You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કુનો : ગીરના સિંહો તો ન આવ્યા પણ આદિવાસીઓ બેઘર થયા, હવે અહીં ચિત્તા રહેશે - ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા, કુનોથી
- પાતી સહરિયા એ સેંકડો આદિવાસીઓમાં પૈકીના એક છે જેમના ગામો 20 વર્ષ પહેલા સુધી કુનો અભયારણ્યના જંગલોમાં હતા
- પછી એવી પરિયોજના બની કે ગુજરાતના ગીરના જંગલમાંથી કેટલાક 'એશિયાટિક સિંહો' એટલે કે બબ્બર શેરને લાવીને કુનોના જંગલોમાં વસાવવામાં આવશે
- આ સિંહોને કુનોમાં વસાવવા માટે જંગલની અંદર રહેતા સહરિયા આદિવાસીઓના ગામોને અન્યત્ર વસાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો
- રોકડની પસંદગી કરનારા દરેક પરિવારને એક લાખ રૂપિયા આપવાની જોગવાઈ કરવામાં આવી, જેમણે જમીનના બદલામાં જમીન માંગી તે દરેક પરિવારને બે હેક્ટર જમીન આપવામાં આવી
- આજે વીસ વર્ષથી વધુ સમય વીતી ગયો પરંતુ, ગીરના જંગલના સિંહો આવ્યા નથી કારણ કે ગુજરાતની તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારે તેમને કુનો મોકલવાની ના પાડી દીધી હતી
- આ મામલો કાયદાકીય ગૂંચવણોમાં પણ ફસાઈ ગયો અને સુપ્રીમ કોર્ટ સુધી ગયો, આ પ્રક્રિયામાં પણ દસ વર્ષનો સમય લાગ્યો
- વિસ્થાપિત કહે છે કે રૂપિયા 1 લાખમાંથી અમને કહેવામાં આવ્યું કે લાઇટ, રોડ, પ્લાંટેશનના પૈસા કપાયા
- ખેતરોમાં થ્રી-ફેઝ વીજળી આપવાની હતી, તેના પૈસા વળતરની રકમમાંથી કાપી લેવાયા હતા
- હવે બાકીના 36 હજાર રૂપિયામાં શૌચાલય પણ નથી બનતું તો ઘર ક્યાંથી બને?
કેટલાક આડાઅવળા કાચા-પાકા મકાનોની આ વસ્તી તરફ જતી સડક 'સિમેન્ટ'ની તો બનાવી દેવાઈ પણ માંડ 100 મીટરની હશે. જ્યાં સડક પૂરી થાય છે ત્યાં કાચા રસ્તા પર ઠેરઠેર ગંદુ પાણી જમા થાય છે.
વસ્તીમાં રહેલાં 105 ઘરો પૈકી મોટાભાગનાં ઘરોની મહિલાઓ પાક લણવા માટે દૂરનાં ગામડાઓમાં ગઈ છે. ધૂળ અને કાદવમાં રગદોળાયેલા બાળકો રમી રહ્યાં છે જ્યારે કેટલાક પુરુષોનું ટોળું પાટી સહરિયાની તૂટીફૂટી કેબીન પર બેઠું છે.
પાતી સહરિયા એ સેંકડો આદિવાસીઓમાં પૈકીના એક છે જેમનાં ગામો 20 વર્ષ પહેલાં સુધી કુનો અભયારણ્યનાં જંગલોમાં હતાં.
પછી એવી પરિયોજના બની કે ગુજરાતના ગીરના જંગલમાંથી કેટલાક 'એશિયાટિક સિંહો' એટલે કે બબ્બર શેરને લાવીને કુનોના જંગલોમાં વસાવવામાં આવશે.
આ સિંહોને કુનોમાં વસાવવા માટે જંગલની અંદર રહેતા સહરિયા આદિવાસીઓના ગામોને અન્યત્ર વસાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો.
દિગ્વિજયસિંહ અને નરેન્દ્ર મોદીની ભૂમિકા
આ પ્રસ્તાવ આવ્યો ત્યારે મધ્ય પ્રદેશમાં દિગ્વિજયસિંહના નેતૃત્વમાં કૉંગ્રેસની સરકાર હતી અને ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી હતા.
જોકે, આ પ્રોજેક્ટ પર કામ 1999માં એટલે કે મોદીના મુખ્યમંત્રી બન્યા તેના થોડા સમય પહેલાં જ શરૂ થયું હતું. જ્યારે કામ શરૂ થયું ત્યારે એક પછી એક સહરિયા જનજાતિના લોકો અને કેટલીક અન્ય જાતિઓ 28 ગામમાંથી વિસ્થાપિત થવા લાગી. આ પ્રક્રિયા આગામી બે વર્ષ સુધી એટલે કે 2003 સુધી ચાલુ રહી.
તત્કાલીન રાજ્ય સરકારે પણ વિસ્થાપિત થયેલા ગામડાઓના લોકોને કુનોના જંગલમાંથી બહાર જવા માટે સમજાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સાથે વાત કરતા, મધ્ય પ્રદેશ સરકારના વર્તમાન સરકારના વન વિભાગમાં મુખ્ય મુખ્ય વન રક્ષક (વન્યજીવ) એટલે કે 'પીસીસીએફ' જસવીરસિંહ ચૌહાણે કહ્યું કે 'સ્થાનિક પરિસ્થિતિઓ'ને ધ્યાનમાં રાખીને 'પુનર્વસન પૅકેજ' બનાવવામાં આવ્યું હતું.
પુનર્વસન પૅકેજ વિશે વાત કરતાં તેઓ કહે છે કે તેમાં બે પ્રકારની જોગવાઈઓ રાખવામાં આવી હતી. રોકડ અથવા 'જમીનના બદલામાં જમીન'.
રોકડની પસંદગી કરનારા દરેક પરિવારને એક લાખ રૂપિયા આપવાની જોગવાઈ કરવામાં આવી. જેમણે જમીનના બદલામાં જમીન માંગી તે દરેક પરિવારને બે હેક્ટર જમીન આપવામાં આવી.
કુનોમાંથી વિસ્થાપિત થયેલા સહરિયા અને ભીલ આદિવાસીઓ કે અન્ય જાતિના લોકોને પણ આ 'પૅકેજ' હેઠળ વળતર આપવામાં આવ્યું હતું. ચૌહાણ કહે છે કે આ સિવાય નવી જગ્યાએ વીજળીની વ્યવસ્થા, રસ્તા, દવા અને ખેતરોની સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.
અગરા, પૌરી, કરહલ, સેસઈપુરા, ચેટીખેડા અને વિજયપુરના વિસ્તારોમાં જમીનની ઓળખ કરવામાં આવી હતી અને ત્યાં આ વિસ્થાપિત લોકોને વસાવવાની વ્યવસ્થા કરવામાં આવી. આ સ્થાનો પર વિસ્થાપિત આદિવાસીઓની વસાહતોને તેઓ જંગલની અંદર રહેતા હતા ત્યારે તેમના ગામોનાં નામ હતાં એ જ નામ આપવામાં આવ્યાં.
વીસ વર્ષ બાદ હવે જંગલની અંદર માત્ર એક ગામ બચ્યું છે, જેનું નામ બાગચા છે. આ ગામને બીજે વસાવવાની પ્રક્રિયા ચાલી રહી છે કારણ કે હજુ સુધી વૈકલ્પિક જમીન ઉપલબ્ધ કરવામાં આવી નથી.
આદિવાસીઓ ગયા, પણ સિંહો ન આવ્યા
વિસ્થાપન પ્રક્રિયા પૂરી થઈ ગઈ એને પણ આજે વીસ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ, ગીરના જંગલના સિંહો આવ્યા નથી કારણ કે ગુજરાતની તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારે તેમને કુનો મોકલવાની ના પાડી દીધી હતી.
'વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા'એ સરકારને દરખાસ્ત કરી હતી કે 'એશિયાટિક સિંહ' માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જ છે. જો તેમની વચ્ચે કોઈ રોગ ફેલાય અથવા તેમની વસ્તી ઘટે તો તેઓ લુપ્ત થઈ જશે, તેથી તેમને બચાવવાના હેતુથી આ સિંહોમાંથી કેટલાકને અન્ય કોઈ જંગલ વિસ્તારમાં વસાવવા જોઈએ. આ દરખાસ્તને પગલે ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલયે આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું હતું.
સંસ્થાને મધ્યપ્રદેશમાં કુનોના જંગલો અને વિસ્તારનું વાતાવરણ સિંહો માટે અનુકૂળ જણાયું હતું.
સંસ્થાએ આ સૂચન એટલા માટે પણ કર્યું હતું કારણ કે તેણે 'તાન્ઝાનિયાના સેરેંગેટી નેશનલ પાર્ક'માં વર્ષ 1994માં લગભગ 2500 સિંહોના મૃત્યુનું અધ્યયન કર્યું હતું. આ સિંહોનાં મોત વાયરસના ફેલાવાને કારણે થયાં હતાં.
ગીરના જંગલમાંથી સિંહો લાવવાનો પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં અમલમાં મૂકવાનો હતો. વર્ષ 2000 સુધીમાં તૈયારી કરવાની હતી, 2005 સુધીમાં કુનોમાં સિંહોનું સ્થાળાંતર કરવાનું હતું અને 2015 સુધીમાં તેમની સંખ્યા વધારવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું.
પરંતુ ગુજરાત સરકારે તેમના સિંહોને મધ્યપ્રદેશ મોકલવાનો ઇનકાર કર્યો હતો, અને દાવો કર્યો હતો કે વર્ષ 1985 સુધી ગીરમાં સિંહની સંખ્યા 191 હતી, જે વર્ષ 2000માં વધીને 400 થઈ ગઈ હતી, તેથી તેમને ગીરમાં જ રહેવા દેવા જોઈએ.
આ મામલો કાયદાકીય ગૂંચવણોમાં પણ ફસાઈ ગયો અને સુપ્રીમ કોર્ટ સુધી ગયો, આ પ્રક્રિયામાં પણ દસ વર્ષનો સમય લાગ્યો.
વર્ષ 2022 સુધીમાં, જંગલોની અંદર વસેલી વસ્તી દૂર કરવામાં આવી હતી, જેમાં 90 ટકા વસ્તી આદિવાસીઓની હતી જ્યારે બાકીના 10 ટકામાં અન્ય પછાત વર્ગના પરિવારો હતા.
જ્યારે ઘણા આદિવાસીઓ જંગલમાં પાછા ફર્યા તો તેમને ફરી હાંકી કાઢવામાં આવ્યા.
વર્ષ 2001ની વાત છે, કુનોની અંદરના ગામ નયાગાંવમાંથી વિસ્થાપિત થયેલા સહરિયા આદિવાસીઓ તેમના જૂના ગામમાં પહોંચી ગયા. પરંતુ ત્યારબાદ 6 મહિના પછી વન વિભાગે તેમને ફરીથી હાંકી કાઢ્યા. આ દરમિયાન ઝપાઝપી પણ થઈ હતી અને ગ્રામજનો સામે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવાના કેસ પણ નોંધાયા હતા.
નવા સ્થાન સાથે શું સમસ્યાઓ છે?
મધ્ય પ્રદેશના મુખ્ય વન રક્ષક (વન્યપ્રાણી) જસવીરસિંહ ચૌહાણ કહે છે કે પહેલાં કુનો એક 'અભયારણ્ય' હતું જે 345 ચોરસ કિલોમિટરમાં ફેલાયેલું હતું. આ ગીરના જંગલના સિંહોને અહીં લાવવાની વાત થઈ હતી તે સમયની વાત છે.
તેઓ કહે છે, "આ અભયારણ્યની અંદર 24 ગામો હતાં. આ વિસ્તાર સિંહો માટે તૈયાર કરવામાં આવી રહ્યો હતો. હવે ત્યાંના આખા ગામોને અભયારણ્યમાંથી હઠાવવામાં આવ્યા છે. તે પછી 2018માં તેને નેશનલ પાર્ક માટે 'અપગ્રેડ' કરવામાં આવ્યું. હવે તે 750 ચોરસ કિલોમિટરથી વધુનો વિસ્તાર બની ગયો છે."
પાલપુરના જરોડા ગામના રહેવાસી બાઈસરામ સહરિયા કહે છે કે રાજ્ય સરકાર પુનર્વસનના "પૅકેજ" સાથે "સીધાસાદા આદિવાસીઓ"ને ગેરમાર્ગે દોરવામાં સફળ રહી છે. તેઓ કહે છે કે જંગલની જમીનને બદલે સરકારે 9.5 વીઘા જમીન જંગલની હદ બહાર આપી હતી. એક લાખ રૂપિયા રોકડા આપવાની જાહેરાત પણ કરી હતી.
તેઓ કહે છે, "એક પછી એક અમારાં ગામો ખાલી કરવામાં આવ્યાં. 9.5 વીઘા જમીન આપવામાં આવી. 36,000 રૂપિયા રોકડામાં આપવામાં આવ્યા, જ્યારે રૂપિયા 1 લાખ આપવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ અમને કહેવામાં આવ્યું કે જે એક લાખ રૂપિયા અમને આપવાના હતા તેમાંથી લાઇટ માટેના રૂપિયામાં કાપી લેવામાં આવ્યા. રોડ બનાવવાના પૈસા કપાયા, લાકડાના પ્લાન્ટેશનના પૈસા કપાયા, ચારાના વાવેતરના પૈસા કાપી લેવાયા. આ સિવાય ખેતરોમાં થ્રી-ફેઝ વીજળી આપવાની હતી, તેના પૈસા પણ અમારા વળતરની રકમમાંથી કાપી લેવાયા હતા. હવે બાકીના 36 હજાર રૂપિયામાં શૌચાલય પણ નથી બનતું તો ઘર ક્યાંથી બને?"
બાઈસરામ કહે છે કે તેમને વિસ્થાપિત થયાને 22 વર્ષ થઈ ગયા છે, જેમને જમીન આપવામાં આવી છે એવા 444 જમીનના પટ્ટાઓનું લખાણ પણ નથી થયું.
તેમણે કહ્યું કે, "વન વિભાગે પટ્ટાઓ અંગેની માહિતી સરકારને મોકલી છે કે નહીં? એની અમને ખબર નથી. અમને એ પણ ખબર નથી કે તેઓએ આ પટ્ટાઓ શેમાં નાખી દીધા છે. જે પટ્ટા આપવામાં આવ્યા છે તેને કૉમ્પ્યુટરમાં નાખીએ છીએ તો જમીન દેખાતી નથી. કહે છે કે જમીન છે જ નહીં."
પરંતુ વન વિભાગ દ્વારા આદિવાસીઓને જે કહેવામાં આવ્યું હતું અને ગ્રામજનોએ સારા જીવનનું સપનું જોયું હતું તે ત્યારે ચકનાચૂર થઈ ગયું જ્યારે તેમને જાણવા મળ્યું કે તેમને બદલામાં આપવામાં આવેલી જમીન પથરાળ હતી, જેમાં ખેતી કરવી શક્ય નથી.
વિસ્થાપિત ગ્રામજનોનો આરોપ છે કે જે 36,000 રૂપિયાની રોકડ રકમની વાત કરવામાં આવી રહી છે, તે પણ કોઈને એકસાથે મળી નથી. બાઈસરામના કહેવા મુજબ આ રકમ હપ્તામાં આપવામાં આવી હતી. "ક્યારેક પાંચ હજાર રૂપિયા આપ્યા, ક્યારેક ત્રણ, ક્યારેક બે હજાર. પૈસા આવ્યા અને ક્યાં ગયા ખબર જ ન પડી."
પૈરા પાલપુરના રામ ચરણ સહરિયા જ્યારે તેમના જંગલના ગામમાં રહેતા હતા ત્યારે 40 વીઘા જમીનના માલિક હતા. તેમની પાસે દસ ગાયો અને બીજાં ઢોર પણ હતાં. પરંતુ જંગલમાંથી બહાર કઢાયા બાદ હવે તેમની પાસે કંઈ નથી.
રામ ચરણ કહે છે, "હું મારા ઢોરની સંભાળ રાખીને મારા બાળકોને ઉછેરતો હતો. જીવન સમૃદ્ધ હતું. હવે અમને અહીં લાવીને તેઓએ અમને પથ્થરની જમીન પર પટકી દીધાં. હવે અમારાં બાળકો કહે છે કે અમને અમારો હિસ્સો આપો. હું નવ વીઘા જમીનમાં મારા જીવનનો ગુજારો કરું કે બાળકોમાં વહેંચું. રહેવા માટે ઘર નથી તો મારે કરવું શું? મારું જીવન પરેશાન, બાળકોનું જીવન પરેશાન. તેમનાં લગ્ન થઈ ગયાં છે. બે-બે બાળકો થઈ ગયાં છે. હું આટલા લોકોને કેવી રીતે ઉછેરીશ. આ નવ વીઘા જમીનમાં હું શું કરી શકું. મારા ખેતરમાં આઠ ઈંચ માટી છે. હળ ચલાવીએ તો પથ્થરોમાં ફસાઈ જાય છે. પાક શું નીકળે, અહીં તો પથ્થર નીકળે છે.”
જો કે, મધ્ય પ્રદેશ સરકાર દાવો કરે છે કે ગીરના જંગલમાં સિંહોને વસાવવા માટે વિસ્થાપિત કરાયેલા આદિવાસીઓ અને અન્ય ગ્રામજનો "સુખી" છે અને "વીસ વર્ષથી ખેતી" કરી રહ્યા છે. જસવીરસિંહ ચૌહાણે બીબીસીને આપેલા ઈન્ટરવ્યૂમાં આવો દાવો કર્યો છે.
સારા દિવસો ગયા
જ્યારે શ્રીરામ સહરિયા કુનોમાં તેમના ગામમાં રહેતા હતા ત્યારે તેમની પાસે 40 ગાયો અને 30 બકરીઓ હતી. તેમની પાસે ઘણી જમીન પણ હતી જેના પર તેઓ રવિ અને ખરીફની 'બમ્પર ખેતી' કરતા હતા. તેઓ કહે છે કે તેમાં એટલું અનાજ હતું કે આખા વર્ષ માટે તેના પરિવારની જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત તેને વેચીને પૈસા કમાતા હતા.
હવે તેઓ કહે છે, "હવે તો હું કંઈ કરી શકતો નથી. મારી પાસે એટલી મૂડી જ નથી, છતાં ધારો કે જો પશુ પાળી લઈએ અને પછી મજૂરી માટે બહાર જઈએ તો તેમનું શું થાય. અમે અહીં રહી નથી શકતા. કારણ કે અમારે સાત-આઠ મહિના મજૂરી માટે અન્ય પ્રદેશોમાં જવું પડે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે અહીં સિંચાઈની કોઈ સુવિધા નથી. જમીન પથરાળ છે. જો વારંવાર પાણી આપવામાં આવે તો પાક ઊગે, નહીંતર બળી જાય. પાણી આપવાનું વચન આપ્યું હતું. અધૂરા બનેલા કૂવાઓ હજુ એમનેમ પડ્યા છે."
વરિષ્ઠ પત્રકાર પ્રમોદ ભાર્ગવ લાંબા સમયથી કુનોના આદિવાસીઓ અને ગ્રામીણોનાં વિસ્થાપન પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે કુનોના જંગલોમાંથી ગ્રામજનોને વિસ્થાપિત કરવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે સરકારનો તર્ક હતો કે ત્યાં રહેતા આદિવાસીઓ વન્યજીવોનો નાશ કરી દેશે.
પરંતુ સરકારના તર્કને પડકારતાં ભાર્ગવ કહે છે કે જંગલી પ્રાણીઓની નષ્ટ થયેલી તમામ પ્રજાતિઓ માત્ર શિકારને કારણે જ નાશ પામી છે. ઉદાહરણ આપતા તેઓ કહે છે કે મોટા મહેલો હોય કે મ્યુઝિયમ, ત્યાં સિંહો અને અન્ય પ્રાણીઓની ચામડીમાં ભૂસું ભરીને લગાવવામાં આવી છે.
ભાર્ગવના કહેવા પ્રમાણે, "જેમની ચામડી ભૂસું ભરીને લગાવવામાં આવી છે, તેમાં સિંહ પણ છે, ચિત્તા પણ છે અને વાઘ પણ છે. બધી જ પ્રજાતિઓ છે. અને ત્યાં તેમની સંખ્યા પણ લખેલી હોય છે કે કયા રાજાએ કેટલાનો શિકાર કર્યો કે અંગ્રેજ શિકારી કેટલાનો શિકાર કર્યો. આ બધી બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ છે. દેખીતી રીતે, ગામના આદિવાસીઓએ સિંહ કે અન્ય કોઈ પ્રજાતિને નુકસાન પહોંચાડ્યું નથી. જે કંઈ નુકસાન થયું છે તે સામંતોએ કર્યું છે."
વન્યજીવોની સુરક્ષા માટે કામ કરતા કાર્યકર અજય દુબે કહે છે, "સિંહો માટે ઘર બનાવાયું હતું, પરંતુ હવે કુનોમાં માત્ર ચિત્તાઓ જ મોજ કરશે."
રાજ્ય સરકાર હવે નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા 20 ચિત્તાઓ માટે કુનોને અડીને આવેલાં વધુ ગામો હસ્તગત કરવાનું આયોજન કરી રહી છે જેથી હાલના જંગલનો વિસ્તાર કરી શકાય અને ચિત્તાઓને તેમાં મુક્તપણે ફરવા માટે 'ગ્રાસલૅન્ડ' વિકસાવી શકે.