ગુજરાતમાં 'આપ'ને ગતિશીલ રાખવામાં ઇસુદાન ગઢવી ઊણા ઊતરી રહ્યા છે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આઠ ડિસેમ્બરે આવ્યાને છ મહિનાથી વધુ વખત વીતી ગયો છે. ગત અઠવાડિયે આપ પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ વસરામ સાગઠિયા 29 આપ હોદ્દેદારો સાથે કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે.

આ વર્ષે એપ્રિલ માસમાં જ સુરત કૉર્પોરેશનમાં આપના 10 નગરસેવકો–કૉર્પોરેટો પણ આપમાં છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા.

“હમ બૈલ મેં સે દૂધ નિકાલ કર આયે હૈ.” ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કુલ મતદાનના 12.89 ટકા મત મેળવ્યા પછી અરવિંદ કેજરીવાલે પોતાની ખુશી આ શબ્દોમાં પ્રગટ કરી હતી.

વિધાનસભામાં આપે ફક્ત પાંચ જ બેઠક મેળવી હતી પણ ગુજરાતમાં મળેલી મતોની ટકાવારીના પ્રતાપે આપ રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ હતી.

આમ આદમી પાર્ટીની હાજરીએ 2022ની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગનો માહોલ રચ્યો હતો.

સવાલ એ થાય કે ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ ત્રીજું મોજું ઊભું કરનારી આમ આદમી પાર્ટીમાંથી નેતા-કાર્યકરો પક્ષ કેમ છોડી રહ્યા છે? શું આપ ખરેખર સક્રિય નથી? આવનારી ચૂંટણીઓમાં આપ વિધાનસભાની જેમ જ માહોલ ઊભો કરી શકશે?

શું ગોપાલ ઈટાલિયાને સ્થાને પ્રદેશ પ્રમુખ તરીકે મુકાયેલા ઈસુદાન ગઢવી ઊણા ઊતરી રહ્યા છે? વગેરે ચર્ચાઓના ગણગણાટ વચ્ચે કેટલાક રાજકીય સમીક્ષકો પાસેથી આ સવાલોના જવાબ જાણવાનો પ્રયાસ કરીએ.

આપ ગુજરાતમાં લોકસભામાં કેટલું ગાજશે?

અમદાવાદમાં વસતા રાજકીય વિશ્લેષક હરિ દેસાઈએ બીબીસીને જણાવ્યું કે, “ગુજરાતમાં આપ માત્ર ને માત્ર ભાજપની ‘મિત્રપાર્ટી’ તરીકે જ આવી હતી. નૂરાકુસ્તી માટે આવી હતી. ગુજરાતમાં આપની કોઈ લાંબી રાજકીય ઈનિંગ્સ હશે એવું કંઈ દેખાતું નથી. એ ભાજપને મદદ કરવા માટે જ આવી હતી. એ સોદાબાજીમાં જ હતી. તેમની ભૂમિકા કૉંગ્રેસના વોટ તોડવાની હતી. એ મકસદ પૂરો થયો. હવે રાત ગઈ બાત ગઈ.”

ગુજરાતમાં આપ જગ્યા બનાવી શકી એમાં ભાજપની ભૂમિકા છે એવું અમદાવાદમાં રહેતા અન્ય એક વિશ્લેષક વાસુદેવ પટેલ પણ માને છે.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, “2022ની ચૂંટણીમાં જો મતોનું ધ્રુવીકરણ ન થાત તો ભાજપની સરકાર ન બનત. તેથી આપનો રસ્તો ગુજરાતમાં ભાજપે પ્રશસ્ત કર્યો.”

ત્રીજી પાર્ટી તરીકે આપનું ગુજરાતમાં શું ભવિષ્ય હશે? એના જવાબમાં તેઓ કહે છે કે, “જો દિલ્હી, પંજાબ સહિત બે ત્રણ રાજ્યોમાં આપની સરકાર ટકી રહેશે તો ગુજરાતમાં પણ તેમની પાર્ટી વિકસશે.”

તો જાણીતા વિશ્લેષક દિલીપ ગોહિલને લાગે છે કે જે રીતે આપ 2022ની વિધાનસભામાં ગુજરાતમાં સક્રિય હતી, તેવી 2024ની લોકસભા ચૂંટણી વખતે ગુજરાતમાં સક્રિય નહીં હોય.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, “હાલનાં સંજોગો જોતાં એટલું તો કહી જ શકીએ કે આપ વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં જેટલી ગાજી હતી તેટલી લોકસભામાં નહીં ગાજે.”

આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડૉ. કરણ બારોટ બીબીસીને કહે છે કે, “આપ ગુજરાતમાં બિલકુલ સક્રિય છે. 2022ની ચૂંટણી પછી જનતાના પ્રશ્નો સૌથી વધુ કોઈએ ઉપાડ્યા હોય તો આપ છે. આપ હાલ દરેક તાલુકે હાલ તિરંગાસભા કરી રહી છે. નવા પદાધિકારીઓની યાદી બહાર પાડી છે. નગરપાલિકા અને લોકસભાની ચૂંટણી આવી રહી છે એ માટે નિમણૂકો આપવાની શરૂ કરી દીધી છે. તિરંગાસભાઓ એને અનુલક્ષીને જ યોજાઈ રહી છે.”

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા લાંબા સમયથી જેલમાં છે. દિલ્હી સરકારમાં અડધો ડઝન ખાતાં સંભાળી ચૂકેલા પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન લાંબા સમય સુધી જેલમાં હતા.

આમ આદમી પાર્ટી જ્યાં ચૂંટાયેલી છે તે દિલ્હી અને પંજાબમાં તેમને જે ભીંસ પડી રહી છે તેથી તે ગુજરાત, ગોવા કે અન્ય રાજ્યોમાં ફોકસ નથી કરી શકી એવો પણ દિલીપ ગોહિલનો મત છે.

હરિ દેસાઈ કહે છે કે, “સિસોદિયા અને અન્ય પ્રધાનને જેલમાં નાખ્યા પછી આપને હવે સમજાઈ ગયું છે કે ભાજપ સાથે રહેવામાં જોખમ છે.”

ઈટાલિયા કે ઈસુદાન, કોનું પર્ફૉર્મન્સ ચડિયાતું?

પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઈટાલિયા હતા ત્યાં સુધી પાર્ટીમાં થોડો રાજકીય ચમકારો હતો. હવે તેને સ્થાને ઇસુદાનને બેસાડવાથી એ ચમકારો જોવા નથી મળી રહ્યો એવું કેટલાક વિશ્લેષકોને લાગે છે, કેટલાકને નથી લાગતું.

હરિ દેસાઈ કહે છે કે, “ગોપાલ ઈટાલિયા હતા ત્યારે પાર્ટીમાં થોડી સક્રિયતા જોવા મળતી હતી. પાટીદાર મતબૅન્ક જે કૉંગ્રેસ તરફ જતી હોય તેને ખાળવા માટે ઈટાલિયાને પ્રમુખ બનાવ્યા હતા. ઈટાલિયા જો હજી પણ પ્રમુખ હોત તો પાર્ટીમાં થોડી ગતિ જોવા મળત. ઇસુદાનની સરખામણીમાં ગોપાલ ઈટાલિયાનું પર્ફૉર્મન્સ ચડિયાતું હતું. ગોપાલમાં જે લડી લેવાની વૃત્તિ અને રાજકીય દૃષ્ટિ હતી એનો ઇસુદાનમાં અભાવ છે. ગોપાલ ઈટાલિયાને મહારાષ્ટ્રમાં પ્રભારીપદ સોંપીને આમ આદમી પાર્ટીએ ખોટું પગલું ભર્યું છે. જો તે અહીં હોત તો ગુજરાતમાં આપની થોડી ગાજવીજ હોત.”

જોકે, દિલીપ ગોહિલને એવું નથી લાગતું. તેઓ કહે છે કે, “ઇસુદાનને જે પ્રદેશ પ્રમુખનું પદ મળ્યું છે એ આપને ચૂંટણીનાં નબળાં પરિણામ પછી મળ્યું છે. ઇસુદાનની જગ્યાએ હાલ ગોપાલ હોત તો પણ પાર્ટીની સ્થિતિ આવી જ હોત.”

પરંતુ પાર્ટી તો આને નબળું પરિણામ નથી માનતી. કેજરીવાલે તો એવું કહ્યું હતું કે અમે બળદમાંથી દૂધ કાઢી લાવ્યા છીએ. આના જવાબમાં દિલીપભાઈ કહે છે કે, “કેજરીવાલ કે પાર્ટીના નેતાઓ ભલે જાહેરમાં એવું કહે. ખરી વાત એ છે કે પાર્ટીને એવી અપેક્ષા હતી કે ડબલ ડીજીટમાં એટલે કે દશ કે તેથી વધુ બેઠકો પાર્ટીને મળશે, પરંતુ એવું થયું નથી. તેથી એક આંતરિક નિરાશા છે.”

ચૂંટણીમાં આપના જાણીતા ચહેરા ગોપાલ ઈટાલિયા, ઇસુદાન ગઢવી, અલ્પેશ કથીરિયા, સાગર રબારી વગેરે બહુમતી મેળવી શક્યા નહોતા.

વાસુદેવ પટેલ કહે છે કે, “ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીએ જે માહોલ ઊભો કર્યો અને આપનું નાનું પણ નોંધપાત્ર પર્ફૉર્મન્સ હતું એ કેજરીવાલની પ્રતિભા અને પ્રચારને કારણે હતું. આપને જે મત મળ્યા તે ઇસુદાન કે ગોપાલને કારણે મળ્યા નહોતા.”

કૉંગ્રેસમાંથી આપમાં ગયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વસરામ સાગઠિયા પોતાની જૂની પાર્ટીમાં ફરી જોડાઈ ગયા છે. આપના કેટલાક કાર્યકર્તા ભાજપમાં જોડાયા છે.

આ વિશે કરણ બારોટ કહે છે કે, “આપ જે છે તે સંઘર્ષમાંથી ઊભી થઈ છે. ગુજરાતમાં આપ પાસે કોઈ સત્તા તો છે નહીં. જે લોકો સંઘર્ષ કરી શકતા હોય એ ટકે છે. વસરામ સાગઠિયાને વિધાનસભામાં ઉમેદવારી આપી હતી. એ સિવાયની મહત્ત્વની જવાબદારી તેમના શિરે હતી. તેથી આમ આદમી પાર્ટી દરેકને સમાન રીતે જુએ છે અને કામ આપે છે. પછી પોતાને વ્યક્તિગત રીતે બીજે ક્યાંક કંઈક દેખાતું હોય કે લોભલાલચ હોય અને ત્યાં જાય તો એ તેમની વ્યક્તિગત બાબત છે. બાકી આપ છોડીને કૉંગ્રેસમાં જનારાઓએ ક્યારેય પાર્ટીની કાર્યપદ્ધતિને ખોટી ઠેરવી હોય તેવું બન્યું નથી.”

આગામી ચૂંટણીઓની તૈયારીના સંદર્ભે સાસણ ગીરમાં હાલમાં જ આમ આદમી પાર્ટીની ચિંતન શિબિર યોજાઈ ગઈ.

27 જૂને પાર્ટી દ્વારા તેની જે મીડિયાયાદી રજૂ કરવામાં આવી તેમાં ઇસુદાન ગઢવીએ કાર્યકર્તાઓને કહ્યું હતું કે, “આવનારી લોકસભા અને નગરનિગમની ચૂંટણીઓ માટે ગુજરાતના દરેકે દરેક બૂથ પર આપણા સંગઠનને મજબૂત કરવાની જવાબદારી આપણા સૌની છે. સંગઠનના દરેક કામનું રિપોર્ટિંગ અરવિંદ કેજરીવાલજીને કરવામાં આવે છે. તો આપણે સૌએ પોતાની પૂરેપૂરી તાકાત લગાવીને સંગઠનને મજબૂત કરવાનું છે અને આવનારી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને ભવ્ય વિજય અપાવવાનો છે.”