You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એકનાથ શિંદે વિ. ઉદ્ધવ ઠાકરે : ભાજપે ઠાકરે પાસેથી એમના જ પિતાની 'શિવસેના' કઈ રીતે આંચકી લીધી?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મને 'ઑપરેશન ટોપલ'એ અમૂલ્ય પાઠ શીખવ્યો - હું શરદ પવારસાહેબ પાસેથી શીખ્યો કે : રાજકીય વફાદારીએ એવું શસ્ત્ર છે કે જેનો ઉપયોગ વિવેકપૂર્વક અને એકદમ ગુપ્તતાપૂર્વક કરવો જોઈએ, જ્યારે કોઈને શંકા ન જાય ત્યારે તેને વાપરવા જોઈએ."
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી નારાયણ રાણેએ તેમની આત્મકથા'નો હૉલ્ડ્સ બાર્ડ માય યર્સ ઇન પોલિટિક્સ'માં આ વાત લખી છે.
વર્ષ 2002માં કૉંગ્રેસ-એનસીપી તથા અન્ય સહયોગી પક્ષોની સરકારને હઠાવીને શિવસેના-ભાજપની યુતિ સરકારને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસ વિશે ચર્ચા કરતી વખતે આ વાત લખી છે.
વર્ષો પછી સિફતપૂર્વક આવી બધી બાબતોનું ધ્યાન રાખીને કથિત રીતે 'ઑપરેશન લૉટ્સ' પાર પાડવામાં આવ્યું. જોકે, આ વખતે શિવસેના અંદરથી તૂટી અને સ્થાપકના પુત્રની સરકારનું પતન થયું. એટલું જ નહીં, ચૂંટણીપંચના આદેશને પગલે ઉદ્ધવ ઠાકરે પાસેથી પાર્ટીનું નામ અને નિશાન પણ ગયાં.
આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જ્યાં ચૂંટણીપંચના આદેશ ઉપર ઉદ્ધવ ઠાકરેને સ્ટે ન મળ્યો. આ અંગે બે અઠવાડિયાં પછી સુનાવણી હાથ ધરવામાં આવશે.
2019માં ભાજપે એનસીપીના બળવાખોર નેતા અને પાર્ટીના સ્થાપક શરદ પવારના ભત્રીજા સાથે મળીને સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં નાલેશીભરી પછડાટ મળી હતી.
- 2019માં ભાજપે એનસીપીના બળવાખોર નેતા અને પાર્ટીના સ્થાપક શરદ પવારના ભત્રીજા સાથે મળીને સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં નાલેશીભરી પછડાટ મળી હતી
- ચૂંટણીપંચના આદેશને પગલે શિવસેનાનું નામ અને ચૂંટણીચિહ્ન (ધનુષ્ય અને બાણ) શિંદે જૂથને મળ્યા છે, જ્યારે પૂર્વ મુખ્ય મંત્રીનું જૂથ શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) તરીકે ઓળખાય છે
- ચૂંટણીપંચના આદેશ પછી મંગળવારે રાત્રે મુંબઈની એક ફાઇવસ્ટાર હોટલમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી, પ્રથમ વખત શિવસેનાની આવી બેઠકની અધ્યક્ષતા કોઈ 'ઠાકરે'એ નહોતી કરી
- આશ્ચર્યજનક રીતે તેમાં એકનાથ શિંદેને પાર્ટીના સર્વોપરી નેતા તો બનાવવામાં આવ્યા છે, પરંતુ તેમણે પાર્ટીનું અધ્યક્ષપદ નથી સ્વીકાર્યું
- શિવસેનાના બૅન્કના ખાતા અને સંપત્તિનું અધિગ્રહણ કરવાની ઉપર સુપ્રીમ કોર્ટે સ્ટે નથી આપ્યો, છતાં શિંદે જૂથનું કહેવું છે કે તેઓ દાદર ખાતેના શિવસેના ભવન તથા અન્ય સંપત્તિને મેળવવા માટે પ્રયાસ નહીં કરે
- કારણ કે તે સ્થળ તેમના માટે મંદિર સમાન છે. બાલાસાહેબના વિચાર જ મૂડી છે
- સુપ્રીમ કોર્ટમાં ઠાકરે જૂથના 14 ધારાસભ્યની સામે કાર્યવાહી નહીં કરવાની ખાતરી પણ શિંદે જૂથના વકીલે આપી છે
શિંદે બન્યા એક 'નાથ'
ગત શુક્રવારે ચૂંટણીપંચના આદેશને પગલે શિવસેનાનું નામ અને ચૂંટણીચિહ્ન (ધનુષ્ય અને બાણ) શિંદે જૂથને મળ્યાં છે, જ્યારે પૂર્વ મુખ્ય મંત્રીનું જૂથ શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) તરીકે ઓળખાય છે.
ચૂંટણીપંચના આદેશ પછી મંગળવારે રાત્રે મુંબઈની એક ફાઇવસ્ટાર હોટલમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી. પ્રથમ વખત શિવસેનાની આવી બેઠકની અધ્યક્ષતા કોઈ 'ઠાકરે'એ નહોતી કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બેઠકમાં શિંદે-ફડણવિસ સરકારને અભિનંદન પાઠવવામાં આવ્યા અને 11 ઠરાવ પસાર કરવામાં આવ્યા. જોકે, આશ્ચર્યજનક રીતે તેમાં એકનાથ શિંદેને પાર્ટીના સર્વોપરી નેતા તો બનાવવામાં આવ્યા છે, પરંતુ તેમણે પાર્ટીનું અધ્યક્ષપદ નથી સ્વીકાર્યું.
શિવસેનાના બૅન્કના ખાતા અને સંપત્તિનું અધિગ્રહણ કરવાની ઉપર સુપ્રીમ કોર્ટે સ્ટે નથી આપ્યો. છતાં શિંદે જૂથનું કહેવું છે કે તેઓ દાદર ખાતેના શિવસેના ભવન તથા અન્ય સંપત્તિને મેળવવા માટે પ્રયાસ નહીં કરે, કારણ કે તે સ્થળ તેમના માટે મંદિર સમાન છે. બાલાસાહેબના વિચાર જ મૂડી છે.
સુપ્રીમ કોર્ટમાં ઠાકરે જૂથના 14 ધારાસભ્યની સામે કાર્યવાહી નહીં કરવાની ખાતરી પણ શિંદે જૂથના વકીલે આપી છે. આ યાદીમાં 'સન્માન'ને કારણે હેતુપૂર્વક બાલાસાહેબ ઠાકરેના પૌત્ર આદિત્યનું નામ બાકાત રાખવામાં આવ્યું હતું.
બાલ ઠાકરેના મૃત્યુ પછી શિવસેનામાં પક્ષના અધ્યક્ષનું પદ ઊભું કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શિંદે ઉપરાંત રામદાસ કદમ, દાદા ભૂસે, ઉદય સામંત, રાહુલ શેવાલે, અર્જુન ખોતકર સહિતના નેતા હાજર રહ્યા હતા.
દિલ્હી ખાતે સંસદમાં તથા મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ શિવસેનાની ઑફિસ એકનાથ શિંદે જૂથને ફાળવી દેવામાં આવી છે.
ઑપરેશન કમળ અને 'છાપ'
2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બની એ પછી વર્ષ 2016થી 'ઑપરેશન લૉટ્સ'ની વ્યાપક રીતે ચર્ચા થતી રહી છે. જેમાં સત્તારૂઢ પક્ષના દિગ્ગજ પ્રાદેશિક નેતા પક્ષ સામે બળવો પોકારે અને બે-તૃતીયાંશ કે તેથી વધુ ધારાસભ્ય સાથે પાર્ટી છોડીને નવી પાર્ટીનું ગઠન કરે, ભાજપમાં ભળી જાય અથવા તો ધારાસભ્યપદેથી રાજીનામું ધરીને ફરી ચૂંટણી લડે. શિંદે જૂથના બળવામાં આવા અનેક હૉલમાર્ક હતા.
કૉંગ્રેસે આ રીતે અરુણાચલ પ્રદેશ (2016), ગોવા (2017 અને 2019), કર્ણાટક (2019), મધ્ય પ્રદેશમાં (2020) સત્તા ગુમાવી. જેને ભારતીય મીડિયામાં વ્યાપક રીતે 'ઑપરેશન લૉટ્સ' તરીકે ચર્ચવામાં આવે છે.
જૂન-2022માં મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપને છમાંથી ત્રણ બેઠક મળી હતી. ક્રૉસ-વોટિંગ તથા અપક્ષ ધારાસભ્યો વગર ભાજપને વધુ એક બેઠક મળી ન હોત. તેના લગભગ દસેક દિવસ પછી મહારાષ્ટ્ર વિધાનપરિષદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પણ ભાજપને સંખ્યાબળ કરતાં વધુ બેઠક મળી હતી. આથી, સ્પષ્ટ હતું કે મહારાષ્ટ્ર વિકાસ અઘાડીમાં ક્યાંક તિરાડ પડી છે.
રાહુલ ગાંધી પાર્ટીના નેતાઓને મળતા નથી અને અમુક લોકો તેમને ઘેરી રાખે છે એવી ફરિયાદ અગાઉ કૉંગ્રેસ છોડનારા અનેક નેતાઓએ કરી હતી. કંઈક આવી જ વાત શિંદેએ પણ બળવો કરતી વખતે કરી હતી.
ઉદ્ધવ અને આદિત્ય ઠાકરેથી નારાજ શિંદે જૂથના લગભગ 11 ધારાસભ્ય જમીનમાર્ગે મહારાષ્ટ્રથી બહાર નીકળી ગયા અને ભાજપશાસિત ગુજરાતના સુરતની હોટલમાં આવીને રોકાયા હતા. તરત જ તેમને હોટલની ફરતે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત આપવામાં આવ્યો હતો. કથિત રીતે ગુજરાતમાં આ ઑપરેશનની જવાબદારી મૂળ મરાઠી અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે લીધી હતી.
અહીંથી ધારાસભ્યોને લઈને શિંદે આસામના ગૌહાટી પહોંચ્યા હતા. જ્યાં ભાજપના મુખ્ય મંત્રી હેમંતા બિશ્વા શર્માએ શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. શિંદે સમર્થક શિવસેનાના બળવાખોર ધારાસભ્યો તથા અન્ય અપક્ષ અને નાના પક્ષોનું સમર્થન તેમને મળતું રહ્યું.
2020માં કંઇક આવી જ રીતે સચીન પાઇલટના સમર્થક ધારાસભ્યો અશોક ગેહલોત સરકારથી નારાજ થઈને હરિયાણાના એક રિસૉર્ટમાં જઈ પહોંચ્યા હતા. તો મધ્ય પ્રદેશમાં કમલનાથથી નારાજ સિંધિયા જૂથના ધારાસભ્યો ભાજપશાસિત કર્ણાટકના બૅંગ્લુરુના રિસૉર્ટમાં પહોંચ્યા હતા.
આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતા ઉદ્ધવ ઠાકરેને વિશ્વાસનો મત હાંસલ કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે એ પહેલાં જ રાજીનામું ધરી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે, તા. 23 ફેબ્રુઆરી 2023ના શિવસેનાના પ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થતો હતો, ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજવામાં આવે. જોકે, એ પહેલાં જ તા. 17મી ફેબ્રુઆરીના ચૂંટણીપંચે નિર્ણય આપી દીધો હતો.
વરિષ્ઠ પત્રકાર ગિરીશ કુબેરના કહેવા પ્રમાણે, "ભાજપ સમર્થિત એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરેની જંગમાં ચૂંટણીપંચ શું નિર્ણય આપશે, તેના વિશે અટકળ કરવા માટે કોઈ રાજકીય નિપુણતાની જરૂર નથી."
"એક દિવસ પહેલાં એકનાથ શિંદેની જલગાંવ ખાતે જાહેરસભા યોજાઈ હતી, જેમાં એકનાથ શિંદેને શિવસેનાના ચૂંટણીચિહ્ન ધનુષ્ય અને બાણ આપવામાં આવ્યાં હતાં અને ઉપસ્થિત જનમેદનીએ પણ ઉઠાવ્યા હતા. ભાજપના નેતા નારાયણ રાણે અગાઉ કહી પણ કહી ચૂક્યા હતા કે શિંદે જૂથને માન્યતા મળશે."
આમ તો વકીલો કોઈ પણ રાજકીયપક્ષ કે નેતાના કેસ લડતા હોય છે, પરંતુ કોણ કોનો કેસ લડી રહ્યું છે, તેના આધારે કયા પક્ષને કોનું પીઠબળ છે, તેનું આકલન કરવામાં આવતું હોય છે.
અગાઉ કૉંગ્રેસના અને હવે સમાજવાદી પાર્ટીના નેતા કપિલ સિબ્બલ ઉદ્ધવ ઠાકરે જૂથ વતી કેસ લડી રહ્યા છે. જ્યારે ભાજપના નેતા મહેશ જેઠમલાણી એકનાથ શિંદે જૂથનો કેસ લડી રહ્યા છે, તેઓ ચર્ચિત વકીલ રામ જેઠમલાણીના પુત્ર છે.
ન ખીલ્યું કમળ
ભાજપનું 'ઑપરેશન લૉટ્સ ' હંમેશાં સફળ જ રહ્યું છે, એવું નથી. ઉત્તરાખંડ (2016), રાજસ્થાન (2020) અને ઝારખંડમાં (2022) નિષ્ફળ રહ્યા હતા.
નવેમ્બર-2019માં મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણી પરિણામ આવ્યાં એ પછી સાથે મળીને ચૂંટણી લડવા છતાં ભાજપ અને શિવસેના વચ્ચે મતભેદ થયા હતા.
શિવસેનાનું કહેવું હતું કે બંને પક્ષના વારાફરતી મુખ્ય મંત્રી બને તેવો નિર્ણય થયો હતો, જ્યારે ભાજપનું કહેવું હતું કે આ પ્રકારની કોઈ સમજૂતી નહોતી થઈ. આ ગતિરોધને કારણે સરકાર રચવા માટેનો દાવો રજૂ થઈ શક્યો ન હતો અને રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદી દેવામાં આવ્યું હતું.
ભાજપે એનસીપીના નેતા અને શરદ પવારના ભત્રીજા અજિત પવાર સાથે મળીને સરકારનું ગઠન કર્યું, પરંતુ તે માંડ પાંચ દિવસ પણ ન ચાલી શકી અને ફડણવીસે રાજીનામું આપી દેવું પડ્યું હતું.
તાજેતરમાં ફડણવીસે દાવો કર્યો હતો કે એ યુતિ સરકારને શરદ પવારનું સમર્થન હાંસલ હતું. તો પવારે આ અંગે એવું નિવેદન કર્યું હતું કે જો રાષ્ટ્રપતિશાસન ન ઊઠ્યું હોત તો મહાવિકાસ અઘાડીની સરકાર કેવી રીતે બની હોત?
જ્યારે મહારાષ્ટ્ર ભાજપના અન્ય એક નેતાનો દાવો હતો કે શરદ પવાર ભાજપની સાથે મળીને સરકાર રચવા માટે તૈયાર હતા, પરંતુ તેઓ ઇચ્છતા હતા કે ફડણવીસ સિવાય અન્ય કોઈ મુખ્ય મંત્રી બને.
જ્યારે શિવસેના, એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) અને કૉંગ્રેસની યુતિ મળીને સરકાર રચશે એવું નક્કી થયું, ત્યારે બધાને એમ હતું કે ઉદ્ધવ ઠાકરે દ્વારા તેમના વિશ્વાસુ એવા એકનાથ શિંદેને મુખ્ય મંત્રી બનાવવામાં આવશે અને પોતે રિમૉટ કંટ્રૉલ હાથમાં રાખશે. આદિત્ય ઠાકરેને મંત્રીપદ મળશે એવું પણ નક્કી હતું.
જોકે, એકનાથ શિંદે મુખ્ય મંત્રી તો બન્યા પણ શિવસેનાથી અલગ થઈને અને સ્વતંત્ર થઈને, જેવી રીતે 2016માં કથિત રીતે પહેલા 'ઑપરેશન લૉટ્સ' હેઠળ અરુણાચલ પ્રદેશમાં પેમા ખાંડુ મુખ્ય મંત્રી બન્યા હતા, એ રીતે.
અંતમાં આરંભ
ગત વર્ષે જ્યારે ઉદ્ધવ ઠાકરે શિવસેનાના અધ્યક્ષ હતા અને તેમના દ્વારા નિયુક્ત વ્હીપ દ્વારા શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે સ્પીકરને રજૂઆત કરવામાં આવી હતી.
બીજી બાજુ, સુપ્રીમ કોર્ટના સકારાત્મક અંતિમ ચુકાદા બાદ પાર્ટી પર પ્રભુત્વ બાદ શિંદે જૂથ દ્વારા ઠાકરેસમર્થક ધારાસભ્યોને ગેરલાયક માટે તજવીજ હાથ ધરી શકે છે.
કપીલ સિબ્બલની દલીલ છે કે સંસદીય કે વિધાન પક્ષ અલગ છે અને રાજકીય પક્ષ અલગ છે. સંસદીય પ્રતિનિધિઓએ અંતે તો રાજકીય પક્ષની ઇચ્છા અનુસાર કામ કરવાનું હોય છે. આ અંગે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ દ્વારા નિર્ણય આપવામાં આવશે.
ચૂંટણીપંચે પોતાના નિર્ણયમાં (પેજનંબર 71થી 75) ઠેરવ્યું હતું કે શિવસેનામાં લોકશાહીપૂર્ણ બંધારણની ગેરહાજરીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળેલા મતના આધારે બહુમતનો નિર્ણય કર્યો હતો. જે મુજબ, 55માંથી 40 ધારાસભ્યોનું સમર્થન શિંદે જૂથને હોવાનું ઠેરવ્યું હતું અને તેમને 76 ટકા જેટલા મત મળ્યા હતા. આવી જ રીતે, શિંદે જૂથના સમર્થનમાં રહેલા સંસદસભ્યોને 73 ટકા અને ઉદ્ધવ ઠાકરે સમર્થક ધારાસભ્યોને 27 ટકા મત મળ્યા હતા.
હારી ગયેલા ઉમેદવારો સહિત શિવસેનાને મળેલા મતોની ટકાવારી જોવામાં આવે તો શિંદે જૂથના સમર્થક ધારાસભ્યોને 40 ટકા અને ઠાકરે જૂથના સમર્થકોને 12 ટકા મત મળ્યા છે.
આવી જ રીતે હારી ગયેલા સંસદસભ્યો સહિત જોવામાં આવે તો શિંદે જૂથને 59 ટકા અને ઠાકરે સમર્થક સંસદસભ્યોને 22 ટકા મત મળ્યા હતા.
ભાજપ અને શિંદે જૂથ કહી ચૂક્યા છ કે તેઓ આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે અને જીતશે. ઉપરોક્ત મતોની ટકાવારી આગામી ચૂંટણીઓ દરમિયાન શું ચિત્ર ઊભું થઈ શકે તેની ઝાંખી રજૂ કરે છે.
ત્રણ દાયકાની યુતિ દરમિયાન મોટા ભાગે શિવસેના ભાજપના મોટા ભાઈની જેમ હતું, પરંતુ 2014થી તેમાં પરિવર્તન આવ્યું હતું અને હવે શિંદેના નેતૃત્વમાં ભાજપનો હાથ ઉપર રહેશે, એ બાબત લગભગ નિઃસંદેહ છે.
ફડણવીસની ઇચ્છા શિંદેના નેતૃત્વવાળી સરકારમાં મંત્રી બનવાની ન હતી, પરંતુ તેમણે ભાજપના અધ્યક્ષના 'આગ્રહ' પછી આ જવાબદારી સ્વીકારવા તૈયાર થયા હતા અને શિંદે સરકારમાં તેઓ સૌથી 'પાવરફૂલ મંત્રી' છે. જો આગામી ચૂંટણી શિંદેના ચહેરાને આગળ કરીને લડવામાં આવશે તો આ વ્યવસ્થા ચાલુ રહેશે અને જો ફડણવીસનો ચહેરો આગળ કરવામાં આવશે તો શિંદેના નેતૃત્વ પર સવાલ ઊઠશે.
શિવસેનાના શાખાપ્રમુખો અને કાર્યકરોમાં પણ અવઢવની સ્થિતિ પ્રવર્તમાન છે, જે કદાચ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સ્પષ્ટ થાય. ઉદ્ધવ ઠાકરેએ માર્ચ મહિનાથી શિવસૈનિકોને મળવા માટે રાજ્યવ્યાપી પ્રવાસ હાથ ધરવાની જાહેરાત કરી છે.
બીજી બાજુ, ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે સામે પક્ષને એકજૂટ રાખવાનો, લોકપ્રિય નેતાઓને ટકાવી રાખવાનો, ફંડ ઊભું કરવાનો, કાર્યકરોનું મનોબળ જાળવી રાખવાનો, એનસીપી અને કૉંગ્રેસ પાસેથી સન્માનજનક સંખ્યામાં બેઠક મેળવવાનો અને તેને જીતવાનો પડકાર રહેશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો