You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મનીષ સિસોદિયાઃ દિલ્હી સરકારની સૌથી ભરોસાપાત્ર વ્યક્તિથી માંડીને ધરપકડ સુધીની કહાણી
- લેેખક, દીપક મંડલ
- પદ, બીબીસી સંવાદદાતા
- ગયા ઓગસ્ટમાં સીબીઆઈએ મનીષ સિસોદિયાના ઘરે દરોડો પાડ્યો ત્યારે પણ કેજરીવાલે તેમનો જોરદાર બચાવ કર્યો હતો
- સીબીઆઇનાં સૂત્રોના જણાવ્યા મુજબ, કોરોના મહામારીને લીધે દારૂના બિઝનેસમાં થયેલી ખોટનો હવાલો આપીને આ નીતિમાં લાઇસન્સ ફી ખતમ કરી નાખવામાં આવી હતી અને તેને લીધે દિલ્હી સરકારને રૂ. 140 કરોડનું નુકસાન થયું હતું
- લાઇસન્સ આપવા માટે લાંચ લેવામાં આવી હતી અને તે પૈસાનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ પંજાબમાં ચૂંટણી લડવા માટે કર્યો હોવાનો પણ આરોપ લગાવાયો છે
- કેજરીવાલ અને સિસોદિયા જૂના દોસ્ત છે. બન્ને 2006-07થી સાથે છે, બન્ને દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે કામ કરતા હતા
- એક સામાજિક કાર્યકર અને પત્રકારથી શરૂ કરીને દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી બનવા સુધીનો સિસોદિયાનો પ્રવાસ બહુ દિલચસ્પ છે, એ પ્રવાસ જાણવા માટે વાંચો આ અહેવાલ...
“અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાના વચ્ચેનો સંબંધ હવે એક સારા બૉસ અને સારા મદદનીશના સ્વરૂપમાં પરિવર્તીત થઈ ગયો છે. પક્ષમાં કામ કરવાની યોગ્ય રીત કઈ છે તે સિસોદિયા સૌથી પહેલા સમજી ગયા હતા?”
“આ કોઈ બહુ મોટી રાજકીય મહત્ત્વકાંક્ષા ધરાવતી હોય એવી વ્યક્તિનું નહીં, પરંતુ પોતાના નેતા પ્રત્યેનું એક અનુયાયીનું સમર્પણ છે.”
મનીષ સિસોદિયા વિશેનો આ અભિપ્રાય દિલ્હીના તિમારપુર વિધાનસભા મતવિસ્તારના આમ આદમી પાર્ટી(આપ)ના વિધાનસભ્ય પંકજ પુષ્કરનો છે.
સિસોદિયા, સીબીઆઈના દરોડા અને કેજરીવાલ દ્વારા બચાવ
દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાની સીબીઆઈએ રવિવારે ધરપકડ કરી ત્યારે આપના સંયોજક તથા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે તેમને ‘નિર્દોષ’ ગણાવ્યા હતા.
કેજરીવાલે લખ્યું હતું કે “મનીષ નિર્દોષ છે. તેમની ધરપકડ ગંદું રાજકારણ છે. મનીષની ધરપકડથી લોકો બહુ રોષે ભરાયા છે. લોકો બધું જોઈ રહ્યા છે. લોકોને બધું સમજાઈ રહ્યું છે. લોકો તેનો જવાબ આપશે. તેનાથી અમારો જુસ્સો વધશે. અમારો સંઘર્ષ વધુ મજબૂત થશે.”
કેજરીવાલ મનીષ સિસોદિયાનાં પત્નીને તેમના ઘરે મળવા ગયા ત્યારે પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન પણ તેમની સાથે હતા.
ગયા ઑગસ્ટમાં સીબીઆઈએ મનીષ સિસોદિયાના ઘરે દરોડો પાડ્યો યારે પણ કેજરીવાલે તેમનો જોરદાર બચાવ કર્યો હતો. એ સમયે કરેલી એક ટ્વીટમાં કેજરીવાલે જણાવ્યું હતું કે “દિલ્હીના શિક્ષણ તથા આરોગ્ય મૉડલની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. તેને તેઓ રોકવા માગે છે. તેથી દિલ્હીના આરોગ્ય તથા શિક્ષણમંત્રી પર દરોડા અને ધરપકડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.”
કેજરીવાલે ‘ન્યૂયૉર્ક ટાઈમ્સ’ અખબારનું પહેલું પાનું પણ શૅર કર્યું હતું. તેમાં દિલ્હી સરકારની શાળાઓમાં સુધારાનું શ્રેય સિસોદિયાને આપતી માહિતી પ્રકાશિત કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિલ્હીના ઉપ-રાજ્યપાલ વિનય સક્સેનાએ દિલ્હી સરકારની 2021ની ઍક્સાઇઝ નીતિની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાનો આદેશ 2022ની 22 જુલાઈએ આપ્યો હતો.
સીબીઆઈનાં સૂત્રોના જણાવ્યા મુજબ, કોરોના મહામારીને લીધે દારૂના બિઝનેસમાં થયેલી ખોટનો હવાલો આપીને આ નીતિમાં લાઇસન્સ ફી ખતમ કરી નાખવામાં આવી હતી. તેને લીધે દિલ્હી સરકારને રૂ. 140 કરોડનું નુકસાન થયું હતું.
લાઇસન્સ આપવા માટે લાંચ લેવામાં આવી હતી અને તે પૈસાનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ પંજાબમાં ચૂંટણી લડવા માટે કર્યો હોવાનું પણ કહેવામાં આવ્યું હતું.
સીબીઆઈની તપાસ દરમિયાન, 2021ની ઉપરોક્ત નીતિ 2022ની પહેલી ઑગસ્ટથી બદલવાની જાહેરાત સિસોદિયાએ કરી હતી અને જણાવ્યું હતું કે દારૂ હવે માત્ર સરકારી દુકાનોમાં જ વેંચવામાં આવશે. 2021માં દારૂની તમામ સરકારી દુકાનો ખાનગી હાથમાં સોંપી દેવામાં આવી હતી.
2021માં નવી દારૂનીતિના અમલ વખતે કેજરીવાલ સરકારે જણાવ્યું હતું કે નવી નીતિથી સરકારની મહેસૂલી આવકમાં રૂપિયા 3,500 કરોડ સુધીનો વધારો થશે. જોકે, રાજ્યના વડા સચીવના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે વધારાને બદલે દિલ્હી સરકારની મહેસૂલી આવકમાં ઘટાડો થયો હતો.
સિસોદિયા સહિતના 15 સામેના આરોપ
ચીફ સેક્રેટરીના તે રિપોર્ટને આધારે ઉપ-રાજ્યપાલે સીબીઆઈ દ્વારા તપાસનો આદેશ આપ્યો હતો. એ પછી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)ની કાર્યવાહી બાદ સીબીઆઈ સિસોદિયાના ઘરના દરવાજે ટકોરા મારશે તેવું અનુમાન કરવામાં આવતું હતું ત્યાં જ સીબીઆઈએ મનીષ સિસોદિયાના ઘર પર દરોડો પાડ્યો હતો.
એફઆઈઆરમાં સિસોદિયા સહિત 15 આરોપીનાં નામ છે. તેમાં તત્કાલીન ઍક્સાઇઝ કમિશનર સહિતના ત્રણ અધિકારીનો પણ સમાવેશ થાય છે. આ લોકો પર ગુનાહિત ષડ્યંત્ર રચવાનો અને છેતરપિંડી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
પક્ષમાં નંબર-2નો દરજ્જો યથાવત્
આવ્યા હતા અને પક્ષની નીતિ બાબતે મતભેદને કારણે છૂટા પણ પડી ગયા હતા.
વિખ્યાત વકીલ પ્રશાંત ભૂષણ, પત્રકાર આશુતોષ અને સમાજવાદી પૃષ્ઠભૂમિના રાજકીય વિશ્લેષક તથા સામાજિક કાર્યકર યોગેન્દ્ર યાદવ જેવા અગ્રણીઓ આપ સાથે જોડાયા હતા અને પછી તેનાથી અલગ થઈ ગયા હતા, પરંતુ મનીષ સિસોદિયા પહેલેથી જ પક્ષમાં બીજા ક્રમના નેતા હતા અને આજે પણ કોઈ તેમનું સ્થાન લઈ શક્યું નથી.
કેજરીવાલ અને મનીષ સિસોદિયા 2006-07થી સાથે છે. એ વખતે બન્નેમાંથી કોઈએ રાજકારણમાં જોડાવાનું વિચાર્યું ન હતું. બન્ને દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે કામ કરતા હતા.
વરિષ્ઠ પત્રકાર પ્રમોદ જોશીએ કહ્યું હતું કે “કેજરીવાલ અને સિસોદિયા બન્ને ઘણીવાર મારી પાસે આવતા હતા. એ સમયે હું દિલ્હીમાં એક મોટા અખબારના તંત્રી તરીકે કામ કરતો હતો અને તેમને મદદ કરી શકતો હતો. એ બન્ને સામાજિક ક્ષેત્રમાં કામ કરતા હતા, પરંતુ 2010-11માં આપના નિર્માણની તૈયારી ચાલતી હતી ત્યારે સિસોદિયા કેજરીવાલની સૌથી વધુ વિશ્વાસુ વ્યક્તિ તરીકે કામ કરતા હતા.”
શાળા-શિક્ષણ ક્ષેત્રે સુધારાના પુરસ્કર્તા
એક સામાજિક કાર્યકર અને પત્રકારથી શરૂ કરીને દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી બનવા સુધીનો સિસોદિયાનો પ્રવાસ બહુ દિલચસ્પ છે.
અરવિંદ કેજરીવાલે સામાજિક કામ માટે 1998માં ‘પરિવર્તન’ નામનું એક સ્વૈચ્છિક સંગઠન બનાવ્યું હતું. એ સમયે સિસોદિયા ટીવી પત્રકાર તરીકે કામ કરતા હતા. તેમણે આ સ્વૈચ્છિક સંગઠન વિશે એક સ્ટોરી કરી હતી.
એ સ્ટોરીના પ્રકાશનના બીજા દિવસે અરવિંદ મનીષને મળ્યા હતા. બન્ને વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. એ પછી બન્ને વચ્ચે દોસ્તી થઈ ગઈ હતી. પછી એક સમય એવો આવ્યો કે જ્યારે મનીષ સિસોદિયાએ નોકરી છોડીને અરવિંદ કેજરીવાલ સાથે કામ કરવા લાગ્યા હતા.
વાસ્તવમાં સિસોદિયાનું વલણ રાજકીય વ્યૂહરચના બનાવવાને બદલે સામાજિક ક્ષેત્રે કામ કરવાનું વધારે રહ્યું છે. તેથી દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી બન્યા બાદ તેમણે દિલ્હી સરકારની શાળાઓમાં શિક્ષણનું સ્તર બહેતર બનાવવાની યોજના ઘડી હતી. કેજરીવાલ સરકાર શાળા શિક્ષણમાં સુધારાના કામને પોતાના ઉત્તમ કામ તરીકે પ્રદર્શિત કરતી રહે છે. એ સુધારાનું મોટું શ્રેય સિસોદિયાને આપવામાં આવે છે.
સિસોદિયાને સમગ્ર દેશમાં શાળાશિક્ષણ ક્ષેત્રે સુધારાના પુરસ્કર્તા ગણવામાં આવે છે. આપનો દાવો છે કે દિલ્હી સરકારની શાળાઓના કામકાજ તથા અભ્યાસમાં જબરા સુધારાનો પ્રભાવ દેશનાં અન્ય રાજ્યો માટે આદર્શ બની ચૂકયો છે. દેશના અનેક રાજ્યોના મુખ્ય મંત્રીઓ તેને વખાણી ચૂક્યા છે અને પોતપોતાનાં રાજ્યોમાં તેનો અમલ કરવા ઇચ્છે છે.
વિદેશમાં વખણાયા, પરંતુ દેશમાં ઘેરાયા
શાળાશિક્ષણમાં સુધારાના આ પુરસ્કર્તાના વિદેશી અખબારોમાં ભલે વખાણ થયાં હોય, પરંતુ દેશમાં તેઓ મુશ્કેલીથી ઘેરાઈ ગયા છે.
આપનું કહેવું છે કે તેની વધતી તાકાતથી કેન્દ્રની મોદી સરકાર ગભરાઈ ગઈ છે. તેથી મનીષ સિસોદિયા સામે કાર્યવાહી કરી રહી છે. મનીષ સિસોદિયાનાં કામનાં વખાણ આખી દુનિયા કરી રહી છે.
પ્રમોદ જોશીએ કહ્યું હતું કે “મનીષ સિસોદિયાએ ભ્રષ્ટાચાર કર્યો છે કે નહીં તે હું કહી શકું તેમ નથી, પરંતુ આ આરોપ રાજકીય હોઈ શકે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અત્યારે આપને તેની રાજકીય પ્રતિસ્પર્ધી ગણી રહી છે.”
ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં આપ, બીજેપીને સારી ટક્કર ભલે ન આપી શકી હોય, પરંતુ તેણે તેની દમદાર હાજરી જરૂર નોંધાવી છે. પંજાબ તે જીતી ચૂકી છે અને હરિયાણામાં પણ તેની અસર જોવા મળે છે.
કેજરીવાલ અને સિસોદિયા વચ્ચે શરૂઆતથી જ સારો તાલમેલ છે. આજે પણ શિક્ષણ સહિતનાં અર્ધો ડઝનથી વધુ મંત્રાલયનો કારભાર સિસોદિયા સંભાળે છે. કેજરીવાલ તમામ નીતિગત નિર્ણય સિસોદિયાની સલાહ મુજબ લેતા હોવાનું કહેવાય છે.
દિલ્હીમાં શાળાશિક્ષણ ક્ષેત્રે સુધારા બાબતે મનીષ સિસોદિયાનું કહેવું છે કે તેઓ “વર્ગખંડને એક આંદોલનના સ્વરૂપમાં પરિવર્તિત કરવા ઇચ્છે છે.”
કેજરીવાલ અને સિસોદિયાનો સંગાથ
મનીષ સિસોદિયાએ પણ પોતાનું એક સ્વૈચ્છિક સંગઠન ‘કબીર’ નામે બનાવ્યું હતું, પરંતુ બાદમાં તેઓ કેજરીવાલના ‘પરિવર્તન’ સંગઠનમાં જોડાઈને કામ કરવા લાગ્યા હતા.
અરૂણા રાયે માહિતી મેળવવાના અધિકારના કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે નવ લોકોની જે સમિતિ બનાવી હતી, તેમાં સિસોદિયા એક સભ્ય તરીકે સામેલ હતા. માહિતી મેળવવાના અધિકારના એક કાર્યકર તરીકે કેજરીવાલે પણ કામ કર્યું હતું.
કેજરીવાલ, સિસોદિયા તથા તેમના કેટલાક સાથીઓએ 2011માં જન લોકપાલ ખરડા માટે અણ્ણા હઝારે સાથે મળીને આંદોલન કર્યું હતું અને પછી એ બન્ને રાજકારણમાં પ્રવેશ્યા હતા.
પ્રમોદ જોશીએ કહ્યું હતું કે “મનીષ સિસોદિયા મને ઘણા પરિપકવ લાગ્યા છે. તેઓ મારી પાસે આવતા હતા એ દિવસોમાં ઘણું સારું કામ કરતા હતા. સિસોદિયા મને બહુ સંતુલિત પણ જણાયા છે. તેમણે તેમની જાતને ક્યારેય આગળ કરી નથી. તેઓ પડદા પાછળ રહીને કામ કરતા રહ્યા છે.”
આપ અને કેન્દ્ર વચ્ચે ટક્કર શા માટે?
2012માં રાજકારણમાં પ્રવેશેલી આપએ દિલ્હીમાં 2013માં સરકાર બનાવી હતી. દિલ્હીમાં હાલ આપ ત્રીજીવાર શાસન કરી રહી છે. પંજાબમાં બહુમતી મેળવવા ઉપરાંત બીજેપીનો ગઢ ગણાતા દિલ્હી નગરનિગમમાં પણ તેણે જીત મેળવી છે અને જોરદાર રસાકસી પછી તેણે મેયર તથા ડેપ્યુટી મેયરની ચૂંટણી પણ જીતી લીધી છે.
વિશ્લેષકોનું કહેવું છે કે દિલ્હીની કેજરીવાલ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વધતો રાજકીય તણાવ આ પ્રતિસ્પર્ધાનું પરિણામ છે. કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર વચ્ચે ટક્કર થાય છે ત્યારે મોરચો કાયમ સિસોદિયા જ સંભાળે છે. એ કોરોના વખતે દિલ્હીની કથિત ઉપેક્ષા હોય કે વીજળીનો મામલો કે પછી દિલ્હી નગરનિગમની ચૂંટણી, કેજરીવાલ સરકાર તરફથી કાયમ સિસોદિયા જ જવાબ આપતા રહ્યા છે.
સિસોદિયા પડપડગંજ વિધાનસભા મતવિસ્તારમાંથી વિજેતા થતા રહ્યા છે. 2020માં તેઓ અહીંથી ત્રીજીવાર જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા.
પ્રમોદ જોશીએ કહ્યું હતું કે “કેજરીવાલ સરકારના એક મંત્રી સત્યેન્દ્ર જૈન મની લૉન્ડરિંગના મામલામાં પહેલેથી જ જેલમાં છે અને હવે સીબીઆઈએ સિસોદિયાને નિશાન બનાવ્યા છે. સિસોદિયા જેલમાં જવાથી કેજરીવાલ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે.”
આગામી સામાન્ય ચૂંટણી આડે હવે એકાદ વર્ષ બાકી રહ્યું છે.