થયું નથી એ પહેલાં જ આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ બેઠક પર ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરી દેવાતાં કૉંગ્રેસ પર દબાણ વધશે તે સ્પષ્ટ જણાય છે.

અહીં ઉલ્લેખનીય છે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં દાયકાઓથી કૉંગ્રેસનું પ્રભુત્ત્વ રહ્યું છે. આ પ્રભુત્ત્વને 2022માં ભાજપ તોડવામાં સફળ રહ્યો હતો. રાજકીય વિશ્લેષકોના મતે આમ આદમી પાર્ટીના કારણે તેને ફાયદો થયો હતો.

પરંતુ શું આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણીમાં પ્રભાવ પાડી શકશે? આદિવાસી વિસ્તારોમાં ખરેખર આપનું કેટલું પ્રભુત્ત્વ છે?

અરવિંદ કેજરીવાલ શું બોલ્યા?

ડેડિયાપાડાના નેત્રંગમાં સભાને સંબોધિત કરતા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે, “ચૈતર વસાવા આદિવાસી સમાજના લોકોની લડાઈ લડી રહ્યા હતા, ગરીબો, આદિવાસી, મજૂરો, સૌનો અવાજ ઊઠાવી રહ્યા હતા, એટલે ભાજપને તે પસંદ ન આવ્યું. ભાજપ બધાને જેલમાં પૂરી દેવા માંગે છે.”

કેજરીવાલે જાહેરાત કરતાં કહ્યું હતું કે, “ચૈતર વસાવા ભરૂચ બેઠકથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડશે અને તેમને દિલ્હી મોકલવાની જવાબદારી તમારી છે. આમ આદમી પાર્ટી મોટા વકીલો રોકીને તેમને બહાર લાવવાનો પ્રયત્ન કરશે. પણ જો ભાજપ ષડ્યંત્ર રચીને તેને બહાર નહીં આવવા દે તો તેને જીતાડવાની જવાબદારી તમારી છે. ઘેર-ઘેર ચૈતર વસાવાનો ફોટો લઈને પ્રચાર કરવા જવાનું છે અને ચૈતર વસાવાને જીતાડવાના છે.”

અરવિંદ કેજરીવાલે વારંવાર સભામાં આદિવાસી સમાજને એક થવા હાકલ કરી હતી અને ચૈતર વસાવાને થઈ રહેલા અન્યાય સામે અવાજ ઊઠાવવા કહ્યું હતું.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક હરેશ ઝાલા કહે છે, “અરવિંદ કેજરીવાલની રેલી એ દર્શાવે છે કે આમ આદમી પાર્ટી એવું પ્રસ્થાપિત કરવા માંગે છે કે તે ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડશે જ. પરંતુ સવાલ એ છે કે કૉંગ્રેસ ‘ઇન્ડિયા’ ગઠબંધન હેઠળ ગુજરાતમાંથી આપને કેટલી બેઠક આપવા તૈયાર છે."

"ચૈતર વસાવા ડેડિયાપાડામાંથી ચૂંટાઈ આવ્યા તેનો મતલબ ક્યારેય એ ન થાય કે ભરૂચ લોકસભા બેઠક હેઠળ આવતી તમામ બેઠકો પર આપનો દબદબો છે અને આપ આ બેઠક જીતી લાવશે.”

તો બીજી તરફ રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર ડૉ. હરિ દેસાઈનું સ્પષ્ટપણે માનવું છે કે જો આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ ‘ઇન્ડિયા’ ગઠબંધન હેઠળ લડે અને ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી સંયુક્ત ઉમેદવાર બને તો તેમની જીત નિશ્ચિત છે.

એટલે કે તેમના મત અનુસાર કૉંગ્રેસ-આપ ગઠબંધન કરે તેવી પરિસ્થિતિમાં ભાજપને 26માંથી 26 બેઠકો મળી શકે નહીં.

2019ની લોકસભા ચૂંટણીમાં શું પરિસ્થિતિ હતી?

2011ના વસતીગણતરીના આંકડાઓ અનુસાર ગુજરાતમાં આદિવાસી સમુદાયની વસ્તી 89.17 લાખથી પણ વધુ છે જે રાજ્યની કુલ વસ્તીના 15 ટકાથી વધુ છે.

ગુજરાતની કુલ 26માંથી 4 લોકસભા બેઠકો અનુસૂચિત જનજાતિ(ST) માટે અનામત રાખવામાં આવી છે. આ ચાર બેઠકો દાહોદ, છોટાઉદેપુર, બારડોલી અને વલસાડ છે.

એ સિવાય ભરૂચ, નર્મદા, બનાસકાંઠા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં પણ આદિવાસી મતોનું પ્રભુત્ત્વ રહ્યું છે.

લોકસભા ચૂંટણી 2019ની વાત કરવામાં આવે તો ભાજપે ગુજરાતમાં 26માંથી 26 બેઠકો સતત બીજીવાર જીતી લીધી હતી. જોકે, એ સમયે મુખ્ય મુકાબલો ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જ હતો અને કોઈ ત્રીજો પક્ષ લડાઈમાં ન હતો.

જ્યાં આમ આદમી પાર્ટી પોતાનો દાવો કરી રહી છે એ ભરૂચ બેઠક પરથી ભાજપના મનસુખ વસાવા 2019માં 3,34,214 મતોથી જીત્યા હતા. 1998થી આ બેઠક પર ભાજપનો કબજો છે અને મનસુખ વસાવા છ ટર્મથી સાંસદ છે.

આ સિવાય 2019ની ચૂંટણીમાં વલસાડ બેઠક પરથી 3,53,797 મતે, બારડોલી બેઠક પરથી 2,15,447 મતે, છોટા ઉદેપુર બેઠક પરથી 3,77,943 મતે અને દાહોદ બેઠક પરથી 1,27,596 મતોની ભારે સરસાઈથી ભાજપનો વિજય થયો હતો.

મતોની સરસાઈ જોતાં કૉંગ્રેસ અને આપ ‘ઇન્ડિયા’ ગઠબંધન હેઠળ લડે તો પણ તેમના માટે કપરાં ચઢાણ છે.

2022ની વિધાનસભા ચૂંટણીમાં બદલાયું ચિત્ર

2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતીને રેકૉર્ડતોડ વિજય થયો હતો. જ્યારે કૉંગ્રેસના ફાળે માત્ર 17 બેઠકો આવી હતી.

આમ આદમી પાર્ટીએ 181 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા અને પહેલીવાર પાંચ બેઠકો જીતીને ગુજરાત વિધાનસભામાં પોતાનું ખાતું ખોલ્યું હતું.

મતોની ટકાવારી પર નજર ફેરવીએ તો ભાજપને 52.50 ટકા, કૉંગ્રેસને 27.28 ટકા અને આમ આદમી પાર્ટીને 12.92 ટકા મતો મળ્યા હતા.

ગુજરાતની 35 બેઠકો પર આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી હતી જ્યારે કૉંગ્રેસ ત્રીજા નંબરે ધકેલાઈ ગઈ હતી.

પહેલીવાર ચૂંટણી રહેલી આમ આદમી પાર્ટીને આદિવાસી વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ વ્યાપક પ્રમાણમાં મત મળ્યા હતા.

ડેડિયાપાડા બેઠકથી ચૈતર વસાવા 55.87 ટકા મત મેળવીને વિજેતા બન્યા હતા. દાહોદ લોકસભા બેઠક હેઠળ આવતી ચાર બેઠકો પર આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી હતી.

બારડોલી અને વલસાડ લોકસભા બેઠક હેઠળ આવતી બે-બે વિધાનસભા બેઠકો અને છોટા ઉદેપુરની એક બેઠક પર આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી હતી.

દાહોદની લીમખેડા અને દેવગઢબારિયા જેવી બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને અનુક્રમે 43.69 અને 35.58 ટકા મત મળ્યા હતા.

હરેશ ઝાલા કહે છે, “2022ની ચૂંટણીના આંકડાઓને ધ્યાનમાં રાખીને કોઈ એવું કહેતું હોય કે સમગ્ર આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ વધ્યો છે તો એ વાત સાથે હું સહમત નથી. આપણે એ વાત યાદ રાખવી જોઈએ કે આ વિસ્તારોમાં દાયકાઓથી રહેલું કૉંગ્રેસનું પ્રભુત્ત્વ તોડવામાં ભાજપને 30 વર્ષ લાગ્યાં છે. જેમાં ભાજપને આપને કારણે પણ ફાયદો થયો છે. એટલે એક ચૂંટણીને આધારે આપણે તેનું અનુમાન ન લગાવી શકીએ કે આપની પરિસ્થિતિ કેવી છે.”

“વધુમાં આદિવાસી વિસ્તારોમાં આપના ઉમેદવારોએ વધારે પ્રચાર પણ કર્યો ન હતો. એવી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીને આટલા મતો ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં મળ્યા તેનો જવાબ આજે પણ કોઈની પાસે નથી.”

ડૉ.હરિ દેસાઈ કહે છે, “બનાસકાંઠાના દાંતાથી લઈને તાપીના વ્યારા સુધીનો આદિવાસી પટ્ટો પહેલેથી જ કૉંગ્રેસ સાથે રહ્યો છે. ભાજપ સામ, દામ, દંડ અને ભેદથી આદિવાસી વિસ્તારોમાં વ્યાપકપણે પગપેસારો કરવામાં સફળ રહ્યું છે અને છતાંય હજુ કૉંગ્રેસની એ વિસ્તારોમાં વોટબૅન્ક મજબૂત છે. 2022ના આંકડાઓને ધ્યાનમાં લઈ શકાય નહીં કારણ કે ત્યારે આમ આદમી પાર્ટીથી ભાજપને ફાયદો થયો હતો જ્યારે આજે તે ‘ઇન્ડિયા’ ગઠબંધનમાં છે.”

2022 ચૂંટણી પછી આપમાં થયા અનેક ભંગાણ

વિધાનસભા ચૂંટણીમાં પાંચ બેઠકો મેળવીને રાષ્ટ્રીય પાર્ટી બનેલી આપમાં ત્યારબાદ અનેક ભંગાણ પડ્યાં છે. પક્ષના અનેક નેતાઓ ભાજપ અને કૉંગ્રેસમાં સામેલ થયા છે.

આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી અને આદિવાસી નેતા પ્રૉ. અર્જુન રાઠવા કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. બંને નેતાઓ લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. બીજી તરફ યુવા નેતા નિખિલ સવાણી ભાજપમાં જોડાઈ ગયા છે.

ગત વર્ષે એપ્રિલ મહિના બાદ જ સુરતમાંથી ચૂંટાયેલા આપના 10 કૉર્પોરેટરો ભાજપમાં સામેલ થઈ ગયા હતા.

હજુ ગત મહિને જ વિસાવદરથી આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું. વિધાનસભામાં પણ આપની સંખ્યા ઘટીને 4 થઈ ગઈ છે.

હરેશ ઝાલા કહે છે, “2022માં પણ લોકોને આમ આદમી પાર્ટીના મીડિયા અને સોશિયલ મીડિયા પ્રચારને જોઈને લાગતું હતું કે તે ખૂબ સારું પ્રદર્શન કરશે. પરંતુ ગ્રાઉન્ડ પર તેમની રેલીઓમાં વ્યાપક ભીડ જોવા મળે છે કે કેમ એ અગત્યનો સવાલ છે. ક્યાંય એવી મેદની કે માનવ-મહેરામણ જોવા મળતો નથી. 2022માં આપના જેટલા ઉમેદવારો જીત્યા છે એ તેમની પોતાની તાકાતને કારણે જીત્યા છે. હકીકતમાં તેમનું સંગઠન પણ ખૂબ નબળું છે.”

‘ઇન્ડિયા’ ગઠબંધનનું ગુજરાતમાં શું ભવિષ્ય?

2022ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઈએ તો સુરતની 16 પૈકી 10 બેઠક એવી છે, જ્યાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી હતી.

તો સૌરાષ્ટ્રની 48 બેઠક પૈકીની 14 બેઠક પર આપ બીજા સ્થાને રહી છે. જ્યારે અમદાવાદની એક નરોડા બેઠક પર આમ આદમી પાર્ટી બીજા સ્થાને રહી હતી.

સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને ચાર અને દક્ષિણ ગુજરાતમાં એક બેઠક મળી છે.

આંકડાઓ જોતાં એ સ્પષ્ટ થાય છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આપનો પ્રભાવ જોવા મળ્યો છે. આ આંકડાઓને આધાર બનાવીને આમ આદમી પાર્ટી ‘ઇન્ડિયા’ ગઠબંધન હેઠળ ઓછામાં ઓછી 8-10 લોકસભા બેઠકો પર પોતાનો દાવો કરશે તેવું મનાય છે.

પરંતુ આમ આદમી પાર્ટીને જે વિસ્તારોમાં વધુ મત મળ્યા છે એ વિસ્તારો પરંપરાગત રીતે કૉંગ્રેસના મજબૂત વિસ્તારો ગણાતાં હતાં. એવી પરિસ્થિતિમાં બંને પક્ષો વચ્ચે સીટોની વહેંચણી મુદ્દે ખેંચતાણ થાય તેવી પ્રબળ સંભાવના છે.

હરેશ ઝાલાના મત મુજબ “આ વખતે પણ આમ આદમી પાર્ટી જોર કરશે પણ તેની એક મર્યાદા રહેશે. કૉંગ્રેસ પણ એમ આદિવાસી પટ્ટાની બેઠકો આમ આદમી પાર્ટીને આપી દેવા તૈયાર નહીં થાય કારણ કે હજુ કૉંગ્રેસનું ત્યાં પ્રભુત્ત્વ છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પણ મોટેભાગે ગુજરાતના આ આદિવાસી વિસ્તારોમાંથી પસાર થવાની છે.”

તેઓ કહે છે, “ગુજરાત સહિત દેશભરમાં એવો માહોલ તૈયાર થયો છે જેમાં જબરદસ્ત ધ્રુવીકરણ છે. આ ધ્રુવીકરણની અસર આદિવાસી પટ્ટામાં પણ થઈ છે. 22મી જાન્યુઆરીએ થનારી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા પછી મને એવું નથી લાગતું કે 2019 અને 2024ના પરિણામો વચ્ચે જાજો ફર્ક હોય. શહેરો હોય, ગામડાંઓ હોય કે આદિવાસી વિસ્તારો હોય, ક્યાંય મોટો ફર્ક ગુજરાતમાં પડશે તેવું ચિત્ર મને દેખાતું નથી.”

ડૉ.હરિ દેસાઈ કહે છે, “બીજા આદિવાસી વિસ્તારો અને બેઠકો વિશે અનુમાન લગાવવું વહેલું ગણાશે પરંતુ સંયુક્ત ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની જીત નિશ્ચિત છે. પરંતુ જો કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ-અલગ લડશે તો ભાજપને સીધો ફાયદો થશે અને ભાજપ બધી બેઠકો આસાનીથી જીતી જશે.”